ભગવાન મહાવીરસ્વામીના કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયનાં ગોદોહિકા આસનનું રહસ્ય !


- આકાશની ઓળખ -કુમારપાળ દેસાઈ

જૈ ન, ધર્મ, માનવજીવન અને આધુનિક વિજ્ઞાન વિશે અમેરિકાના ન્યૂજર્સીમાં નિવાસ કરતા ન્યૂકિલયર સાયન્સના અને જૈન ધર્મદર્શનનાં અભ્યાસી શ્રી ચંદ્રકાન્તભાઈ બી. મહેતાનાં આ વિષય અંગેના વિશેષ વિચારો જોઈએ.

અમેરિકાએ ચંદ્ર પર પહોંચવા માટે ત્રણ સ્ટેજમાં રોકેટ છોડયું હતું. સૌથી ઉપર રોકેટનું ત્રીજું સ્ટેજ, તેના ઉપરની શંકુ આકારની કેપસ્યુલમાં અવકાશયાત્રી બેઠા હતા. હવે જુઓ, તીર્થકર ભગવાને, દેરાસરમાં પૂજા કરવા જતાં શ્રાવકને ત્રણ નિસિહી આપી, જેના યોગ્ય પાલનથી સાધકને આત્માનો અનુભવ કેવી રીતે થઈ શકે તે જોઈએ, અર્થાત્ શરીરને ભૂલીને આત્મામાં ઉતરાણ કેમ થાય ?

સ્ટેજ-૧: રોકેટને અવકાશમાં છોડવામાં આવે, ત્યારે સમગ્ર સંસારને છોડીને છેક ઉપરના આકાશમાં પહોંચે, ત્યારે રોકેટનું સૌથી નીચેનું પહેલું સ્ટેજ છૂટી જાય છે.

નિસિહી-૧ : સાધક પ્રથમ નિસિહી બોલીને દેરાસરમાં પ્રવેશ કરે છે, ત્યારે સમગ્ર સંસાર બહાર રહી જાય છે અર્થાત્ સઘળો સંસાર છૂટી જાય છે.

સ્ટેજ-૨: હવે આગળ વધતાં રોકેટ ગુરુત્વાકર્ષણ વિનાના અવકાશમાં પ્રવેશ કરે છે. ત્યારે બીજું સ્ટેજ છૂટું પડી જાય છે.

નિસિહી -૨ : સાધક બીજી નિસિહી બોલીને દેરાસરમાંથી ગભારામાં પ્રવેશ કરે છે, ત્યારે તેના મનમાંથી દેરાસરની સર્વ પ્રવૃત્તિ છૂટી જાય છે. બસ, પછી હું અને મારા ભગવાન.

સ્ટેજ-૩ : બીજું સ્ટેજ નીચે પડયા પછી રોકેટની ઝડપ ઘણી વધે છે અને ચંદ્રની નજીક આવતાં ત્રીજું સ્ટેજ છૂટી જાય છે. હવે માત્ર અવકાશયાત્રી સાથેની કેપસ્યૂલ ચંદ્ર ઉપર ઉતરે છે.

નિસિહી-૩ : પ્રભુજીની પૂજા કર્યા પછી સાધક ત્રીજી નિસિહી બોલે છે, ત્યારે એ વિચારે છે કે પરમાત્માની દ્રવ્ય પૂજા કરી, હવે ચૈત્યવંદનના માધ્યમની ભાવ પૂજા કરવી છે, જે અંતિમ લક્ષ્ય છે. આ ચૈત્યવંદન દ્વારા ધ્યાનમાં ઉતરવાના આ પ્રયોગથી શું બને છે ? આત્મા સાથે ચોંટેલા ઘણા કર્મો નાશ પામે છે. (નિર્જરા થાય છે.) હવે વિજ્ઞાન કહે છે કે સૂર્યમાંથી નીકળતાં કિરણો સામે એક કાગળ મૂકવામાં આવે તો કાગળનાં અસ્તિત્વને કોઈ અસર થતી નથી, પરંતુ બિલોરી કાચમાંથી કિરણો પસાર કરીને કાગળના એક બિંદુ પર એકત્રિત કરવામાં આવે તો ગરમી પેદા થતાં કાગળ બળી જાય છે. વિજ્ઞાનનો આ પ્રયોગ એ વાતનું સૂચન કરે છે કે સાધક ધ્યાનના માધ્યમથી ઉપયોગને શરીર પરથી ખસેડી આત્મામાં લઈ જાય છે અને કર્મો બળે છે.

