
- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી
- આપણા જ દેશનું યુવાધન વિદેશમાં જાય તો અચાનક પ્રતિભાવાન નથી થઈ જતું. એમનામાં પ્રતિભા તો જન્મથી જ હોય છે પછી વિદેશમાં પૂરક વાતાવરણ મળે છે
લખ હવે તારી કહાની,
તું 'ફિઝા' ! થઈ જા ભવાની
બંધ તૂટે! તૂટવા દે-ખોલ હોઠોની બુકાની.
અબઘડી મંડાણ કર, ચાલ;
રાહ ના જો શ્રીસવાની !
જિંદગી દઈ દીધી આખી,
ના મળી એક પળ મજાની.
હોઠ પર સૂકાઈ રહી છે,
હાસ્યની અંતિમ રવાની.
- કાજલ કાંજિયા 'ફિઝા'
આ પણે પરંપરાને ભૂલતા ગયા અને પરિવર્તનને સ્વીકારી શકતા નથી. ન આગળ જવાય છે કે ન વિશ્રામ લેવાય છે. હાઈ વે પર મૃત્યુ પામતા કૂતરાંની મનઃસ્થિતિ મોટાભાગે અવઢવમાં ઝોલા ખાતી હોય છે. સામેથી કાર આવતી હોય એટલે એ ઘડીક આગળ જાય, ઘડીક પાછળ જાય છે. જો એ આગળ નીકળી ગયો હોત તો બચી જાત કે પાછળ ગયો હોત તો પણ બચી જાત, પણ વચ્ચે રહ્યો એમાં મૃત્યુ પામ્યો. આ દહીં દૂધમાં રમતા લોકો ખતરનાક હોય છે. આર યા પાર જવાવાળો જ જીતે છે અને જીવે છે. ડબલ સ્ટાન્ડર્ડવાળા લોકોથી ચેતવું. દરેક સિક્કાની બે નહીં પણ ત્રણ બાજુ હોય છે. ત્રીજી જે પહેલી નજરે દેખાતી નથી, છેલ્લી નજરે જ દેખાય છે. આજના સમયમાં લોકોનું એટલું ધૈર્ય ક્યા રહ્યું છે ! મેગીનીજેમ બે મિનિટમાં કામ પૂરું કરવું છે. પરંપરામાંથી આવેલ શબ્દ 'તપ' નો તાપ-પ્રતાપ ક્યાકં ખાવાઈ ગયો છે. પરિવર્તનની ઈમારત ચણવી હશે તો પરંપરાનો પાયો જરૂરી છે. હા, પાયામાં ક્યાંક ફેરફારને અવકાશ હોય તો એ ચોક્કસ કરવા જોઈએ. ભલે નક્શો બદલવો પડે. ગાંધીજી કહે છે 'આપણા પ્રાચીન શાસ્ત્રોની વાત જો મારી સમજમાં ન ઉતરે તો હું ઈશ્વરપ્રણિત ગણાતી વાણીનો પણ ઈનકાર કરવાની હદ સુધી જાઉં છું'. ઘણીવાર સ્થાપીતો પોતાના અંગત સ્વાર્થ માટે પણ રિવાજનું રગશિયું ગાડું ચલાવે રાખે છે.
કોરોનામાં આયુર્વેદની અજમાઈશ કારગત નીવડી એ આપણે જોયું જાણ્યું. આ મહામારીએ સાબિત કર્યું કે પ્રકૃતિને ભૂલ્યા એટલે કેવી મોટી કિંમત ચૂકવવી પડી. જિંદગીથી વિશેષ કશું અનિવાર્ય નથી એ શીખવ્યું. રવીન્દ્રનાથ ટાગોરે ભલે કહ્યું છે કે 'જીવન અલ્પકાળનો ઉત્સવ અને મૃત્યુ મહાકાલ સાથેનું મિલન છે.' એ અલ્પકાળને પ્રલંભકાળ કેમ બનાવવો એ માણસના હાથની વાત છે. અખો પરંપરાનો વિરોધી ન હતો પણ પરંપરાને નામે ભળતુંસળતું ચાલે એનો વિરોધી હતો. 'જો જો રે મોટાના બોલ, ઉજડ ખેડે વાગ્યો ઢોલ; અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા મળ્યા; ઘેંસ ન થાય ન થાય ઘાણી, કહે અખો એ વાતો જાણી.' કબીરસાહેબે પણ અંધશ્રધ્ધા સામે આંખ કરી હતી. કબીર જેવા વિચારપ્રધાન સંતની આજે તાતી જરૂર છે. સમાજને ગમે એવું નહીં પણ એના માટે યોગ્ય હોય એ કરવું 'દુઃખ મેં સુમરિન સબ કરે, સુખ મે કરે ન કોય, જો સુખ મે સુમરિન કરે, દુઃખ કાહે કો હોય' જિંદગીની કેવી મોટી ફિલસૂફી આપી દીધી. સુખમાં સોની સાંભરે અને દુઃખમાં દરિદ્રનારાયણ... આવી વિચારસરણી હોય ત્યાં પ્રભુ કેમ નિવાસ કરે ?'
