- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા
- 'લવ'ના શિક્ષણ માટે કોઈ યુનિવર્સિટી જરૂર પડતી નથી, પણ 'યુનિવર્સલ લવ'ની વિદ્યા શીખવનાર વિશ્વવિદ્યાલય જ વિશ્વબંધુત્વની ભાવના શીખવી શકે
વિશ્વબંધુત્વની સાચી ભાવના કોને કહેવાય ?
* પ્રશ્નકર્તા : કિયાન ભાવેશ કાનાબાર, મંગલમ્ એપાર્ટમેન્ટ, ગોંડલ રોડ, રાજકોટ (સૌરાષ્ટ્ર)
વિશ્વશબ્દ જગત, દુનિયા, બ્રહ્માંડ, સૃષ્ટિ, સંસાર, ભગવાન વિષ્ણુનું એક નામ - એ અર્થમાં પ્રયુક્ત થાય છે. વૈશેષિક દર્શનના મંતવ્ય અનુસાર વિશ્વનું નિર્માણ પરમાણુઓથી થએલું છે એ પરમાણુ ચાર છે. પૃથ્વી, જળ, વાયુ અને અગ્નિ. પરમાણુ શાશ્વત છે, એની ન તો સૃષ્ટિ થાય છે કે ન તો નાશ. નિર્માણનો અર્થ છે વિભિન્ન અવયવોનું સંયુક્ત થવું અને વિનાશનો અર્થ વિભિન્ન અવયવોનું વિખરાઈ જવું. શંકરાચાર્યે પણ સૃષ્ટિના સર્જન અને વિસર્જનની આ વાત સ્વીકારી છે. ઇશ્વર આ જગતનું સર્જન માયાથી કરે છે.
માયા ઇશ્વરની શક્તિ છે. આ માયાના ત્રણ ગુણથી મહત્ત અથવા બુધ્ધિનો આવિર્ભાવ થાય છે. સાત્વિક, રાજસ તથા તામસ એવા ત્રણ અહંકારોમાંથી પાંચ તન્માત્રા, પંચમહાભૂતો, પાંચ જ્ઞાાનેન્દ્રિયોના દેવતાઓ - એવી રીતે પાંચ વસ્તુના સમુદાયો સર્જાયાં તેઓએક બીજાથી અલગ રહીને બ્રહ્માંડ રચવાને અશક્ત હોઈ તેમણે દૈવેચ્છાથી સોનાનું આ બ્રહ્માંડનું ઇંડું રચ્યું તે આત્મા વગરનો. બ્રહ્માંડ ગોળ સમુદ્રના પાણી પર રહ્યો ને તેમ ઇશ્વર એક હજાર વર્ષ ઉપરાંત રહ્યા. નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા ને તેમણે જળશાયી ભગવાનની આજ્ઞાાથી પૂર્વરૂપ પ્રયાણે વિશ્વ કર્યું. આ પ્રકારનો ઉલ્લેખ ભગવદ્ ગોમંડલમાં પણ મળે છે.
શ્વેતાશ્વતર ઉપનિષદના મત મુજબ સૃષ્ટિનું કારણ છે કાળ, સ્વભાવ, નિયતિ, ભગવાનની ઇચ્છા, પંચભૂત, યોનિ અથવા આ બધાંનો સંયોગ, ઋગ્વેદમાં પ્રાપ્ત ઉલ્લેખ મુજબ ચોતરફથી પ્રકાશમાન 'તપ'થી ઋત અને સત્ય પ્રગટયાં. તેમાંથી રાત્રિ ઉત્પન્ન થઇ. એ તપમાંથી જળયુક્ત મહાન સમુદ્ર અને સુક્ષ્મ જીવોમાં વ્યાપ્ત આકાશ પ્રગટ થયું.
