
આણંદ, તા.26 સપ્ટેમ્બર 2019, ગુરુવાર
ગુજરાતની આગવી ઓળખસમા પર્વ નવરાત્રીને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે યુવાહૈયાઓમાં ગરબે ઘુમવાનો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાં પણ નવરાત્રી પર્વમાં ગરબે ઘુમવા માટે ટ્રેડીશ્નલ ડ્રેસની માંગ વધુ જોવા મળે છે ત્યારે યુવક તેમજ યુવતીઓ ટ્રેડીશ્નલ ડ્રેસ તેમજ ચણીયાચોલીની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે.
તેમાં પણ યુવતીઓ પોતે અન્ય યુવતીઓથી અલગ જ દેખાય અને વટ પડે તે હેતુથી સ્પેશ્યલ ડીઝાઈનર ચણીયાચોલી તૈયાર કરાવતી હોય છે. જેને લઈ ડીઝાઈનર ચણીયાચોલી બનાવતા કારીગરો પણ ઓર્ડર મુજબ ચણીયાચોલી તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. જો કે ચણીયાચોલીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ઝાઝો ફરક ન હોવાથી ઘરાકી સારી રહી હોવાનો મત વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. હજુ પણ છેલ્લા બે દિવસ દરમ્યાન ચણીયાચોલીની સારી ઘરાકી રહેશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.
નવ-નવ દિવસ સુધી ચાલતા ગુજરાતીઓના ફેવરીટ તહેવાર નવરાત્રીને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે યુવાધન પર્વની રંગેચંગે ઉજવણી કરવા તૈયારીઓમાં વ્યસ્ત બન્યું છે. યુવાધન સહિત અબાલ-વૃધ્ધોમાં પણ આ પર્વની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં નવરાત્રીમાં ગરબે ઘુમવા યુવકો ટ્રેડીશ્નલ ડ્રેસ તેમજ યુવતીઓ ચણીયાચોલી પહેરતી હોઈ તેની માંગમાં વધારો નોંધાયો છે.
તેમાં પણ યુવતીઓ તો પોતે અલગ જ દેખાય તે માટે સ્પેશ્યલ ડીઝાઈનર ચણીયાચોલી તૈયાર કરાવતી હોય છે. તો કેટલીક યુવતીઓ નવેય દિવસ અલગ-અલગ ચણીયાચોલી પહેરી ગરબે ઘુમતી હોય છે. જો કે કેટલીક યુવતીઓ પર્વ દરમ્યાન અરસપરસ બહેનપણી સાથે અદલાબદલી કરી એકબીજાની ચણીયાચોલી પહેરી પર્વની ઉજવણી કરતી હોય છે. હાલ તો બજારમાં બજેટ અનુસાર યુવક-યુવતીઓ ટ્રેડીશ્નલ ડ્રેસ તેમજ ચણીયાચોલીની ખરીદી કરી રહ્યા છે. યુવકો લેંઘો-ઝભ્ભો, કેડીયું કે સૌરાષ્ટ્રી ડ્રેસ જ્યારે યુવતીઓ અલગ-અલગ પ્રકારની ચણીયાચોલીની ખરીદી કરી રહ્યા છે.
ચરોતર પંથક એ એનઆરઆઈનુંં હબ ગણાય છે ત્યારે નવરાત્રી પર્વ દરમ્યાન મોટાભાગે એનઆરઆઈ લોકો ચરોતર પંથકમાં પર્વની ઉજવણી માટે આવતા હોય છે. કેટલીક એનઆરઆઈ પરિવારની મહિલાઓ દ્વારા સ્વદેશ પરત ફરતા પહેલા જ પર્વ ટાંણે પહેરવા માટે વિવિધ વેરાઈટીની ચણીયાચોલી બનાવવાના ઓર્ડર આપી દેતી હોય છે. પર્વ દરમ્યાન યુવતીઓ ચણીયાચોલી સાથે મેચીંગ થાય તેવી વસ્તુઓની ખરીદી પણ કરતી હોય છે.
જેમાં પર્સ, ઓક્સોડાઈઝ જ્વેલરી, રૂમાલ, મોબાઈલ કવર સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. હાલ તો વેપારીઓ દ્વારા ગ્રાહકોની માંગ અને જરૂરીયાત મુજબની વસ્તુઓનો સ્ટોક કરી વેચાણ અર્થે મુકી દેવામાં આવ્યો છે.
ડિઝાઇનર ચણિયાચોળીના ભાવ રૂા. 10 થી 25 હજાર
આ અંગે ૧૫ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા પિન્કીબેનના જણાવ્યા મુજબ બજારમાં બંગાલી સિલ્ક, ગજી સિલ્ક, બનારસી સિલ્કની સાથે સાથે કોટન બેઈઝ મીરર વર્ક અને કચ્છી વર્ક સાથે તૈયાર કરાયેલ ચણીયાચોલીની માંગ વધુ જોવા મળે છે. હાલ યુવતીઓ વધુ ગેરવાળા ચણીયાનો ક્રેઝ જોવા મળે છે. તેમાં પણ ૧૦ થી ૧૫ ગેરની માંગ વધુ હોય છે. સાથે સાથે કેટલીક યુવતીઓ ગરબામાં અલગ છાપ ઉભી કરવા માટે સ્પેશ્યલ ડીઝાઈનર ચણીયાચોલી પાછળ અંદાજીત ૧૦૦૦૦ થી ૨૫૦૦૦ રૂા. સુધીનો ખર્ચ કરતી હોય છે. હાલ તો વેપારીઓ પણ આવા ગ્રાહકો દ્વારા અપાયેલ ઓર્ડર મુજબ ચણીયાચોલી તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે. સાથે સાથે વિવિધ વેરાઈટીની તૈયાર ચણીયાચોલી પણ વેપારીઓ દ્વારા ગ્રાહકોની માંગ અનુસાર વેચાણ અર્થે મુકવામાં આવી છે.
વિવિધ ચણિયાચોળીના ભાવ
ચણીયાચોળીની વેરાઈટી ભાવ રૂા.
કોટન સીલ્ક ૧૦૦૦ થી ૪૦૦૦
સીફોન ૧૫૦૦ થી ૨૫૦૦
સિલ્ક ૧૫૦૦ થી ૩૫૦૦
રેશમ તેમજ -
અન્ય વર્ક ૧૫૦૦ થી ૪૦૦૦
બાટીક પ્રિન્ટ ૧૦૦૦ થી ૨૫૦૦
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2n1nZnI
ConversionConversion EmoticonEmoticon