- વિભાવરી વર્મા
- હૈયે હૈયું દબાય એવી ભીડમાં ગોપાલ ટ્રેનના ડબ્બામાં એ રીતે પોટલું પકડીને ઊભો હતો કે જેથી બીજા પેસેન્જરોને રાધાથી દૂર જ રહેવું પડે...
ત્ર ણ જજમાંથી જે જાડાં સરખાં મેડમ હતાં તે વિચિત્ર સ્માઈલ કરીને બોલ્યાં : 'ચલો, થોડા ઑર ટોર્ચર ટોલરેટ કર લેતે હૈં.'
એનો અર્થ એમ થયો કે 'ચાલો, થોડો વધુ ત્રાસ સહન કરી લઈએ !' પણ છેક રાધનપુરથી અમદાવાદમાં ઓડિશન આપવા આવેલી રાધાને એટલું અંગ્રેજી ક્યાં આવડતું હતું ?
એક જજ બોલ્યા : 'ક્યા દિખા રહી હો ?'
'સર, મેરે ઢોલના...' રાધાએ કહ્યું.
એક ટેકનિશિયન આવીને રાધા પાસેથી ગાયનની પેન ડ્રાઈવ લઈ ગયો. રાધાએ કમરે દુપટ્ટો બાંધ્યો, આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લેતાં તેણે મુરલીધર કૃષ્ણને યાદ કર્યા અને શરૂ કર્યું...
પણ આ શું ? હજી ત્રીસ સેકન્ડ થઈ ત્યાં તો ગીત વાગતું બંધ થઈ ગયું! કંઈક ટેકનિકલ ગડબડ જોઈને ટેકનિશિયને ખભા ઉલાળ્યા. રાધાએ જોયું કે જજ લોકો અકળાઈને ઊભા થવાની તૈયારીમાં જ હતા !
તરત જ રાધાએ અટક્યા વિના ડાન્સ શરૂ કરી દીધો. ગીતમાં આગળ તો 'સાં ની ધ...ધ પમ... તિરકીટ ધા, ધિત ધિનના ત...' જેવા અટપટા શાસ્ત્રીય સંગીતના બોલ હતા. રાધા જાતે જ એ બોલ ગાતી ગઈ અને નાચતી ગઈ...
વચ્ચે વચ્ચે હાંફને કારણે તેનો અવાજ છૂટી જતી હતો. ગીતના બોલ પણ પાકા સૂરમાં નહોતા ગવાઈ રહ્યા... છેવટે, રાધાએ છેલ્લા સાડા ત્રણ મહિનાથી જેની પ્રેકટીસ કર્યે રાખી હતી, તે પરફોર્મન્સ માત્ર સવા ત્રણ મિનિટમાં પતી ગયો !
રાધા અધ્ધર શ્વાસે હાથ જોડીને ઊભી રહી ગઈ... એ જાણતી હતી કે ઘણા લોચા થયા છે. સ્ટેજ ઉપર એન્ટ્રી મારતાં પહેલાં વાળ ખુલ્લા કરી નાંખવાના હતા. આંખમાં ઘેરું કાજળ લગાવવાનું હતું. વચ્ચેના એક સ્ટેપમાં કમર પરથી દુપટ્ટો છોડીને હવામાં ઉછાળવાનો હતો અને તેને કૂદકો મારીને ઝીલી લેવાનો હતો. પણ ગભરાટમાં બધું જ ભૂલાઈ ગયું હતું.
ત્રણ જજોના ચહેરા ઉપરથી લાગતું હતું કે એ કંઈ ખાસ ઈમ્પ્રેસ થયા નથી. એ લોકો કોન્ટેસ્ટન્ટોની ફાઈલમાંથી એકબીજાને કંઈક બતાડી રહ્યા હતા.
છેવટે એક જજે કહ્યું : 'ઓકે. યુ આર કમિંગ ટુ મુંબાઈ.'
'એટલે ?' રાધાએ ગુજરાતીમાં પૂછયું.
'તુમ ઓડિશન મેં સિલેક્ટ હો ગઈ હો. તુમ મુંબઈ આ રહી હો. ઓકે ? ઓલ ધ બેસ્ટ.'
આટલું કહીને જજ લોકો ચાલતા થયા ! રાધાને હજી સમજાતું નહોતું કે આ શું થઈ ગયું ! શું એ સિલેક્ટ થઈ ગઈ ? ખરેખર ?