ઈશાવાસ્ય ઉપનિષદે એટલે જ કહ્યું કે આ ગતિમાન જગતમાં જે કાંઈ છે તે ઇશથી પરિવ્યાપ્ત છે. બ્રહ્મથી જ આ જગતની ઉત્પત્તિ થઇ છે એવું મુંડકોપનિષદમાં પણ જણાવવામાં આવ્યું છે. આ સૃષ્ટિ ચિત્ર-વિચિત્ર પ્રવૃત્તિઓનું ક્રીડાસ્થળ છે. ક્યાંક વિદ્વાનોની ગોષ્ઠી ચાલી રહી છે તો ક્યાંક નશામાં ચકચૂર લોકોનો કલહ, ક્યાંક વીણાવાદન ચાલી રહ્યું છે તો ક્યાંક રુદન અને હાહાકાર. સંસારી જીવને આ પાંચ બાબતોની ખબર પડતી નથી. આયુષ્યનાં વર્ષો, રોગ, મૃત્યુનો સમય. શરીરના પતનનું સ્થાન અને મરણોત્તર થનાર દશા કે ગતિની સ્થિતિ.
વિશ્વ વિષપ્રચાર નહીં પણ અમૃતના નિસ્પૃહી વિતરણ માટે છે. એમ સંતો વારંવાર સમજાવે છે. વિશ્વ નિયંતાના કોઈ અદ્રષ્ટ સંવિધાનં દ્વારા આ સંસારનું સંચાલન થાય છે. ઇશ્વરની ભૂમિકા સંસદના સ્પીકર કે સભાપતિ જેવી છે. કાયદાનુસાર કામ ચાલે એ સખ્તાઇથી જોવાની છે. સંવિધાનના નિયમોની અવહેલના અપરાધ છે. ઇશ્વરના સંવિધાનમાં પ્રથમ વાક્ય છે મનુષ્ય બનીને જીવો. ગોપાલદાસ 'નીરજે' વિશ્વબંધુત્વ નિમિત્તે યાદગાર પંક્તિઓ આપી છે.
'ઇસકો ભી અપનાતા ચલ,
ઉસકો ભી અપનાતા ચલ,
રાહી હૈં સબ એક ડગર કે
સબ પ્યાર લુટાતા ચલ
કોઈ નહીં પરાયા
સારી ધરતી એક બસેરા,
ઇસકા ડેરા પૂરબ હૈ
તો ઇસકા ખેમા પશ્ચિમ હૈ,
શ્વેત બરન યા શ્યામ બરન હો,
સુંદર હો યા અસુંદર હો,
સભી મછલિયાં એક તાલકી
ક્યા તેરા-ક્યા મેરા હૈ'
વિશ્વધર્મ એક જ હોઈ શકે : સમગ્ર ભેદોને મનથી દૂર કરી કેવળ પ્રેમયુક્ત વ્યવહાર રાખવાની ભાવના. સમગ્ર સંસાર પ્રભુનો વિશાળ પરિવાર છે, એવી ભાવના કેળવી સંપ, એકતા, હૃદયની વિશાળતા અને નિસ્વાર્થ સેવા ભાવનાની વૃધ્ધિમાં જ સાંસારિક જીવનની સાર્થકતા સમાયેલી છે. સંસારને પાપભૂમિ નહીં પણ પુણ્ય ભૂમિ બનાવવા માટે માનવતાની સતત ઉપાસના કરવી એ આપણું ઇશ્વરદત્ત માનવીય કર્તવ્ય છે. સ્વામી વિવેકાનંદ એટલે જ કહેતા કે આ વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે. ઇશ્વરત્વથી વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે. ઇશ્વરત્વથી ભરેલું છે. તમારી આંખો ખોલો અને તેને નિહાળો.
શરદચંદ ચેટરજીએ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યું કે ભાઈ ! આ વિશ્વ દુકાન નથી, ત્રાજવાથી તોળી-તોળીને વસ્તુ બાંધી આપવી એટલેથી જ માણસનું માણસ પ્રત્યેનું કર્તવ્ય પૂરું થઇ જતું નથી.
કન્ફ્યૂશસે વિશ્વશાન્તનો માર્ગ ચીંધતાં ઉચિત જ કહ્યું હતું કે જો તમારું હૃદય પવિત્ર હશે તો તમારું આચરણ પણ સુંદર હશે. તમારું આચરણ સુંદર હશે તો તમારા ઘરમાં પણ શાન્તિ પ્રવર્તશે. જો ઘરમાં શાન્તિ રહેશે તો રાષ્ટ્રમાં પણ સુવ્યવસ્થા રહેશે. અને રાષ્ટ્રમાં સુવ્યવસ્થા જળવાશે તો સમગ્ર વિશ્વમાં શાન્તિ અને સુખ પ્રવર્તશે.
