
- લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)
ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમમાં સ્પેશ્યલ કોર્ટની રચના અને તેના કાર્યો અંગેની જોગવાઈઓ
ગુજરાત સરકારે સપ્ટેમ્બર-૨૦૨૦માં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો રાજ્યની વિધાનસભામાં પસાર કરી, કાયદાકીય સ્વરૂપ આપ્યું છે. આ કાયદાના ઘડતર અને પસાર કર્યાના સમયગાળામાં અમારા દ્વારા સમગ્ર કાયદાની પૂર્વ ભુમિકા, અસરો અને ખાસ કરીને જમીન પચાવી પાડનારની જે વ્યાખ્યા કાયદામાં વિસ્તૃત સ્વરૂપે ક્યા પ્રકારે આચરણ થાય છે તેના લોકાભિમુખ માર્ગદર્શનના કોલમમાં આલેખન અગાઉ કરવામાં આવ્યું છે. વાંચકો દ્વારા આ કાયદામાં સ્પેશ્યલ કોર્ટની રચનાની જોગવાઈ અને તેના કાર્યો વિશે માહિતી આપવાનું જણાવતાં, કાયદાકીય રીતે અને આમ જનતાની સમજ માટે આ બાબત અગત્યની હોઈ, વિશ્લેષણ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. આમ તો આ કાયદામાં બે સત્તાતંત્રો અગત્યના છે. એક કલેક્ટરના અધ્યક્ષ હેઠળની સમિતિ અને તેઓની આ કાયદા હેઠળ સત્તા અને બીજી આ કાયદાની કલમ-૭ હેઠળ રચાયેલ, સ્પેશીયલ કોર્ટ અને આ સ્પેેશીયલ કોર્ટની રચના એકથી વધારે એરીયા એટલે કે એકથી વધારે જીલ્લાઓ માટે ગુજરાત રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂતના પરામર્શમાં રાજ્ય સરકારે રાજ્યપત્રકમાં જાહેરનામું બહાર પાડીને કરવાનું છે.
માનો કે કોઈ વિસ્તારના કે ગુ્રપના કેસો માટે કાર્યક્ષેત્રનો પ્રશ્ન ઊભો થાય તો કઈ કોર્ટમાં કેસ ચલાવવો તે અંગે રાજ્ય સરકારને રેફરન્સ કરવાનો છે અને આ બાબતમાં રાજ્ય સરકારનો નિર્ણય આખરી ગણાશે. સ્પેશીઅલ કોર્ટનું અધ્યક્ષસ્થાન (Presiding Officer) હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધિશના પરામર્શ અન્વયે જે ન્યાયાધિશની નિમણૂંક રાજ્ય સરકાર કરશે તે સંભાળશે, રાજ્ય સરકાર વધારાના ન્યાયાધિશને પણ સ્પેશીઅલ કોર્ટની સત્તા આપી શકશે. પરંતુ આ બાબતમાં પણ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂતના પરામર્શ બાદ નિમણૂંક કરી શકાય છે. આ અધિનિયમ હેઠળ સ્પેશીઅલ કોર્ટના ન્યાયાધિશ તરીકે અથવા વધારાના ન્યાયાધિશ તરીકે નિમણૂંક માટે તે લાયક ગણાશે કે તે આ નિમણૂંક પહેલાં ડિસ્ટ્રીક જ્ડજ અથવા સેશન જ્ડજ તરીકે કામગીરી કરેલ હોય. રાજ્ય સરકાર વખતો વખત સ્પેશીયલ કોર્ટની પુનઃરચના કરી શકે અથવા રદ પણ કરી શકે છે. દા.ત. એવુ પણ બને કે ડાંગ અથવા અરવલ્લી જેવા જીલ્લાઓ કે વિસ્તારોમાં આ કાયદા હેઠળ કેસોની સંખ્યા ઓછી હોય તો રદ પણ કરી શકાય અથવા તો કામના ભારણને ધ્યાનમાં લઈ એક થી વધારે જીલ્લા માટેનું કાર્યક્ષેત્ર પણ નક્કી થઈ શકે છે. સ્પેશીઅલ કોર્ટના ન્યાયાધિશની મુદ્દત ત્રણ વર્ષની હોદ્દો ધારણ કર્યેથી ગણાય છે અથવા જો આ સમયગાળા પહેલાં રદ કરવામાં આવે અથવા પુનઃગઠિત કરવામાં આવે તો તેટલા સમય પુરતી મુદ્દત લાગુ પડશે. આમ આ કાયદા હેઠળ સ્પેશીયલ કોર્ટની જે રચના કરવાની છે તેમાં ડિસ્ટ્રીક કોર્ટના જીલ્લા ન્યાયાધિશ કક્ષાના જ્ડજની નિમણૂંક કરવાની થાય છે. જાણકારી મુજબ હજૂ આ સ્પેશયલ કોર્ટોની રચના તમામ જીલ્લાઓ કે એરીયા માટે થયેલ નથી.
