
- વર્લ્ડ હેરિટેજ ડે વિશેષ
- ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક
- હેરિટેજ જાહેર થયાનું વર્ષ - 2014
- 905
- ચોરસ કિલોમીટર
- લલિત ખંભાયતા - હર્ષ મેસવાણિયા
અ મદાવાદ, ચાંપાનેર આર્કિયોલોજિકલ પાર્ક, પાટણની રાણી વાવ... એ ત્રણેય ગુજરાતની 'વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ' છે. જેમને સાચવવાની જરૂર હોય એવા સ્થળોનું મહત્ત્વ પારખીને 'યુનેસ્કો' દ્વારા દર વર્ષે વર્લ્ડ હેરિટેજનું લિસ્ટ જાહેર કરાય છે. આવા વારસા અર્થાત હેરિટેજ અર્થાત વિરાસતની સાચવણી અંગે જાગૃત્તિ ફેલાય એ માટે દર વર્ષે ૧૮મી એપ્રિલ વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવાય છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ એટલે કોઈ જૂનવાણી બાંધકામ કે પછી અવશેષો એવી વ્યાપક સમજ છે. એ સમજ સાવ ખોટી નથી.
કેમ કે ૪૩ વર્ષમાં યુનેસ્કો દ્વારા ૧૧૨૧ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ છે અને તેમાંથી ૮૬૯ હિસ્ટોરિકલ-કલ્ચરલ સાઈટો છે. પરંતુ એ ઉપરાંત કુદરતી રીતે રચાયેલા સ્થળોને પણ હેરિટેજ જાહેર કરાય છે અને આવા સ્થળો નેચરલ કેટેગરીમાં આવે છે. યુનેસ્કોએ જગતભરમાંથી ૨૧૩ સ્થળો એવા અલગ તારવ્યા છે, જેની રચનામાં પ્રકૃત્તિએ જાણે પ્રાણ રેડી દીધા છે. ભારતમાં કુલ ૩૮ હેરિટેજ સાઈટ્સ છે, જેમાંથી સાત પ્રાકૃૃત્તિક અજુબાઓ છે. એની ઓળખ મેળવીએ...
ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક પણ હિમાલયનું સૌંદર્ય અને અનોખી સજીવ સૃષ્ટિનું જીવંત સંગ્રહસ્થાન છે. આખો પાર્ક વિસ્તાર ચાર અલગ અલગ ખીણમાં ફેલાયેલો છે. ભારતના દુર્લભ ગણાતા છોડ-વેલા પૈકીના ૫૦ ટકા અને જગતના દુર્લભ એવા ૧૦ ટકા છોડ-વેલા આ એકલા પાર્કમાં છે. તો વળી નંદાદેવીની માફક અહીં પણ સ્નો લેપર્ડ અને કસ્તુરી મૃગનો વસવાટ છે અને પહાડો ખુંદવાની તૈયારી હોય તો જોવા મળી પણ શકે.
પહાડી બકરીઓ અને હિમાલયના અન્ય સજીવોનો વાસ પણ ખરો. પ્રજાતિ ગણવા બેસીએ તો એક હજારથી વધુ પ્રકારના સજીવો અહીં રહે છે. હિમાચલમાં આખા ભારતમાં સૌથી વધારે દવા બનાવતી કંપનીઓ છે. કારણ કે દવા માટે જરૂરી છોડ-વેલા ત્યાં સૌથી વધુ થાય છે. એમાંથી અનેક દુર્લભ ઔષધિય છોડવાં ગ્રેટ હિમાલયન પાર્કના રહેવાસી છે.
ઉનાળામાં આ વિસ્તાર ટ્રેકર્સથી ઉભરાતો હોય છે, કેમ કે ટ્રેકિંગ માટે આદર્શ સ્થળ છે. શિયાળામાં પણ સાહસિકો ટ્રેકિંગ માટે આવતા રહે છે. પાર્કની ભૂમિ ૨ હજાર મિટરથી લઈને ૬ હજાર મિટર સુધી ફેલાયેલી છે. અનેક નદીઓના મૂળ પણ ત્યાં આવેલા છે. હિમનદીઓનો પાર નથી.