જૈન ધર્મમાં મૌન સાધનાની તાકાતની વાત કરી છે. ભગવાન મહાવીર સ્વામી ઉપર ચંડકૌશિક સર્પે ડંખ મારીને પ્રહાર કર્યો, ત્યારે ભગવાન માત્ર ત્રણ શબ્દો બોલ્યા,' બુજ્ઝ બુજ્ઝ ચંડકોશિયા.' આ સાંભળીને ચંડકોશિયાને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેનો આત્મા જાગી ગયો. ભગવાનના એ શબ્દોમાં કેટલી તાકાત કે ચંડકોશિયો સર્પ પ્રાયશ્ચિત કરવા રૂપે શાંત થઈ ગયો. એને હજારો કીડીઓએ ચટકા ભર્યા. છતાં ચંડકોશિયો તદ્દન શાંત રહ્યો. આખરે મૃત્યુ પામીને ૧૦મા દેવલોકમાં પહોંચી ગયો.

જૈન ધર્મમાં છુપાયેલું અદ્ભૂત આરોગ્ય વિજ્ઞાન : આધુનિક વિજ્ઞાને તો શરીરનું આરોગ્ય સુધારવાના ઉપાયરૂપ અનેક ખર્ચાળ સાધનો ઉભાં કર્યા, પરંતુ જૈન શાસ્ત્રોએ સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, ચઉવિહાર અને તપના માધ્યમથી શરીર અને આત્માનું આરોગ્ય કેમ સુધારી શકાય, તે બતાવ્યું. આ બધી ક્રિયાઓ સમજણપૂર્વક નિયમિત કરવામાં આવે તો બીજે ક્યાંય જવાની જરૂર નથી. સંક્ષેપમાં જોઈએ તો,

ખમાસમણું : આ ક્રિયા પંચાગ પ્રણિપાત કહેવાય છે. આ ક્રિયામાં બે હાથ, બે પગ અને મસ્તક ભૂમિને સ્પર્શે છે. શત્રુંજય મહાતીર્થના ચિત્રપટની સામે દરરોજ ૯ અથના ૨૧ ખમાસણા લેવાથી ઘૂંટણના કોઈ પ્રોબ્લેમ થતાં નથી.

નમુત્થુણં : આ સૂત્ર વજ્રાસન મુદ્રામાં બોલાય છે. આ મુદ્રાથી એક્યુપ્રેશર આપોઆપ થઈ જાય છે.

ચૈત્યવંદન : બેસીને ડાબો પગ ઘૂંટણથી વાળવો પડે છે અને જમણો પગ પાછળના થાપા ઉપર વાળીને બેસવું જોઈએ. પગ મજબૂત થાય છે. અને નમ્રતાનો ભાવ વિકાસ પામે છે.

વંદિતુ : ચૈત્યવંદનથી ઉલ્ટું જમણો પગ ઘૂંટણથી વાળીને બેસવાનું હોય છે. આને વીરાસન મુદ્રા કહેવાય છે. આ આસનમાં બેસી વંદિતુ બોલવાથી પ્રાયશ્ચિત કરવા ઉપરાંત વીરતાનો ભાગ વિકાસ પામે છે.

આયંબિલ : આ તપમાં ભોજનમાં વપરાતી વિગઇન (ઘી, દૂધ, તેલ, દહીં, ગોળ, અને તળેલું)નો ત્યાગ કરી સ્વાદ વિજયની અને દેહસંયમની અદ્ભુત પ્રક્રિયા છે.

