અવિવાહિત યુવકના જગતનું અદભુત ચિત્રણ...


- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- પોતાના હાથની ભાગ્યરેખાઓ જોતા -જોતા પહેલો પ્રશ્ન થાય છે કે આ મારા હાથની રેખાઓ સાથે કોના હાથની રેખાઓ જોડાશે? 

અવિવાહિતનું કાવ્ય

કોના હાથની રેખાઓ જોડાશે મારા હાથ તણી રેખાઓ સાથે ?

કુમ કુમની થાળીમાં કોડી-કરડે રમતાં

જાણી જોઇને આખુંયે ઘર હારીશ હું કોની સામે ?

કોની આંખોને ઓઢીને પોઢીશ હું માઝમ રાતે ?

કોની કારમી ચીસ નીકળતાં મારામાં અવતાર પામશે બાપ ?

મારા સ્વપ્નવંશના ફૂલ સોંપીને

મારામાંથી ખરી પડેલું શૈશવ પાછું લાવી આપશે કોણ મને ?

મારાં સ્વપ્નવંશના વૃક્ષ ઊજેરી

મારામાંથી ખરી પડેલું જોબન પાછું લાવી આપશે કોણ મને ?

દ્વારે રૂમઝૂમ કરશે વેવાઈની વેલ

વેલના પરદેશી પોપટ સંગે પોતાને એણે વિદાય આપી હોય

એમ આ ખાલી ઘરમાં પાછું ફરશે કોણ ?

મંગળદીવો લઇ ફૂલેકા સાથે ફરશે ઝગતું ઝગતું કોણ ?

રાતે ચોક વચાળે

સ્વપ્નવંશની બજર રંગની દંતકથાઓ કોણ થૂંકશે ?

કોણ હાથનો મજીઠિયો ખનકાર ભાંગશે મારી પાછળ ?

કોણ ખૂણાના અંધારાને ઓઢી રાખશે મારી પાછળ ?

મને ગયાના દિવસ, માસ ને વરસો ગણશે કોણ ?

કોણ ડોસલી મને યાદ કરવાની મારી છબી જોઇને ?

ચાલો, ચાલો મને બતાવો એ કન્યાને હમણાં...

ચાલો, ચાલો...

- અરવિંદ ભટ્ટ

અ વિવાહિત યુવકનું ગીત... કવિ શ્રી અરવિંદ ભટ્ટના ઉત્તમ કાવ્યોમાંનું આ એક છે. એક મુગ્ધ યુવક પોતાના ભવિષ્ય વિશે વિચારોમાં ખોવાતો જાય, તેની કલ્પનાઓમાં ચાલ્યો જાય તેની અદ્ભૂત રજૂઆતનું આ કાવ્ય છે. વિષયની દ્રષ્ટિએ પણ નવીનતા ધરાવતું આ કાવ્ય છે.

યુવાનીના ઉંબરે ઉભેલો યુવક પોતાની જીંદગી વિશે વિચારતો હશે, આજુબાજુના લોકોની જીંદગી તેણે જોઇ હશે. એક પછી એક ઓળખીતા યુવક-યુવતીઓને પરણતા જોયા હશે, પરણીને માતા-પિતા બની ગયેલા જોયા હશે અને એક પોતે છે જેના જીવનમાં હજુ સુધી કોઇ પાત્ર આવ્યું નથી. એ પાત્ર કેવું હશે ? જેનો ચહેરો જોયો નથી, જેના ચહેરા કે સ્વભાવની ખબર નથી તેના વિશે કવિ જે કંઇ આજ સુધી ચારેબાજુ સંસારમાં જોયું છે તેના આધારે માંડીને વાત કરવા બેઠા છે. પોતાના મનમાં જે-જે ભવિષ્યના મહત્વના પ્રસંગો અને વળાંકો છે તેની વાત એક પછી એક પંક્તિઓમાં અત્યંત નાટયાત્મક રીતે રજૂ થઇ છે.

