
નડિયાદ, તા.26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર
ઠાસરા તાલુકાના કોટલીંડોરાનો યુવક એક વર્ષ અગાઉ બાજુના ગામની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને તેની ઉપર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ ડાકોર પોલીસ મથકે નોંધાઇ હતી. આ કેસ આજે નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી યુવકને ૧૨ વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઠાસરા તાલુકાના કોટલીંડોર ગામના પરમાર ફળિયામાં ધીરજકુમાર પ્રવિણસિંહ પરમાર અને મહેશકુમાર ઉર્ફે ચેબો પ્રવિણસિંહ પરમાર રહેતા હતા. ગત્ ૩૦મી ઓગષ્ટ,૨૦૧૮ના રોજ સવારના સાડા અગીયારના સુમારે ધીરજકુમાર બાજુના અમૃતપુરા ગામે રહેતી બળવંતભાઇ અરવિંદભાઇ પરમારની ભાણી (ઉં. વર્ષ ૧૬ વર્ષ ૮ માસ)ને લલચાવી, ફોસલાવી અને પટાવીને પોતાની બાઇક પર બેસાડી ભગાડી ગયો હતો. આ બાબતે ડાકોર પોલીસ મથકે ધીરજકુમાર વિરુદ્ધ બળવંતભાઇએ ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ તપાસમાં આ ઘટના અંગે મહેશકુમાર ઉર્ફે ચેબોની પણ પૂછપરછ કરી હતી. પરંતુ તેને પોતે કાંઇ ન જાણતો હોવાનું જણાવી પોલીસને અંધારામાં રાખ્યા હતા. જ્યારે ધીરજકુમાર સગીરાને ભગાડી ગયા બાદ તેણીની ઇચ્છા સંમતિ વગર અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે ડાકોર પોલીસે ફરિયાદના આધારે ધીરજકુમાર અને તેને મદદગારી કરવાના ગુનામાં મહેશકુમારની અટકાયત કરી તેમના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ પોક્સો કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં આજે ચાલી જતા કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાને આધારે બંને આરોપીઓને કસુરવાર ઠેરવ્યા હતા.
જેમાં મુખ્ય આરોપી ધીરજકુમારને ઇપીકો કલમ ૩૬૩ના ગુનામાં ૩ વર્ષની સખત કેદની સજા અને રૂા.૨૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા, ઇપીકો કલમ ૩૬૬ના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂા. ૩ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા, અને ઇપીકો કલમ ૩૭૬ના ગુનામાં ૧૨ વર્ષની સખત કેદની સજા અને રૂા.૧૦,૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ ફટકાર્યો છે.
ઉપરાંત પોક્સો એકટ્ની કલમના ભંગ બદલ ૧૨ વર્ષની સખત કેદની સજા તથા રૂા.૨૫,૦૦૦/-નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. વળી ભોગ બનનારને વળતર રૂપે રૂા.૪૫,૦૦૦/- ચૂકવવાનો પણ હુકમ કરાયો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ny8ILh
ConversionConversion EmoticonEmoticon