બે ક્ષણ પછી જ્યારે તેને આ આશ્ચર્યની કળ વળી ત્યાં સુધીમાં તો આખો હોલ ખાલી થઈ ગયો હતો. પેલો ટેકનિશિયન પેન ડ્રાઈવ પાછી આપવા આવ્યો. તેને રાધાએ પૂછયું :
'યે લોકો ક્યાં બોલે ?'
'તુમકો મુંબઈ આના હૈ. ચલો બાય.'
'મગર કબ ?'
'પતા નહીં' એટલું કહીને ટેકનિશિયન પોતાનાં સાધનો સમેટીને ચાલતો થયો.
રાધા બહાર દોડી. અહીં પેલી લક્ઝરીમાં બધો સ્ટાફ બેસી ચૂક્યો હતો. રાધા ત્યાં પહોંચે એ પહેલાં તો લકઝરી ઉપડી ગઈ ! રાધાએ પાછળ વળીને જોયું તો પેલી ચિબાવલી એન્કર એક કારમાં બેસી રહી હતી.
રાધાએ ત્યાં દોડી જઈને પૂછયું 'જજ લોગોંને મુઝે બોલા, મુંબઈ આના હૈ, મગર મુંબઈ મેં કહાં ?'
'તુમકો મેસેજ આયેગા, ફોન મેં.' આટલું કહીને તે કારમાં બેસી ગઈ. કાર ઉપડી... પછી ત્યાં સન્નાટો હતો...
રાધા હજી ડઘાયેલી હતી. પણ ધીમે ધીમે એને સમજાયું કે તે ઓડિશનમાં સિલેક્ટ થઈ ગઈ છે ! તેનું જે નાનકડું સપનું હતું કે 'ડાન્સ દિવાને ડાન્સ'ના કમ સે કમ એક એપિસોડમાં પોતે આવે, એ હવે ખરેખર સાકાર થવાનું હતું !
રાધાએ રાધનપુરની તેની બહેનપણી શીતલને વિડીયો કોલ લગાડયો'. 'શીતલ, હું સિલેક્ટ થઈ ગઈ ! મારે મુંબઈ જવાનું છે !
શીતલ તો રીતસર ઉછળવા લાગી. 'વાઉ ! રાધાડી !! તારાં તો ઉઘડી ગયાં !' હવે તો પાર્ટી આપવી પડશે હોં ?
'પાર્ટી છોડ.' રાધા જરા ગંભીર હતી. 'મારે મુંબઈ જવું પડશે. ત્યાં જઈને કઈ ઓફિસમાં કોને મળવાનું, ક્યાં રહેવાનું એનો મેસેજ હજી હવે આવશે. પણ ત્યાં સુધી શું કરું ?'
'કરવાનું શું હોય, ગાન્ડી !! સીધા મુંબઈ જ જવાનું હોય ને ?'
'પણ મમ્મી પપ્પાને હું એમ કહીને આવી છું કે કોલેજમાંથી સ્ટડી ટુર છે અને રાત્રે પાછી આવી જઈશ.'
'તું એ બધી ચિંતા ના કર. હું તારી મમ્મીને ફોન કરીને કોઈ સ્ટોરી બનાવીને સમજાવી દઈશ કે બસ બગડી ગઈ છે, અને રાત રોકાવું પડે એમ છે...'
'પણ પછી ?' રાધાના અવાજમાં ડર હતો. એ જાણતી હતી કે એના બાપુજીને આ બધું જરાય ગમતું નહોતું.
'તું ચિંતા શેની કરે છે રાધા ? જ્યારે તારા મમ્મી પપ્પા તને ટીવીમાં ડાન્સ કરતી જોશે એમનો બધો ગુસ્સો ઓગળી જશે. હું બેઠી છું ને !'
છતાં રાધાને દિલમાં ધકધક થયા કરતું હતું. પણ શીતલે તેને કહ્યું 'રાધા, આ વન્સ ઈન લાઈફટાઈમ ઓપોર્ચ્યુનિટી કહેવાય ! આમાં બહુ વિચાર શું કરે છે ! ઉપડ... જા ! મુંબઈમાં જઈને રાધનપુરના નામનો ડંકો વગાડ, મારી વ્હાલી !'
શીતલનો ફોન પુરો થયો પછી રાધાના મનમાં હવે કોન્ફીડન્સ જાગૃત થયો. તેણે બહાર નીકળીને અમદાવાદ રેલ્વે સ્ટેશને જવા માટે રીક્ષા કરી.
* * *
બીજા દિવસની સવારના સાડા અગિયાર વાગી ગયા હતા. આગલી રાત્રે રાધાના મનમાં જે ફૂલ કોન્ફીડન્સ હતો તે સાવ ડગમગી ગયો હતો.
