- પોપટે કહ્યું, હે દયાળુ શ્રેષ્ઠી ! આ આમ્રફળ આપ ગ્રહણ કરો. આ દૈવી ફળથી રોગ દૂર થાય અને યુવાન અવસ્થા જેવી સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે.
વિ નિમય શેઠ પોતાના દેશમાં પાકતી વસ્તુ ખરીદી અને વિદેશમાં જઈ એ વસ્તુ વેચતા. જરૂર પૂરતું થોડું જ ધન બદલામાં લેતા અને મોટા ભાગની રકમની સામે એ તે દેશમાં પાકતી વસ્તુ તે ખરીદી વેપારી પાસેથી પોતાના માલના બદલામાં ખરીદી લેતા. આમ વિનિમય પદ્ધતિ (બાર્ટર સિસ્ટમ)થી ધંધો કરનાર આ વેપારી વિનિમયશેઠ નામે પ્રસિધ્ધ હતા. દયાળુ, નીતિવાન અને સદાચારી હતા.
એકવાર તે વહાણમાં માલ લઈ અને પરત આવતા સમુદ્રમાં પોતાના જહાજ પરથી તેમની નજર આકાશમાં ઊડતા એક પંખી પર પડી. પક્ષીની સ્થિતિ નીચે પડવા જેવી જોતાં શેઠ માણસો સાથે એક લાંબું વસ્ત્ર ફેલાવી ઊભા રહ્યા. તૂતક પર ફેલાયેલા લાંબા ચોફાળ વસ્ત્ર પર એક પોપટ પડયો, તે બેહોશ હતો. પાણી છાંટતાં ભાનમાં આવ્યો, તેની ચાંચમાં એક કેરી-આમ્રફળ હતું.
પોપટે કહ્યું, હે દયાળુ શ્રેષ્ઠી ! આ આમ્રફળ આપ ગ્રહણ કરો. આ દૈવી ફળથી રોગ દૂર થાય અને યુવાન અવસ્થા જેવી સ્ફૂર્તિ પ્રાપ્ત થાય છે. શેઠ કહે, તું ભૂખ્યો છે, તું જ ખાઈ લે. પોપટ કહે, હું મારા વૃદ્ધ માતા-પિતા સાથે વિંધ્યાચલ પર્વતના એક વૃક્ષ ઉપર રહું છું. વૃક્ષ નીચે વિહાર કરતા બે મુનિ પધાર્યા, તેઓ વાત કરતા હતા કે, આ સમુદ્રની મધ્યમાં કપિ નામનો એક દ્વીપ છે, તેમાં એક આંબાનું વૃક્ષ છે, નિરંતર ફળ આપતા આ વૃક્ષની કેરી ખાવાથી તમામ રોગ મટે છે અને વૃધ્ધ પણ યુવાન જેવી સ્ફૂર્તિનો અનુભવ કરે છે. મારાં વૃધ્ધ માતા-પિતા માટે હું આ ફળ લાવ્યો છું, પણ આપે મારો જીવ બચાવ્યો તેની સાથે માતા-પિતાનો સહારો પણ બચાવ્યો જેથી આ ફળ હું આપને ભેટ આપું છું, કહી પોપટ ઉડી ગયો.
શેઠે વિચાર્યું, રાજા નીરોગી હશે તો આખા રાજ્યની સેવા કરશે જેથી આમ્રફળના ગુણો વર્ણવી તેણે રાજા નીલમાધવને ભેટ આપ્યું. રાજા વિચારે છે કે, હું એકલો ખાઉં તેના કરતાં આ ફળને બીજ સાથે જમીનમાં રોપી આંબો ઉગે ને તેનાં અનેક ફળ ઘણા લોકોને તંદુરસ્તી આપે, પારમાર્થિક ભાવનાવાળા રાજાએ બગીચામાં અલગ સુરક્ષા સાથે તેને રોપી દીધું.
જેવો આંબો મોટો થયો કે તેને કેરી આવવાની શરૂઆત થઈ. એક દિવસ સવારે ચોકીદારે આવીને રાજાને એક આમ્રફળ આપ્યું. રાજાએ વિચાર્યું, પ્રથમ ફળ પુરોહિતને આપું તે નીરોગી અને દીઘાર્યુ બને તો, પોતે ધર્મ કરે અને અન્યોને કરાવે. પુરોહિતને આપતાં તેણે ખાધું અને સૂતા પછી ઊઠયા જ નહીં.
રાજાને લાગ્યું કે, કોઈ દુશ્મને જ આવું વિષફળ મને મારવા મોકલ્યું હશે, પરંતુ મૃત્યુ તો નિર્દોષ પુરોહિતનું થયું. રાજાએ આને વિષવૃક્ષ સમજીને ઉખાડી નાખવા કહ્યું, આખા ગામમાં આ વિષવૃક્ષની વાત ફેલાણી. આ વૃક્ષ જે લોકો મરવા ઇચ્છતા હતા તેવા પીડિત વૃધ્ધો, કુષ્ઠ રોગીઓ અને અનેક ભયંકર રાજરોગીઓએ આ વૃક્ષની ડાળીઓ અને પર્ણો, મૃત્યુ પામવા માટે ખાધાં. પરંતુ તેઓ નીરોગી અને યુવાન જેવા સ્ફૂર્તિલા બની ગયા. રાજાને આ સમાચાર મળતાં પહેરેગીરને પૂછયું કે, તું વૃક્ષ ઉપરથી જ તોડીને આમ્રફળ લાવ્યો હતો ? પહેરેગીર કહે, ના. રાત્રે પડી ગયેલું ફળ સવારે મેં જોયું તે જમીન પરથી ઉપાડીને તે ફળ તમને આપેલું. રાજાએ વિચાર્યું કે, કોઈ ઝેરી જંતુએ આ ખાધેલું ફળ હતું.
રાજાએ દરબારીની સભામાં ઘટસ્ફોટ કર્યો કે, મારા અવિચારીત કૃત્યથી જ પુરોહિતનું મૃત્યુ અને દેવતાઈ આમ્રવૃક્ષનું નિકંદન થયું છે. હું એક જવાબદાર વ્યક્તિ છું. મારા ભાવો પરોપકારના હતા. પણ મારા નિર્ણયોમાં ચોકસાઈ અને જાગૃતિ ન હતી. તેને કારણે એક સૌજન્યશીલ પોપટ પંખીની સદ્ભાવના અને વિનિમય શેઠની નિઃસ્વાર્થ પરોપકાર વૃત્તિનો લાભ આપણે મેળવી શક્યા નહીં.
જો મેં ફળ ખવરાવતાં પહેલાં ચોકસાઈ કરી હોત તો આ અનર્થ ન થાય. ગમે તેવી સજ્જન વ્યક્તિ અવિચારી કૃત્ય કરે તો તે જીવનમાં અનિષ્ટને જ આમંત્રણ આપે છે. અને રાજા નીલમાધવ સજળ નયને રાજ્યગુરુ પૂજ્ય શ્રી જયાનંદજી પાસે પ્રાયશ્ચિત્ત લેવાના ભાવ સાથે પ્રયાણ કરે છે.
અવિચારી કૃત્યથી બચવા પૂર્વાચાર્યોનાં આ કથાનકો નકશા જેવાં હોય છે. જે જીવનના પાવન પંથનો નિર્દેશ કરે છે, પરંતુ તે પંથે ચાલવાનો પુરુષાર્થ તો આપણે સ્વયં કરવાનો છે.
- ગુણવંત બરવાળિયા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Dn2Tv
ConversionConversion EmoticonEmoticon