પર્યાવરણને બચાવવા બધી નોટો બંધ કરી દઈએ


- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- આપણે ભાવો એટલા બધા વધારી દઇશું કે લોકોએ નાછૂટકે દસ હજાર અને લાખ રુપિયાના સિક્કા પણ વાપરવા પડે

'દોસ્તો, મને વિશ્વ પર્યાવરણ દિને એક ક્રાંતિકારી આઇડિયા આવ્યો છે,'  નેતાજીએ સગર્વ જાહેર કર્યું. 

અનુયાયીઓએ તાળીઓ પાડી.એક નેતા તો માઈક પણ બોદું લાગે એવા પ્રચંડ અવાજે કહે, 'નેતાજી, તમારે માત્ર એવું જ કહેવાનું કે મને એક આઇડિયા આવ્યો છે. એ ક્રાંતિકારી જ હશે એવું અમે આપોઆપ સમજી લઈએ છીએ.' 

નેતાજીએ બધાને શાંત પાડયા. 'જુઓ, તમે બધા મારી  આટલી પ્રશંસા કરો છો ે, પણ કોઈ નાનીસૂની ક્રાંતિ નથી. બાકી,  હું એક ઉચ્છવાસ લઉં તો પણ વાંધાવચકા કાઢનારા લોકો છે. '

એક અનુયાયી જોશમાં આવીને કહે, 'નેતાજી, તમતમારે શ્વાસ-ઉચ્છવાસ જે કાઢવું હોય તે કાઢી નાખો. તેની સામે વાંધા લેનારાના અમે ભૂક્કે ભૂક્કા કાઢી નાખીશું.' 

નેતાજી કહે, 'પહેલાં મારા મગજનો ભૂક્કો તો ઝીલી લો. તો મને વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ે એવો આઇડિયા આવ્યો છે કે કાગળનો વપરાશ ઘટાડવો.' 

ફરી એક અનુયાયી ગદ ગદ થતાં કહે ,' સાહેબ  પ્લીઝ, ભાષણ લખવાના કાગળ બચાવવા ખાતર થઈને ભાષણ  કરવાનું ન  ઘટાડતા. ' 

 નેતાજી કહે,  ' અરે  મારી મગજ કી બાત સાંભળો.  મને આઇડિયા આવ્યો છે કે દેશમાંથી બધી જ કાગળની નોટો નાબૂદ કરી દેવી જોઈએ.' 

એક અનુયાયીએ તાળી પાડી.' ગ્રેટ આઇડિયા નેતાજી! તો તો પેલી ન રહેગા બાંસ ન રહેગી બાંસુરી કહેવત આખી પલ્ટાઈ જશે. કાગળની નોટો નહીં છપાય એટલે કાગળ નહીં  બને. કાગળ નહીં બને એટલે વાંસ બચી જશે. વાંસ બચી જશે એટલે વાંસળીઓનું પ્રોડક્શન વધી જશે. મારું તો સજેશન છે કે હવે પછીથી પાંચસો-સાતસો વર્ષ પહેલાંના કોઈ રાજદંડથી ઉદ્ધઘાટન કરવાને બદલે વાંસળીને જ રાજદંડ ઘોષિત કરી દઈએ. પછી તો નેતાજી કોઈને એ વાંસદંડ ફટકારશે તો પણ લોકોની પીડા પણ સૂરીલી જ બની જશે.'

નેતાજી પેલા મોગામ્બોની જેમ ખુશ થયા. ' હું પણ માનું છું કે લોકોએ પ્રેમથી પીડિત થવું જોઈએ.' 

બીજા અનુયાયીકહે, ' પછી તો આ પ્રજાગાન બનશે. મુઝે ગમ ભી ઉનકા અઝીઝ હૈ, કિ ઉન્હી કી દી હુઈ ચીજ હૈ...' 

ત્રીજા અનુયાયી કહે, 'પછી શુ કામ ? આ તો અત્યારે જ પ્રજાગાન છે એટલે જ તો નેતાજી આટલા મહાન છે. '

ચોથા અનુયાયીને ચિંતા થઈ.'કાગળનું   તો કાળું, ગુલાબી, લીલું બધું નાણું નાબૂદ થઈ જશે એ બરાબર પણ પછી લેતીદેતીના વ્યવહારોનું શું ? '

નેતાજી કહે, 'પછી આપણે બધા સિક્કા જ છાપશું. ૫૦ ના, ૧૦૦ના , એક હજારના ને તમે કહેશો તો લાખના પણ.'

એક અનુયાયી કહે, 'નેતાજી. હવે તો ખોખાનો જ જમાનો છે. એક કરોડનોે પણ સિક્કો બહાર પાડો. ઈતિહાસમાં તમારું નામ થઈ જશે. પછી તો એક ખોખાંની હેરફેર કરવા માટે કોઈ ખોખાંની જરુર નહીં પડે. જેની પાસે હશે તે ે વટથી ગજવામાં એક કરોડનો સિક્કો લઈને ફરશે.'

ત્યાં એક વયોવૃદ્ધ અનુયાયી કહે, 'પણ,મોટી નોટો  સામે મોટી ફરિયાદ  જ એ હતી કે એ બજારમાં ક્યાંય વટાવાતી ન હતી. '

એક યુવા અનુયાયીએ આ વયોવૃદ્ધ અનુયાયીને હડસેલો માર્યો. ' ડોન્ટ વરી, પછી આપણે ભાવો એટલા બધા વધારી દઈશું કે લોકોએ નાછૂટકે દસ હજાર અને લાખ રુપિયાના સિક્કા પણ વાપરવા પડે.'

બધાએ ભેગા થઈને પેલા યુવા અનુયાયીને ખોટા સિક્કાની જેમ બહાર ફેંકી દીધો. 

સ્માઈલ ટિપ

વિશ્વ પર્યાવરણ દિને હવા અને પાણીના ધંધામાં રોકાણ કરવાનો સંકલ્પ કરો, ફ્યુચર એનું જ છે!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/bitR9Vx
Previous
Next Post »