રાધા અત્યારે મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશનના એક બાંકડા પર છેલ્લા ત્રણ કલાકથી બેઠી હતી. હજી તેના ફોનમાં 'ડાન્સ દિવાને ડાન્સ' તરફથી કોઈ મેસેજ આવ્યો નહોતો. આવડા મોટા રાક્ષસી કદના મુંબઈ શહેરમાં જવું ક્યું ? રાધા અહીં કોઈને ઓળખતી પણ નહોતી.
પરંતુ એના કરતાં મોટું ટેન્શન રાધનપુરમાં થઈ ગયું હતું. હજી પંદર જ મિનિટ પહેલાં શીતલનો ફોન આવ્યો હતો :
'રાધા... અહીં થોડા લોચા થયા છે.'
'શું લોચા થયા છે ? રાધાને શીતલના અવાજમાં જે ગભરાટ હતો તે સાંભળતાં જ ધ્રાસકો પડયો હતો.'
'એમાં થયું એવું, કે મેં તો તારી મમ્મીને સ્ટોરી બનાવીને કહી દીધી કે કોલેજની બસ બગડી ગઈ છે, પણ '
'પણ તારા બાપુજીને ભરોસો ના પડયો. એટલે એમણે ડાયરેક્ટ કોલેજમાં પોન કરી દીધો ! ત્યાંથી ખબર પડી કે એવી કોઈ સ્ટડી ટુર ગઈ જ નથી !'
'અરે ભગવાન ! પછી ?'
'પછી હું તારે ઘરે જઈને એમને સમજાવું એ પહેલાં પેલા નાલાયક વિમલે તારા મમ્મી પપ્પાના મગજમાં એવું ભરાવી દીધું કે તું કોઈ છોકરા જોડે ભાગી ગઈ છે !'
વિમલનું નામ સાંભળતાં જ રાધાનું મગજ તમતમી ઉઠયું. કોલેજનો એ નબીરો પોતાની જાતને કંઈ બહુ મોટો ફિલ્મી હિરો સમજતો હતો. એ રાધાથી એક વરસ સિનિયર હતો. બે વરસ પહેલાં એકવાર કોલેજના એન્યુઅલ ડે વખતે રાધાએ 'લગાન'ના ગાયન 'રાધા કૈસે ના જલે...'વાળો ડાન્સ રજુ કરવા માટે તેને પાર્ટનર તરીકે લીધો હતો. એમાં તો એ લબાડ વિમલ એમ સમજવા લાગ્યો હતો કે રાધા તેની ઉપર ફિદા છે ! એન્યુઅલ ડે પછી તે રીતસર રાધાની પાછળ પડી ગયો હતો. તેને વારંવાર ફોન કરતો હતો. મોબાઈલમાં લવ અને રોમાન્સના વાહિયાત મેસેજો મોકલવા લાગ્યો હતો.
એકવાર જ્યારે રાધાને તેણે કોલેજના રસ્તામાં આંતરીને હાથ પકડયો હતો ત્યારે રાધાએ સીધી પ્રિન્સીપાલને ફરિયાદ કરી દીધી હતી. એ પછી વિમલ ધીસ ખાઈ ગયો હતો. એ વારંવાર કહેતો હતો કે 'રાધા, જોજે, હું તને છોડવાનો નથી.'
આજે એ જ વિમલે તેનો બદલો બરોબર એવા ટાઈમે લીધો હતો, જ્યારે રાધા પોતાના એક નાનકડા સપના ખાતર છેક મુંબઈ સુધી આવી પહોંચી હતી.
'અરે રાધા...' શીતલે ફોનમાં બીજો ધડાકો કર્યો. 'તારા પપ્પા તો તારા ગુમ થવાની ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશનેે ગયા હતા !'
રાધાને આ સાંભળતાં જ ચક્કર આવી ગયાં. શીતલે કહ્યું 'એ તો સારું થયું કે પોલીસવાળાએ ફરિયાદ નથી લીધી. એમણે કહ્યું કે બે ચાર દિવસ રાહ જુઓ, તમારી દીકરી જો એ પછી પણ ના આવે તો આપણે કંઈક કરીશું.'
'બાપુજી એટલા બધા ગુસ્સામાં છે ?'
'હા, પણ હવે તો ચાર પાંચ દિવસનો ટાઈમ છે ને ? ત્યાં સુધીમાં તો તું ઓડિશનમાં સિલેક્ટ થઈ ગઈ છે, એનો એપિસોડ પણ ટીવીમાં આવી જશે ને ?'