પર્વના દિવસે લીલું શાક કેમ ન ખવાય ? વૈજ્ઞાનિક કારણ એ છે કે પર્વતિથિએ ચંદ્ર, પૃથ્વી અને શરીર ત્રણે સીધી પંક્તિમાં આવતા દરિયાના પાણીની જેમ શરીરના પાણીમાં પણ ફેરફાર થાય છે. જેથી અગ્નિતત્વ મંદ પડે છે અને વાયુ તત્ત્વ વધે છે, જે વિકૃતિ પામી શરદી જેવા રોગ પેદા કરે છે. લીલા શાકભાજીમાં ૯૦ ટકા પાણી છે, આપણા શરીરમાં ૮૫ ટકા પાણી છે, જેથી અસમતોલન થાય છે.

પ્રકૃતિ પાસે જવાથી આપણને આનંદ કેમ થાય છે ? ઝાડ, પાન, વનસ્પતિ આપણા શરીરના હિસ્સા છે. આપણે અનેકવાર ઝાડ, પાન રૂપે જન્મી ચૂક્યા છીએ. એટલે તેમની નજીક આવતા કંપન ઉત્પન્ન થાય છે.

ભગવાન મહાવીર સ્વામીને ગોદોહિકા આસનમાં કેવળજ્ઞાન થયું તેનું વૈજ્ઞાનિક રહસ્ય :

આપણે મોટર (મોટર-કાર)ને હોર્સ-પાવરથી તોલીએ છીએ. ઘોડા કરતા હાથી બળવાન છે. છતાં હોર્સ પાવર કેમ ? કારણકે ઘોડો દોડે ત્યારે સતત રોકાયા વગર દોડી શકે છે, અને માલિકને વફાદાર રહે છે. જ્યારે હાથી થાકી જાય છે અને ઉભો રહે છે. તેને મહાવત અંકુશથી મારે તો પણ હલતો નથી.

ઘોડો શું કરે છે ? તે મળદ્વારને સંકુચિત કરીને ખોલે છે, જેથી પ્રાણવાયુ અંદરથી ધક્કો મારે, જો મળદ્વાર બંધ હોય તો પ્રાણવાયુ અંદર રહી જાય છે, પરંતુ વારંવાર ઉઘાડ-બંધ કરવામાં આવે તો પ્રાણવાયુને ઘણું બળ મળે છે. આ રીતે બંધ કરી કરીને ખોલતા અશ્વિની મુદ્રા બને છે. પૂ. હરિભદ્રસૂરિ મ.સા.નાં ધ્યાનબિંદુ (યોગશાસ્ત્ર) ગ્રંથમાં અશ્વિની મુદ્રાની વાત આવે છે.

હવે પરમાત્મા ગોદોહીકા આસનમાં બિરાજમાન છે. તેથી બંને હાથ પર જોર પડે છે. આથી આજ્ઞાચક્ર, વિશુદ્ધિચક્ર અને અનાહતચક્ર ખુલે છે. નીચે મૂળઘાર (મળદ્વાર)ને બંધ કરી કરીને ખોલે છે, તેથી મૂળાધાર, સ્વાધિષ્ઠાન અને મણિપુર ચક્રનું ભેદન થાય છે. આમ ઉપરના ત્રણ (આજ્ઞા, વિશુદ્ધિ, અનાહત) અને નીચેના ત્રણ (મૂળાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર) ચક્રો ખૂલતા પ્રાણવાયુ અશ્વિનીમુદ્રાના માધ્યમથી જોર જોરથી સહસ્ત્રાર ચક્ર ઉપર ટકરાય છે અને વારંવાર આ ક્રિયા થતાં સહસ્ત્રાર ચક્ર ખૂલે છે અને ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ ચાવી ખોવાઈ જાય અને દરવાજાને લગાવેલું તાળું તોડવું હોય તો સતત હથોડી વડે એને ટીપવું પડે છે. વારંવાર હથોડીના ઘા વાગતાં તાળું ખુલી જાય છે. આ ન્યાયે સહસ્ત્રાર ચક્ર ઉપર પ્રાણવાયુનું 'હમેરિંગ' થતાં, એ ખુલી જાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/moxdXR1
Previous
Next Post »