આખા વિસ્તારમાં તિર્થન વાઈલ્ડલાઈફ અને સૈંજ વાઈલ્ડલાઈફ સેન્ચુરી પણ આવેલી છે. તો વળી આસપાસમાં પણ બીજા આરક્ષીત વન-વિસ્તારો પણ આવેલા છે. એટલે સર્વત્ર જંગલ-મંગલ જ છે. કુલુ-મનાલી જતા પ્રવાસીઓ અહીં વધારે આવે છે કેમ કે કુલુથી અંતર માંડ પચાસ કિલોમીટર જેટલું જ છે. હિમાલયની પ્રકૃત્તિ કેવી હોય એ માણવા-સમજવા માટે આ જંગલ સર્વોત્તમ સ્થળ છે.
માનસ નેશનલ પાર્ક
આસામ
હેરિટેજ જાહેર થયાનું વર્ષ - ૧૯૮૫
૯૫૦
ચોરસ કિલોમીટર
એક તરફ ધીમે ધીમે ઊંચાઈ ધારણ કરતા હિમાલયના પહાડો છે, બીજી તરફ ગાઢ જંગલ છે, વચ્ચેથી માનસ નદી પસાર થાય છે અને તેની બન્ને કાંઠે પ્રકૃત્તિ પાંગરી છે. અહીં વાઘ છે, હાથી છે, પિગ્મી હોગ છે, જંગલી ભેંસ, બેંગાલ ફ્લોરિક કહેવાતા પક્ષી છે અને એવા તો ગણ્યા ગણાય નહીં એટલા સજીવો છે. માત્ર સજીવો છે એવું નથી, ૨૨ પ્રજાતિના એવા સજીવો છે, જે બીજે મળવા મુશ્કેલ છે.
સજીવોની કુલ જાતિ-પ્રજાતિ અને વસતી તો બેશક મોટી છે. અહીંનું પ્રાકૃત્તિક સૌંદર્ય પણ ઘેલું કરે એવું છે. તો વળી અહીં જોવા મળતું કેટલુંક ઘાસ તો જગતમાં બીજે ક્યાંય થતું નથી. પાર્કનો એક છેડો ભુતાનને સ્પર્શે છે અને ભુતાનમાં ફેલાયેલું પાર્ક રોયલ ભુતાન નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે. આસામનું કાઝિરંગા નેશનલ પાર્ક ત્યાં જોવા મળતા ગેંડા માટે જગ પ્રસિદ્ધ છે. માનસમાં પણ હવે ગેંડા છે. પણ દાયકા પહેલા ગેંડાની વસ્તી ઝીરો હતી. પાર્કની ઘણી બદનામી થઈ. એટલે આસામ વન વિભાગ, બોડોલેન્ડ કાઉન્સિલ, વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ જેવી પર્યાવરણ સંસ્થાઓ.. વગેરેએ મળીને પાર્કની જાળવણી કરવાની પ્રતિબદ્ધતા દાખવી.
કાઝીરંગાથી અહીં ગેેંડા લાવી મુકાયા અને તેની જાળવણી કરાઈ. ધીમે ધીમે કરતાં હવે ગેંડાની સંખ્યા ૨૦ ઉપર પહોંચી છે. શિકાર પ્રવૃત્તિ સાવ નહિવત સ્તરે પહોંચી છે. ૨૦૧૧માં યુનેસ્કોએ પણ પાર્ક સાથે લાગેલી 'ડેન્જર' ઓળખ હટાવી દીધી હતી. ભારતમાં જંગલ જાળવણીની સકસેસ સ્ટોરીની વાત કરવાની હોય તો માનસ તેનું એક મજબૂત ઉદાહરણ છે. ૨૦૨૧માં 'ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન)' દ્વારા જાહેર થયેલા 'ઈન્ટરનેશનલ રેન્જર એવોર્ડ' પૈકી એક એવોર્ડ માનસમાં ટાઈગર સંરક્ષણ કરતી ટીમને પણ મળ્યો છે.
