
- ભારતની વિરાટ વસ્તી જોતા કોરોનાની રસીનું ગમે તેટલી ઝડપે ઉત્પાદન થાય તો પણ ગોકળગાય એવરેસ્ટ ચઢવા નીકળે તેવો પડકાર લાગે છે: જો કે કેન્દ્ર સરકાર અને ફાર્મા કંપનીઓને ઈતિહાસ સર્જવાનો આત્મવિશ્વાસ
- હોરાઈઝન-ભવેન કચ્છી
- સેરમ ઇન્સ્ટીટયુટના પારસી માલિક અદાર પૂનાવાલાએ પારસી સમુદાય સમક્ષ રસી મૂકવામાં પ્રાધાન્ય આપવાનો પ્રસ્તાવ મુક્યો ત્યારે પારસી પંચાયતે શું કહીને આ ઓફર સપ્રેમ નકારી તે જાણો
ભારતમાં પારસીઓની વસ્તી ૬૯,૦૦૦ માંડ છે. ભારતમાં અત્યાર સુધી નાગરિકોને જે આઠ કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે તેમાંથી ૯૦ ટકા ડોઝ કોવિશિલ્ડનાં છે. કોવિશિલ્ડ રસી પૂણેની ફાર્મા કંપની સેરમ ઇન્સ્ટીટયુટ બનાવે છે. વિશ્વની સૌથી મોટી અને ઝડપી રસી નિર્માણ કરતી આ કંપનીના માલિક ૭૯ વર્ષના સાયરસ પૂનાવાલા અને તેમનો ૪૦ વર્ષનો પુત્ર અદાર પુનાવાલા છે. નામ પરથી સમજી ગયા હશો કે સેરમ કંપની પારસી પરિવારની માલિકીની છે.
અદારને ઉમદા વિચાર આવ્યો હતો કે કોરોનાની રસીનું સૌથી પહેલું પ્રાધાન્ય તેમના પારસી સમુદાયને મળે તેથી તેઓ માટે અલાયદો રસીકરણ કેમ્પ યોજું. સેરમ કંપની માત્ર એક કલાકમાં ૬૦,૦૦૦ રસીનું નિર્માણ કરવાની ઝડપે કાર્યરત હતી હવે તેની ઝડપ અને ક્ષમતા ચાર ગણી થઇ ગઈ છે. એનો અર્થ એમ કે એક કલાકના ઉત્પાદનમાં તો દેશના સમગ્ર પારસીઓને કોરોના રસીનો પુરવઠો પૂરો પાડી શકાય. આટલી નજીવી સંખ્યામાં રસીનો જથ્થો અલગ કરવાનો હતો તેથી ભારતના અન્ય નાગરિકોને માટે રસી પુરવઠામાં જરા પણ અંતરાયો ઉભો થાય તેનો સવાલ જ નહતો. અદારે પારસી પંચાયત સમક્ષ આ બાબતનો પ્રસ્તાવ મૂક્યો.
ભારત રત્ન જેવા રતન ટાટા કે જેઓ પણ પારસી છે તેમણે પારસી પંચાયતને સૂચન કર્યું કે 'આપણે અદાર પુનાવાલાનો આભાર માનીને આવી વિશેષ સવલત લેવાનો ઇન્કાર કરવો જોઈએ કેમ કે આપણે સૌથી પહેલા ભારતીય અને તે પછી પારસી છીએ. ભારતના નાગરિકોનો હિસ્સો બનીને જ આપણે રસી મુકાવીશું.' પારસી પંચાયતે રતન ટાટાની વાતને સહર્ષ માથે ચઢાવી. અદાર પુનાવાલાને નિર્ણયની જાણ કરાઈ અને અદારે મીડિયાના તેના કેટલાક મિત્રોને પણ આ વાત કહી અને ઉમેર્યું કે 'તેને પોતાને પારસી હોવાનું ગૌરવ અનેકગણું વધી ગયું છે.'
