- એક કલાકાર તરીકે હું વિચારું છું કે આ વન્ડરફૂલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બનું અને એમાં તમે જ્યારે પણ કામ કરવા ઇચ્છો ત્યારે એ યોગ્ય સમય બની શકે છે
હે મા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલ ફરી ફિલ્મોમાં આવી રહી છે, આ ન્યૂઝ તેમના ફેન્સને બહુ ગમશે એ કહેવાની જરૂર નથી કેમ કે ઈશા દેઓલ અદ્દલ 'ડ્રીમગર્લ' હેમા જેવી જ દેખાય છે અને છેક ૨૦૦૨માં તેણે 'કોઈ મેરે દિલ સે પૂછે' ફિલ્મ થકી બોલીવૂડમાં એન્ટ્રી મારી હતી અને ૨૦૧૧માં 'ટેલ મી ઓ ખુદા' નામની ફિલ્મ બની હતી, જેમાં ઈશા દેઓલ હતી અને એ ફિલ્મનું દિગ્દર્શન હેમા માલિનીએ કર્યું હતું.
આ પછી તો ઈશા દેઓલ બોલીવૂડમાં નજરે નહોતી પડી અને તેણે અંગત જીવન પર ફોકસ કેન્દ્રીત કરી લીધું હતું અને ભરત તખ્તાણી સાથે ૨૦૧૨માં લગ્ન કરી બે સંતાનોની માતા બની. આ પછી લગભગ એકાદ દાયકા પછી 'ધૂમ', 'દશ', 'યુવા' અને 'નો એન્ટ્રી'માં નાની ભૂમિકામાં નજરે પડી હતી. જો કે એ હવે એક દમદાર ફિલ્મ સાથે બોલીવૂડમાં રિ-એન્ટ્રી કરવાની છે. અહીં તેની સાથેની વાતો પ્રસ્તુત છે.
'મને કેટલીક સારી ઓફર મળી રહી છે અને એ મને કેમેરાની સામે જવા પ્રોત્સાહિત કરી રહી છે અને એને હું પ્રેમ કરી રહી છું,' એમ ઈશા દેઓલે જણાવ્યું હતું. આ સાથે જ તે ઉમેરે છે, 'એક કલાકાર તરીકે હું વિચારું છું કે આ વન્ડરફૂલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બનું અને એમાં તમે જ્યારે પણ કામ કરવા ઇચ્છો ત્યારે એ યોગ્ય સમય બની શકે છે. અગાઉ, મેં મારો પરિવાર આરંભ્યો અને મને બાળકી પણ થઈ અને મને લાગ્યું કે બાળકોના ઉછેરનો આ યોગ્ય અને મહત્ત્વનો સમય છે અને હું તેને અનુસરી છે.'
જો કે ઈશા દેઓલે તેના દમદાર નવા પ્રોજેક્ટ માટે વધુ માહિતી નથી આપી અને તે અંગે લગભગ મોન જાળવી રાખ્યું છે. આ પ્રોજેક્ટનો પ્રારંભ જુલાઈમાં થાય એવું જાણવા મળ્યું છે. ઇશાએ જણાવ્યું, 'આ ફિલ્મનો સબ્જેક્ટ મારા હૃદયની અત્યંત નિકટ છે અને ઘણી બધી મહિલાઓ તેનાથી ઓળખાય સુધ્ધાં છે. ફિલ્મની સ્ટોરી ઘણી સુંદર છે અને તે કહેવા જેવી છે. મને લાગ્યું કે ફિલ્મમાં કામ કરવા માટે આ યોગ્ય સમય છે અને એક માતા તરીકે આ ફિલ્મ થકી હું એક સુંદર મેસેજ લોકો સુધી પહોંચાડી શકીશ, એવું મને લાગ્યું આથી મેં આ ફિલ્મ કરવાનો નિર્ણય કર્યો છે.'
