અરિજિત નહીં,રિમિકસ સામે વાંધો અનુરાધા પૌંડવાલનો ખુલાસો


- વિવાદ થતાં સિંગરે સ્પષ્ટતા કરી

- આજ ફિર તુમ પે પ્યાર ગીત મુદ્દે  ટિપ્પણીથી અરિજિતના ચાહકો ભારે રોષે ભરાયા

મુંબઈ: સિનિયર ગાયિકા અનુરાધા પૌડવાલે 'આજ ફિર તુમ પે પ્યાર' ગીતનાં રિમિક્સ સામે વાંધો ઉઠાવ્યા બાદ અરિજિત સિંહના ચાહકો ભારે રોષે ભરાયા હતા. આ મુદ્દે વિવાદ થયા બાદ આખરે અનુરાધા પૌડવાલે ખુલાસો કર્યો છે કે એક ગાયક તરીકે તેમને અરિજિત સામે કોઈ વ્યક્તિગત વાંધો નથી પરંતુ તેમને રિમિક્સના ટ્રેન્ડ સામે વાંધો છે. અનુરાધાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેર સ્પષ્ટતા કરી હતી. 

અનુરાધા પૌડવાલે મૂળ 'દયાવાન' ફિલ્મમાં 'આજ ફિર તુમ પે પ્યાર આયા હૈ' ગીત ગાયું હતું. બાદમાં 'હેટ સ્ટોરીટૂ'માં અરિજિતે આ ગીત રિક્રિએટ કર્યું હતું. 

તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં અનુરાધાએ આ અંગે આક્રોશ ઠાલવ્યો હતો અને જણાવ્યું હતું કે પોતાનાં ગીતોનાં આડેધડ રિમિક્સથી પોતે ભારે સંતાપ અનુભવી રહ્યાં છે. તેમાં તેમણે આ ગીતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. 

તે પછી અરિજિતના ચાહકો ભારે રોષે ભરાયા હતા. કેટલાય લોકોએ ટિપ્પણી કરી હતી કે ખુદ અનુરાધાએ પણ ભૂતકાળમાં પોતાના પુરોગામી ગાયકોના ગીતો ફરીથી કવર વર્ઝન તરીકે ગાયાં જ છે. 

જોકે, હવે અનુરાધાએ સ્પષ્ટતા કરી છે કે મારાં નિવેદનને ખોટી ર ીતે ચગાવી દેવાયું છે. વ્યક્તિ તરીકે કે એક ગાયક તરીકે મને અરિજિત સામે કોઈ વાંધો નથી. પરંતુ, આ ગીત સહિત ૯૦ના દાયકાના  કેટલાંય સુપરહિટ ગીતોને જે આડેધડ રીતે રિમિક્સ કરાી રહ્યાં છે તેની સામે મારો આક્રોશ છે. મૂળ ગીતો સાથે ન્યાય થવો જોઈએ એ આજનાં રિમિક્સમાં ન્યાય થતો નથી. અમે અમારા વરિષ્ઠ પુરોગામી ગાયકોનાં ગીત ફરીથી ગાયાં છે પરંતુ તે એક શ્રદ્ધાંજલિ રુપે અને મૂળ ગીતનું સ્વરુપ જળવાઈ રહે તે રીતે ગાયાં છે આ રીતે તેની સાથે ચેડાં કર્યાં નથી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uB70ws8
Previous
Next Post »