ખેડા જિલ્લામાં 600થી વધુ સ્થળોએ નવરાત્રિ મહોત્સવ ધામધૂમથી ઉજવાશે


નડિયાદ,  તા.28 સપ્ટેમ્બર 2019, શનિવાર

આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાના પર્વ સમાન શારદીય નવરાત્રિનો  આજથી શુભારંભ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસોમાં મા જગદંબાની આરાધના અને અનુષ્ઠાન કરી શ્રદ્ધાળુઓ માતાજી  પ્રત્યે પોતાની આસ્થા દર્શાવશે. જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ સાથે નવલા નોરતાની ઉત્સાહભેર ઉજવણી કરશે.  

ખેડા જિલ્લામા ૬૦૦ થી પણ વધુ સ્થળોએ  નવરાત્રિ મહોત્સવ નિમિત્તે રાસ-ગરબાના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જ્યાં જય અંબેના જયઘોષ સાથે રાત્રે મા અંબાની આરતી કરી ગરબાની રમઝટ જામશે. ગરબા રસિકો ગરબા રમવા આતુર બન્યા છે.

ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ  લોકો નવરાત્રિના પર્વની આતુરતાથી રાહ જોતા હતા, ત્યારે આજથી શુભારંભ પામતા નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાની  તૈયારીઓ નડિયાદ સહિત જિલ્લાભરમાં પૂર્ણ કરાઈ છે. નવરાત્રિ મહોત્સવના  સ્થળોએ રાત્રિના સમયે મા જગદંબાની આરતી કરવામાં આવશે. એ પછી સંગીત અને ડીજેના તાલે રાસ-ગરબાની રમઝટ જામશે. આધુનિક યુગમાં  અવ નવા ટ્રેડિશ્નલ ડ્રેસ સાથે ગરબે ઘુમવાનો ક્રેઝ વધ્યો છે.  આસો માસની રઢિયાળી રાતોમાં યુવાધન ગરબાના હિલોળે ચઢશે ત્યારે રાસ-ગરબાની રમઝટ  માટે  સંગીત ઓરકેસ્ટ્રા તથા  ડીજે  બુક કરી દેવાયા છે. 

જિલ્લામાં ઠેર ઠેર નવરાત્રિ મહોત્સવના સ્થળોને વિવિધ પ્રકારના ડેકોરેશનથી સુશોભિત કરાયા છે. રાત્રિના સમયે તે રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠશે.  વિવિધ માઈમંદિરોમાં તથા  અનેક માઈભક્તો પોતાના ઘરે પણ જવારા, ઘટ સ્થાપન અને માતાજીની સ્થાપના કરી નવ દિવસ સુધી આરાસુરી અંબાના અનુષ્ઠાન સાથે પૂજા અર્ચના કરશે.

ભક્તિ અને શ્રદ્ધા સાથે આસો માસની નવરાત્રિની ઉજવણી માટે ગરબા રસિકો અને માઈભક્તોમાં ભારે ઉત્સાહ  પ્રવર્તે  છે.  તેઓ દાંડીયા રાસ સાથે ગરબા રમવાની મજા માણશે.  નવરાત્રિ નિમિત્તે જિલ્લામાં નવરાત્રિ મહોત્સવના સ્થળોએ વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 

ગરબાની ખરીદી માટે બજારોમાં ભીડ

આજથી શરુ થતા નવરાત્રી પર્વમાં માતાજીના ભક્તો પોતાના ઘરે ગરબાનું સ્થાપન કરે છે. જેને કારણે શનીવારે શ્રાદ્ધ પક્ષનો છેલ્લો દિવસ હોવાથી રવિવારે સવારથી જ ગરબાની ખરીદી અને તેના સ્થાપનની તૈયારીઓ શરુ કરી દેવામાં આવશે. સારુ મૂર્હુત જોઇ ઘરમાં પૂજા કક્ષમાં ગરબાનું સ્થાપન કરવામાં આવે છે અને દશ દિવસ સુધી માં અંબાની પૂજા અર્ચના આરતી કરવામાં આવે છે. વ ળી આઠમ અને નોમના દિવસે ઉપવાસ કરી માતાજીને  થાળ ધરાવવામાં આવે છે. 

નડિયાદમાં 70થી વધુ સ્થળોએ ગરબા મહોત્સવ

ખેડા જિલ્લામાં જુદાજુદા સ્થળોએ મળી ૬૦૦થી વધારે સ્થળોએ નવરાત્રિ મહોત્સવની કરવામાં આવનાર ઉજવણીમાં નડિયાદ શહેરમાં ૭૦  થી વધુ  સ્થળોએ ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે. જ્યારે નડિયાદ ગ્રામ્ય વિસ્તારમાં ૩૧ થી વધુ, ચકલાસી પંથકમાં ૩૫ થી વધુ,  સેવાલિયા પંથકમાં ર૭ થી વધુ, ઠાસરા અને તેની આસપાસમાં મળી ૧૬  થી વધુ તથા ડાકોર અને તેની આસપાસમાં મળી ર૪ જેટલા સ્થળોએ ગરબા મહોત્સવ ઉજવાશે. આ ઉપરાંત વસો પંથકમાં ૩૦ જેટલા, લીંબાસી પંથકમાં ૩૧  જેટલા, માતર વિસ્તારમાં ૩૦ જેટલા, ખેડા અને તેની આજુબાજુમાં મળી ૩૦ જેટલા, મહેમદાવાદ પંથકમાં ૬૫ જેટલા, મહુધા પંથકમાં પ૭  જેટલા, કઠલાલ પંથકમાં ૪૮ જેટલા, કપડવંજ નગરમાં ૫૧  જેટલા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ૩૧  અને આતરસુંબા પંથકમાં ર૧ સ્થળોએ  ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2mHwsww
Previous
Next Post »