લગ્ન અને બાળક પછી બોલીવૂડમાં ફરી પાછી આવવા ઇચ્છુક અભિનેત્રીઓ માટે રસપ્રદ રોલ્સ લખવામાં આવે છે, એવો એક પ્રશ્ન પૂછાતા ઈશા દેઓલે જણાવ્યું, 'આ માટે સર્વોત્તમ ઉદાહરણ છે મારી માતા, જેણે લગ્ન અને સંતાનો પછી કામ કરવાનું ચાલુ રાખ્યું અને તેણે ૧૯૮૦માં પુનરાગમન કર્યું.
આજે ઓટીટી પર સારા કન્ટેન્ટ અને અમૂલ્ય તક ઉપલબ્ધ છે ત્યારે મને લાગે છે કે પરિણીત મહિલા માટે કેટલાંક સુંદર પાત્રો ભજવવા માટે ઉપલબ્ધ છે, જે તેમને સંતોષજનક કામ કર્યાની અનુભૂતિ કરાવી શકે છે. તમે પરિણીત અભિનેત્રી છો અને ઉત્તમ કામ કરવા તૈયાર છો ત્યારે હું માનું છું કે આપણે લાંબી મજલ કાપીને આવ્યા છીએ ત્યારે આપણી ઇન્ડસ્ટ્રીના લોકો પરિણીત અભિનેત્રીઓને ઉમદા આવકાર આપવા તૈયાર છે.'
આમ, ઈશા દેઓલે સેટ પર ફરી આવવાની તૈયારી કરી રહી છે ત્યારે તેણે કામ અને ઘર વચ્ચે સમતુલા જળવાઈ રહે એ માટે તેણે પૂરેપૂરા આત્મવિશ્વાસી રહેવું પડશે, એ તો ચોક્કસ છે. આ સંદર્ભે ઉત્તર આપતા ઈશા દેઓલે જણાવ્યું હતું, 'કામ કરતી મહિલા અને માતાઓએ સમતુલા શોધી કાઢવી જરૂરી હોય છે.
આ ઉપરાંત તેના પરિવાર તરફથી પણ પર્યાપ્ત ટેકો તેને મળવો જોઈએ એવું મારું માનવું છે. આ કારણે તે ઘર અને કામકાજ એ બંને વચ્ચે વ્યવસ્થિત સંતુલન જાળવી શકે છે. આમેય મહિલાઓ એકથી વધુ કામ એક સાથે કરવામાં શ્રેષ્ઠ હોય છે અને મને પણ વિશ્વાસ છે કે હું પણ કામ અને ઘર વચ્ચે સંતુલન જાળવી શકીશ,' એમ તેણે ઉમેર્યું હતું.
અગાઉની ડ્રીમગર્લ હેમા માલિની તેની માતા છે ત્યારે ઈશાએ તેની પ્રેરણા માટે વધુ રાહ જોવાની જરૂર નથી. ઈશા કહે છે, 'મારી માતાએ તેના જીવનમાં બધું જ બહુ સારી રીતે મેનેજ કર્યું છે અને સંભાળ્યું છે. આની ક્રેડિટ હું મારી નાની જયા ચક્રવર્તીને આપીશ. તેઓ મારી માતાના મજબૂત ટેકેદાર બની રહ્યા હતા. અમે જ્યારે બાળકો હતા અને મારી માતા શુટિંગ પર જતી હતી ત્યારે મારી નાની, આન્ટી અને કઝીન્સ અમારી સંભાળ રાખતા હતા.
જ્યારે મારી માતા ઘરે પાછી ફરતી ત્યારે એ તેની બધી જ ફરજ સંભાળી લેતી, જે તેની માતાએ તેના સંતાનો માટે બજાવી હોય. હું તો માનું છું કેવર્કિંગ મધરનું એ તો શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવું જ મારા પરિવારમાં પણ બનશે- મને આખા ઘર અને તખ્તાણી પરિવારની મજબૂત સપોર્ટ સિસ્ટમ અને મારા પરિવારનો સંપૂર્ણ ટેકો સાંપડશે અને એવો મને વિશ્વાસ છે,' એમ કહી ઈશા દેઓલે સમાપન કર્યું હતું.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sF2gii
ConversionConversion EmoticonEmoticon