નંદાદેવી - વેલી ઓફ ફ્લાવર્સ
ઉત્તરાખંડ
હેરિટેજ જાહેર થયાનું વર્ષ - ૧૯૮૮-૨૦૦૫
૭૧૨
ચોરસ કિલોમીટર
નંદાદેવી ભારતનું બીજા ક્રમનું સૌથી ઊંચું શીખર છે, ઊંચાઈ લગભગ ૨૬ હજાર ફીટ છે. તેની બાજુમાં ઋષી ગંગા ખીણ આવેલી છે, જેની ગણતરી જગતની સૌથી ઊંડી ખીણોમાં થાય છે. બાજુમાં જ વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક આવેલો છે. બન્ને વિસ્તારો અલગ અલગ સમયે નેચરલ હેરિટેજ જાહેર થયા છે. બન્ને વિસ્તાર વચ્ચે થોડુ જ અંતર છે એટલે તેને સંયુક્ત ઓળખ મળેલી છે.
વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે ફૂલોની ખીણ પ્રમાણમાં નાનો વિસ્તાર છે, પણ તેની મુલાકાત લેનારો વર્ગ મોટો છે. હિમાલયના ઢોળાવ પર સરેરાશ ૧૧ હજાર ફીટ ઊંચા આ વિસ્તાર પ્રાણી-પક્ષી કરતાં વધારે તો ત્યાં ઉગતાં ફૂલો માટે જાણીતા છે. વેલી ઓફ ફ્લાવર્સ એટલે જ નામ પડયું છે, કેમ કે ખીણ વિસ્તારમાં દૂર સુધી નજર પડે ત્યાં ફૂલો ઉગી નીકળે છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં હજારો અલગ-અલગ જાતના ફૂલો અહીં લહેરાય છે.
ખીણ પુરી થાય ત્યાં વળી ભારતનું બીજા નંબરનું સૌથી ઊંચુ શીખર નંદાદેવી ઉભું છે. નંદાદેવી એકલું ઉભેલું શીખર છે અને બહુ ઓછા પ્રવાસીઓ ત્યાં સુધી જવાનું પસંદ કરે છે, કેમ કે મારગ આકરા છે. પણ ત્યાં રીંછ, કસ્તુરી મૃગ, સ્નો લેપર્ડ વગેરે સજીવોની વસતી ખરી. આમેય આ વિસ્તાર ૧૯૩૦ના દાયકા સુધી તો વણખેડાયેલો હતો. આજે પણ વેલી ઓફ ફ્લાવર્સમાં મર્યાદિત સંખ્યામાં જ પ્રવાસીઓને પ્રવેશ મળે છે. એમાં પણ પ્રવાસીઓ ચાલવાની તૈયારી રાખવી પડે કેમ કે ફૂલો વચ્ચેથી ચાલીને જ પસાર થવું પડે.
વેસ્ટર્ન ઘાટ
પશ્ચિમ ભારત
હેરિટેજ જાહેર થયાનું વર્ષ - ૨૦૧૨
૧,૪૦,૦૦૦
ચોરસ કિલોમીટર
વેસ્ટર્ન ઘાટ કોઈ એક જંગલ નથી, ગુજરાતના ડાંગથી શરૂ થઈ છેક કેરળ સુધી ફેલાયેલી પર્વતમાળા છે. લંબાઈ લગભગ ૧૬૦૦ કિલોમીટર છે અને પહોળાઈ ૩૦થી ૫૦ કિલોમીટર છે. ભારતમાં બહુ ઓછા સ્થળોએ અતિ ગાઢ વર્ષા જંગલો છે, જેમાંના થોડાક વેસ્ટર્ન ઘાટમાં છે. હિમાલય કરતા જૂની હોવાથી પર્વતમાળા ભૌગોલિક રીતે પણ બહુ મહત્ત્વની છે. જ્યારે કરોડો વર્ષ પહેલા ધરતી પર એક ખંડ હતો અને એ કટકામાં વિભાજિત થયો ત્યારના અવશેષો, જૂરાસીક યુગના નમુના અહીં વિખરાયેલા છે. ભારતના જે જંગલોમાં સતત નવાં નવાં સજીવો મળતાં રહે એમાં વેસ્ટર્ન ઘાટનો સમાવેશ થાય છે. ઘાટનો ઘણો ખરો વિસ્તાર વણખેડાયેલો છે. થોડા વર્ષો પહેલા પહેલી વાર અહીંથી રહસ્યમય રીતે પથ્થર પર બનેલી આકૃત્તિઓ મળી આવી હતી. એવા ઘણા સ્થળો છે, જ્યાં સુધી મનુષ્યના પગલા પહોંચ્યા નથી, પહોંચી શકે એમ નથી. જીવવૈવિધ્યની દૃષ્ટિએ જગતના આઠ મહત્ત્વના સ્થળોમાં વેસ્ટર્ન ઘાટનો સમાવેશ થાય છે.