જરા વિચારો, શહેરના એક પરા વિસ્તાર જેટલી ૬૯,૦૦૦ની વસ્તી ૧૩૦ કરોડના દેશમાં ધરાવતા લઘુમતી પારસીઓ જેવી સોચ દેશના અન્ય લધુમતી સમુદાય, જ્ઞાાતિઓ અને સરકાર દ્વારા અપાતી સવલતોની જેને જરૂર નથી તેવા પરિવારોએ બતાવી હોત તો દેશનો સામાજિક અને આર્થિક વિકાસ એક નવી જ ઉંચાઈએ સમતોલ અને પરસ્પર સદ્દભાવ સાથેનો હોત. કુટુંબ, સમાજ, જ્ઞાાતિ, ધર્મ અને સંપ્રદાયથી સર્વોપરી દેશ છે તેવી પ્રેરણાનું પારસી સમુદાય જ્વલંત ઉદાહરણ છે.
દેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે પારસીઓ ૧૩૦ કરોડ ભારતીયોને જીવતદાન આપવામાં કઈ હદે વિરાટ યોગદાન આપી રહ્યા છે. જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં બ્રિટીશ-સ્વીડીશ ફાર્મા કંપની અસ્ટ્રાઝેનેકા અને ઓક્સ્ફર્ડે કોરોનાની રસી તૈયાર કરવાના સંયુકત કરાર કર્યા અને ટ્રાયલ માટે રસીની જે ફોર્મ્યુલા તૈયાર કરી તે સાથે જ સેરમ કંપનીએ તેના ઉત્પાદન માટે હાથ મિલાવ્યા. સામાન્ય રીતે રસીને કલીનીકલ ટ્રાયલ બાદ બજારમાં મુકવાની મંજુરી મળે તે પછી જ નિર્માતા કંપની તેના ઉત્પાદનનું સાહસ ખેડે ને? પણ અદાર પુનાવાલાએ મોટું જોખમ લીધું. અદાર બ્રિટનની વેસ્ટ મિનિસ્ટર યુનિવર્સિટીની ફાર્મસીની ડીગ્રી ધરાવે છે.
ઊંડો અભ્યાસ અને અનુભવ હોઈ તેને ગળા સુધી ખાતરી હતી કે આ રસી ચોક્કસ બજારમાં મુકવાની પરવાનગી મેળવશે જ. માની લો કે પરવાનગી ન મળે તો જંગી ખોટ ભોગવીશ પણ તેનું ઉત્પાદન યુદ્ધના ધોરણે શરુ કરીને સ્ટોક કરી લઉં જેથી જેવી પરવાનગી મળે તે સાથે જ નાગરિકોનું રસીકરણ જેમ બને તેમ ઝડપથી થઇ શકે. પરવાનગી ન મળે તો મેડીકલ ભંગારમાં રસી ફેંકી દઈશું. અદાર પુનાવાલાની બિઝનેસ ઉપરાંત એવી ભાવના પણ હતી કે રસીને પરવાનગી મળે પછી ઉત્પાદન શરુ કરીશું તો કોરોનાના વધતા વિસ્ફોટ સામે નાગરિકોને રસીનું જંગી આંકમાં ઉત્પાદન થાય ત્યાં સુધી મહિનાઓ સુધી રાહ જોવી પડશે.
