બ્રેઈન ચિપ સફળ થાય તો અંધજનો જોઈ શકશે


- બજારની વાત

- બ્રેઈન ચિપ સફળ થાય તો અંધજનો જોઈ શકશે

એલન મસ્કની  કંપની ન્યૂરાલિંકને બ્રેઈન ચિપના હ્યૂમન ટ્રાયલ માટે  મંજૂરી મળતાં મેડિકલ સાયન્સમાં ક્રાંતિ આવવાનાં એંધાણ છે.  આ ટ્રાયલ સફળ થશે તો આ ચિપની મદદથી અંધજનો  જોઈ શકશે અને પેરાલિસિસનો ભોગ બનવેલી વ્યક્તિ હલનચલન કરીને મોબાઈલ અને કમ્પ્યૂટર ઓપરેટ કરી શકશે. 

ન્યૂરાલિંકની ટીમે બનાવેલી ન્યૂરાલિંકે સિક્કાના આકારની આ ચિપ  કમ્પ્યૂટર, મોબાઈલ ફોન અથવા અન્ય ડિવાઈસને બ્રેઈન એક્ટિવિટી (ન્યૂરલ ઈમ્પલ્સ) સાથે ડાયરેક્ટ કનેક્ટ કરશે. તેના કારણે પેરાલિસિસગ્રસ્ત વ્યક્તિના મગજમાં ચિપ લગાવ્યા પછી માત્ર વિચારવાથી જ પ્રવૃત્તિઓ કરી શકાશે. આ ચિપને દર્દીની  ખોપરીમાં ૨૫ મિમી વ્યાસનું એક છિદ્ર બનાવીને નાંખવામાં આવશે, તેના માટે એક રોબોટ પણ બનાવવામાં આવ્યો છે.

- અદા શર્માને બોલીવુડના કલ્ચર સામે અણગમો

'ધ કેરલ સ્ટોરી' ની સફળતાને પગલે અભિનેત્રી અદા શર્મા સ્ટાર બની ગઈ છે. અદા શર્માએ પણ હવે બોલીવુડના વર્ક કલ્ચરની ઝાટકણી કાઢી છે.  અદા શર્માના મતે, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેને સૌથી વધુ ખૂંચતી વાત સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદભાવ છે. બોલિવૂડમાં અભિનેત્રીઓને સેટ પર બહુ વહેલીં બોલાવવામાં આવે છે જ્યારે પુરૂષ અભિનેતા પાછળથી આરામથી આવી શકે છે. મને આ પ્રકારના વાતાવરણમાં કામ કરવામાં આનંદ નથી આવતો. અદાની વાતો જોતાં એ પણ  સાઉથની ફિલ્મો તરફ વળી જશે એવું લાગે છે. સુદીપ્તો સેન દિગ્દર્શિત વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'માં શાલિની ઉન્નીકૃષ્ણનની મુખ્ય ભૂમિકા ભજવનારી અદાએ આ પહેલાં ટીવી સીરિયલો ઉપરાંત  હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું હતું પણ સફળતા નહોતી મળી. 

બચ્ચનનો પંખા ચોટીવાળા પોલીસનો વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકેલા એક  વીડિયોએ સૌને મજા કરાવી દીધી છે. આ વીડિયોમાં એક પોલીસકર્મી હાથમાં સફેદ થેલી લઈને જઈ રહ્યો છે અને તેની ચોટી પંખો ચાલી રહ્યો હોય એ રીતે ફરી રહી છે. પોલીસ પોતાના માથાને એ રીતે હલાવે છે કે, તેની ચોટી એકદમ લયબઘ્ધ રીતે ફરે છે. બચ્ચને કોમેન્ટ પણ લખી છે કે, આ કાળઝાળ ગરમીમાં આ માણસ ઠંડક માટે પોતાની સાથે પોતાનો જ પંખો લઈને ફરી રહ્યો છે.  આ વીડિયો ક્યાંનો છે તેનો અમિતાભે ઉલ્લેખ કર્યો નથી પણ વીડિયો જોતાં અમિતાભના મુંબઈમાં આવેલા પોતાના ઘરની આસપાસનો જ વીડિયો હોવાનું લાગી રહ્યું છે.  

વિપ્રોના ચેરમેને સામેથી અડધો પગાર લીધો

વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજીએ માર્ચ ૨૦૨૩માં પૂરા થતા નાણાકીય વર્ષમાં કંપનીનો નફો ઘટયો તેની જવાબદારી સ્વીકારીને પોતાનો પગાર પચાસ ટકા કરી નાંખ્યો છે. રિષદે રૂપિયા ૭.૮૭ કરોડનો પગાર લીધો છે કે જે ગયા નાણાકીય વર્ષમાં તેમના રૂપિયા ૫.૦૫ કરોડના પગારથી લગભગ અડધો છે.  છેલ્લાં પાંચ વર્ષમાં રિષદે બીજી વખત પોતાની જવાબદારી સ્વીકારીને ઓછો પગાર લીધો છે. 

