ઘૂઘરો જીવનનો ભાર હળવો કરે છે


- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- શ્રુતિસંવેદનનું સૌંદર્ય પહેલવહેલું ઘૂઘરા પાસેથી મળે, પછી માના હાલરડામાંથી મળે. પાલતુ પ્રાણીઓ ગાય, બળદ ને કોટે પણ ઘૂઘરો હોય, એનો પણ રણકાર થાય...

આ જકાલ જીવન બૉઝિલ લાગે છે.. પણ ત્યારે હળવુંફુલ લાગતું હતું. આજે ઘૂઘરો શબ્દ ઓછો સાંભળવા મળે છે પણ પાંચ છ દાયકા પૂર્વે બાળકોનું ખાસ રમકડું જ ઘૂઘરો હતું. ઘૂઘરે રમતું બાળક થાય એટલે સમજવાનું ચાલવાની તૈયારી કરી રહ્યું છે. ઘૂઘરામાં એવો મધુર અવાજ કે બાળક રમવા લાગે ! મૂળ તો અંદર કાંકરા ભરી ધાતુના પાત્રને બંધ કરી દેવું, પછી એને હલાવવું - એમાંથી જે અવાજ આવે એ ઘૂઘરાનો અવાજ, રણકાર કહીએ. એક વિશિષ્ટ પ્રકારનો લય એમાંથી જન્મે.. બાળકના ઘોડિયે બાંધ્યો હોય, હાલે એટલે રણકાર જન્મે. શ્રુતિસંવેદનનું સૌંદર્ય પહેલવહેલું ઘૂઘરા પાસેથી મળે, પછી માના હાલરડામાંથી મળે. પાલતુ પ્રાણીઓ ગાય, બળદ ને કોટે પણ ઘૂઘરો હોય, એનો પણ રણકાર થાય. એ રણકાર દ્વારા એની ઓળખાણ થાય. મારાં બા ઘૂઘરાના રણકાર ઉપરથી આંગણે ખેતરમાંથી કઇ ગાય આવી, તે ઓળખી કાઢતાં. ઘણીવાર બળદ રણકાર દ્વારા માલિકનું ધ્યાન પણ દોરે. એ ઘૂઘરા પાછળનું રહસ્ય શું હશે ? ઘૂઘરી અને ઘૂઘરા વચ્ચે પ્રમાણભેદનું અંતર છે.

બળદની કોટે બાંધેલી ઘુઘરમાળ પિત્તળની હોય અંદર લોખંડની ગોળીઓ હોય.. પિત્તળનો અવાજ રણકે. આ ઘૂઘરો બાંધવા પાછળનું કોઇ ખાસ પ્રયોજન હશે ખરું ? ઘૂઘરા બાંધેલો સાધુ ગામમાં આવે.. મૂળ તો આકર્ષણ.. અન્ય ધમાલમાં આપણે રોકાયેલા હોઇએ ત્યારે ધ્યાનાકર્ષક એક વિશિષ્ટ પ્રકારનો લયાત્મક ધ્વનિ લઇને સાધુ કે બળદ આવે અને આપણે તેના આવકારની નોંધ લઇએ. સાધુને કે બળદને બોલવું ના પડે. ખખડાવનારની જરૂર નહિ.. સજીવ પાત્રોને ગળે કે પગે બાંધી દેવાથી તેના હલનચલનમાં લયાત્મકતા ઊભી થાય.. અમીર ઘરનાં બાળકોને પગે પણ આવી ઘૂઘરીઓ બંધાય.. ઊંચા ઘરનાં તોરણે પણ ઝીણી ઘૂઘરમાળ લટકે.. શ્રુતિનો સ્વાદ એટલે ઘૂઘરાનો રણકાર. ઘૂઘરીઓનું ઝૂમખું હોય, ઘૂઘરો મોટો હોય.. ખેતરમાં સુકાઇ ગયેલા કઠોળ મગ - મઠ - ગુવારની શિંગમાંથી જે દાણા ખખડે તેનો અવાજ પણ ઘૂઘરી જેવો.

ઘૂઘરિયાળો સાધુ  ગામમાં આવતો.. આખે ડિલે રાખ ચોળેલી હોય અને કમરે ઘૂઘરો બાંધ્યો હોય ચાલે એટલે અવાજ થાય.. લંગોટીભેર આવે. એનો પ્રભાવ પડતો.. લોટ લઇ લે... એક ક્ષણ પણ પગ સ્થિર ના રાખે.. અવાજ ચાલુ ને ચાલુ એ ઘૂઘરિયાળા બાવાજીનું ચિત્ર આજે એવું ને એવું યાદ છે. ચરોતરમાં આણંદ પાસે વલ્લભવિદ્યાનગરી ઊભી થઇ ત્યારે કવિ ફકીર મહમદ મનસુરીએ લખ્યું - 'ગુર્જરીની કટિ ઉપર રણકતી ઘૂઘરી જેવી વિદ્યાનગરી' ત્યારે પણ ઘૂઘરીનો રણકાર કવિતામાં પ્રવેશી ગયેલો.

