કરેલાં કર્મોનો બદલો ભગવાન માણસને હયાતીમાં જ આપી દે છે, છતાં માણસ કેમ સુધરતો નથી ?


- ગુફતેગો- ડો.ચંદ્રકાન્ત મહેતા

- વિલાસિતા તરફનું આકર્ષણ અને તપસ્યા તરફથી વિરક્તિ માણસને 'શ્રેય'ને બદલે 'પ્રેય'ને જ સર્વસ્વ માનવાની વૃત્તિ જન્માવે છે. મનની ચંચળતાને માણસ પોતાનો જન્મસિદ્ધ અધિકાર માને છે

* કરેલાં તમામ કર્મોનો બદલો ભગવાન માનવીની હયાતીમાં જ આપી દે છે, છતાં માણસ કેમ સુધરવાનું નામ લેતો નથી ?

* પ્રશ્નકર્તા ઃ કે.એન. રાજદેવ, ૩૮, ગાયત્રી કૃપા સોસાયટી, મું. સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર)

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કર્મના ત્રણ પ્રકારો દર્શાવાયા છે. સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ. માણસ જીવન દરમ્યાન જે સત્કર્મ કે દુષ્કર્મ કરે છે તેનો હિસાબ કર્મની બેંક રાખે છે. એ ભેગાં થએલાં કર્મનો સરવાળો તે સંચિત કર્મ. આ સંચિત કર્મો મુજબ પ્રારબ્ધ ઘડાય છે. સંચિત કર્મોમાંથી કેટલાંક સારાં-નરસાં કર્મોનું ફળ માણસને પ્રાપ્ત થાય છે. પણ બધાં જ કર્મોનું ફળ ભોગવી લેવાય એટલું લાંબા આયુષ્ય હોતું નથી. એટલે સંચિત કર્મો પૈકી માણસને સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે.

માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કર્મ એ જીવનનો એક અનિવાર્ય અંશ છે એટલે માણસ ક્રિયાશીલ રહે છે અને જે કર્મો કરે છે, તે ક્રિયમાણ કર્મો છે. આમ માણસે જીવન દરમ્યાન કરેલાં કર્મો એકઠાં થાય એનું નામ સંચિત કર્મ.

વાલ્મીકિએ રામાયણના અરણ્યકાંડમાં કેવું કર્મ ન કરવું જોઇએ, એનું માર્ગદર્શન આપતાં કહ્યું છે કે જે કાર્ય કરવાથી ન ધર્મ સધાતો હોય, ન કીર્તિમાં વૃધ્ધિ થતી હોય, ન અક્ષય યશ પ્રાપ્ત થતો હોય અને ઉલ્ટો શારીરિક કષ્ટદાયક હોય તો એવા કર્મનું અનુષ્ટાન કોણ કરશે ? કર્મની ગતિ અતિ ગહન છે. એટલે કર્મ શું અને અકર્મ શું એ બાબતમાં બુદ્ધિશાળી માણસ પણ ગૂંચવાઇ જાય છે. માણસની પાછળ એનાં કર્મો પણ ચાલતાં હોય છે. 

ઈશ્વરને કેવો ભક્ત પ્રિય હોય છે તેની ચર્ચા શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં કરવામાં આવી છે. શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે ''જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઇ પણ હેતુ વિના દયાભાવ રાખાનારો છે, તથા મમત્વ વિનાનો છે, અહંકારવિહીન છે, સુખ-દુઃખોની પ્રાપ્તિમાં સમાન ભાવવાળો અને ક્ષમાશીલ છે, એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન અને ઈન્દ્રિય સહિત શરીરને વશમાં કરે છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે - એ મારામાં અર્પેલ મન-બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે. વળી જે નિંદા સ્તુતિને સમાન સમજનાર, મનનશીલ અને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતાં સદા સંતુષ્ટ રહે છે તથા રહેવાના સ્થાનમાં આસક્તિ વિનાનો છે, એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન માણસ મને પ્રિય છે.''