તેના કરતા ડ્રગ કંટ્રોલરની જેવી મંજૂરી મળે તે સાથે જ રસી નાગરિકો માટે તૈયાર જ હોય. આ દરમ્યાન કંપનીએ તેના પ્લાન્ટ, સ્ટાફ અને રસી માટે જરૂરી સામગ્રી, રસી જે માપદંડ પ્રમાણેની શીશી (Vial) માં ભરવી પડે અને સ્ટોરેજ માટેની ક્ષમતાને વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટમાં ફેરવી દીધી હતી. કેન્દ્ર સરકારે રસીકરણ માટેનું આયોજન કર્યું ત્યારે જ સેરમ કંપની ૪ કરોડ ડોઝ સાથે તૈયાર હતી. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકની કોવાવેક્સ રસીનું ઉત્પાદન મંજુરી મળી પછી શરુ થયું. ભારત બાયોટેક આ કારણે ૧૦ ટકા સપ્લાય આપી શકી અને સેરમ ૯૦ ટકા. ભારત બાયોટેકના ચેરમેન ડો. ક્રિશ્ના એલ્લા છે જેઓ સાઉથ કેરોલીના યુનિવર્સિટીમાં રીસર્ચ ફેકલ્ટી રહી ચુક્યા છે. કેન્દ્ર સરકારના એકમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સાથે રહીને ભારત બાયોટેક સ્વદેશી રસી 'કોવાવેક્સ'નું નિર્માણ કરે છે.
આગામી મહિનાઓમાં અમદાવાદની ઝાયડસ અને ભારતની બીજી પાંચ કંપનીઓ રસી લઈને આવી રહી છે. રસીનું બજાર મેળવવા માટેની ખરી રેસ અગામી મે મહિના પછી જામશે જયારે ચારથી પાંચ કંપનીઓ મેદાનમાં હશે. રશિયાની રસી 'સ્પૂટનિક'નું ઉત્પાદન કરવાના કરાર સોશીલ કુમાર જૈન પરિવારની માલિકીની દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી પનેસિયા બાયોટેક કંપનીએ કર્યા છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની પેટા કંપની 'ઇન્ડિયા ઈમ્યુનોલોજીકલ્સ' ઓસ્ટ્રેલીયાની ગ્રીફીથ યુનિવર્સિટી જોડે રહીને રસીનું નિર્માણ કરશે. આ ઉપરાંત 'માયન્વેક્સ' તેમજ 'બાયોલોજીકલ સી' નામની કંપની પણ રસી સપ્લાય કરવાની હોડમાં ઝુકાવશે. યાદ રહે આ તમામ કંપનીઓ માટે ભારતના રસી ન મૂકી શકાય તેવા બાળકોને બાદ કરીએ તો બાકી રહેલા ૧૦૦ કરોડ નાગરિકોનું જ બજાર નથી. વિશ્વની સાડા છ અબજની વસ્તી છે.
અમેરિકા કે બ્રિટન, ફ્રાંસ કે રશિયા અને ચીન જેવા દેશોને બાદ કરતા ચાર અબજથી વધુ વસ્તીને રસી માટે ભારત અને અન્ય દેશો પર નિર્ભર રહેવું પડશે. અમેરિકા, યુરોપીય અને રશિયાને 'વેક્સિન નેશનાલિસ્ટ'ની ઓળખ મળી છે એટલે કે તેઓ પહેલા તેમના દેશના નાગરિકોને જ રસી આપી સાચવશે. તે પછી ગરીબ દેશોનો કે ટાંચા ફાર્મા અને સંશોધનો ધરાવતા દેશોનો નંબર આવશે. ભારતે એવી નીતિ રાખી છે કે દેશના નાગરિકોને તો અવિરત રસી મળતી જ રહેશે પણ સાથે જરૂરિયાતમંદ દેશોને પણ રસી પહોંચાડાઇ રહી છે અને આ જ તો ફાર્મા કંપનીઓને ક્યારેય કલ્પ્યો ન હોય તેવો તગડો ધંધો કરવાની અમૂલ્ય તક છે.
જો કે ભારતમાં જ જે હદે કોરોનાએ બીજા રાઉન્ડમાં કેર મચાવ્યો છે તેને લીધે રસી મૂકવા માટેનો ધસારો 'પેનિક' સર્જી શકે તે હદે જોવા મળી શકે છે. હજુ ભારતના માંડ આઠ ટકા નાગરિકોએ જ પ્રથમ ડોઝ લીધો છે. રસીનો બીજો ડોઝ પૂરો કરનાર તો ૦.૫ ટકા પણ નથી. તબીબી નિષ્ણાતો કહે છે કે જેમ બને તેમ ઝડપથી દેશના મહત્તમ નાગરિકોને બંને ડોઝ મળે તો જ કોરોના સામેનું રસીકરણ પરિણામ આપી શકે.
