આણંદ : ફેબુ્રઆરી માસ દરમ્યાન મંદ પડેલ કોરોના માર્ચ માસમાં બેકાબુ બન્યો હતો અને એપ્રિલ માસમાં પણ કોરોના કેસોમાં રોકેટ ગતિ વધારો નોંધાયો છે. ફેબુ્રઆરી માસમાં ફક્ત ૧૫૧ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા બાદ માર્ચમાં માસમાં આ આંકમાં ત્રણ ગણો વધારો થતા ૪૫૧ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. એપ્રિલ માસની શરૂઆતમાં પણ કોરોનાનો કહેર યથાવત રહેતા પ્રતિદિન સરેરાશ ૨૪ કેસ નોંધાતા આંક ૧૪૪ ઉપર પહોંચ્યો છે. હાલ તો વધી રહેલ કોરોનાના સંક્રમણને લઈ કેટલાક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવાયું છે. સાથે સાથે ગુજરાત સરકારે પણ આજથી આણંદ શહેર સહતિ 20 જેટલા શહેરોમાં રાત્રિના ૮.૦૦ થી સવારના ૬.૦૦ કલાક દરમ્યાન કરફ્યુ નાખવામાં આવેલ છે.
એપ્રિલ માસની શરૂઆતથી આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર વધવા પામ્યો છે અને પ્રતિદિન સરેરાશ ૨૪ જેટલા કેસો નોંધાતા પ્રથમ છ દિવસમાં જ કોરોના ૧૪૪ પોઝીટીવ કેસો નોંધાયા છે. હાલ કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધવા પામ્યા છે. જેને લઈ કેટલાક ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવાયું છે. સાથે સાથે કોરોનાના વધતા સંક્રમણને લઈ નામદાર હાઈકોર્ટે દ્વારા સરકારને લોકડાઉન માટે નિર્દેશ કરાતા રાજ્યમાં આણંદ શહેર સહિત ૨૦ જેટલા શહેરોમાં રાત્રિ કરફ્યુ નાખવામાં આવેલ છે. ગતરોજ આણંદ જિલ્લામાં ૨૪ કોરોના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં આણંદ શહેરની હરીકૃપા, મધુવન સોસાયટી ખાતેથી બે, નિસર્ગ કોમ્પલેક્ષ, ૧૦૦ ફૂટ રોડ પાસેના ગંગદેવનગર, નંદભૂમિ પાછળના તોરણ બંગલો, ભાલેજ રોડ ઉપરની અનુરાધા સોસાયટી, તુલસી ગરનાળા રોડ ઉપરના આકાશ ટાઉનશીપ, સૂર્યગંગા, આણંદ વિદ્યાનગર રોડ પરની લક્ષ્મી નગર સોસાયટી, કેસરકુંજ સોસાયટી, વિદ્યાનગર રોડ ઉપરના મેહુલ પાર્ક, બ્રાહ્મણ વાડી ખાતેના કેસો ઉપરાંત બોરીયાવી, બાકરોલ, વિદ્યાનગર, જીટોડીયા, કરમસદ, વલાસણ, બોરસદ અને ખંભાત ખાતેથી કોરોનાના કેસો મળી આવ્યા હતા.
જિલ્લા આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ મંગળવાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૪૯૨૬૧ વ્યક્તિઓના ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે. જેમાં ૩૨૧૩ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર અપાઈ હતી. જે પૈકી હાલ ૧૮૧ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જેમાં ૧૪ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૧૬૭ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
જનસેવા કેન્દ્રોની તમામ કામગીરી બંધ કરાઈ
સમગ્ર ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે છ મહાનગરપાલિકાઓમાં રાત્રિ કરફ્યુનો ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ છેલ્લા એક માસથી રાજ્યમાં કોરોના સંક્રમણના કેસોમાં દિવસે-દિવસે વધારો જોવા મળતા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આણંદ શહેર સહિત ૨૦ જેટલા શહેરોમાં રાત્રિના ૮.૦૦ થી સવારના ૬.૦૦ કલાક દરમ્યાન કરફ્યુ નાંખવામાં આવ્યો છે. આણંદ ખાતે કોરોના સંક્રમણ વધતા જનસેવા કેન્દ્રની તમામ કામગીરી બંધ કરાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
બોરસદના દાવોલ, બોદાલ અને પામોલ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર વધારો થતા તાલુકા મથકોમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેને લઈ આણંદ જિલ્લાના વિવિધ ગામો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોનાને મ્હાત આપવા માટે તૈયારી દર્શાવી છે. આણંદ જિલ્લાના ડેમોલથી શરૂ થયેલ લોકડાઉન બાદ રૂપિયાપુરા, સારસા, વિરસદ, મલાતજ, પણસોરા, ચાંગા અને કોઠાવી ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવાયું હતું. જ્યારે આજે બોરસદ તાલુકાના દાવોલ, બોદાલ અને પામોલ ગામમાં છેલ્લા એક સપ્તાહથી વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનાવાયું છે. જેને પગલે આ ત્રણેય ગામોમાં સવારના ૬.૦૦ કલાકથી બપોરના ૧૨.૦૦ કલાક સુધી બજારો જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓના વેચાણ માટે ખુલ્લા રહેશે. બપોરના ૧૨.૦૦ કલાક બાદ આ ત્રણેય ગામોમાં સ્વયંભૂ લોકડાઉન અમલી બનાવાયું છે
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Rkfq6
ConversionConversion EmoticonEmoticon