રાધાને આ વાતથી થોડા હાશ થઈ. તેણે વિચાર્યું કે 'એક વાર મારો ચહેરો ટીવીમાં આવી જાય પછી તો બાપુજી શાંત પડી જશે ને ? બસ, હવે ચાર પાંચ દિવસનો જ સવાલ હતો. અરે, ચાર પાંચ દિવસ પણ શું કામ ? જો 'ડીડીડી'માંથી મેસેજ આવી જાય કે મુંબઈમાં કઈ હોટલમાં રહેવાનું છે, તો ત્યાં પહોંચીને વિડીયો કોલ જ કરી દેવાય ને ?'
પરંતુ રાધાનું નસીબ બે ડગલાં નહીં, કદાચ બે ગાઉ આગળ હતું. કેમકે થોડી જ વાર પછી એના મોબાઈલમાં મેસેજ ઝબક્યો ! મેસેજ 'ડાન્સ દિવાને ડાન્સ'માંથી હતો. એમાં અંગ્રેજીમાં લખ્યું હતું :
'અભિનંદન ! તમે ડાન્સ દિવાને ડાન્સના ઓડિશનમાં પસંદગી પામ્યા છો. હવે પછીનું જે શૂટિંગ થશે તેનું શેડયુલ લગભગ એક મહિના પછીનું છે. તે વખતે તમારે કઈ તારીખે ક્યાં પહોંચવાનું છે તે તમને જણાવવામાં આવશે. ફરી એકવાર અભિનંદન...'
શેના અભિનંદન ? કેવાં અભિનંદન ? રાધાના મન ઉપર જાણે વીજળી ત્રાટકી હોય એવો આભાસ થયો. આ મેસેજનો મતલબ શું થયો ? જો તે હવે રાધનપુર પાછી જતી રહે તો એના બાપુજી હરગિઝ પાછી ન આવવા દે. ઉપરથી પેલો વિમલ તેને ગામમાં પાછી આવેલી જોઈને વધારે હલકટાઈ પર ઉતરી આવશે. એ જાતજાતની વાતો ફેલાવશે કે રાધા ફલાણાની સાથે ભાગી ગઈ હતી... ફલાણી હોટલમાં ફલાણા છોકરા જોડે રાત રોકાઈ હતી...
આ બધી કલ્પના કરતાં કરતાં રાધા સાવ અબુધ પૂતળી જેવી બની ગઈ. એક જ દિવસ પહેલાં પોતે શું કરવા નીકળી હતી અને હવે તે ક્યાં આવીને ફસાઈ ગઈ ? શું એનું આટલું નાનકડું સપનું પણ સાકાર નહીં થાય ? એકાદ મહિના સુધી આ અજાણ્યા શહેરમાં ક્યાં રહેવું ? અને અહીં જીવવું શી રીતે ? પર્સમાં માંડ બસ્સો અઢીસો રૂપિયા બચ્યા હતા.
રાધા સ્ટેશનના બાંકડા પર પોતાની બન્ને હથેળીમાં મોં ખોસીને બેઠી હતી ત્યાં એને એક અવાજ સાંભળાયો :
'એ, હું સું કહું છું, તમે રાધનપુરનાં છો ને ?'
રાધાએ આશ્ચર્યથી મોં ઊંચે કરીને જોયું. સામે એક પાતળો સરખો યુવાન ઊભો હતો. એના ખભે એક મોટું પોટલું હતું. ચહેરો સાવ સામાન્ય, બે દિવસની વધેલી દાઢી, ઊંડી ઉતરી ગયેલી છતાં ચમકતી આંખો અને સુક્કા છતાં હસી રહેલા હોઠ...
'તમે કોણ ?' રાધાએ પૂછયું.
'મને ના ઓળખ્યો ? પણ ક્યાંથી ઓળખો ? હું તમારી જોડે રાધનપુરની આદર્શ વિદ્યાલય હાઈસ્કુલમાં હતો. પણ પછી હું દસમામાં ફેલ થયો. ને તમે કોમર્સ કોલેજમાં જતા રહ્યા... મારું નામ ગોપાલ.'
'કોણ ગોપાલ ?' રાધાએ એનો ચહેરો પારખવાની કોશિશ કરી. પછી એનાથી બોલાઈ ગયું, 'દર વખતે સાહેબ ક્લાસની બહાર અંગૂઠા પકડવાની સજા કરતા'તા એ તો નહીં?'