એક ડોઝ કે બે ડોઝ પછી એન્ટી બોડી બન્યા જ ન હોય તે ગાળામાં દેશના અન્ય મહત્તમ નાગરિકો રસી વગરના હોય અને કોરોના ચેપના સ્પ્રેડર હોય અને રસી મુકાવનારને ચેપ લગાડે તો તે વ્યક્તિનું રસીકરણ નિષ્ફળ થઇ જાય. જો રસી લીધેલા કરતા રસી નહીં લીધેલાનો આંક અનેકગણો હોય અને તેઓ હરતા ફરતા રહી ચેપ ફેલાવતા રહે તો રસીકરણ કાર્યક્રમ ફ્લોપ થઇ જાય. આ જ કારણે જેમ બને તેમ રસી અભિયાન તેજ બનાવવું પડે. હજુ આઠ કરોડ નાગરિકોએ જ પ્રથંમ ડોઝ મુકાવ્યો છે.
અત્યાર સુધી સેરમ કંપનીએ ૯૦ ટકા સપ્લાય આપ્યો હવે વિશ્વના અન્ય દેશોને સપ્લાય આપવાનું બાજુમાં મુકીએ તો પણ ૧૦૦ કરોડ નાગરિકોને બે ડોઝ એટલે આમ જોવા જઈએ તો ૨૦૦ કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનો પડકાર છે. આ કટોકટી પામી જઈને આગામી મે મહિનાથી દર મહીને દસ કરોડ ડોઝ રસીના તૈયાર થાય તે માટેની ક્ષમતા સેરમ અને ભારત બાયોટેકએ મેળવવા માટેનો પ્લાન્ટ વિસ્તાર અને વિદેશની ફાર્મા ફર્મ જોડે ઉત્પાદનના જોડાણ કરવા માંડયા છે. કેડીલા હેલ્થકેર(ઝાયડસ) ને પણ જો ભારતની અને તે પછી વિશ્વની બજાર હાંસલ કરવું હશે તો મહિનામાં પાંચ દસ કરોડ રસીનું ઉત્પાદન થાય તે રીતે આક્રમક અભિગમ બતાવવો પડશે. આપણા માટે ગૌરવની વાત છે કે પંકજભાઈ પટેલ જેમના ચેરમેન છે તેવી કેડીલા હેલ્થકેર કંપની તો કોરોના માટેની ડ્રગ જ લગભગ બની ચુકી છે અને ગમે ત્યારે બજારમાં આવી શકે છે.
ભારત બાયોટેક કંપની કોવાવેક્સ રસીના ઉત્પાદન માટે તેના હૈદરાબાદ ઉપરાંત બેંગ્લોર, મુંબઈના હાફકીન અને અંકલેશ્વર પ્લાન્ટને પણ તૈયાર કરી ચુક્યા છે. હજુ અન્ય ફેસીલીટી જોડે કરાર કરવામાં આવશે કંપનીઓ દ્વારા એક રસી રૂપિયા ૧૫૦થી ૧૭૫માં સરકારને આપવામાં આવે છે.
અદાર પુનાવાલાના કહેવા પ્રમાણે સામાજિક દાયિત્વ સમજીને ખુબ મામૂલી નફા સાથે સરકારને આઠ કરોડથી વધુ રસી સપ્લાય કરી છે. કોરોનાની આ હદની ખતરનાક બીજી લહરની કોઈને કલ્પના નહતી. હજુ ૬૦ પ્લસ અને ૪૫ પ્લસના નાગરીકો સુધી પહોંચી નથી શકાયું ત્યારે સરકાર પર એવું દબાણ થઇ રહ્યું છે કે ૨૫ વર્ષથી વધુ વયના તમામને જેમ બને તેમ ઝડપથી રસી આપો.
અદારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે કે કરોડોની માત્રામાં રસીને અને તે પણ જેમ બને તેમ ઝડપથી પહોંચી વળવા જે હદે ઉત્પાદન એકમો, ટેકનોલોજી, સ્ટાફ અને રસીના જરૂરી તત્ત્વો મેળવવા, તેને સ્ટોર કરવા અને તેનું વિતરણ કરવું તે કદાચ માનવ ઇતિહાસને માટે સૌથી મોટો પડકાર છે. ફાર્મા કંપનીઓને નિશ્ચિત રીતે દેખાતો સોનાની ખાણ જેવો ધંધો છે છતાં સોનાને ઉલેચવું આસાન નથી. સેવાની ભાવના છે તો પણ ભારતના ૨૦૦ કરોડ ડોઝ અને અન્ય દેશોને બીજા ૫૦૦ કરોડ ડોઝ પુરા પાડવાનાં છે.
ભારત બાયોટેક આ વર્ષના અંત સુધી ૫૦ કરોડ ડોઝ માટે ટાર્ગેટ ધરાવે છે. અદાર પુનાવાલાએ જો ઉત્પાદન વધારવું હોય તો કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા ૮૦૦૦ કરોડની માંગણી કરી છે. ફાર્મા કંપનીઓ માટે માત્ર રસી જ બનાવાવાથી અટકી નથી જવાનું. તેને લઘુતમ ઉષ્ણતામાને સ્ટોર કરવાનું છે. તેને કાર્ગોમાં પહોંચાડી જે તે સ્થળે વિતરણ પણ કરવાની જવાબદારી રહે છે.
જો કે આ આઉટસોસગ પણ થઇ જ શકે.વિશ્વ ઈચ્છતું હતું કે કોરોનાનો કેર ૨૦૨૧ના પ્રારંભ સાથે કાયમ માટે વિદાય લે અને ફરી દેખા દે તો કોરોનાની રસી મૂકાવીને સજ્જ થઇ ગયા હોઈએ. પણ, કોરોના વધુ રાક્ષસી સ્વરૂપે ફરી વળ્યો છે અને માનવ જગતનું રસીકરણ હજુ માંડ શરુ થયું છે. આશા રાખીએ કે સરકાર, ફાર્મા કંપનીઓ,મેડિકલ જગત તેમજ વિશ્વ સહિયારો પ્રયાસ કરી શુભ ભાવના સાથે કોરોનાના પ્રકરણનો અંત લાવે.
..બાય ધ વે .. પારસીઓના કોરોના સામેના જંગનાં પ્રદાનની યાદી અદાર પુનાવાલાથી જ નથી અટકી જતી. સેરમ કંપનીના કરોડોની સંખ્યાનાં ડોઝ નીચા ઉષ્ણતામાને પારસી માલિકીની કંપની 'ગોદરેજ'ના સ્ટોરેજ હાઉસમાં જ થાય છે. ખાસ માપદંડ જરૂરી છે તેવી રસી જેમાં હોય છે તે શીશી પારસી કંપની 'સ્કોટ કાઈશા' દ્વારા પૂરી પડાય છે. જે તે શહેરમાં અને સ્થળ સુધી રસી પહોંચાડવામાં ટાટા કંપનીના વાહનો ઉપયોગમાં લેવાય છે.
રસીની જાળવણી માટે ડ્રાય આઈસ ફારુક દાદાભોય કંપનીના પણ હોય છે,.. અને હા, રસી વિમાનમાં એક શહેરથી બીજા શહેર પહોચાડાય છે ત્યારે 'ગો એર' એર લાઈન્સ ઉપયોગમાં લેવાય છે જેની માલિકી જેહ વાડિયાની છે. ૬૯,૦૦૦ પારસીઓનું ણ ૧૩૦ કરોડનીની વસ્તી ક્યારેય ચૂકવી શકે ખરી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e7RPxV
ConversionConversion EmoticonEmoticon