લાગણીભીનું બાળક અને - .


- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી

- પોતાને 'ધાર્મિક' કે અમુકતમુક ધર્મના લેખનારા આપણે હજી ધર્મને સ્થાને કંઈક ભળતાને જ ધર્મ સમજીને ચાલી રહ્યા છીએ

આ પણે ધરાયેલા માણસો, અકરાંતિયું આરોગનારા માણસો, 'ભૂખ' શબ્દથી હજી ઘણા દૂર રહીને જીવીએ છીએ. રેસ્ટોરાંમાં કે મોટી મોટી હોટેલોમાં ખાવા-પીવા માટે હજારોનું બીલ આરામથી ચૂકવી શકીએ છીએ, પણ આપણી આસપાસ ભૂખે ટળવળતો બાળક કે કોઈ સ્ત્રી-પુરુષને જોતાંવેંત આપણે મોં ફેરવી લઈએ છીએ. એ આપણી પાસે હાથી-ઘોડા નથી માગતો, તેની યાચના તો બે કોળિયા અન્નની છે. પણ હજી એ વાત અપવાદરૂપે જ કોઈક કોઈક સમજ્યું છે બાકી એક મોટો, ઘણો મોટો ભાગ, 'ભૂખ' કેટલી ભૂંડી છે એ સમજણથી ખાસ્સો આઘે રહીને જીવી રહ્યો છે. 'અન્નબ્રહ્મ'ની વાત કરનારા, પોતાને 'ધાર્મિક' કે અમુકતમુક ધર્મના લેખનારા આપણે હજી ધર્મને સ્થાને કંઈક ભળતાને જ ધર્મ સમજીને ચાલી રહ્યા છીએ. 'ભૂખ' સંસ્કૃતિના, સંસ્કારના કપાળે કાળો ડાઘ છે. કુપોષણ અને અપૂરતા આહારની વાતો કરીએ છીએ, થોડું એક થાગડ-થીંગડ પણ તે માટે થતું હશે છતાં હજી 'ભૂખ'ના દુઃખને એની ભીતર ઊતરી સમજી શક્યા નથી.

ગીતાનો કૃષ્ણ યોગક્ષેમવહામ્યહમ્ કહી ચૂક્યો છે તેણે અન્નનો મહિમા કર્યો છે પણ આપણે તેના શબ્દોનો અર્થ હજી પામી શક્યા નથી. તેણે જ્યાં ભૂખ છે, જ્યાં અન્ન નથી ત્યાં અન્ન પહોંચાડવાની વાત કરી છે. સાથે અન્ન છે ત્યાં તેને તે પચે તેવું ય ઇચ્છયું છે ! અન્નના કણની અને સંતની ક્ષણની કિંમત આપણે ત્યાં ઠીક ઠીક અંકાઈ છે, પણ એ પંથને હજી ધર્મના પંથ તરીકે સ્વીકારવાનું લગભગ બાકી છે. પંચકોશોમાં તૈત્તિરીય ઉપનિષદે 'અન્નકોશ'ની વિગતે વાત કરી છે પણ હજી તે અપેક્ષા પ્રમાણે ઉપનિષદમાં પૃષ્ઠોની બહાર આપણા સુધી એ વાત પહોંચવી બહુશઃ બાકી છે. સોમાલિયાના ભૂખમરાંની જેઓએ તસ્વીરો જોઈએ છે, જે લોકોએ ચિત્રકારોનાં તદ્વિષયક ચિત્રો જોયાં છે, જે લોકો નિર્વાસિતો તરીકે, ટેન્ટ કે ખુલ્લામાં માંડ અન્નનો કોળિયો પામે તો પામે - એવી સ્થિતિ વિશે જાણે છે તેને ખબર છે કે ભૂખ કેવી હોય, ભૂખ શું કરી શકે અને ભૂખ્યો માણસ કેવી રીતે વર્તી શકે. અન્નદાનને મહાદાન કહેનાર એ સત્યને જ ઉદ્ગારે છે.

