ગોવિંદાની પત્ની મહાકાલના દર્શને પહોંચી, ગર્ભગૃહમાં ભૂલને કારણે થયો હોબાળો

                                                            Image Source: Instagram

- બે ખાનગી સુરક્ષા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા

ઉજ્જૈન, તા. 18 મે 2023, ગુરૂવાર

જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં સોમવારે ફિલ્મ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા બેગ લઈને ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના દર્શન કરવા પહોંચી હતી. મંદિરના નિયમ પ્રમાણે ગર્ભગૃહમાં બેગ, થેલો, પોલિથીન વગેરે વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે. 

આ મામલે મંદિર વહીવટી તંત્રએ બુધવારે પંડિત રમણ ત્રિવેદી અને ગર્ભગૃહ નિરિક્ષક શુભમને નોટિસ પાઠવી હતી. જ્યારે બે ખાનગી સુરક્ષા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે. 

નિયમોનું પાલન કરવા માટે મંદિર સમિતિએ ગર્ભગૃહ અને નંદી હોલ નિરીક્ષકની નિમણૂક કરી છે. કોઈ પ્રતિબંધિત વસ્તુઓ પ્રવેશ ન કરે તે માટે વિભિન્ન દ્વારો પર ગાર્ડ તૈનાત રહે છે.


સોમવારે ફિલ્મ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા આહુજા બેગ લઈને ન માત્ર ગર્ભગૃહમાં પહોંચી હતી પરંતુ પૂજા દરમિયાન તે પોતાના ખભા પર બેગ લટકાવીને ઊભી રહી હતી. પંડિત રમણ ત્રિવેદીએ તેમને પૂજન કરાવ્યુ હતું. સુનિતા આહુજા મંદિરમાં આવી ત્યારથી લઈને ગર્ભગૃહમાં પૂજા કરવા સુધી કોઈ પણ ગાર્ડ, કર્મચારી અહીં સુધી કે પંડિત રમણ ત્રિવેદીએ પણ તેમને નિયમોની જાણકારી ન આપી.

જ્યારે આ મામલો સંબંધિત અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે મંદિરના પ્રશાસકે કહ્યું કે બેગને અંદર કેવી રીતે લઈ જવા દેવામાં આવી તેના ફૂટેજ જોયા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મહાકાલ મંદિરના પ્રશાસક સંદીપ સોનીએ આ અંગે જણાવ્યું કે તે દરમિયાન સુરક્ષા ટીમ ગેટ પર તૈનાત હતી અને તેમની જવાબદારી હતી કે કોઈ અંદર બેગ અને પર્સ ન લઈ જાય. તેમણે એમ પણ કહ્યું કે ક્ષતિ કરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PFdmYZf
Previous
Next Post »