
- અર્વાચિંતનમ્-પરેશ વ્યાસ
કં ગના ખનકે છે. તાપસી તપે છે. હવે જુઓને, આ બેઉ અભિનેત્રીઓ સ્વયં મહેનતથી આગળ આવી છે. તેઓનાં કોઈ સગાં કે વહાલાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી. અને છતાં બંને વર્ચુયલ લડે છે. કંગના તાપસીને બી-ગ્રેડ એક્ટર કહીને અપમાન કરી ચૂકી છે. તાપસી કહે છે કે કંગનાને બોલવામાં 'ડબલ ફિલ્ટર'ની જરૂર છે. બેઉ વારંવાર ઝઘડે છે. પણ નવાઈની વાત છે કે 'થપ્પડ' ફિલ્મ માટે તાપસીને ફિલ્મફેર એવોર્ડ મળ્યો ત્યારે એણે કંગનાનો આભાર માન્યો. કહ્યું કે કંગનાનો આભાર કારણ કે એણે એક પછી એક સારા અભિનય દ્વારા એક નવો જ બેંચમાર્ક નક્કી કર્યો છે. સામે કંગનાએ પણ સારો જવાબ આપ્યો. કહ્યું કે તને આ એવોર્ડ મળ્યો એ એકદમ બરાબર છે. તારાથી વધારે હકદાર બીજું કોઈ નથી. કાયમ ઝઘડતા હોય, એકબીજા ઉપર આળ લગાડતા હોય એ હવે એકબીજાનાં વખાણ કરે છે.
શું બેઉ જણીઓ વચ્ચે સમાધાન થઈ ગયું? સોશિયલ મીડીયા ઉપર આમજનતા કન્ફ્યુસ્ડ છે. કોઈ લડે, એકમેકને ભાંડે, ન કહેવાનાં શબ્દો કહે તો લોકોને તો મઝા જ આવે. બે સેલેબ્રિટીઝ વચ્ચે વાગ્યુદ્ધ થતું જ રહે છે. ચૂંટણી ટાણે જુઓને, ટીએમસી અને બીજેપી વચ્ચે આક્ષેપોની રોજ આપલે થાય છે. ક્રિકેટમાં પણ જુઓ તો સ્ટમ્પ માઇક પરથી કે પછી ટ્વીટરનાં માધ્યમથી એકમેકને ઊતારી પાડવાની ઘટનાઓ રોજ બનતી હોય છે.
અર્વાચીન ચિંતન એમ કહે છે કે આ બધી ઘટના છે, દૂર્ઘટના નથી! આવી શબ્દોની લડાઈ જ્યાં સુધી અહિંસક છે ત્યાં સુધી થવી જ જોઈએ. લોકોને વાતો કરવાનો વિષય તો મળવો જોઈએ ને?! નહીં તો શું વાતો કરે? એમ કે કોને કોવિડ થયો? ને કોને વેન્ટિલેટર ન મળ્યાં? કયા સ્મશાનમાં કેટલું વેઇટિંગ છે? એ તો હવે રોજનું થયું. એકનું એક જોઈ વાંચીને મન ઉદાસ થઈ જાય છે. માનસિક સ્થિતિ કથળી જાય છે. સ્મશાનમાં સળગતી ચિતાઓને જોઈને ચિંતાની બીમારી તો થઈ જ જાય. ચિતા ચિંતા સમાન. ચિતા એટલે મડદું બાળવાને માટે કરવામાં આવતી લાકડાં, છાણાં વગેરેની માંડણી, ચેહત અને ચિંતા એટલે મનનો ગભરાટ, ફિકર, ચિત્તની અસ્વસ્થતા, બેચેની, ધાસ્તી. આમ તો બંને વાતો નવી નથી. પણ એનું પ્રમાણ વધી જાય તો ઘણી તકલીફ થઈ જાય.
ચાલો, આપણે કોવિડ સિવાયની વાતો કરીએ. રણમાં શાહમૃગ બની જઈએ. રેતીની આંધી આવે છે પણ રેતીમાં મોં ખોસી દઈએ. કૂવામાં દેડકાં બની જઈએ. અંદર અંદર ડ્રાઉં ડ્રાઉં કરીએ. બહાર દુનિયા ક્યાં પહોંચી છે?- એ વિચાર કામચલાઉ રીતે રહેવા દઈએ. જ્યારે વિજ્ઞાાન કે વિનયન એવી પસંદગી હોય ત્યારે વિદ્યાર્થીઓ વિજ્ઞાાન પસંદ કરે. ભણ્યાં પછી, એક તો કામ મળે, પૈસા મળે. ભાષાઓ કે સમાજશાસ્ત્ર શીખીને નોકરી ક્યાં મળે છે? વિજ્ઞાાન છે તો વાઇરસની રસી શોધાઈ છે, તબીબો દર્દીઓની સારવાર કરી રહ્યા છે. ભાષામાં સ્નાતક થયા એ કામનાં શું? જ્યારે મહામારી આવે છે, એને નાથવાનાં સંસાધનો ટૂંકા પડે છે ત્યારે ભાષા જ આપણી વહારે થાય છે. કવિતા શું કરે છે? એ મનને જિંદગી તરફ વાળે છે. જીવન જીવવાની રીત બતાવે છે.
સુરતમાં સુંદર પ્રયોગ થયો. કોરોના કાળનાં કાવ્યો રચાયા. કવિ હોવું જરૂરી નહોતું. ગુજરાતી ભાષા આવડવી જોઈએ. જબરો પ્રતિસાદ મળ્યો. તકલીફમાં લોકો શું વિચારે છે?- એ ખ્યાલ આવ્યો. નેતા કે અભિનેતા એકબીજા ઉપર આરોપબાજીની રમત રમતા હોય છે. ઇટ્સ અ ગેઇમ! આ બધું ઉપરછલ્લું હોય છે. અંતે બધું એકનું એક છે. અંતે બધાં એકનાં એક હોય છે. આપણે વિચારીએ છીએ.
યસ, મહામારીમાં મહાતકલીફ રહેશે. આ યુદ્ધ છે. દુશ્મન કેવો છે?- એ હવે ખબર છે પણ એ બહુરૂપિયો છે. વેશ પલટો કરી નાંખે છે. અને પાછા નફ્ફટ જાત. આપણે પણ બેફામ થઈ જઈએ છે. શરીરની કાળજી લેવી આવશ્યક છે. પણ મનની કાળજી લેવી એટલી જ, કદાચ વધારે જરૂરી છે. તાવ આવે કે સ્વાદ/ગંધનું જ્ઞાાન જતું રહે એટલે ખબર પડે કે કોવિડ હોઈ શકે. પણ મનનું તંત્ર ડોલી ઊઠે ત્યારે ખબર પડતી નથી. માટે મન સાથે સમાધાન કરી લો. મન તાપસીની જેમ ન તપે, ન કંગનાની જેમ ખનકે. અને જાતને કહો કે હું વાંકો વળ્યો છું પણ તૂટી ગયો નથી, ઘા લાગ્યા છે પણ બેડોળ થયો નથી, દુ:ખી છું પણ નિરાશ નથી, થાક્યો છું પણ જીવું છું, ગુસ્સો છે પણ કડવાશ નથી. હું ઉદાસ છું, ચિંતા છે મને, પણ... હું હાર્યો નથી. ઇતિ!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3al3qZg
ConversionConversion EmoticonEmoticon