સરેરાશ ઊંચાઈ આઠ હજાર ફીટ છે અને મોટા ભાગનો વિસ્તાર માનવરહિત છે. એશિયાઈ હાથીનો સૌથી મોટો આવાસ વિસ્તાર પણ વેસ્ટર્ન ઘાટ છે. ભારતમાં મોટા ભાગનો વરસાદ સાઉથ-વેસ્ટ મોનસૂન વખતે પડે છે અને એ ચોમાસાના વાદળો વેસ્ટર્ન ઘાટ પરથી પસાર થાય છે. એટલે ઘાટના ઢોળાવ પર આવેલા મુંબઈ, ગોવા, કોંકણ, કેરળમાં ભારે વરસાદ પડે છે
. કોડાઈ કેનાલ, કૂર્ગ, મુન્નાર.. વગેરે હીલસ્ટેશનો પણ આ ઘાટનો જ ભાગ છે. મુંબઈથી ગોવા કે પુના રોડ માર્ગે જવાનું થાય કે પછી કોંકણ રેલવેની સફર કરવાની થાય તો વેસ્ટર્ન ઘાટની થોડી-ઘણી ઝલક મળી શકે.
સુંદરવન
પશ્ચિમ બંગાળ
હેરિટેજ જાહેર થયાનું વર્ષ - ૨૦૦૧
૧૦,૦૦૦
ચોરસ કિલોમીટર
જંગલ હોય ત્યાં નાના-મોટા જળાશયો હોય અને ગાઢ જંગલ હોય તો વળી નદી-નાળાની સમૃદ્ધિ પણ ભરપૂર હોય.. પરંતુ સુંદરવનમાં જળાશયો નથી, જળાશયમાં જંગલ છે. જળાશય શબ્દ તો નાનો છે, હકીકતે તો દસેક હજાર ચોરસ કિલોમીટરના ભારત-બાંગ્લાદેશ વચ્ચેના મુખત્રિકોણ પ્રદેશમાં ફેલાયેલુ જંગલ છે, જ્યાં પાણીનું જ પ્રભુત્વ છે.
બંગાળના અખાતના પાણી અને જમીન વચ્ચે ફેલાયેલુ આ જંગલ સતત ભીનુ રહે છે કેમ કે મૂળ તો સુંદરવન ટાપુઓનુ જંગલ છે. ખાડીમાં ભરતી આવે ત્યારે ટાપુનો જમીની ભાગ વધારે ડૂબે છે અને ઓટ આવે ત્યારે ટાપુઓ વચ્ચેથી વહેતી નદી-પેટાનદીઓ સાંકડી થઈ જાય છે. થોડા કલાકો પહેલા પાણીમાં ડૂબેલો ભાગ એ વખતે ફરી સપાટી પર આવે છે. ઓટ વખતે દસ-વીસ ફૂટ સુધી પાણી ઉતરી જાય છે. ભરતી અને ઓટને કારણે પાણીની વધ-ઘટ વૃક્ષોમાં બે અલગ કલર સ્વરૂપે સ્પષ્ટ દેખાય છે. આવી કુદરતી વિશિષ્ટતાને કારણે સુંદરવન જગતનું સૌથી અનોખુ જંગલ બને છે.
અહીંંના રોયલ બેંગાલ ટાઈગર એકમાત્ર એવા વાઘ છે, જે જન્મજાત માનવભક્ષી છે, ખારા પાણીમાં ઉછરી શકે છે અને સમુદ્રના સામા પાણીએ તરી પણ શકે છે. સુંદરીના સંખ્યાબંધ વૃક્ષોના કારણે આ જંગલ સુંદરવન નામે ઓળખાય છે.