પોતાના હાથની ભાગ્યરેખાઓ જોતા -જોતા પહેલો પ્રશ્ન થાય છે કે આ મારા હાથની રેખાઓ સાથે કોના હાથની રેખાઓ જોડાશે ? કોના ભાગ્યની સાથે મારું ભાગ્ય જોડાઈને એક બનવાનું છે અને આ એક પ્રશ્નની પાછળ કંઇ કેટલાય પ્રશ્નોની હારમાળા દ્વારા રચાય છે એક અદ્ભૂત કાવ્ય. બહુ જ ઝડપથી કોઇ Action Movie ની જેમ આંખ સામે કલ્પનામાં પથરાઈને ઉભેલા જીવનને શબ્દસ્ય કરાયું છે. કોના હાથની રેખાઓ સાથે મારા હાથની રેખાઓ જોડાવાની છે ? અને પછી તરત જ આંખ સામે લગ્નની વિધિઓ પૂરી થયા પછી વરઘોડિયાને યુવકના ઘરમાં રમાડવામાં આવતી કોડી-કરડાની રમતનું દ્રશ્ય મૂકી દીધું છે. કંકુનું પાણી ભરેલી થાળીમાં પતિ-પત્નીએ સિક્કા શોધવાના હોય છે. જે સૌથી પહેલા સિક્કા શોધી લે તેની જીત થાય ઘરમાં તેનું રાજ ચાલે. અને આ કાવ્યનો નાટક પ્રશ્ન પૂછે છે કે આ કંકુના પાણી ભરેલી થાળીમાં કોડી-કરડે રમતા-રમતા હું જાણી જોઇને મારું આખુંય ઘર કોની સામે હારી જવાનો છું ? એ કોણ હશે જેની સામે જાણી જોઇને હારી જવામાં જીત લખાયેલી છે. કોની આંખોમાં હું માઝમ રાતે એક થઇને સૂતો હોઇશ. હું કોની આંખોને ઓઢીને સૂતો હોઈશ અને પછી તરત એક જ ક્ષણમાં ચિત્ર બદલાય છે. એ સ્ત્રી માતા બની ગઈ છે. બાળકના જન્મની પળે ચીસ સ્ત્રી પાડશે અને એ જ ક્ષણે યુવક કહે છે બાળક જ જન્મશે જ પણ મારામાં પિતા પણ અવતરશે. માત્ર બાળક જ જન્મતું નથી. બાળકના જન્મની સાથે એક પુરુષ પિતા બની જાય છે, સ્ત્રી માતા બની જાય છે. એક મુગ્ધ યુવક અચાનક વાત્સલ્ય સભર પિતામાં રૂપાંતર પામે છે.

પોતાના ચાલ્યા ગયેલા બાળપણને કોઇ પાછું લાવી આપશે ? પોતાની ઉમ્મર વધી રહી છે. મોટો થઇ ગયો છે. ફરી પ્રશ્ન પૂછે છે કે મારું જે ખરી પડેલું જોબન છે, જે વીતી ગયેલી યુવાની છે એ ફરી પાછી કોનામાં જીવંત થતી જોઇશ. અને હવે વાત બદલાય છે. પુત્ર પછી પુત્રીની ઝંખનાની વાત છે. દીકરીને વધતા ક્યાં વાર લાગે છે. કવિએ દીકરીના જન્મની વાત નથી કરી. દીકરી હજુ જન્મી ત્યાં તો એને પરણાવાનો વખત આવી ગયો એટલી ઝડપથી કવિતાનો વળાંક આવે છે. પોતાના આંગણે વેવાઈ વરઘોડો લઇને આવ્યા હશે. એ વરઘોડામાં આવેલા પરદેશી પોપટની સાથે પોતાની દીકરીને વિદાય આપીને જાણે કવિ એકલા એટલે કે પેલો અવિવાહિત યુવક એકલો જાણે પાછો ફરે છે. કેટલા ઝડપથી વર્ષો વીતી રહ્યા છે. વૃધ્ધ પત્ની મંગળ દિવો લઇને કન્યા વિદાય પછી ઘરમાં પાછી ફરી હશે. દીકરીને પરણાવ્યા પછી જાણે અચાનક ઘડપણ આવી ગયું.