ભૌતિકતાની ભરમાર અને આધુનિકતાના અરણ્યમાં દોડવા લાગ્યા છીએ અને મંઝિલની ખબર જ નથી. દેખાદેખીના દરવાજે ડેકો દેતા બેઠા છીએ. Welcome ને પણ વેલકમ કરીએ છીએ પણ 'ભલે પધાર્યા' ભૂલાવું ન જોઈએ. રાતે સંજવારી ન કાઢવાની પરંપરા છે. એવું કહેવાય છે કે રાતે સંજવારી કાઢવાની ઘરમાં લક્ષ્મી ન આવે. મધ્યકાળ યુગમાં ધર્મ સાથે કોઈ પણ બાબત જોડી દો એટલે લોકો એનું પાલન કરતા હતા. એ સમયે વીજળી ન હતી અને અંધારામાં સંજવારી કાઢે તો કોઈ કિંમતી વસ્તુ જતી રહે. એટલે કહેવાયું કે રાતે સંજવારી કાઢવાથી ઘરમાં લક્ષ્મી ન આવે. આજે આ પરંપરા પ્રસ્તુત નથી. એનું પાલન ન કરવું જોઈએ. ઘરમાં મની પ્લાન્ટ વાવો એની સામે વાંધો ન હોય પણ તુલસીક્યારો હોવો જોઈએ. તુલસી ઔષધી તરીકે અક્સીર છે એ વિજ્ઞાાનને સાબિત કરી આપ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે વિદેશી કહે ત્યારે આપણને પરંપરાનું મૂલ્ય સમજાય છે. આપણા જ દેશનું યુવાધન વિદેશમાં જાય તો અચાનક પ્રતિભાવાન નથી થઈ જતું. એમનામાં પ્રતિભા તો જન્મથી જ હોય છે પછી વિદેશમાં પૂરક વાતાવરણ મળે છે.
વીતેલી ક્ષણોના અજવાળે જ નવી પેઢી પ્રેરણાનું માથું બાંધતી હોય છે. પરંપરાના પોષણમાં વર્ષો નીકળી જતા હોય છે. એમ એનો એકડો કાઢી ન નાખો યુવાનો...! જે દેશ એના મૂળ સાથે જોડાયેલો રહ્યો છે એની ગત-પ્રગતિ આપણે જોઈ શકીએ છીએ. બુદ્ધિની એરણ પર ખરી .તરે એ જ પરંપરા સાચી એવું ન પણ હોય, એને હૃદયથી સમજવી પડે. પરંપરાની આંખે અને પરિવર્તનની પાંખે આભઅટારીએ ટહેલીએ. ફ્રેંચ ફિલસૂફ હેનરી બર્ગશા કહે છે કે 'અસ્તિત્વ ધરાવવું એટલે પરિવર્તિત થતા રહેવું, પરિવર્તિત થતા રહેવું એટલે પરિપક્વ થતા રહેવું પરિપક્વ થતા રહેવું એટલે સ્વયંનું અવિરત નિર્માણ કરતા રહેવું.'
વર્ષો પહેલાં હું જ્યારે તદ્દન જુવાન હતો અને આપણા કવિ શ્રી બળવંતરાય કલ્યાણદાસ ઠાકોર, જેમને અમે બધા પ્રેમથી બલ્લુકાકા કહેતા, તે વૃધ્ધ હતા ત્યારે ઘણીવાર હું તેમની સાથે જતો. એકવાર હું તેમની સાથે ક્યાંક ચાલતાં ચાલતાં જઈ રહ્યો હતો. તે વૃધ્ધ હતા એટલે ધીમે ધીમે ચાલતા હતા. મને તેમને પ્રશ્ન પૂછવાનું મન થયું ઃ 'બલ્લુકાકા, એક પ્રશ્ન પૂછું? અમે બધા જુવાન છીએ એટલે અમને મૃત્યુ વિશે વિચારો બહુધા આવતા નથી. પણ તમને બુઢા માણસોને એ વિષે કેવા વિચારો આવતા હશે?'
એ સાંભળતા જ મારી તરફ ફરી, હાથમાં તે લાકડી હવામાં વીંઝી અને કહેઃ 'આ સવાલ તમે કોઈ બુઢાને પૂછો!' આ શબ્દો છે શબ્દની શેરબજારમાં સાહિત્યની સુગંધ પ્રસરાવનાર ગુલાબદાસ બ્રોકરના. આવી જિન્દાદિલી હોય ત્યાં સુધી માણસને કોઈ પીડા સ્પર્શી ન શકે.
આવજો...
ઊંઘ એ ટૂંકું મરણ છે તો મોત એ લાંબી ઊંઘ છે. -
ફિનિયસ ફલેચર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FSuBCO1
ConversionConversion EmoticonEmoticon