આણંદના કૈલાશભૂમિ સ્મશાનમાં તંત્રના વાંકે ઈલેક્ટ્રિક સગડી ખોટકાતા હાલાકી


આણંદ : આણંદ શહેરમાં આવેલ કૈલાસભૂમિ ખાતે કોરોના દર્દીઓની અંતિમક્રિયા કરવામાં આવે છે ત્યારે છેલ્લા ૧૦ દિવસથી આણંદ કૈલાસભૂમિ ખાતેની ગેસ ચિતા બંધ થઈ જતા અંતિમ વિધિ અર્થે અત્રે આવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 

આણંદ જિલ્લામાં માર્ચ માસથી કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે જે એપ્રિલ માસ દરમ્યાન બેકાબુ બનતા ફક્ત ૧૨ દિવસમાં જ કોરોનાના ૩૧૦ કેસો નોંધાતા તંત્રની ચિંતાઓ વધવા પામી છે. હાલ કોરોનાના કારણે કેટલાક વ્યક્તિઓએ  પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે તંત્રના ચોપડે માત્ર ૧૮ કેસ નોંધી તંત્ર સંતોષ વ્યક્ત કરી રહ્યો હોવાનો આક્ષેપ જાગૃતો દ્વારા કરાયો છે. આણંદ ખાતેના વિવિધ કોવિડ સેન્ટરો ખાતેથી કોરોના સંક્રમિત મૃતદેહને અંતિમક્રિયા માટે આણંદના કૈલાસભૂમિ ખાતે લાવવામાં આવે છે. ઈલેક્ટ્રીક ગેસ ચિતાના કારણે મૃતદેહોની અંતિમવિધિ ૧૦ થી ૧૫ મિનિટમાં પૂર્ણ થઈ જતી હતી. પરંતુ ગેસ ચિતા બગડેલ હોવાથી હાલમાં મૃતક વ્યક્તિની અંતિમ વિધિ બે થી ત્રણ કલાકના સમયગાળા દરમ્યાન થઈ રહી હોવાનું અને લાકડાનો પણ વ્યય થઈ રહ્યો હોવાનું નાગરિકો જણાવી રહ્યું છે. હાલ તો આણંદ કૈલાસભૂમિ ખાતે ગેસ ચિતા બગડી ગયેલ હોઈ કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહને વિદ્યાનગર અથવા કરમસદ ખાતે આવેલ સ્માશનગૃહમાં અંતિમવિધિ માટે મોકલવામાં આવતા હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. જેના કારણે સ્વજનોને સમય અને નાણાંનો વ્યય થતો હોવાનો રોષ સ્વજનો દ્વારા ઠાલવવામાં આવ્યો  હતો. જો કે હાલમાં આણંદની કૈલાસભૂમિ ખાતે પાછળના ભાગમાં બગડેલ ગેસ ચિતા બિસ્માર હાલતમાં રઝળતી  પડી હોવાનું જોવા મળી રહ્યું છે.

જો કે આ અંગે સ્મશાનગૃહ  સૂત્રોને પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનની અંદર રેઈન વોટરથી ધાબુ લીકેજ થતાં તે  પાણી ગેસ ચિતાની કોયલોમાં પહોંચતા કોયલો બગડી જવા પામી હતી. જો કે આ ગેસ ચિતાની અવધિ ૧૫ વર્ષની હોય છે પરંતુ ૧૨ વર્ષની અંદર જ રૂા.૧૫ લાખના ખર્ચે વસાવેલ આ ગેસ ચિતા બગડી ગઈ હોવાથી આગામી સમયમાં ટેન્ડર બહાર પાડીને નવીન ગેસ ચિતા કૈલાસભૂમિ ખાતે ફીટ કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેનો અંદાજિત ખર્ચે રૂા.૧૫ લાખ જેટલો થવા જઈ રહ્યો છે. પરંતુ પાલિકાના તંત્ર દ્વારા જો ગેસ ચિતા ઉપરના ટેરેસનું આયોજનપૂર્વક સમારકામ કરવામાં આવે તો આ રૂા.૧૫ લાખનો ખર્ચનો બોઝ શહેરીજનો ઉપર ન પડે તેવી માંગ પણ શહેરીજનોમાં ઉઠવા પામી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3so4HER
Previous
Next Post »