ઉત્તરાયણના દિવસે ગાયોને બાફેલી બાજરી ગોળ સાથે ખવડાવાય તેને પણ ઘૂઘરી કહેતા. ઘૂઘરા ગામેગામ રણકે.. સંભળાય. ગાયને કાંઠે, બળદને ગળે ઘૂઘરા સંભળાતા.. ઘૂઘરો ઓળખ બની જતી. એ ઘૂઘરો ઘોડિયે શોભે.. રમકડાંમાં શોભે.. ચાલણગાડીમાં શોભે.. બાળકના ઝાંઝરમાં રણકે.. ઘૂઘરાનો ચમકારો - રણકારો... બાળકના વિસ્મયને ઉપકારક બને.. ગાડામાં ય ઘૂઘરો હોય.. પૈડાંના આરામાંય હોય.. છોકરાં પૈડું ચલાવે ત્યારે ઘૂઘરો બાંધે.. અવાજ આવે.. 'ગુરુ ઘૂઘરુ બાંધે'... પગે ઘૂઘરુ બાંધી મીરાં નાચી હતી...એ અમથી ન્હોતી નાચી. કીડીના પગમાં ય ઝાંઝર... એ પણ ઘૂઘરુ જ કહેવાય.. ગુરુ સાથે સંયોજાયેલું ઘૂઘરાનું કાવ્ય જુઓ. ગુરુ ઘૂઘરા બાંધે / ઝણણ ઝણ ઝમકારે સકલજીવ સાંધે, ફટાક દૈને ફેંકી દેતા, ભાર ભર્યો જે કાંધે સાંધ ગુરુ ઘૂઘરા બાંધે.. ઘૂઘરો ભાર ઓછો કરે છે. જીવનને હળવાશભર્યું કરે..

ઘૂઘરો એ નાદસૌંદર્યનું સાધન છે.. ક્યારેક કોઇને પૂછીએ તબિયત કેવી છે ?  તો ખુશખુશાલ માણસો ઉત્તરમાં કહે છે - 'ઘૂઘરા જેવી'.. નૃત્યની સાથે, સંગીતની સાથે ઘૂઘરાને નાતો છે. બાળકને એ કલાઓથી અભિમુખ કરવાનો કેવો નિર્દોષ પ્રયત્ન એ પ્રવૃત્તિમાં છે ? બહુ સુખી ઘરમાં જન્મેલા બાળકને માટે 'સોનાને ઘૂઘરે રમે છે' એવો રૂઢિપ્રયોગ પણ આપણે ત્યાં થાય છે - અને ક્યાંક પ્હોંચી જવાની ઉતાવળ હોય ત્યારે પણ 'પગે ઘૂઘરા બાંધ્યા' એવો પ્રયોગ કરાય છે. પવનની ગતિ કેવળ ફૂલની સુગંધનું જ વહન કરતી નથી, એમાં ઘૂઘરાનો રણકાર પણ એ જ ગતિએ વહ્યા કરે છે.. આપણે ત્યાં લોકગીતોમાં પણ ઘૂઘરાના ઉલ્લેખો છે.

'એક સુક્કા બાવળને હેઠય ઘૂઘરા ઘમકે છે' જેવાં લોકગીતોએ ગરબાનું સ્થાન લીધું છે. સીમનાં વૃક્ષની સિંગો જ્યારે સુક્કાઇ જાય ત્યારે એમાં રહેલાં બી જે ખખડે તે અને બાવળના પરડા સુકાઇ જાય અને તેમાં રહેલાં બી ખખડે તે બંનેનો અવાજ ઘૂઘરી જેવો સંભળાય છે.

સંગીત, નૃત્ય જેવી કલાઓમાં ઘૂઘરીનો જે સહકાર હોય છે તેની કોઇ નોંધ લીધી છે ? કલાઓ ચંદ્રની હોય તો ઘૂઘરમાળને તારલા જેવી અવશ્ય કહી શકાય. ઘૂઘરમાળ એ જીવનનો બોઝ ઓછું કરવાનું કામ કરે છે. એમાંથી નીકળતું સંગીત જીવન સહ્ય બનાવે છે. દોડતી નદી, વહેતો પવન અને ખખડતાં વૃક્ષો નામફેરે પ્રકૃતિની ઘૂઘરીઓ છે... એ જ્યાં સુધી સંભળાશે ત્યાં સુધી જીવનનો થાક લાગવાનો જ નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dtM8ec
Previous
Next Post »