રાતે ચોક વચાળે...આ વાતને તો વર્ષો વીતી ગ યા છે. અહીંથી કવિતાનો એક જબરજસ્ત વળાંક આવે છે. અહીં સુધી પોતાના જીવનસાથીની, પુત્રની, પુત્રીની કલ્પના કરવામાં આવી હતી. પણ હવે એ જ જીવનસાથી સાવ વૃધ્ધ બની ગઈ છે. અત્યારે ગળે ઉતરે તેવી વાત નથી પણ હજુ થોડાક વર્ષો પહેલા જ વૃધ્ધ ડોશીઓ સવારે અને સાંજે આમ તો નવરી પડે ત્યારે છીંકણીનું દાણ કરતી હતી. પોતાની પત્ની હવે શેરીની ડોશીઓ સાથે બેસીને એ પણ છીંકણી ઘસતા-ઘસતા પોતાના ભૂતકાળમાં સરી ગઈ હશે અને છીંકણીની સાથે ભૂતકાળની દંતકથાઓને થૂંકી નાંખી હશે. કવિતાની હવેની પંક્તિઓ જબ્બર આંચકો આપે એવી છે. વૃધ્ધ ડોશીઓ પોતાનો ભૂતકાળ યાદ કરતી હોય, એ વૃધ્ધ ડોશીઓમાં પોતાની પત્ની પણ બેઠી હોય અને તે ભૂતકાળને વાગોળતી હોય. ફરી પાછા પ્રશ્નોની હારમાળા...કોના હાથ મારા મૃત્યુની પાછળ તેની ચૂડીઓ ભાંગશે, કોણ મારી પાછળ મારા ગ યા પછી જીવનભર ખૂણામાં રહેશે, કોણ મને ચાલ્યા ગયાના દિવસ, માસ અને વર્ષો ગણશે. કઇ ડોશી મારા ફોટોને જોઇને મને યાદ કરવાની છે. આટલી મોટી કલ્પનાની યાત્રામાંથી નીકળ્યા પછી તરત કવિ પૂછે છે એ કન્યા કોણ છે ? ચાલો ચાલો મને હમણાં જ બતાવો.

કવિતા પૂરી થયા પછી પણ જાણે કવિતા પૂરી થતી જ નથી. વારંવાર જુદા જુદા ચિત્રો ઉભા કરી આપતી આ પંક્તિઓ આપણને આખા જીવનનો જાણે સાર આંખ સામે મૂકી આપે છે. એક અલગ ભાવવિશ્વમાં મૂકી આપે છે. કવિતાની આ જ તો ખૂબી છે.

અરવિંદ ભટ્ટ ગીત અને ગઝલ બંને સ્વરૂપને સફળતાથી લખતો બળૂકો કવિ છે. છેલ્લા ઘણા વર્ષોથી તેની આળસ અને તેની મસ્તીને કારણે જાણે મૌન બેઠો છે. 

ફરી ધસમસતો વહે તેવી શુભેચ્છા સાથે તેના ત્રણ શેર માણીએ.

એક પીંછું મોરનું શોધતાં શોધતાં,

છેક પહોંચી જવાયું છે ગોકુળમાં.

એક ઘેંટું ટાઢથી થરથર થતું,

જોયા કરે ભરવાડ પાસે કામળી.

બત્તી કરું ને જેમ થતો અંધકાર ગુમ,

ક્યાં એમ થઇ શકે છે તમારો વિચાર ગુમ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/H3FEeTI
Previous
Next Post »