કેવળ સ્વાર્થનો આગ્રહ અને ત્યાગની સદંતર ઉપેક્ષા એ વિશ્વમાં અશાન્તિ અને વિશ્વ વિગ્રહનું કારણ છે. માણસમાં પ્રબળ ભૂખ ઉઘડી છે, તૃષ્ણાઓ સંતોષવાની, અર્થસંચયની, ભૂમિ પર અધિકારની, અમર્યાદ વિલાસની અને અહંકાર પરિતૃપ્તિની. માણસે, મહાસત્તાઓએ 'વિશ્વસ્વામી' બનવું છે, 'વિશ્વસેવક' નહીં.
વિશ્વપ્રેમ સંદર્ભે મહાત્મા ગાંધીજીનું મંતવ્ય હતું કે જેમનો પ્રેમ વિશ્વવ્યાપી થયો છે, જેઓ પ્રાણી માત્ર પર પ્રેમ કરતાં શીખ્યો છે, તેઓ પ્રેમથી પ્રેરાઇને કોઇને કોઈ ભોગ આપે ત્યારે એની અસર આખા વિશ્વ પર થયા વગર રહે જ નહીં.
વિશ્વશાન્તિ નહીં ઝંખનારા મનુષ્યો કે દેશો વિશ્વશત્રુઓ છે. તેઓ માણસને ધિક્કારે છે અને માનવતાને ગળે ટૂંપો દે છે.
વિશ્વબંધુત્વ એટલે ભ્રાતૃભાવ, દુનિયાની સાથે ભાઇચારો રાખવો. સૃષ્ટિના સર્વજીવો એક સરખા છે તેવી ભાવના વિશ્વના સર્વ લોકો પ્રત્યે દર્શાવવાની અને એ માટે તન-મન-ધનથી બલિદાન આપવાની તૈયારી જ વિશ્વબંધુત્વની સાચી ભાવના જન્માવી શકે. વિશ્વ બંધુત્વનું કર્મ એટલે જગતનાં સઘળાં પ્રાણીઓ, મનુષ્ય, પશુ, પક્ષી, વનસ્પતિ, ખનિજ તેમ જ અદ્રશ્ય સૃષ્ટિમાં વસતી દૈવી આસુરી શક્તિઓ પર જે કોઈ મનુષ્ય પ્રેમભાવ રાખે છે, સહુ પ્રત્યે મૈત્રીભાવનું ઝરણું વહેવડાવવા માટે સદાય તૈયાર રહે છે, કોઇના પ્રત્યે દ્વેષ, ધિક્કાર કે અભાવ અને ઉપેક્ષાભાવ વેરવૃત્તિ રાખતો નથી તે વિશ્વબંધુત્વનો સાચો ઉપાસક છે. માણસ જ્યાં સુધી બળ, છળ અને પ્રપંચમાં વિશ્વાસ રાખશે ત્યાં સુધી એ વિશ્વપ્રેમી બની શકશે નહીં. આજનો માણસ પોતાનો જ મિત્ર બની શક્તો નથી, પછી વિશ્વમિત્ર બની ક્યાંથી બની શકે. આજનો માણસ માત્ર બુધ્ધિને રવાડે ચઢ્યો છે તેવી આત્મશુદ્ધિને ભૂલ્યો છે. વિશ્વબંધુત્વ માટે અંત:કરણ શુધ્ધિ પહેલી શરત છે. આજનું જગત અંદરથી બળેલા અને બેબાકળા બનેલા ગુમરાહ અને અશાન્ત માણસોની 'વિહારભૂમિ' બની ગયું છે. 'લવ'ના શિક્ષણ માટે કોઈ યુનિવર્સિટીની જરૂર પડતી નથી, પણ 'યુનિવર્સલ લવ'ની વિદ્યા શીખવનાર વિશ્વવિદ્યાલય જ વિશ્વબંધુત્વની ભાવના શીખવી શકે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Q3bMxr
ConversionConversion EmoticonEmoticon