આ ક્ષણે અન્નબોધની, બુભુક્ષાબોધની એક નાની, બે મિનિટની, લગભગ સંવાદ વિહોણી ફિલ્મ નિહાળીને, મારી આ દિશામાં આકુલતા કંઈક વધી ગઈ છે. જે સત્ય એક બાળક અંકે કરી શક્યું છે એ સત્ય હજી આપણા સુધી ઘણુંખરું પહોંચવું અને એના ગાંભીર્યને પામવું - બંને રીતે બાકી છે. જુઓ, આ એક સરસ દીવાનખંડ છે. દીવાલ પર થોડાં ચિત્રો છે. એક મોટા સોફા પર છ-સાત વર્ષનો એક છોકરો કશુંક વાંચી રહ્યો છે. તેના પગ થોડીવારે તે હલાવતો રહે છે. થોડુંક પુસ્તકમાં જોઈ લે છે, તો થોડુંક સામેના ટી.વી.ના સ્ક્રીન પર તે જુએ છે. પછી તો પુસ્તકને બદલે તેની આંખ સ્ક્રીન પર સ્થિર થાય છે. સ્ક્રીન પર તે ભૂખ્યાં, હાડપિંજર જેવાં બાળકોનું ચિત્ર જુએ છે. અન્ન માટે તેઓ તરફડી રહ્યાં છે. થોડુંક પાણી પીને એ ભૂખ્યાં બાળકો ચલાવી લે છે. પેલું નાનું બાળક ભીતરથી દ્રવી ઊઠે છે. એ કરે તો શું કરે ? શું કરી શકે ? તેણે તરત પોતાની ત્યાં પડેલાં પાઉંનાં પેકેટ સ્મરણમાં આવ્યાં તેણે તેમાંથી પાઉં કાઢ્યાં, પાઉંનો વચ્ચેનો મુલાયમ-પોચો ભાગ કાઢ્યો અને ટીવીની પાછળના એક પોલાણવાળા ભાગમાં તેણે ભરવા માંડયો. સંભવ છે આ ક્રિયા એકથી વધુ દિવસ ચાલી હોય. બસ તે એવું સમજી બેઠો છે કે આ પાઉં હવે પેલા ભૂખે તરફડતા બાળકો ખાશે, તેમની ભૂખ શમી જશે. એ બાળકો પણ પછી પોતાની જેમ હસતાં-રમતાં થઈ જશે. આ બધું આપણે તેણે પેલા પાઉં ટીવીમાં ભર્યા પછી તેના ચહેરાના ભાવ પરથી કલ્પીએ છીએ. જુઓ, સહભાગિતાનું સુખ શું છે - તે અજાણતાં જ એ પ્રકટ કરી રહે છે.

પણ દરમ્યાન પાઉંના આ ટુકડાથી ટીવી બગડયું. બાળક એ વાતથી સાવ અજાણ છે. તેનું તો માનવું છે કે તેના પાઉંના ટુકડા પેલા ભૂખ્યા બાળકો આરોગી રહ્યા છે. ટી.વી. રીપેર કરવા બાળકનો પિતા મિકેનિકને બોલાવે છે. મિકેનિક ટી.વી. ખોલે છે ત્યારે અંદરથી પાઉંના ખાસ્સા ટુકડા નીકળે છે. ટી.વી. એ ટુકડાથી બગડયું હતું. બાળકના માતા-પિતા બાળકને વ્હાલથી ખરી સ્થિતિ જાણવા પૂછે છે. બાળક સાવ નિર્દોષભાવે આખી ઘટના કહી, પોતે ગરીબ, ભૂખ્યાં બાળકોને ખવડાવી રહ્યો હતો તે લાગણીસભર ચહેરે સૂચવે છે - કહે છે. બાળકના માતા-પિતા બંને બાળકની વાતથી અત્યંત પ્રભાવિત થાય છે. એટલું જ નહીં, પોતાનું બાળક નાની ઉંમરે આવી. સંવેદનશીલતા દાખવે છે તેથી તેઓ વધુ આનંદિત પણ બને છે. પણ વાત ત્યાં અટકતી નથી. જે વાત યુવાન માતા-પિતાના ધ્યાન પર અત્યાર સુધી આવી નહોતી એ એક મહત્ત્વપૂર્ણ વાત હવે બાળક પાસેથી તે પામે છે, બાળકની બુદ્ધિ, તેની સંવેદનશીલતા તેમના માટે એક નવી દિશા ઊઘાડી આપે છે.

બે-અઢી મિનિટની આ તર્કિશ ફિલ્મ આપણા આજના સમયની એક સળગતી સમસ્યાને એકદમ પ્રત્યક્ષ કરી આપે છે. આ ફિલ્મમાં બાળકની માસૂમિયત, તેનો સહજ કહી શકાય તેવો અભિનય અને માતાપિતાનો પણ આરંભની એકાદ ક્ષણ બાદ કર્યા પછીનો બાળક સાથેનો એવો જ પ્રેમભર્યો, વાત્સલ્યપૂર્ણ, સહજ વ્યવહાર-બધું ઊંડેથી સ્પર્શી રહે છે. બાળક પોતાની વાત કહી રહ્યો છે ત્યારનો તેનો લાગણી ભીનો ચહેરો, તેની આંખમાંથી ટપકી રહેતાં આંસુ અને ભૂખ્યાં બાળકો માટેની તેની અનુકંપા-સઘળું હૃદયસ્પર્શી વાતાવરણ રચી રહે છે.

વાત તો બે એક મિનિટની જ છે છતાં એ બે મિનિટમાં કેટકેટલી કથાઓ પ્રકટી આવી છે ! કળાનું કાર્ય જો તેના ભાવક-પ્રેક્ષકને સત્યની મુખોમુખ કરી આપવાનું લેખાતું હોય તો અહીં એ સત્ય સુપેરે પ્રકટ થયું છે. જોનાર આપણને સૌને આ બે મિનિટ પ્રકંપિત કરી રહે છે. 'ભૂખ' વિશે આપણા સૌ વતીથી પેલું નિર્દોષ બાળક ભાષા વિનાની આર્દ્ર ભાવદશાને અભિવ્યક્ત કરે છે તેને સમજવી પડશે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/h04ZFqE
Previous
Next Post »