
નડિયાદ : નડિયાદ શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણ અટકાવવા નડિયાદ તાલુકા પંચાયત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત આગામી તા.૨૨ના રોજ એક રિવ્યુ મિટીંગનુ આયોજન કરી તાલુકામાં વકરી રહેલા કોરોના સંક્રમણ અંગે સમીક્ષા કરાશે અને જરૂર જણાય તે ગામોમાં સ્વૈચ્છીક લોકડાઉન કરી ગ્રામજનોને સહકાર આપવા વિનંતી કરાશે.
નડિયાદ તાલુકા અને શહેરમાં દિવસેને દિવસે કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. જ્યારે નડિયાદ તાલુકાના ડભાણ ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને જનસમર્થન સાપડયુ હતુ. તાલુકાના યોગીનગરમાં તાજેતરમાં કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો હતો. આ બાદ યોગીનગરના પૂર્વ સરપંચ જનકભાઇ પટેલ દ્વારા યોગીનગર વિસ્તારમાં ટેંન્કર દ્વારા સેનેટાઇઝ કર્યુ હતુ. આ અંગે નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ મહિડાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે નડિયાદ તાલુકાના અને શહેરમાં વકરી રહેલા કોરોના સંક્રમણને નાથવા ટીમ વર્કથી કામ શરૂ કરવામાં આવ્યુ છે. આ અંગે આગામી તા.૨૨ને ગુરુવારના રોજ ગાંધી હોલ ખાતે એક મિટીંગનુ આયોજન કરાયુ છે. આ મિટીંગમાં તાલુકા પંચાયતના તલાટીઓ,પંચાયત સભ્યો,સરપંચો ઉપસ્થિત રહેશે.વળી દુધ મંડળીના ચેરમેનો અને સેક્રેટરી સાથે પણ કોરોના કેસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.ગુરુવારના રોજ યોજાનાર મિટીંગમાં તાલુકાના ગામોમાં કોરોનાના કેસ અંગે સમિક્ષા કરવામાં આવશે. તેમ જ મિટીંગમાં માસ્ક વિતરણ કાર્યક્રમ અને રસીકરણ ઝુંબેશ ગ્રામજનો ભાગ લે તે માટે પ્રયત્નો કરવામાં આવશે. મિંટીગમાં કોરોનાની સમિક્ષા કરી જે તે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન અંગેની વિચારણા કરવામાં આવશે.ઉપસ્થિત સૌ પ્રતિનિધિઓ,તલાટી અને ગામના સરપંચો પાસેથી કોરોના કેસ અંગે મત જાણવાનો પ્રયત્ન કરાશે. આ બાદ નડિયાદ તાલુકાના જે તે ગામમાં લોકડાઉનની જરૂર જણાશે તે ગામના ગ્રામજનોને સ્વૈચ્છીક લોકડાઉનમાં સહકાર આપવા વિનંતી કરાશે. તેમ જ કોરોના સંક્રમણને વધતુ અટકાવવા અંગે આગામી દિવસોમાં નડિયાદ તાલુકા પંચાયતના સભ્યો દ્વારા પોતાના વિસ્તારમાં માસ્ક વિતરણ કરવામાં આવશે તેમ તાલુકા પંચાયત પ્રમુખે ઉમેર્યુ હતુ.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uWOJU2
ConversionConversion EmoticonEmoticon