
- તર-બ-તર-હરદ્વાર ગોસ્વામી
- સામેવાળી વ્યક્તિ પાસે નેગેટિવ વાઈબ્રેશન સાથે જશો તો બદલામાં નકારાત્મકતા જ મળશે.
અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ,
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
- જિતેન્દ્ર જોશી
પ હેલાના સમયમાં અરીસાઓ ન હતા ત્યારે માણસ પાણીમાં પોતાનો ચહેરો જોતો હતો. વાળ ઓળવાની અને વસ્ત્રની ચિંતા ન હતી. 'ઝાઝાની ઝંઝાળ' પણ ન હતી. આજે સુવિધા વધી છે પણ એના વ્યસની બની ગયા છીએ એટલે સગવડમાં પણ અગવડ ભોગવીએ છીએ. જૂની વાર્તા પ્રમાણે એક સિંહનું બચ્ચું બકરીના ટોળામાં ઉછરે છે. એક દિવસ એક સિંહ મળે છે એને કહે છે કે 'તું સિંહ થઈને કેમ બકરી જેમ રહે છે, આવ, તને તારો પરિચય કરાવું' એમ કહી જળાશયમાં એનો ચહેરો બતાવે છે. ત્યારે પેલાને સિંહ હોવાની પ્રતીતિ થાય છે. ડીઝનીની 'લાયન કિંગ' ફિલ્મમાં પણ આ જ વાત છે. હનુમાનજીને એની શક્તિનો અરીસો બતાવામાં આવે છે ત્યારે એનામાં તાકાત આવે છે. જગતકાજી થઇ આપણે બધાને અરીસો બતાવતા ફરીએ છીએ પણ જ્યારે આપણને કોઈ અરીસો બતાવે ત્યારે નથી ગમતું. અરીસાનું પણ અદ્દલ શિખામણ જેવું જ છે.
ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પાસે અરીસો રાખવાથી નકારાત્મકતા આવતી નથી. નવરાત્રીમાં પહેરેલા ભાતીગળ વસ્ત્રમાં ટાંકેલ આભલામાં તારા મઢેલું આકાશ ઉતરી આવે છે. જાદુગરનો દ્રષ્ટિભ્રમનો અરીસો કેટલાકને આજીવન દ્રષ્ટિભ્રમ આપે છે. કાચના અરીસા બનાવવાની શોધ ૧૬મી સદીમાં થઇ અને આજ પર્યંત કાચ દ્વારા અનેક શોધ થઇ છે અને થતી રહેશે...
દરેક વખતે આપણી ફૂટપટ્ટી લઇ માપવા બેસી જવાનું ન હોય. અરીસો કદી અસત્ય નથી બોલતો. અરીસો યુધિષ્ઠિર છે. અરીસામાં પડેલી તિરાડો તમારા ચહેરામાં પણ પડે છે. છાપું વાંચતા તેના પર રહેલી કીડીને દૂર કરવાના અનેક પ્રયત્ન કરો તો એ દૂર નથી થતી. કેમ કે કીડી તમારા ચશ્માના કાચ પર હોય છે. સત્યનું પણ એવું હોય છે. મૂળ જગ્યાને બદલે બીજી જગ્યાએ ખણખોદ કરતા હોઈએ છીએ. એક માણસ ઘરની બહારના લાઈટના થાંભલા નીચે કૈક શોધતો હતો. રસ્તા પર જતા બીજા માણસે પૂછયું 'શું શોધો છો ?' જવાબ મળ્યો કે 'મારો રૂપિયો ખોવાઈ ગયો'
'ક્યાં ખોવાયો હતો ?'
'ઘરમાં'
'તો અહીં કેમ શોધો છો ?'
