પંજાબી દુલ્હનોમાં ફૂલીફાલી રહ્યો છે થીમ બેઝ્ડ કલીરા પહેરવાનો ટ્રેન્ડ


થોડા સમય પહેલા અભિનેત્રી કિયારા અડવાણીના લગ્ન  લેવાયા.તેનાથી પહેલા આથિયા શેટ્ટી વિવાહના બંધનમાં બંધાઇ.આલિયા ભટ્ટે પણ પોતાનો સંસાર માંડી દીધો.આ બધી અદાકારાઓના લગ્નમાં કોઇ એક બાબત સમાન હોય તો તે છે તેમના કલીરા.

પંજાબી લોકોમાં દુલ્હનને કલીરા પહેરાવવાની પ્રથા ચાલી આવે છે.કલીરા એટલે વિવિધ પ્રકારના લટકણિયા ધરાવતી બંગડીઓ.નવોઢાના સંબંધીઓ કે મિત્રો તેને કલીરા લઇ આપે છે.એમ કહેવાય છે કે નવવધૂને કલીરા શુભાશિષ તરીકે  આપવામાં આવે છે. સાસરે ગયા પછી આ કલીરા તેને મિત્રો અને પિતરાઇઓની યાદ અપાવે છે. તદુપરાંત તેનો નાળિયેર જેવો આકાર નવોઢા ક્યારેય સાસરામાં ભૂખી ન રહે તેનું પ્રતિક ગણાય છે.કલીરાની ધાતુ સમૃધ્ધિનું પ્રતિક લેખાય છે.

આમ તો કલીરા અનેક ડિઝાઇનોમાં મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવવધૂઓમાં થીમ આધારિત કલીરા પહેરવાનો ટ્રેન્ડ ફૂલ્યોફાલ્યો છે.

આલિયા ભટ્ટની વાત કરીએ તો તેણે રણબીર કપૂર સાથે લગ્ન કર્યાં ત્યારે જે કલીરા પહેર્યાં હતાં તેમાં સોનાની નાની નાની  ચકલીઓ,પતંગિયા અને વાદળો  લટકાવવામાં આવ્યાં હતાં.જોકે તેના ચુડા પણ ખૂબ સુંદર હતાં. તેણે કુંદનના કડાં સાથે લાલ ચૂડા મિક્સ કર્યાં હતાં. 

કિયારા અડવાણીની વાત કરીએ તો તેણે પોતાના કલીરામાં સિધ્ધાર્થના પાળતૂની તસવરો મૂકાવી હતી. આ કલીરા  ડિઝાઇન કરનાર જ્વેલરી ડિઝાઇનરે પછીથી સોશ્યલ મીડિયા પર તેના ક્લોઝ-અપ મૂકતાં કહ્યું હતું કે સિધ્ધાર્થને ર્તેનો પાળતૂ શ્વાન ઑસ્કાર  અત્યંત પ્રિય હતો.તેનું મૃત્યુ થયું ત્યારે સિધ્ધાર્થ દુઃખી દુઃખી થઇ ગયો હતો. કિયારાએ પોતાના કલીરામાં ઑસ્કારની તસવીરો મૂકાવીને સિધ્ધાર્થ સમક્ષ મૃતક પાળતૂ પ્રત્યેનો સ્નેહ છતો કર્યો હતો.

આથિયા શેટ્ટીએ તાજેતરમાં ક્રિકેટર કેએલ રાહુલ સાથે વિવાહ કર્યાં ત્યારે તેના કલીરાએ લોકોનું  વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.જયપુર અને લખનઉના કારીગરોએ તેના કલીરા હાથેથી ઘડયાં હતાં.તેમાં તેમણે  હાથે ઘડેલા૫૦થી પણ વધુ નાના નાના સૂર્યમુખીના ફૂલ બનાવ્યાં હતાં.તેમાં સૂરજની આકૃતિ પર લગ્નની તારીખ કંડારવામાં આવી હતી.

કાજલ અગ્રવાલના લગ્ન થયાં ત્યારે તેણે  ગુમ્બજ આકારના મોતીના કલીરા પહેર્યાં હતાં.

કલીરામાં અન્ય કયા ટ્રેન્ડ ચાલી રહ્યાં છે તેના વિશે જાણકારી આપતાં જ્વેલરી ડિઝાઇનરો કહે છે કે ટ્રેડિશનલ અને સ્ટાઇલિશ લુક માટે ઝુમર ડિઝાઇનના કલીરા પસંદ કરવામાં આવે છે. તદુપરાંત  તાજાં ફૂલોમાંથી બનાવેલા  કલીરા પણ ખૂબ ચાલે છે.નવોઢાઓમાં ઘૂંઘરુવાળા કલીરા પણ પ્રિય થઇ પડયાં છે.જોકે પરંપરાગત ડિઝાઇન પસંદ કરતી નવવધૂઓ હજી પણ પાંદડાની ડિઝાઇનવાળા કલીરા પહેરે છે. 

- વૈશાલી ઠક્કર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uADbB2C
Previous
Next Post »