આ જગતનું સૌથી મોટુ મેન્ગ્રોવ્સ જંગલ પણ છે. એટલું જ નહીં અહીં ૭૮ પ્રકારના મેન્ગ્રોવ્સ ઉગે છે, એટલે વૈવિધ્યનો પાર નથી. જગતનું સર્વોત્તમ ગણાતું મધ પણ અહીં થાય છે. આ અનોખુ જંગલ જોવા વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે અને પ્રકૃૃત્તિનો સાવ જૂદો જ અનુભવ માણીને અભિભૂત થયા વગર રહેતા નથી.
કેઓલાદેવ-ભરતપુર
રાજસ્થાન
હેરિટેજ જાહેર થયાનું વર્ષ - ૧૯૮૫
૨૯
ચોરસ કિલોમીટર
અંગ્રેજોએ ભારતના જંગલમાં ઠેર ઠેર જે સજીવો દેખાયા એનો શિકાર કર્યો. પ્રજાવત્સલ ગણાતા રાજા-મહારાજાઓ પણ એ શિકારમાં ભાગીદાર થતા. ભારતના ઘણા સજીવો એમ નષ્ટ થયા. અંગ્રેજો-રાજા-મહારાજાન શિકારોના અવશેષો તો દેશમાં ઠેર ઠેર છે અને એમાં જાણીતું સ્મારક આજનું કેઓલાદેવ નેશનલ પાર્ક છે. ભરતપુર શહેર નજીક છે અને ત્યાં કેઓલાદેવનું શિવ-મંદિર છે, એટલે તેના નામે ઓળખાય છે. ભરતપુર પાસેનો વિસ્તાર રાજા સુરજમલે પોતાની રીતે વિકસાવ્યો હતો એટલે આ માનવનિર્મિત જંગલ પણ ગણાય છે.
અફઘાનિસ્તાન-રશિયા-તુર્કમેનિસ્તાન-ચીન વગેરે મધ્ય એશિયાઈ પ્રાંતમાંથી આવતા પ્રવાસી પક્ષીઓ શિયાળા ટાણે અહીં વિસામો લેતા અને ત્યારે જ મોટે પાયે શિકાર થતો. વિસામો લેવાની સાથે પક્ષીઓ વંશ-વેલો પણ વધારતા એટલે જગતના સૌથી નોંધપાત્ર બર્ડ બ્રિડિંગ ગ્રાઉન્ડમાં કેઓલાદેઓની ગણતરી થાય છે. પાર્ક અને આસપાસમાં કુલ ૨૭ નાના-મોટા જળાશયો આવેલા છે, જે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીં આમ તો ૩૬૦ પ્રકારના પક્ષીઓ આવતા-જતાં-રહેતાં હોવાનું નોંધાયુ છે. એમાં વળી ભાગ્યેજ જોવા મળતા સાઈબિરિયન ક્રેનની જોડી પણ કેટલાક વર્ષો પહેલા દેખાઈ હતી.
પાર્કનો વિસ્તાર નાનો છે અને શિકારનો ખતરો વધારે છે. એટલે પાર્ક ફરતે સાતેક ફીટ ઊંચી દીવાલ ચણી લેવાઈ છે. ભારતનો આ એકમાત્ર આરક્ષીત વનવિસ્તાર છે, જે આખો દીવાલથી પેક કરાયેલો છે. પક્ષી-દર્શન માણવા અહીં આવતા પ્રવાસીઓ ચાલીને, સાઈકલ પર બેસીને કે પછી રીક્ષા સવારી કરીને ફરી શકે છે.