ગોપાલનો ચહેરો જરા ખસિયાણો પડી ગયો. 'સુ કરું ? કંઈ આવડતું જ નોતું ત્યાં ? પછી તો મેં ભણવાનું જ છોડી દીધું. અંઈ જોગેશ્વરીમાં એક સાડીની દુકાનમાં નોકરી કરું છું, તૈણ વરસથી ! પણ તમે અંઈ ક્યાંથી ? નોકરી લાગી મુંબઈમાં?'
રાધા શું બોલે ? અચાનક એના ગળે ડૂમો ભરાઈ આવ્યો. તેણે બહુ રોક્યાં, છતાં આંખોમાં આંસુ ધસી આવ્યાં.
'અરેરે, એમ રડો નંઈ ભૈસાબ ! હું સુ કહું છું, તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું.'
ગોપાલ પેલું પોટલું બાંકડા ઉપર મુકીને ઝડપથી ગયો. અને એટલી જ ઝડપથી ક્યાંકથી ઠંડુ પાણી લઈને પાછો આવ્યો. રાધાએ બે ઘુંટડા પીધું. બાકીના પાણી વડે મોં ધોયું. ગોપાલે તરત જ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આપ્યો.
'હવે રડશો નંઈ.' ગોપાલ રાધાની સામે જ ઘૂંટણીયે બેસી પડયો. તેના અવાજમાં એક ખાસ જાતની મીઠાશ હતી, એ બોલ્યો :
'હું સુ કહું છું, મનમાં જે હોય તે બોલી નાંખવાનું. એનાથી સુ થાય કે બોજ હલકો થઈ જાય...'
રાધાએ ટુકડે ટુકડે એની આખી કહાણી કીધી. એ સાંભળીને ગોપાલના ચહેરા ઉપર તો સ્માઈલ આવી ગયું ! એણે કહ્યું :
'ઓહોહો ! બસ આટલું જ ? અરે, મને તો એમ કે તમે ઘેરથી ભાગીને આયાં હશો. કોઈ છોકરાએ તમને ફસાઈ હશે... પણ બોલો, એવું તો કંઈ છે જ નંઈ ને ? હવે હેંડો, ઊભા થાવ. બધું થઈ પડશે.'
શું થઈ પડશે ? રાધાને બે ઘડી આ પાતળા સરખા, પહેલી નજરે જેને કુલી માની બેઠેલી એ છોકરાને જોઈને થતું હતું કે આ શું મદદ કરશે ? પરંતુ આવડા મોટા મુંબઈના મહાસાગરમાં કોઈ ડૂબતું માણસ તણખલું પણ ઝાલી લે એમ રાધાએ મનને મક્કમ કર્યું. એ ઊભી થઈ. પોતાની કેરી-બેગ ખભે લટકાવી.
ગોપાલે પેલું પોટલું ખભે ઉપાડતાં કહ્યું 'બોલો, કેવો જોગાનુજોગ કે'વાય નંઈ ? અંઈ મેઈન બજારમાંથી મારા શેઠે મને થોડો સ્ટોક લેવા મોકલેલો. એમાં તમે મલી ગયા. હું સું કહું છું... મુંબઈની લોકલ ટ્રેનમાં કદી ફરેલા છો તમે ? 'કારણ કે સું છે, જરી અઘરું તો લાગવાનું...'
ગોપાલની વાત ખોટી નહોતી. અહીંની લોકલ ટ્રેનમાં એટલી જબરદસ્ત ભીડ હતી કે ના પૂછો વાત. ગોપાલે એને સમજાવ્યું 'તમારો ઝોલો પાછળ નંઈ, આમ આગળની બાજુએ રાખવાનો. એટલે સુ કે કોઈ તમને-'
હૈયે હૈયું દબાય એવી ભીડમાં ગોપાલ ટ્રેનના ડબ્બામાં એ રીતે પોટલું પકડીને ઊભો હતો કે જેથી બીજા પેસેન્જરોને રાધાથી દૂર જ રહેવું પડે. એક પછી એક સ્ટેશનો પસાર થઈ રહ્યાં હતાં. પાટા ઉપરથી ગુજરતા ડબ્બાઓનો ખટાખટ... ખટાખટ... અવાજ રાધાના કાનમાં પ્રવેશીને છેક મગજની દિવાલો ઉપર પથરા ટીચતા હોય એમ ટકરાઈ રહ્યો હતો.
આ ઘોંઘાટમાં રહી રહીને રાધાના મનમાં એક વિચાર ફરકી ગયો કે 'ક્યાંક આ ગોપાલ જ મને-'
(ક્રમશ:)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FEDmPh1
ConversionConversion EmoticonEmoticon