આણંદના કુંજરાવ ગામે 1 લાખના લૂંટ કેસમાં 3 શખ્સો ઝડપાયા


- આંખમાં મરચાની ભૂંકી નાંખી લૂંટ કરી હતી

- પોલીસે 72,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરાઇ

આણંદ : આણંદ એલસીબી પોલીસે ચારેક દિવસ પૂર્વે કુંજરાવ ગામે રાસનોલના દુધ મંડળીના સેક્રેટરીની આંખમાં મરચાંની ભૂકી નાંખી રૂા.૧ લાખની લૂંટ કરનાર શખ્સોને ઝડપી પાડી કુલ-૭૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે અન્ય ફરાર થઈ ગયેલ સાગરીતને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાસનોલ ગામની દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા બાબુભાઈ અંબાલાલ પરમાર ગત તા.૧૧મીના રોજ કુંજરાવ ગામે આવેલ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ગયા હતા. જ્યાંથી રોકડ રૂા.૧ લાખ ઉપાડી તેમજ બેંક સાથી તરીકે કામગીરી કરવા માટે આપવામાં આવેલ માઈક્રો એટીએમ મશીન એક થેલીમાં મુકી ટુવ્હીલર ઉપર પરત જવા નીકળ્યા હતા. દરમ્યાન કુંજરાવના ત્રણ વડ પાસેથી તેઓ પસાર થઈ રહ્યાં હતા ત્યારે  એક શખ્સે ચાલતા ચાલતા આવીને તેમની આંખમાં મરચાની ભૂકી જેવું કંઈક નાખ્યું હતું જેથી તેઓએ ટુવ્હીલર થંભાવતા અજાણ્યા શખ્સે રોકડ તેમજ માઈક્રો એટીએમ મશીન મુકેલ થેલી ઝૂંટવી લઈ પાછળ આવતા મોટરસાયકલ ઉપર બેસીને બંને શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દોર શરૂ કર્યો હતો.

દરમ્યાન બેગની ચીલઝડપમાં મૂળ ત્રણોલનો પરંતુ હાલ આણંદના ઈસ્માઈલનગર ખાતે રહેતો જાવેદહુસેન ઈસાકમહંમદ મલેક અને કિનશ ઉર્ફે બુધો ફતેસીંહ ઉર્ફે ભદો ઠાકોર (રહે.સારસા) સંડોવાયેલા હોવાનું અને આ બંને શખ્સો સારસા ચોકડી ખાતે એકત્ર થવાના હોવાની ગુપ્ત બાતમી એલસીબી પોલીસને મળી હતી. જેથી પોલીસે સારસા ચોકડી ખાતે ગુપ્ત વોચ ગોઠવી જાવેદહુસેન મલેક, કિશન અને પ્રજ્ઞોશ ઉર્ફે પીકે ઉર્ફે જાડીયો ભઈલાલભાઈ ઠાકોર (રહે.ત્રણોલ)ને ઝડપી પાડયા હતા. પોલીસ તેઓને કડકાઈથી પૂછપરછ કરતા ગત તા.૧૧મીના રોજ પ્રજ્ઞોશ અને નિલેશે બેંક નજીક વોચ રાખી હતી અને બાબુભાઈ પરમાર બેંકમાંથી નાણા ઉપાડીને નીકળ્યા તે સાથે જ અગાઉથી જ કુંજરાવના ત્રણ વડ પાસે ઉભેલ જાવેદ અને કિશનને જાણ કરી હતી. જેથી બંને સતર્ક થઈ ગયા હતા. બાબુભાઈ ત્યાં પહોંચતા તેમની આંખમાં મરચાની ભુકી નાંખી નાણાની ચીલઝડપ કરી તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે ત્રણેય શખ્સો પાસેથી બે મોટરસાયકલ, બે મોબાઈલ તથા રોકડા રૂા.૩૦,૫૦૦ મળી કુલ્લે રૂા.૭૨,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેયને વધુ તપાસ અર્થે ખંભોળજ પોલીસને હવાલે કર્યા હતા.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uxh0elR
Previous
Next Post »