કાઝિરંગા
આસામ
હેરિટેજ જાહેર થયાનું વર્ષ - ૧૯૮૫
૪૩૦
ચોરસ કિલોમીટર
આસામનું કાઝિરંગા નેશનલ પાર્ક આખા જગતમાં એકશીંગી ગેંડાની સૌથી વધારે વસ્તી ધરાવે છે. સવા બે હજાર કરતા વધારે ગેંડા રહે છે. એ વાતે આ પાર્ક આખા જગતના ગેંડા પ્રેમીઓને આકર્ષે છે. બીજી તરફ બે વાતે પાર્ક બદનામ છે. મોટી વસતી હોવાથી અહીં ગેંડાનો શિકાર મોટે પાયે થતો હતો, હવે જરા ઓછો થયો છે, તો પણ છતાંય સો ટકા શિકારપ્રૂફ નથી. પાર્કને દર વરસે ચોમાસામાં બીજી બદનામી મળે છે. કેમ કે બ્રહ્મપુત્ર નદીમાં પ્રચંડ પુર આવે ત્યારે પાર્કનો ઘણો વિસ્તાર ડૂબે છે, ત્યાં રહેતા લોકો, ગેંડા સહિતના સજીવો જળપ્રલયનો ભોગ બને છે. એટલે જ તો છ મહિના આ વન વિસ્તાર પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે, બાકીના છ મહિના (ઓક્ટોબરથી મે) વાતાવરણ જોઈને ખોલ-બંધ થતો રહે છે.
ગેંડા ઉપરાંત વાઘ, હાથી, સાંભર સહિત વિવિધ પ્રકારના હરણ.. સહિતના અસંખ્ય સજીવો અહીં વસે છે. અહીં ખાસ્સુ ઊંચુ એલિફન્ટ ગ્રાસ પ્રકારનું ઘાસ થાય છે. નામ મુજબ હાથી હાલ્યો જતો હોય તો પણ માંડ દેખાય એટલુ ઊંચુ એ ઘાસ હોય છે. એની વચ્ચે છૂપાયેલા વાઘ જોવા મળવા મુશ્કેલ છે. ઉત્તર ગોળાર્થથી ઉડીને દક્ષિણમાં ઑસ્ટ્રેલિયા જતાં પ્રવાસી પંખીઓ અહીં શિયાળામાં મોટી સંખ્યામાં મહેમાન બને છે. અહીંના પાંચ મોટા સજીવો ગેંડા, હાથી, વાઘ, જંગલી ભેંસ અને બારાસિંગા બિગ ફાઈવ તરીકે ઓળખાય છે, જે પાર્કને વધારે પ્રસિદ્ધ બનાવે છે.
શિકાર, જંગલમાં થઈ રહેલું દબાણ, ગેરકાયદેસર બાંધકામો, સતત ધમધમતો હાઈવે નંબર ૩૭ વગેરે નાની-મોટી સમસ્યાઓ પાર્કને નડે છે.
કાંચનજંગા નેશનલ પાર્ક
કાંચનજંગા નેશનલ પાર્ક દેશની પ્રથમ અને એકમાત્ર મિક્સ હેરિટેજ સાઈટ છે. યુનેસ્કોએ આ વિસ્તારને મેન એન્ડ ધ બાયોસ્ફેર પ્રોગ્રામમાં સમાવીને રક્ષણ આપ્યું છે. મિક્સ હેરિટેજ એટલે એવી સાઈટ કે જે સાંસ્કૃતિક અને કુદરતી બંને રીતે મહત્વની હોય. બીજા શબ્દોમાં કહીએ તો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક રીતે સંયોગ સર્જાયો હોય એવા દુર્લભ સ્થળો. યુનેસ્કોએ દુનિયાભરમાં ૩૯ આવા દુર્લભ સ્થળો શોધી કાઢ્યા છે અને એમાં ભારતની એકમાત્ર આ સાઈટ છે.
નેશનલ પાર્કનું નામ વિશ્વના ત્રીજા ક્રમના સૌથી ઊંચા શિખર કાંચનજંગા પરથી રખાયું છે. ૧૯૭૭માં વન્ય અને પર્યાવરણ મંત્રાલયે આ વિસ્તારને નેશનલ પાર્ક જાહેર કર્યો હતો. આ નેશનલ પાર્ક હિમાલયન રેન્જમાં ૬,૦૦૦થી ૨૮,૦૦૦ ફૂટની ઊંચાઈએ ૧૭૮૪ ચોરસ કિલોમીટરમાં પથરાયેલો છે. શિયાળામાં આખા નેશનલ પાર્કમાં બરફની ચાદર પથરાઈ જતી હોવાથી એ સિઝનમાં કાંચનજંગા નેશનલ પાર્કમાં મનોરમ્ય દૃશ્યો સર્જાય છે.