આ અગાઉ, રિષદ પ્રેમજીએ કોરોના રોગચાળા દરમિયાન પગારમાં ૩૧ ટકાનો ઘટાડો કરીને  ૨૦૧૯-૨૦માં ૫.૬૨ કરોડ રૂપિયાનો પગાર લીધો હતો. તેના આગલા વરસે તેમને   રૂપિયા ૮.૧૧ કરોડ પગાર મળ્યો હતો. આ વરસે વિપ્રોના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (CFO)  જતિન પ્રવિણચંદ્ર દલાલને પણ ગયા વર્ષના રૂ. ૧૩.૨૪ કરોડની સામે ૯.૧૦ કરોડ પગાર મળ્યો છે. 

અજીત શોખ માટે ભેગી કરેલી બાઈક્સમાંથી કમાણી કરશે

સાઉથના સુપરસ્ટાર અજીતે અનોખા બિઝનેસમાં ઝંપલાવીને પોતાની મોટરબાઈક ટુરિંગ કંપની શરૂ કરી છે. અજીતને મોટરબાઈકનો ગાંડો શોખ છે. પોતાના શોખને કરીયરમાં ફેરવવા અજીતે એકે મોટો રાઈડ નામે કંપની લોંચ કરી છે. આ કંપની જુદા જુદા પ્રકારની મોંઘીદાટ બાઈક્સ ભાડે આપશે. અજીત પાસે સુપરબાઈક્સનું બહુ મોટું કલેક્શન છે. આ કલેક્શનનો ઉપયોગ રાઈડર્સ અને ટ્રાવેલર્સ એડવેન્ચર ટૂર માટે કરી શકશે.  ભારતમાં વિદેશથી આવતા પ્રવાસીઓને પોતાની રીતે બાઈક પર ફરવું હોય છે પણ ભારતમાં આ પ્રકારની કંપનીઓ નહીં હોવાથી મૂંઝાય છે. અજીતની કંપની તેમની મૂંઝવણનો ઉપાય છે. એકે મોટો રાઈડની બાઈક્સની મદદથી પહાડી રસ્તા કે હાઈવે પર પણ પ્રવાસીઓ ભારત દર્શનની મજા માણી શકશે. 

સુદાનનો ગુંદર નહીં મળે તો પેપ્સી-કોક બંધ

આફ્રિકાના દેશ સુદાનમાં ચાલી રહેલા આંતરિક યુદ્ધે અમેરિકનોની ચિંતા વધારી દીધી છે કેમ કે આ યુદ્ધ લાંબુ ચાલે તો અમેરિકનોને પેપ્સી અને કોક જેવાં ડ્રિંંક્સ મળતાં બંધ થઈ જશે. વાત આશ્ચર્યજનક છે પણ સાચી છે. 

સુદાનમાં એક ખાસ પ્રકારનો ગુંદર મળે છે. આ ગુંદરને એકેસિયા ગમ કહેવામાં આવે છે. આ ગુંદર સોફ્ટ ડ્રિંંક ઉદ્યોગ સહિત ઘણાં બધાં ઉત્પાદનોમાં વપરાય છે. આ ગુંદરનો ઉપયોગ સોફ્ટ ડ્રિંંક્સના સ્વાદને જાળવી રાખવા માટે થાય છે. આ ગુંદર ચ્યુઇંગ ગમ અને સોફ્ટ કેન્ડીમાં પણ વપરાય છે. કોક અને પેપ્સી જેવી સોફ્ટ ડ્રિંક્સ બનાવતી કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે, યુદ્ધ બંધ નહીં થાય તો ૩ મહિનામાં સોફ્ટ્ ડ્રિંંક્સનો સપ્લાય બંધ થઈ શકે છે. 

મહાલક્ષ્મી-રવીન્દ્રના કજોડાનો અંત ? 

સાઉથની જાણીતી અભિનેત્રી મહાલક્ષ્મીએ ગયા વર્ષે ફિલ્મ સર્જક રવિન્દ્ર ચંદ્રશેખર સાથે લગ્ન કર્યા ત્યારે તેના માથે બહુ માછલાં ધોવાયાં હતાં. તેનું કારણ એ કે, મહાલક્ષ્મી બેબી ડોલ જેવી નાજુક નમણી અને સુંદર છે જ્યારે રવિન્દ્ર એકદમ જાડિયો છે. દોઢસો કિલોથી વધારે વજન ધરાવતો રવિન્દ્ર દેખાવમાં પણ સાધારણ હોવાથી મહાલક્ષ્મીના ચાહકોએ પણ એવી કોમેન્ટ્સ કરી હતી કે, મહાલક્ષ્મીએ પૈસા માટે  લગ્ન કર્યા છે.  વરસ પછી હવે મહાલક્ષ્મીએ સોશિયલ મીડિયા પર પોતાનો એકલો ફોટો મૂકતાં તેના ચાહકો ગેલમાં આવી ગયા. મહાલક્ષ્મીનાં લગ્ન તૂટી ગયાં હોવાનો દાવો કરીને તેમણે પોતે સાચા હોવાની વધાઈ ખાધી પણ મહાલક્ષ્મીએ આ વાતને ખોટી ગણાવીને તેમની હવા કાઢી નાંખી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DTyc0ud
Previous
Next Post »