
- 'મેં મારા પિતામાંથી કશુંક નવું શીખવાના પ્રયત્ન કર્યા છે. મેં જ્યારેય સંગીતનું સર્જન કર્યું છે ત્યારે શાંતિથી અનુભૂતિ કરી છે. આ કારણે જ હું વધુ મજબૂત બનતી ગઈ અને આગળ વધતી ગઈ.'
'હ મ મર જાયેંગે..' (આશિકી-૨), 'જો તુ આયે..' (વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ) જેવા લોકપ્રિય ગીતોની પાછળ ગાયિકા તુલસી કુમારનો અવાજ હોય છે. આટલું જ નહીં તેણે તાજેતરમાં 'ઇન્ડિ હૈ હમ..'ની બીજી સિઝન પણ હોસ્ટ કરી છે. આ ઉપરાંત '૯૦ના લોકપ્રિય ગીતો જેવા કે 'શહર કી લડકી..'ના રિમિક્સમાં પણ તુલસી કુમારે પોતાનો અવાજ આપ્યો છે. '૯૦માં ઇન્ડિ પોપની જે બોલબાલા હતી, તે હવે પાછી ફરી છે, તેમાંય અન્ય ગાયકો સહિત તુલસી કુમારનો ફાળો પણ ઘણો મોટો છે. આ સંદર્ભે તુલસી કુમાર કહે છે, ''૯૦ના દાયકાએ આપણને ઘણાં બધા પોપ-આઇકોન્સ આપ્યા છે, તેમાં આલિશા ચિનોઈ, લકી અલી મુખ્ય છે અને '૯૦માં ઘણાં નવા બેન્ડ્સ પણ આવ્યા હતા, જેમાં પલાસ સેન અને તેમનું 'યુફોરિયા' બેન્ડ ખાસ છે.
'૯૦નો દાયકો અમેજિગ હતો અને હા, એ ટ્રેન્ડ ફરી આવ્યો છે અને આ વખતે તેના અલગ-અલગ ગાયકો અને ગીતો છે.' તુલસી કુમાર ભારપૂર્વક કહે છે કે સ્વતંત્ર કલાકારો સિંગલ ગીતનું પ્રમોશન કરે છે અને આ જ કલાકારો અગાઉ બોલીવૂડ સાથે સંલગ્ન હતા. આમ છતાં હવે તો એવા ઘણાં પુરાવા સાંપડયા છે કે જેમાં સ્વતંત્ર મ્યુઝિકને માન્યતા મળવા લાગી છે. 'હવે તો ઇન્ડિ મ્યુઝિક ભવિષ્ય છે. હું તો સાચી પ્રતિભાને ટેકો આપવાના પ્રયત્ન કરું છું. સખત પરિશ્રમ કાયમ સફળતામાં પરિણમે છે,' એમ તુલસીએ જણાવ્યું હતું.
મહામારીમાં મનોરંજનના કેટલાંક વિભાગોને ભારે નુકસાન સહેવું પડયું છે. આમ કેટલાંક એવા કલાકારો પણ છે જેમણે મહામારીમાં કામ કર્યું છે, તેમાં તુલસી કુમારનો પણ સમાવેશ થાય છે. ઘણાં સંગઠનો - સંસ્થાએ 'વર્ક ફ્રોમ હોમ' કાર્ય કર્યું છે તો કેટલાંક ગાયકોએ તો તેમના સ્ટુડિયોને જ ઘર બનાવી દીધું અને તેમાં રહીને સંગીતનું સર્જન કર્યું છે.
'મેં 'તેરે નાલ' થકી કામની શરૂઆત કરી અને લોકડાઉનમાં પણ તેનું શુટિંગ ચાલુ હતું મારા ઘરમાં સિંગલ કેમેરાથી તે માટેનું શુટિંગ કર્યું હતું અને એ પછી 'નામ', 'તન્હાઈ', 'ઝરા ઠહરો' તથા અન્યનું કામકાજ થયું હતું. મને તો લાગે છે કે એ તો ઘણો સારો સમય હતો કેમ કે તમે તમારી જાતને કાર્યરત રાખી શકતા કેમ કે એ સમય એટલો ગંભીર હતો કે ઘણા તો ડિપ્રેશનમાં પડી ગયા હતા. મારું કામ તો મારા માટે ઘણું મહત્ત્વનું કર્યું હતું,' એમ તુલસી કુમારે કહ્યું હતું.
'છેલ્લાં કેટલાંક વર્ષોમાં બોલીવૂડની ફિલ્મોના ઘણાં ગીતો લોકપ્રિય બન્યા હતા એમાંના ઘણાં રિમિક્સ થઈને આવશે. આ ગીતોને ગાયકો ફરી ગાશે અને તેને ફરી સંગીતબધ્ધ કરવામાં આવશે,' એમ કહી તુલસીએ ઉમેર્યું હતું કે 'હું માનું છું કે દરેક ગીતો તેમના પોતાના છે, પણ દરેક માટે તેને પ્લેટફોર્મ મુકવું અશક્ય હોય છે અને આથી જ આ અંગેની ટીકાટિપ્પણ આવકાર્ય છે. આમ થવાથી જેમના મૂળભૂત ગીતો છે, તેમના માટેનો ઉજવણીનો સમય બની રહેશે. બધા માટે રિમિક્સ કરાવવું સરળ હોતું નથી. મારા માટે પણ એવું જ છે. આથી આ અંગે બહુ ચિંતા કરવા જેવુ નથી,' એમ તેણે જણાવ્યું હતું.
ટી-સિરિઝના સ્થાપક અને પોતાના પિતા ગુલશન કુમારને તુલસીએ ગુમાવ્યા છે અને તે વેળા તેની ઉંમર માત્ર ૧૧ વર્ષની હતી. બધા જ સંજોગોને યાદ કરતાં તે કહે છે, 'મેં મારા પિતામાંથી કશુંક નવું શીખવાના પ્રયત્ન કર્યા છે. જો કે મેં જ્યારેય સંગીતનું સર્જન કર્યું છે ત્યારે શાંતિથી અનુભૂતિ કરી છે. આ કારણે જ હું વધુ મજબૂત બનતી ગઈ અને આગળ વધતી ગઈ. મારા પિતાના આશીર્વાદ મારા અને કંપની પર કાયમ રહ્યા છે. તેમના આશીર્વાદ અમને એવી જવાબદારી આપે છે કે અમારે અમારો વારસો આગળ વધારવાનો છે અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છે.
હું મારા પિતાની આભારી છું સાથે જ હું તેમને મિસ કરું છું. મેં તો મારા પિતાને ઘણી નાના વયે નિહાળ્યા હતા. તેમણે મારા મીઠા અવાજને માન્યતા આપી હતી. હું છ વર્ષની હતી ત્યારથી મેં સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. આથી આજે હું જે કંઈ કરી રહું તેનાથી મારા પિતા જરૂર ગૌરવ અનુભવતા હશે,' એમ તુલસી કુમારે જણાવ્યું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3snWGzO
ConversionConversion EmoticonEmoticon