હિમાલયન રેન્જમાં આવેલો આ નેશનલ પાર્ક પ્રાકૃતિક રીતે ખૂબ જ સમુદ્ધ છે અને સાંસ્કૃતિક રીતે પણ તેનું અનેરું મૂલ્ય છે. નેશનલ પાર્કમાં ૫૫૦ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. કાંચનજંગા નેશનલ પાર્ક રેર ગણાતા જંગલી ડોગ ધોલ, ભુરાં ઘેટા, રેડ પાન્ડા સહિતના કેટલાય સજીવોનું ઘર છે.
નેચરલ હેરિટેજ શબ્દ કોણે કોઈન કર્યો?
૧૯૬૦ના દશકામાં ઈજિપ્તમાં નાઈલ પર આસ્વાન ડેમનું બાંધકામ શરૂ થયું હતું. એ ડેમ વૈશ્વિક વિરાસતોની જાળવણી માટે નિમિત્ત બન્યો હતો. એ વખતે ઈજિપ્ત અને સુદાને પ્રાચીન બાંધકામોને સાચવવા માટે યુનેસ્કો પાસે મદદ માગી હતી. યુનેસ્કોએ સદ્ધર દેશોને અપીલ કરીને મદદ મેળવી હતી, તેના કારણે ઘણી પૌરાણિક સાઈટ બચી ગઈ હતી. એ સમયે પહેલી વખત સાંસ્કૃતિક વિરાસતો સાચવવી જોઈએ એવા વિચારના બિજ રોપાયાં હતાં. ૧૯૭૨માં રૂપરેખા તૈયાર થઈ અને ૧૯૭૫માં અમલ થયો. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ અંતર્ગત બે પ્રકારની વિરાસતોની જાળવણી શરૂ થઈ હતી. સાંસ્કૃતિક અને પ્રાકૃતિક.
કલ્ચરલ હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વિરાસત શબ્દ તો જાણીતો હતો, પરંતુ ત્યારે પ્રાકૃતિક વિરાસતો એટલે કે નેચરલ હેરિટેજ શબ્દ નવો નવો જાણીતો બન્યો હતો. એ શબ્દને જાણીતો બનાવવાનો યશ અમેરિકાના બે પ્રમુખોને મળે છે.
જિમ્મી કાર્ટર અમેરિકાના પ્રમુખ બન્યા તે પહેલાં ૧૯૭૧થી ૧૯૭૫ સુધી જ્યોર્જિયાના ગવર્નર હતા. ત્યારે તેમણે જ્યોર્જિયા હેરિટેજ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. એ ટ્રસ્ટ બનાવતી વખતે જિમી કાર્ટરે નેચરલ હેરિટેજ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
પણ એ શબ્દ જિમ્મી કાર્ટરનો પોતાનો ન હતો. તેમણે લીન્ડન જોન્સનના એક ભાષણમાંથી પ્રેરણા લઈને તેનો પ્રયોગ કર્યો હતો. લીન્ડન જોન્સન ૧૯૬૩થી ૧૯૬૯ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહ્યા હતા. ૧૯૬૬માં અમેરિકન કોંગ્રેસને સંબોધિત કરતી વખતે તેમણે પ્રથમ વખત નેચરલ હેરિટેજ શબ્દ પ્રયોજ્યો હતો.
એમાંથી પ્રેરિત થઈને જિમ્મી કાર્ટરે જ્યોર્જિયા હેરિટેજ ટ્રસ્ટમાં નેચરલ હેરિટેજની કેટેગરી બનાવીને રાજ્યના એવા પ્રદેશોને બચાવવા પર ભાર મૂક્યો હતો કે જેનું કુદરતી રીતે મહત્વ હતું. 'નેચરલ હેરિટેજ' શબ્દ લીન્ડન જોન્સને પ્રયોજ્યો હતો, પરંતુ એ શબ્દને જાણીતો બનાવવામાં જિમ્મી કાર્ટરનો ફાળો હતો.
વર્લ્ડ હેરિટેજ કમિટીએ જ્યારે વિરાસતોની રૂપરેખા ઘડી ત્યારે આ શબ્દને સ્વીકારીને 'નેચરલ હેરિટેજ'ની કેટેગરી બનાવી હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3an4VpE
ConversionConversion EmoticonEmoticon