સુપરસ્ટાર રજનીકાંતને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત


- આશા ભોંસલે, મોહનલાલ સહિતની જ્યુરીએ સર્વાનુમતે રજનીકાંતના નામની ભલામણ કરી

નવી દિલ્હી, તા. 1 એપ્રિલ, 2021, ગુરૂવાર

સાઉથ સિનેમાના દિગ્ગજ અભિનેતા રજનીકાંતને 51મા દાદા સાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરૂવારે આ અંગેની જાહેરાત કરી હતી. કોરોના વાયરસના કારણે આ વખતે પણ તમામ પુરસ્કારની જાહેરાત મોડી થઈ છે. તાજેતરમાં જ નેશનલ એવોર્ડની પણ જાહેરાત થઈ હતી. જ્યારે દાદા સાહેબ ફાળકે એવોર્ડને ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. 

પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, 'અમને આનંદ થાય છે કે, દેશના તમામ ભાગોમાંથી ફિલ્મકાર, અભિનેતા, અભિનેત્રી, ગાયક, સંગીતકાર તમામ લોકોને સમય સમય પર દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો છે. આજે આ વર્ષનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મહાન નાયક રજનીકાંતને આપવાની જાહેરાત કરતી વખતે ખુશી થઈ રહી છે. રજનીકાંત છેલ્લા 5 દશકાથી સિનેમાની દુનિયા પર રાજ કરી રહ્યા છે અને લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ કારણે જ દાદા સાહેબ ફાળકેની જ્યુરીએ આ વખતે રજનીકાંતને આ એવોર્ડ આપવાનો નિર્ણય લીધો છે.'

આ વર્ષે જ્યુરી દ્વારા નામની પસંદગી કરવામાં આવી છે. આ જ્યુરીમાં સામેલ આશા ભોંસલે, મોહનલાલ, વિશ્વજીત ચેટર્જી, શંકર મહાદેવન અને સુભાષ ઘાઈ આ પાંચેય એ એક મતથી રજનીકાંતને એવોર્ડ આપવા ભલામણ કરી હતી. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rGFBRe
Previous
Next Post »