જમીન પચાવી પાડવાના પ્રતિબંધક કાયદા હેઠળ રચાયેલ સ્પેશીયલ કોર્ટ, સિવિલ કોર્ટ અને કોર્ટ આફ સેશન (Session) તરીકે સિવિલ પ્રોસીઝર કોડ અને ક્રીમીનલ પ્રોસીઝર કોડ હેઠળની સત્તાઓ ભોગવે છે. આ સ્પેશયલ કોર્ટને આ કાયદા હેઠળના વિષયવસ્તુને સંલગ્ન કોઈપણ કેસ સ્વમેળે (Suomoto) હાથ ધરી શકે છે અથવા તો અરજદારની અરજીને આધારે અથવા જીલ્લા કલેક્ટરે અધિકૃત કરેલ અધિકારીની અરજીની આધારે આ કાયદાની જોગવાઈઓ શરૂ થઈ તે પહેલાં અને પછીના જમીન પચાવી પાડવાના કહેવાતા કૃત્ય અથવા જમીન પચાવી પાડેલી જમીનની માલિકી અને માલિકી હક્ક અથવા પચાવી પાડેલી જમીનનો કાયદેસર કબજો હોવાના સબંધમાંથી ઉદ્દભવતા દરેક કેસની ન્યાયિક નોંધ એટલે કે કાર્યવાહી કરી શકાશે અને કેસના ગુણદોષના આધારે વચગાળાના હુકમો આપી શકશે એટલે કે પ્રાથમિક રીતે સુનાવણી કર્યા બાદ કોર્ટ એવો interim orders કરી શકે કે કોઈપણ પક્ષકાર કેસનો નિકાલ ન થાય ત્યાં સુધી પ્રવેશ કરવો નહી કે જમીનને લગતી તબદીલી કરવી નહી. આ કાયદા હેઠળ જે કાર્યવાહી હાથ ધરવામાં આવે તે જેમ જણાવ્યું તે દિવાની કાર્યરીતિ અધિનિયમની જોગવાઈઓ લાગુ પડશે તે સાથો સાથ જમીન મિલ્કતને લગતો જે પણ હુકમ કરવામાં આવે તે વિશે, કોર્ટનો નિર્ણય આખરી રહેશે. સ્પેશીયલ કોર્ટ દિવાની જવાબદારી (Liability) નક્કી કરતી વખતે કુદરતી ન્યાયના સિધ્ધાંતો અને નિષ્પક્ષ વ્યવહાર સાથે આ અધિનિયમ હેઠળ ઘડવામાં આવેલ કોઈ નિયમોની અન્ય જોગવાઈઓને આધીન રહીને કાર્યરીતિ અનુસરવાની છે.
તે જ રીતે આ અધિનિયમમાં જે શિક્ષા અને દંડનું ધોરણ નક્કી કર્યું છે તે વિશેષ કોર્ટ માટે કાયદેસરનું ગણાશે. આ કાયદા હેઠળ સિવિલ અને ક્રિમીનલ (Liability) કાર્યવાહી અંગેનો નિર્ણય કોર્ટની વિવેકાધીન સત્તા ઉપર રહેશે. આ કાયદા હેઠળ વિશેષ બાબતે એ છે કે, જમીન પચાવી પાડનારાઓ સામે સમય મર્યાદામાં કાર્યવાહી થાય અને ગુન્હેગારોને સમય મર્યાદામાં શિક્ષા થાય તે માટે કેસ કર્યાની તારીખથી છ માસમાં નિર્ણય લેવાનો છે એટલે કે કાનુની રીતે સમયમર્યાદા બાંધવામાં આવી છે. જેથી કાયદાની અસરકારકતા પેદા થાય. સ્પેશ્યલ કોર્ટ દ્વારા કેસમાં લીધેલ આધારપુરાવાઓ નિર્ણાયક પુરાવા તરીકે ગણવાના છે અને સ્પેશ્યલ કોર્ટનો ચુકાદો પક્ષકારોને બંધનકર્તા રહેશે.
આ ઉપરાંત કોર્ટની વિશેષ સત્તામાં એ પણ છે કે જમીન પચાવી પાડવાનો ગુન્હો સાબિત થાય તો બિનઅધિકૃત કબજો જે વ્યક્તિની પાસે હોય તેની પાસેથી બળ વાપરીને (force) કબજો લેવાની અને કાયદેસરના હક્કદારને કબજો સુપ્રત કરવાનો હુકમ કરવાની સત્તા પણ છે. આ કાયદાની જોગવાઈઓને ન્યાયના હેતુને ધ્યાનમાં લઈ ઉત્તેજન આપવાના ભાગરૂપે જમીન પચાવી પાડનાર એટલે કે કબજો ધરાવનાર પાસેથી જે ઉપાર્જન મેળવેલ હોય તે વળતરની રકમ અને આ રકમ નક્કી કરતી વખતે પ્રવર્તમાન જંત્રીની રકમ જે હોય તેને ધ્યાનમાં લઈ વળતરની રકમ ચૂકવવાના હુકમો પણ કરી શકે છે. પરંતુ આવા હુકમો કરતાં પહેલાં જમીન પચાવી પાડનારને રજૂઆત કરવાની કે તે અંગેના પુરાવા રજૂ કરવાની તક આપવાની છે. આમ આ કાયદામાં જમીન પચાવી પાડવાની બાબતમાં જેટલા ખાનગી વ્યક્તિઓના કિસ્સામાં અસરકારક / દાખલારૂપ શિક્ષા થાય તેટલી જ માથાભારે વ્યક્તિઓ દ્વારા સરકારી કે અર્ધસરકારી, નગરપાલિકા, પંચાયત કે ટ્રસ્ટની જમીનો પચાવી પાડી હોય તેની સામે પણ થઈ શકે છે એટલે સૌ પ્રથમ તો આ કાયદાને પસાર થયાને છ માસ જેટલો સમય થયો છે. પરંતુ મહેસૂલી અધિકારીઓએ સરકારી જમીન પચાવી પાડનારાઓ સામે કાર્યવાહી કરી હોય તેવું ધ્યાનમાં આવેલ નથી. ખરેખર જાહેરહિતમાં સરકારી જમીનો ઉપરના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારી અધિકારીઓની છે એટલે કોઈના દબાણ કે શેહશરમમાં આવ્યા વગર કાર્યવાહી કરવામાં આવશે તો કાયદાની સાર્થકતા સાબિત થશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QdTWrE
ConversionConversion EmoticonEmoticon