નડિયાદ તાલુકાના કંજોડા ગામે ઈન્ડિયન બેંકમાં આગ લાગતાં દોડધામ મચી


- મંગળવારે સવારે 7 વાગ્યે આગ લાગી

- આકસ્મિક આગ લાગતાં અગત્યના દસ્તાવેજો તેમજ બેંકનું ફર્નિચર સળગી ગયું

નડિયાદ : ખેડા જિલ્લામાં પંદરેક દિવસ અગાઉ નડિયાદની બેંક ઓફ ઇન્ડિયામાં ભિષણ આગ ભભુકી ઉઠી હતી. આવી જ રીતે આજે નડિયાદ તાલુકાના કંજોડા ગામની ઈન્ડિયન બેંકમાં અચાનક આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

નડિયાદ તાલુકાના કંજોડા ગામમાં ટાવર ચોક વિસ્તારમાં ઈન્ડીયન બેંક આવેલ છે. આ બેંકમાં આજે મંગળવારે સવારે સાત વાગ્યાના સુમારે આગ ભભુકી ઉઠી હતી. બંધ બેંકમાં આગ લાગ્યાની જાણ થતાં લોકોના ટોળેટોળાં બેંકના સ્થળે દોડી ગયા હતા. આસપાસના સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને બુઝાવવા કામગીરી હાથ ધરી હતી. આ આગ લાગ્યાની સ્થાનિક રહીશોએ નડિયાદ ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ એક વોટર બ્રાઉઝર સાથે બનાવના સ્થળે દોડી આવી હતી. 

ફાયર બ્રિગેડ ની ટીમે આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. એટલું જ નહીં ફાયર બ્રિગેડની ટીમે બારી તોડી તેમજ ઉપરના માળે જઇ બારી મારફતે પાણીનો છંટકાવ કર્યો હતો. જેથી દોઢેક કલાકની ભારે જહેમત બાદ આગ કાબુમા આવી હતી. જોકે આ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ બેંકમાં શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન છે. 

આ ઘટનામા કોઈ જાનહાની થઈ નથી પરંતુ બેંકમાં લાગેલ આગના કારણે તમામ ફર્નીચર તેમજ અગત્યના દસ્તાવેજો સળગી જતા નાશ પામ્યા હોવાનું જાણવા મળેલ છે. જોકે આ આગ લાગતા નાણાકીય રોકડને નુકશાન થયું છે કે કેમ તે જાણવા મળેલ નથી. બેંકના અધિકારીઓ સ્ટાફે દોડી આવી બેંકમાં કેટલું નુકશાન થયું તે અંગે તપાસ હાથ ધરી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DseYqFG
Previous
Next Post »