આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં પીવાનું પાણી નહીં આવતા રહીશોનો હલ્લાબોલ


- છેલ્લા 15 દિવસથી પાણી માટે લોકોને વલખા મારવાનો વારો

- નગરપાલિકા કચેરી બહાર નાગરિકો તંત્રના છાજીયા લીધા : સ્થાનિક કાઉન્સિલર સામે આક્રોશ ઠાલવ્યો

આણંદ : છેલ્લા ૧૫ દિવસથી આણંદ શહેરના વોર્ડ નં.૫ ના પાધરીયા વિસ્તારમાં પીવાનું પાણી ન મળવાના કારણે સ્થાનિકો દ્વારા આજે પાલિકા ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. રોષે ભરાયેલ સ્થાનિકોએ નગરપાલિકા ખાતે એકત્ર થઈ નગરપાલિકા હાય... હાય... ના નારા સાથે છાજીયા લીધા હતા. સાથે સાથે સ્થાનિક કાઉન્સીલર દ્વારા પણ આ મામલે કોઈ મદદ કરવામાં ન આવતી હોવાનો રોષ ઠાલવ્યો હતો.

આણંદ શહેરના વોર્ડ નં.૫ માં આવેલ પાધરીયા વિસ્તારમાં ૩૫થી ૪૦ સોસાયટીઓમાં ૫ હજારથી વધુ રહીશો રહે છે. છેલ્લા ઘણાં વર્ષોથી આ વિસ્તારમાં પાયાની સુવિધાના નામે મીંડુ જોવા મળે છે. વર્ષો જુની કટાઈ ગયેલ પાણીની પાઈપલાઈનો જર્જરિત હોવાના કારણે પીવાના પાણીનો પ્રશ્ન સળગતો રહ્યો છે. તેમાંય છેલ્લા ૧૫ દિવસથી ઉનાળાની ગરમીના પ્રારંભે જ સ્થાનિકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાલિકા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. છેલ્લા ૧૫ દિવસના પાણીની કકડાટને લઈ વિફરેલ સ્થાનિક મહિલાઓ સહિતના રહીશોએ આજે આણંદ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કર્યો હતો અને પાલિકાના સત્તાધીશો વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

આ અંગે સ્થાનિકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૫ ના ચૂંટાયેલા પ્રતિનિધિ વિરોધ પક્ષના નેતા છે. અમો પાણીના પ્રશ્નને લઈ તેમને રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે આ પ્રશ્ન મારો નથી નગરપાલિકામાં જઈને રજૂઆત કરો તેમ કહેતા હોવાનું જણાવ્યું હતું.  ચૂંટણી ટાંણે મત લેવા આવતા ઉમેદવારો જે તે સમયે અમારા મતદારો એમ કહેતા હોય છે અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો બાબતે અમારો પ્રશ્ન નથી તેવો જવાબ આપતા હોઈ નગરપાલિકા ખાતે જ સ્થાનિક કાઉન્સીલર સલીમશા દિવાન તથા રહીશો વચ્ચે ઉગ્ર વાકયુધ્ધ પણ થયું હતું. રોષે ભરાયેલ સ્થાનિકોએ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરતા એક સમયે આણંદ શહેર પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી. જો કે મોટી સંખ્યામાં એકત્ર થયેલ સ્થાનિકોએ આણંદ પાલિકાના મહિલા પ્રમુખની ચેમ્બરમાં ઘુસી જઈ આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી.

સત્તાધિશો અને અધિકારીઓ દ્વારા એક બીજાને ખો અપાતી હોવાનો આક્ષેપ 

પાધરીયા વિસ્તારના રહીશો દ્વારા આજે સવારના સુમારે પાલિકાનો ઘેરાવો કરી હલ્લાબોલ કરવામાં આવતા પાલિકા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરે બપોર બાદ વોર્ડ નં.૫ના કાઉન્સીલરને આ અંગે પત્ર લખી પાધરીયા વિસ્તારમાં નવીન બોર બનાવવા માટે જગ્યાનું આયોજન કરી આપવા જણાવતા પાલિકાના સત્તાધીશોએ સ્થાનિક કાઉન્સીલરને ખો આપી હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સાથે સાથે બોર બનાવવા માટે આ વિસ્તારમાં પાલિકા હસ્તકની કોઈ જગ્યા હયાત ન હોવાનું પણ આ પત્રમાં જણાવાયું છે.

રજૂઆત સાંભળી પાલિકા પ્રમુખ અચંબામાં મુકાયા

 પાણીના પ્રશ્ને બેબાળકા બનેલ પાધરીયા વિસ્તારના રહીશોએ મહિલા પ્રમુખના ચેમ્બરમાં ધસી જઈ વહેલી તકે પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી. જે સંદર્ભે મહિલા પ્રમુખ રૂપલબેન પટેલે કેટલા દિવસથી પાણી નથી આવતુ તેવો પ્રશ્ન પુછતાં સ્થાનિકોએ ૧૫ દિવસ નહીં પરંતુ ૧૫ વર્ષથી પાણીની વિકટ સમસ્યા હોવાનું જણાવતા મહિલા પ્રમુખ પણ અચંબામાં મુકાયા હતા. સાથે સાથે તેઓએ સ્થાનિકોની લેખિત રજૂઆત લઈ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાત્રી પણ આપી હતી.




from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/UnYlzNL
Previous
Next Post »