હિત, મિત ને પ્રિય બોલવું તે વાણીનું તપ છે


એ ક ગૃહસ્થે આવેશમાં આવી તેના પાડોશી સાથે ઝઘડો કર્યો. તેને ન કહેવાનાં કટુ વચનો કહ્યાં. પછી તેને થયું કે, મે વધુ પડતું કહી દીધું. પડોશી ખરેખર દુ:ખી હશે. રાત્રે તેને ઊંઘ આવતી નથી. સવારે તે સંત પાસે જઇને કહે છે કે, મારાથી મારા પડોશી સાથે ઝગડો અને ઉશ્કેરાટમાં કટુવચન કહેવાઇ ગયાં છે. હવે હું એ શબ્દજો પાછા કઇ રીતે ખેંચી શકું ?

સંત કહે, તારા ઘરની પાછળના વાડામાં જે સૂકાં પાંદડાં પડયાં છે તે થોડાં પાન એકત્ર કરીને ચોક વચ્ચે મૂકીને આવી જા.  

સંત કહે, આપણા શબ્દોનું પણ એવું જ છે. જે શબ્દો આપણાથી બોલાઈ ગયા તે શબ્દજો પાછા આવી શકતા નથી. હા, આપણે ક્ષમાયાચના કરી થોડા હળવા જરૂર થઇ શકીએ પણ આ ભૂલનું જો પુનરાવર્તન થાય તો બધું જ વ્યર્થ.

કોઇપણ શબ્દો બોલતાં પહેલાં વિચાર કરવો જરૂરી છે. વિચારીને વેણ બોલીએ તો પસ્તાવાનો વારો ન આવે. અવિચારી વાણી આવેશનું સ્વરૂપ લે છે અને તે જ્યારે ક્રોધમાં પરિણમે છે ત્યારે એ આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાનનું સ્વરૂપ લે છે અને તે કર્મબંધનમાં પરિણમે છે.

ભગવાન મહાવીરના ઉપદેશ ગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્રના પહેલા અધ્યયનની એક નાનકડી ગાથા ઘણું બધું કહી દે છે -  લ્લલ્લર્દ્ધંઢપ્છ હ્ર્ પ્ હ્ય્લ્શ્નખ્ત''  વધુ પડતું બોલવું નહીં. બોલવું એ પ્રકૃતિ છે. વધુ પડતું બોલ્યા કરવું એ વિકૃતિ છે. જ્યારે મૌન ધારણ કરવું એ સંસ્કૃતિ છે. વધુુ પડતું બોલવાથી વાતનું વજન પડતું નથી. બોલવું એ કળા છે જ્યારે મૌન એ મહાકલા છે. જે બોલવું તે સમય અને સામેવાળી વ્યક્તિના સ્વભાવને લક્ષમાં રાખીને બોલવું, પણ વધારે પડતું તો નહીં જ. સન્માનીય વ્યક્તિ, સંત કે વડીલ સામે ઉશ્કેરાટ સાથે કે ઊંચા અવાજે બોલાય તો તે અપરાધ છે. વધુ પડતું બોલવાથી તમારી સાચી અને સત્ય વાદનું મૂલ્ય ઘટી જવા પામે છે, માટે 'બોલો મગર તોલ મોલ કે બોલો'. હિત, મિત અને પ્રિય બોલવું એને વાણીનું તપ કહ્યું છે. 

અહીં પ્રિય એટલે 'કર્ણપ્રિય'. કાનને ગમે તેવાં વચનો બોલવાં એવો સ્થૂળ અર્થ માત્ર નથી. પ્રિય એટલે વિનય, વિવેકસહ આત્મહિત, આત્મકલ્યાણનાં વચનો એવો અર્થ કરવાનો છે. એક રાજાને પોપટ પાળવાનો શોખ. તેનો પોપટ મૃત્યુ પામતાં મંત્રીને કહે, એક પોપટ લઇ આવો. મંત્રી તો પોપટની શોધ કરતાં કરતાં એક સંતની કુટિર પાસે પોપટ હતો ત્યાં આવી સંતને કહે, રાજાને પોપટની જરૂર છે. સંત કહે, હું આ ગામ છોડી અન્ય પ્રદેશમાં જઇ રહ્યો છું. સર્વધર્મની ઉપાસના કરવાવાળા આ સંત કહે, તમે રાજા માટે આ પોપટ ખુશીથી લઇ જાવ.

રાજા અને રાજમહેલવાસી સર્વે પોપટને જોઇ ખુશ થઇ ગયા. દરબાર હોલના સોનાના પાંજરામાં રહેલ પોપટ જે કોઇ આવે તેનો વેશ પરથી તેને આવકારી-પધારો ભાઈ, રામ...રામ... આવો મહાપુરુષ... જયસચ્ચિદાનંદ... જયશ્રીકૃષ્ણ....આવો મહાનુભવ...જય જિનેન્દ્ર...વગેરે શબ્દો દ્વારા આવકારે. પોપટ અલગ અલગ સમયે જુદા જુદા ધર્મોના મંત્રોચ્ચાર પણ કરે. ગાયત્રી મંત્ર, ઁ નમ: શિવાય:, ગીતાનો શ્લોક, નવકારમંત્ર વગેરે...સૌ ખુશી હતા. જાણે રાજદરબારમાં કોઇ સંતની ઉપસ્થિતિ હોય તેવો માહોલ હતો. બધા જ પોપટને ચાહતા હતા. એક દિવસ પોપટનું મૃત્યુ થયું. તે દિવસે સમગ્ર રાજ્યમાં શોક જાહેર થયો. થોડા દિવસ પછી મંત્રીએ ફરી એક કસાઈના પાંજરામાં પોપટ જોતાં તેની માગણી કરી. કસાઈ કહે, આ પોપટ રાજાને યોગ્ય નથી પરંતુ રાજાને તેની જરૂર હોય તો તમે તેને ખુશીથી લઇ જાવ.

રાજા મહેલમાં પોપટ આવતાં ફરી ખુશીની લહેર છવાઈ. સવારે દરબારીઓ આવતાં પોપટ પોતાની વાણીમાં સ્વાગત કરે છે.

શ્રેષ્ઠીનું આગમન થતાં પોપટ કહે, આવ કાલાબજારિયા. રાજગુરુને પધારતા કહે, દંભી દાઢી વધારીને આવ્યો. મંત્રીને જોતાં કહે, જુઓ ધૂર્ત આવી રહ્યો છે. આમ બધાને ગાળો દેનાર પોપટને ચોકીદારે ડોક મરડી ફેંકી દીધો.

એક પારઘીને પોપટનાં બે બચ્ચાં મળ્યાં હતાં. એક સંતને આપેલ અને એક કસાઈને. બન્ને બચ્ચાં સહોદર હોવા છતાં એકનો ઉછેર સંત પાસે થયો ને બીજાનો કસાઈ પાસે. સત્સંગથી સારી કરણી અને મધુરવાણીનું જીવનમાં અવતરણ થાય. અહીં ''સોબત તેવી અસર'', ''સંગ તેવો રંગ'' ઉક્તિ ચરિતાર્થ થતી જોવા મળે છે.

- ગુણવંત બરવાળિયા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BjcOoUz
Previous
Next Post »