ફાગણી મેળો : ડાકોર 3 દિવસ પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે


- વહીવટી તંત્રની મેળા માટે તડામાર તૈયારી

- પદયાત્રીઓને હેરાગતી ન થાય તે માટે કલેક્ટરની વેપારીઓ અને પોલીસને તાકિદ

નડિયાદ : યાત્રાધામ ડાકોરમાં આવનાર ફાગણી મેળાની તૈયારીના ભાગરુપે આજે ડાકોરના સર્કીટ હાઉસ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંધ બારણે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુંંહતું. 

આ મીટીંગમાં જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિ રહ્યા હતા. આ મીટીંગમાં પૂનમના બે દિવસ અગાઉ એટલે કે ૧૪ માર્ચથી જ ડાકોર પોલીસ છાવણીમાં ફેરવાઇ જશે. આ ત્રિદિવસીય મેળા દરમ્યાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સીસીટીવી દ્વારા ગુનાહીત પ્રવૃત્તિઓ પર પોલીસની બાજ નજર રહેશે. ઉપરાંત મહેમદાવાદના રાસ્કા સર્કલથી ગાયોના વાળા સુધી પદયાત્રીઓને તમામ પ્રકારની સુવિધાઓ પહોંચાડવાના ભાગરુપે પદયાત્રીઓને પાણી, લાઇટ, દવા, મેડીકલ ઇમરજન્સી જેવી સુવિધીઓ પૂરી પાડવામાં આવશે. 

આ મીટીંગ બાદ ડાકોરના વેપારીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ આ મેળા દરમ્યાન તેમને પડતી હાલાકીની મૌખિક રજૂઆતો કરી હતી. ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા ત્રિકમજી મંદિરથી પતરા મારીને રસ્તો બંધ કરાવી નજરકેદ કરી દીધા હોવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. જિલ્લા કલેક્ટરે વેપારીઓને તેમની રજૂઆતોને લેખિતમાં આપવા જણાવ્યું હતું. 

યાત્રાધામ ડાકોર તરફના અનેક માર્ગ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત જાહેર કરાયા 

નડિયાદ : યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના તહેવાર નિમિત્તે  ૧૫મી માર્ચથી ૧૯ મી માર્ચ,૨૦૨૨ દરમ્યાન ડાકોર શહેરમાં સવારે ૬ વાગ્યાથી તા.૧૯.૩.૨૦૨૨ને રાત્રે બાર વાગ્યા દરમ્યાન વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં  શહેરના એ.જી.શાહ પેટ્રોલપંપથી મુખ્ય રોડ થઇ વૃંદાવન સોસાયટી તરફ જતો રસ્તો, ગુર્જરી ઓક્ટ્રોય નાકાથી ગણેશ સિનેમા થઇ મંદિર તરફ જતો રસ્તો, ટ્રાફીક સર્કલ, ત્રણ દરવાજાથી મંદિર તરફ જતો રસ્તો, ડોન બોસ્કો હાઇસ્કુલથી નાની ભાગોળ થઇ મંદિર તરફ જતો માર્ગ, રણછોડપુરા પાટીયાથી ડાકોર શહેર તરફ જતો માર્ગ, ગાયોના વાડાથી ડાકોર શહેર તરફ જતો માર્ગ, વેલકમ પાટીયાથી મંદિર તરફ જતા રસ્તા પર આ નિયમ લાગુ પડશે.  



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/coB7fMO
Previous
Next Post »