- અપૂરતું પોષણ, રક્તઅલ્પતા, સ્વચ્છતાનો અભાવ આ સમસ્યાના સામાન્ય કારણો છે

યો નીમાર્ગેથી ચીકણા, સફેદ-આછા પીળા પ્રવાહીનું સતત બહાર આવવું એટલે શ્વેતપ્રદર. ગુજરાતીઓમાં પ્રદર માટે શરીર ધોવાવું એવો ભાષા પ્રયોગ પ્રચલિત છે. આવું પ્રવાહી ક્યારેક ઘટ્ટ અને દુર્ગંધયુક્ત હોય છે. રાત્રે ઊંઘતી વખતે, મુસાફરી દરમ્યાન કે દિવસના રોજીંદા કામ દરમ્યાન વારંવાર આમ થવાથી એ અડચણરૂપ હોઈ સ્ત્રીઓ મૂંઝાતી હોય છે અને તેમના માટે આ મોટી સમસ્યાનો વિષય બની જતો હોય છે.
આઠ-દસ વર્ષની છોકરીઓથી લઈને પચાસ-પંચાવનની ઉંમર સુધીની સ્ત્રીએ આ ચિહ્નો જોવા મળે છે. પ્રદરની સાથે-સાથે શરીરની કમજોરી, કમરનો દુઃખાવો, ભૂખ ન લાગવી, ઉબકા આવવા જેવા લક્ષણો જોડાયેલા હોય છે. વાસ્તવમાં પ્રદર એ કોઈ રોગ નથી પણ રોગની સ્થિતી સાથે જોડાયેલા લક્ષણોમાનું એક લક્ષણ છે.
અપૂરતું પોષણ, રક્તઅલ્પતા, સ્વચ્છતાનો અભાવ આ સમસ્યાના સામાન્ય કારણો છે. પણ ટ્રાયકોમોનાસ વજાયનાલીસથી થતો ચેપ એ રોગજન્ય સ્થિતીનું સીધું કારણ છે. આ સિવાય ગોનોકોકલ અને ટયૂબરક્યુલસ ઈન્ફેક્શન પણ કેટલાક જવાબદાર કારણોમાંના એક હોઈ શકે. સગર્ભા અને ડાયાબીટીસના રોગવાળી સ્ત્રીઓને મોનીલિયા નામની ફુગથી ચેપ થઈ આવે છે. સાથે યોનીમાર્ગમાં દાહ-બળતરા અને ખંજવાળ જેવાં લક્ષણો દેખાય છે. પેટના કૃમિને પણ પ્રદર સાથે સીધો સંબંધ છે. ગર્ભાશયનું ચાંદુ, ગર્ભાશયનું કેન્સર, ક્ષય (ટીબી) જેવી સ્થિતીમાં પણ પ્રદરના લક્ષણો દેખાય છે. અને જો પ્રદર સાથે પરૂ, લોહી કે ફીણયુક્ત ઘટ્ટ પદાર્થનો સ્ત્રાવ થતો હોય તો યોગ્ય મેડિકલ ચેક-અપ અનિવાર્ય બને છે. ક્યારેક વધુ પડતા શ્રમથી, સંતતિ નિયમન માટે વપરાતી પેસરી, યોનીમાર્ગમાં થયેલી ક્ષતિ, ઈજા, ઋતુકાળ દરમ્યાન થતાં હોર્મોન પરિવર્તનો અને મેનોપોઝ દરમ્યાન પ્રદર થવો સ્વાભાવિક છે. ભારે તાવની સ્થિતીમાં પણ આવું થવું શક્ય છે. સમાગમ પછી થતો ચીકણો સ્ત્રાવ, માસિક પૂર્વે અને માસિક બાદ થતો સ્ત્રાવ તથા યોનીની આંતરત્વચાને ચીકાશયુક્ત રાખવા માટે થતા સ્ત્રાવને પ્રદર માનવાની ભૂલ ન કરવી.
ઉપચાર: (૧) સ્વચ્છતા (PERSONAL HYGIENE) રાખવી ખૂબ જરૂરી છે. યોનીમાર્ગની સ્વચ્છતા માટે ફટકડી મેળવેલા હુંફાળા પાણીની પીચકારી અથવા ડૂશ લેવો. સારા જંતુઘ્ન ટૉયલેટ સોપથી સફાઈ કરવી.
(૨) દિવસ દરમ્યાન પર્યાપ્ત માત્રામાં પાણી (આશરે દસથી બાર ગ્લાસ) લેવું આવશ્યક છે.
(૩) કબજીયાત ન રહે તે માટે આમળાનું ચૂર્ણ, દેશી દિવેલમાં શેકેલી હરડે, પાણીમાં પલાળેલી કાળી સૂકી દ્રાક્ષ, પલાળેલા અંજીર, ઈસબગુલમાંથી કોઈપણ દ્રવ્યનો ઉપયોગ નિયમીત રીતે કરી શકાય.
(૪) વધુ પડતાં તીખાં, ગરમ મસાલાયુક્ત પદાર્થો, તળેલા પદાર્થો, વાસી ભોજન, મેંદો, અતિશય ખાટી અને આથાવાળી વસ્તુઓ બંધ કરવી.
(૫) અપૂરતું પોષણ શ્વેતપ્રદર થવાના કારણોનું એક કારણ છે. ખોરાકમાં ઋતુઅનુસાર ફળો, લીલા શાકભાજી, ફણગાવેલા કઠોળ, ઘઉંના ફાડાનો ઉપયોગ નિયમીત કરવો.
(૬) ચોખા રાંધતી વખતે તેમાંથી ઓસામણ (વધારાનું પાણી) નીકળે છે જેમાં વિટામીન ધમ્૧૨ધ ભરપૂર માત્રામાં હોય છે. શ્વેતપ્રદર માટે આ ઘરગથ્થુ અક્સીર ઉપાય છે. એક વાટકી જેટલું ઓસામણ રોજ લેવું.
(૭) એલચો (ઈલાયચીથી મોટું ફળ) દિવસમાં બે વખત ફોતરા સાથે ખૂબ ચાવીને ખાવો.
(૮) દેશી દિવેલ (રીફાઈન કર્યા વગરનું) બારીક મલમલ અથવા કોટનના કપડાથી ગાળી લેવું. ત્યારબાદ તેમાં રૂની વાટ બોળવી. રાત્રે સૂતી વખતે યોનીમાર્ગમાં આ વાટ ધારણ કરવી. દિવસ દરમ્યાન કાઢી નાખવી.
(૯) ઔષધિરૂપે લોઘ્ર, હળદર, ખડીસાકર અને ગલો સમભાગે તથા ચોથા ભાગે નાગકેસરનું ચૂર્ણ ભેગાં કરી લેવાં. આશરે દસ ગ્રામ જેટલું આ મિશ્રણ ઠંડા પાણી સાથે દિવસમાં બે વખત ફાકવું.
(૧૦) ઘીમાં શેકેલી સારી ગુણવત્તાવાળી સોપારીના દિવસ દરમ્યાન બે-ત્રણ નાના ટુકડા ચાવી-ચાવીને ખાવા. (નોંધ ઃ સોપારી વધુ ખાવાથી એનો મીણો-કેફ ચઢે છે. એટલે લક્ષણોમાં રાહત જણાય કે તરત સોપારીનો પ્રયોગ બંધ કરવો.)
- વિસ્મય ઠાકર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NLfY3X
ConversionConversion EmoticonEmoticon