'અહીં અજવાળું છે ને એટલે'
આપણે કોઈ પણ વાતના મૂળમાં જવાને બદલે એની આસપાસ ફર્યા કરીએ છીએ. પહેલીવાર અરીસામાં જ્યારે સફેદ વાળ દેખા દે છે ત્યારે વૃદ્ધાવસ્થાના પગરણ થાય છે. અરીસો કદી વૃદ્ધ થતો નથી. એની સામે હસતા ચહેરે ઊભા રહો તો તમને એટલું જ હાસ્ય પરત કરશે. અને મુડદલ મોંએ ઊભા રહેશો તો એવી જ ઉદાસી પરત કરશે. દરેક વ્યક્તિ એક અરીસો હોય છે. તમારું જેવું બિંબ હશે એવું સામે પ્રતિબિંબ પડશે. સામેવાળી વ્યક્તિ પાસે નેગેટિવ વાઈબ્રેશન સાથે જશો તો બદલામાં નકારાત્મકતા જ મળશે. એટલે જ હંમેશા દરેક જગ્યાએ હકારાત્મકતાનું હાસ્ય લઈને જ જવું. મનોવૈજ્ઞાનિક રીતે પણ આ પ્રયોગ સિદ્ધ થઇ ચૂક્યો છે. અરીસો તમારા એકાંતને શણગારે છે એટલે જ ગુલઝારે લખ્યું છે કે 'આયના દેખ કે તસ્સલી હુઈ, હમકો ઇસ ઘર મેં જાનતા હૈ કોઈ' જો કે સાદગીના સત્ય સામે અરીસાએ હાર માનવી જ પડે.
અરીસો અહંકારનું પ્રતીક પણ માનવામાં આવે છે. અરીસામાં બહુ જોવાની આદતવાળા લોકો સ્વકેન્દ્રી પણ બની જતા હોય છે. પોતાના જ પ્રેમમાં પડે છે. એટલે જ નાના બાળકને બહુ અરીસામાં જોવા નથી દેતા. એક સંશોધન પ્રમાણે સ્ત્રીઓ અરીસા સામે-સાથે સમય વધુ વિતાવે છે. સ્ત્રીઓ મેકઅપ કરવામાં ૧૦ મિનિટ કરે અને અરીસામાં ૨૦ મિનિટ સુધી નિરખશે. 'અધરમ્ મધુરમ્'ના આંગણે જ્યાં સુધી લિપસ્ટિકનો ફાઈનલ ટચ અપ ન થાય ત્યાં સુધી શણગાર અધૂરો છે. અરીસા પર માખી બેઠેલી હોય તો માની લેવું કે એ જરૂર માદા હશે. સ્ત્રી પાકીટમાં પૈસા લેવાનું ભૂલી જાય પણ આરસી તો હોય જ. જોકે કેટલીક સ્ત્રીઓ તો અરીસામાં પણ ન સમાય એવી હોય છે. અરીસા જેવું ચોખ્ખું મન રાખવું જોઈએ. અરીસો કંજૂસ નથી એટલે જ એ કોઈ વાતનો સંગ્રહ નથી કરતો.
એકવાર એક મિત્રના ઘરે અરીસાને કોઈ અડયું પણ ન હતું ને અચાનક ફૂટી ગયો. ત્યારે શોપવાળાએ કહ્યું કે 'આને ગ્લાસ સુસાઈડ કહેવાય...' અરીસાની આત્મહત્યા વિશે આ પહેલીવાર જાણવા મળ્યું. બિચારા દર્પણે રોજ ઊઠીને કેવા કેવા બિંબ જોવા પડતા હશે કે એને આ અંતિમ પગલું ભરવું પડયું હશે ?
એક માણસનો આખો દિવસ ખરાબ ગયો તો એને થયું કે 'આજે સવાર સવારમાં કોનું મો જોયું ?' પછી યાદ આવ્યું કે ઊઠીને અરીસામાં પોતાનું જ મોં જોયું હતું. શ્રીનાથજીના આઠ સમાના દર્શનમાં શૃંગાર બાદ ઠાકોરજીને આરસી બતાવવામાં આવે છે. તમે બરાબર તૈયાર થયા છો કે નહીં, એ માટે અરીસાનું અપ્રુવલ લેવું પડે.
અરીસો આત્મકથા લખે તો એને અનેક અસત્ય બોલવા પડે. અરીસાની શોધ થઈ હશે એ દિવસથી સૌન્દર્યને સરનામું મળ્યું હશે.
આવજો...
પ્રાચીન કાળમાં વિશ્કન્યાને જે રીતે નાનપણથી થોડું થોડું ઝેર આપીને ઉછેરવામાં આવતી હતી તેવી જ રીતે આજના બાળકોને નાનપણથી ટાઢ, તડકો, વરસાદ, ભૂખ વગેરે સહન કરતાં શીખવશો તો મોટા થઈને ભારે દુ:ખ સામે હારી નહીં જાય.
-સ્વામી સચ્ચિદાનંદ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RCi5Pg
ConversionConversion EmoticonEmoticon