બજેટની યોજનાઓના અમલીકરણ પર 7 દિવસ વિધાનસભામાં ચર્ચા કરાવો


- દરેક યોજનામાં ફાળવવામાં આવેલા નાણાંના ખર્ચ અંગે બજેટ સેશનના પહેલા ૭ દિવસ અલગથી ઊંડાણ પૂર્વક ચર્ચા થવી જરૂરી

ગુજરાત વિધાનસભામાં ૨૦૨૧-૨૨ના વર્ષનું બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું. આ વર્ષે ગુજરાતના બજેટનું કદ વધારીને રૂા. ૨.૨૭ લાખ કરોડનું કરી દેવામાં આવ્યું છે. રૂા. ૨.૨૭ લાખ કરોડમાંથી જુદી જુદી યોજના માટે નાણાં ફાળવવામાં આવ્યા છે. બીજા વર્ષે માત્ર બજેટનું સરવૈયું રજૂ કરીને ખાધવાળું બજેટ પુરાંતમાં આવ્યું કે પછી પુરાંતવાળું બજેટ ખાધમાં આવ્યું હોવાના આંકડાઓ આપીને આખા વર્ષના બજેટનો હિસાબ બતાવી દેવામાં આવે છે. પરિણામે વર્ષ પૂરું થયું અને ગયા વર્ષનો હિસાબ રજૂ થઈ ગયું માની લેવાય છે. વાસ્તવમાં તેના થકી ખરેખર કેટલા કામ થયા તેનો અંદાજ ટેક્સપેયર્સને મળતો જ નથી. બજેટના નાણાં વપરાયા પણ કયા જિલ્લામાં કેટલા કામ થયા અને તે કામ અત્યારે કયા તબક્કે છે તેનો કોઈ જ અંદાજ આવતો નથી. આ સ્થિતિમાં માત્ર હિસાબ આપી દેવો પૂરતો નથી.કઈ યોજનામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો. કયા વિસ્તાાર માટે કેટલા નાણાં ફાળવવામાં આવ્યા પછી વાસ્તવમાં ખર્ચાયા તેનો  હિસાબ રજૂ કરવા ઉપરાંત તે કામ ખરેખર લોકોની અપેક્ષા પ્રમાણે લોકોની સમસ્યા હળવી કરે તે રીતે થયા છ ેકે નહિ તેની ચર્ચા થવી જરૂરી છે.

આમ દરેક સ્કીમમાં કે યોજનામાં ફાળવવામાં આવેલા નાણાંના ખર્ચ અંગે બજેટ સેશનના પહેલા સાત દિવસ અલગથી ઊંડાણ પૂર્વક ચર્ચા થવી જરૂરી છે. તેમના વિસ્તારમાં થયેલા કામ અંગે લોકોના મત પણ લેવાવા જોઈએ. ઓડિયો વિઝ્યુઅલ્સ વિધાનસભામાં રજૂ કરાવવા જોઈએ. ત્યારબાદ તે કામની ક્વોલિટી અંગે સંબંધિત નિષ્ણાતોના મત પણ લેવાવા જોઈએ. તદુપરાંત વિધાનસભામાં જે તે વિસ્તારના ધારાસભ્યને તે કામ અંગે બોલવાની અવકાશ આપવો જોઈએ. તેમ જ ત્યારબાદ તે યોજનાનું અમલીકરણ કરનાર મિનિસ્ટર કે ખાતાના વડાને તે અંગે બોલવાનો અધિાકર આપવો જોઈએ. આ મુદ્દે જે તે વિભાગના અધિકારીને પણ તેનો મત મૂકવાની તક આપવી જોઈએ. તેમ થશે તો જ વાસ્તવમાં બજેટની યોજના મુજબ લોકોના કામ થયા કે નહિ તેનો અંદાજ આવી જશે. અન્યથા એક યોજનાના નાણાં બીજી યોજનામાં ડાયવર્ટ કરીને સમાજના એક વર્ગને નારાજ કરતા રહેવાનું અને શાસક સરકારની મનમાની પ્રમાણે કામ કરવાનું ચાલુ રહેશે. આ વલણ રહે તો સમ્યક કે સમતોલ વિકાસ શક્ય બનશે નહિ. સમતોલ વિકાસ થાય અને દરેક નાગરિક સુધી વિકાસના લાભ પહોંચે તે માટે પણ વીતેલા વર્ષના બજેટના અમલીકરણ અંગે સાત દિવસ ચર્ચા થવી જરૂરી છે. 

ગુજરાતમાં ૧૪ જેટલા જિલ્લાઓમાં આદિવાસી જાતિની પ્રજાની વસતિ ખાસ્સી વધારે છે. આ જનતાને આગળ લાવવાના સતત દાવાઓ થાય છે. પરંતુ તેમને માટે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણેની પૂરી રકમ વપરાઈ કે નહિ તેનો અંદાજ મળી શકતો નથી. તેથી બજેટમાં તેમને માટે નાણાં ફાળવવામાં આવ્યા પછી તેમની આશા બુલંદ બને છે, પરંતુ વર્ષને અંતે હતા ત્યાંના ત્યાં જેવી જ સ્થિતિ રહે છે. આ અયોગ્ય અને અન્યાય કર્તા છે. આ કોઈ એક જ વર્ષની વાત નથી. વરસોના વરસ સુધી ચોક્કસ વિસ્તારો અવગણાતા રહે છે. તેનું એક કારણ એ પણ છે કે તે વિસ્તારના લોકો શાસક સરકારને મત આપતા નથી. પરિણામે તેમને સુવિધાથી વંચિત રાખવાનો પ્રયાસ શાસક સરકાર કર્યા કરે છે. 

સરકાર કામ ન કરે તો પણ કોઈ જ બોલી શકતું નથી. આ જ સ્થિતિ કોમ્પ્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાનો અહેવાલ ચાલુ સત્ર થાય ત્યારે રજૂ કરી દેવામાં આવતો હતો. ત્યારબાદ તેના પર ચર્ચા પણ કરવામાં આવતી હતી. ગુજરાતમાં છેલ્લા વીસ પચ્ચીસ વર્ષથી કોમ્પ્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાનો અહેવાલ પણ વિધાનસભામાં રજૂ કરવામાં આવતો નથી. તેથી કેગના અહેવાલમાં સરકારની જે ટીકા ટીપ્પણ કરવામાં આવતી હતી તે અંગે ગૃહમાં ચર્ચા પણ થતી હતી. હવે અહેવાલ જ એક યા અન્ય બહાને રુજ કરવામાં આવતો નથી. પરિણામે તે અંગે ચર્ચા પણ કરી શકાતી નથી. આમ સરકારની પ્રધાનો રજૂ કરે તે જ ચિત્ર સાચુ અને બાકી બધું ખોટું તેવી કાર્યપદ્ધતિથી આગળ વધવાનું વલણ સરકારમાં જોવા મળે છે. આ અક પક્ષી વલણ વિકાસ નહિ, વિવાદ જ પેદા કરે છે. કારણ કે તેમાં ભિન્નમત એટલે કે સરકારથી અલગ મત પડે તેને સ્થાન જ મળતું નથી. આ વલણ પોતાનો જ કક્કો ખરો કરવાના વલણ સમાન છે. જે લોકશાહી ન ગણાય. તેને શું કહેવું તે એક વાચક તરીકે તમે પોતે જ નક્કી કરી શકો છો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uGETWf
Previous
Next Post »