માનવ મનનો અંધકાર ફેડી એમાં પ્રકાશ પ્રસારતું પર્વ : ગુડી પડવો


ગૂડી એટલે ધજા કે પતાકા. જ્યારે અહીં કોઈ પ્રભાવશાળી વ્યક્તિના પ્રયત્નોથી લોકોને અનાચાર, દુરાચાર કે કોઈના જુલમમાંથી મુક્તિ મળે છે ત્યારે લોકો મુક્તિના એવા આનંદને વધાવવા પોતાના ઘર આંગણે ગૂડીઓ ઊભી કરે છે. વિજયના આનંદનો આ ઉત્સવ એટલે ગૂડીપડવો

ચૈ ત્ર સુદ પડવાને મહારાષ્ટ્રમાં ગૂડી પડવો કહેવામાં આવે છે. આ દિવસથી શાલિવાહન સંવતની શરૂઆત થાય છે. મનમાં પ્રશ્ન થાય કે સંવત સાથે શાલિવાહનનું નામ કેમ જોડાયું હશે? એના જવાબમાં એક પ્રસંગ યાદ આવે છે. એ મુજબ કહીએ તો શાલિવાહન નામના એક કુંભારના છોકરાને માટીમાંથી રમકડાં બનાવવાનો ખૂબ શોખ હતો. એકવાર તેણે માટીમાંથી કેટલાક સૈનિકો બનાવ્યા. તેને થયું કે આ તો સૈન્ય! અને મનમાં કંઈક વિચાર આવતાં તેણે એ સૈન્ય પર  પાણી છાંટયું. ફલસ્વરૂપ એક ચમત્કાર થયો અને એ સૈન્ય સજીવન થયું.

તેણે એ સૈન્યની મદદથી શત્રુઓને પરાજિત કર્યા. આ પ્રસંગનો લાક્ષણિક અર્થ એ છે કે શાલિવાહનના સમયમાં લોકો કાયર, દુર્બળ,  નિસ્તેજ અને પરાક્રમહીન હતા. આવા લોકોમાં તેણે ચૈતન્ય પ્રગટાવ્યું. કહો કે શાલિવાહનને લોકોમાં જાગૃતિ લાવી, તેમના જીવનને ધબકતું કર્યું.

ગૂડી એટલે ધજા કે પતાકા. જ્યારે અહીં કોઈ પ્રભાવશાળી વ્યક્તિના પ્રયત્નોથી લોકોને અનાચાર, દુરાચાર કે કોઈના જુલમમાંથી મુક્તિ મળે છે ત્યારે લોકો મુક્તિના એવા આનંદને વધાવવા પોતાના ઘર આંગણે ગૂડીઓ ઊભી કરે છે. વિજયના આનંદનો આ ઉત્સવ એટલે ગૂડીપડવો.

આ દિવસે ભગવાન શ્રીરામે વાલીના જુલમમાંથી દક્ષિણની પ્રજાને છોડાવી હતી. વાલીના ત્રાસમાંથી મુક્ત થયેલી પ્રજાએ ઘેર ઘેર ઉત્સવ કરી ગૂડીઓ ઊભી કરી હતી અને વિજયનો આનંદ મનાવ્યો હતો. ગૂડી એટલે વિજય પતાકા. આસુરી સંપત્તિ પર દૈવી સંપત્તિનો વિજય, વિકાર પર વિચારનો વિજય. ભોગ પર યોગનો વિજય. આ ઉત્સવ મલબારમાં વિશિષ્ટ રીતે ઉજવાય છે. લોકો ઘરના દેવગૃહમાં પૂજન સામગ્રી, સોના ચાંદીના ઘરેણાં, સર્વ સંપત્તિ અને અન્ય શોભારૂપ ચીજવસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવે છે પછી શુભ-મુહૂર્ત જોઈ ઘરનાં સૌ દેવગૃહમાં જઈ ભગવાનના દર્શન કરી, આરતી ઉતારે છે.

એક રીતે સરળ ગણાતી આ પૂજાવિધિમાં ભાવની ભીનાશ છે. ભગવાને માણસને જે કંઈ સંપત્તિ, ધન કે ઐશ્વર્ય આપ્યું છે તે સર્વ પ્રથમ દેવને ચરણે ધરી પ્રસાદરૂપે, ભક્તિભાવથી તેનો સ્વીકાર કરવાનો છે. કેવો સમર્પણભાવ! આ દિવસે મંદિરમાં દર્શન કરવા જતા લોકોને પ્રસાદરૂપે લીમડો અને સાકર આપવામાં આવે છે. લીમડો કડવો છે પણ આરોગ્યપ્રદ છે. લીમડાનું સેવન કરવાથી માણસ નીરોગી બને છે. બીજી રીતે કહીએ તો કેટલાક કડવા વિચારો આપણે જલદીથી આચરણમાં મૂકતા નથી. પરંતુ વાસ્તવમાં એવા વિચારો જ આપણા જીવનને ઉદાત્ત બનાવે છે.

જીવનમાં પ્રગતિ કરવા માટે આવા 'કડવા ઘુંટડા' પણ પીવા પડે છે. લીમડા સાથે પ્રસાદરૂપે મળતી સાકર એ સૂચવે છે કે જીવનમાં સુખદુઃખ સાથે સાથે છે. સુખ અને દુઃખનું ચક્ર સતત ફર્યા કરે છે. જીવનમાં સુખ દુઃખ આમ ભરતીઓટ રૂપે છે. એટલે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત હારવી નહિ. આ સામ્યવૃત્તિનું તત્ત્વજ્ઞાાન આપણા જીવનને ઘડે છે. આવી સમજથી જ માનવજાત સુખ દુઃખમાં સમતા કેળવી, મુશ્કેલીઓનો સામનો કરી જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરી શકે છે. માનવ જીવન ઈશ્વરદત્ત સુંદર બનાવવાની ભાવના સાકાર કરવાની છે. એજ ગૂડીપડવાનો સાચો મર્મ છે, સંદેશ છે.

- કનૈયાલાલ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wCmKe8
Previous
Next Post »