કર્મોને સત્વ, રજસ અને તમસ્ ગુણ સાથે જોડવામાં આવ્યાં છે. જે જ્ઞાાનથી માણસ ભિન્ન-ભિન્ન જણાતાં બધાં ભૂતોમાં એક અવિનાશી પરમાત્મભાવને અવિભાજિત રૂપે સમભાવે રહેલો જુએ છે. એ જ્ઞાાનને સાત્વિક ગણવું પરંતુ જે જ્ઞાાન સકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવોને જુદા જુદા જાણે છે એ જ્ઞાાન રાજસ જ્ઞાાન ગણાય છે જે જ્ઞાાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણની જેમ આસક્ત રહેનારું છે તથા જે યુક્તિ વિનાનું તાત્વિક અર્થથી રહિત તેમ જ તુચ્છ છે તે જ્ઞાાન તામસ કહેવાય છે. એ રીતે કર્મ પણ સાત્વિક, રાજસિક અને તામસ ગણાય છે. કેટલાક દૈવી સંપદા લઇને જન્મેલા હોય છે તો કેટલાક આસુરી સંપદાને લઇને જન્મેલા હોય છે.

ઘણી વાર માણસના મનમાં એ પ્રશ્ન ઉદ્ભવે છે કે દુષ્કૃત્ય કરનાર સુખી જોવા મળે છે જ્યારે સત્કૃત્ય કરનારને અનેકવિધ દુઃખોનો સામનો કરવો પડે છે. દુષ્કર્મ કરતા નજરે પડે છે, તેમને પહેલાંના એટલે કે પૂર્વજન્મનાં કેટલાંક સત્કૃત્યો ફળ આપતાં હોય છે પણ એ સત્કૃત્યોનું ભાથું પૂરું થાય ત્યારે વળી પાછી તેણે પીડા ભોગવવી પડે છે બહારથી સુખી દેખાતો દુષ્કર્મી અંદરથી વ્યાકુળ, અશાન્ત, ઉદ્વિગ્ન અને ચિંતાગ્રસ્ત હોય છે જ્યોર બહારથી દુઃખી દેખાતો માણસ જો તેનામાં સાત્વિક બુદ્ધિ હસે તો તે દુઃખને પણ દુઃખ નહીં માની સદાય પ્રસન્ન રહેશે. યોગ સૂત્ર પ્રમાણે કર્મના ત્રણ પ્રકાર છે. વિહિત, નિષિદ્ધ અને મિશ્ર. કોઇ પણ પ્રકારની કામના રાખ્યા સિવાય કર્મતવ્ય સમજીને કરવામાં આવે તે પુણ્યકાર્ય.

સંચિત કર્મ એકદમ ભોગવવાં શક્ય નથી કારણ કે તેવાં કર્મનાં પરિણામ કોઇ સારાં પણ હોય અને નઠારાં પણ હોય. સંચિત કર્મો પૈકી જેટલાં કર્મોનાં ફળ ભોગવવાની શરૂઆત લાભાલાભ રૂપે થઇ ચૂકી હોય તેને પ્રારબ્ધ કર્મ તરીકે ઓળખવામાં આવે છે. માણસનાં તમામ કર્મોનું ફળ તેને તાત્કાલિક મળી જાય એવું નથી કારણ કે પ્રારબ્ધ કર્મો પૈકી પુણ્યકાર્યોનો ઉદય થયો હોત તો બૂરાં કર્મનું ફળ તેની સજામાં બાધક બને. એટલે કરેલાં કર્મોનું ફળ ઘણી વાર તેવા માણસને બચાવી લે. પણ કર્મનાં સિદ્ધાંત પ્રમાણે વહેલું મોડં. પણ એણે ભોગવવાં જ પડે ! કર્મની ગતિને એટલે જ ગહન કહેવામાં આવી છે.

કર્મોના ફળના ઉદય પ્રમાણે માણસ સદ્બુદ્ધિ કે દુર્બુદ્ધિ પ્રાપ્ત કરતો હોય છે. માણસ અજ્ઞાાન, અહંકાર, લોભ, મોહ વગેરેનો શિકાર બની વિવેક દ્રષ્ટિ ગુમાવી દે છે. એનો ભૌતિકવાદી દ્રષ્ટિકોણ એને લલચાવે છે. એટલે પરિણામોનો વિચાર કર્યા સિવાય માત્ર 'આજનાં' એટલે કે ક્ષણિક સાંસારિક સુખોને જ સર્વસ્વ માને છે. એની ભોગવાદી દ્રષ્ટિ એના દ્રષ્ટિકોણને ઉદાત્ત બનાવતી નથી.

સાંસારિક સાંસારિક સુખોનું વિવેકશૂન્ય આકર્ષણ એના મનને 'ભગવદીય' બનવા દેતું નથી ! એટલે તન અને મન બન્નેને હંમેશાં સત્કર્મમાં પ્રવૃત્ત રાખવું જોઇએ. માણસનું મન વાસનાઓને કારણે સદાય અસંતુષ્ટ રહે છે. એટલે મામસ ત્યાગ કરતાં ભોગને મહત્વ આપે છે. અજ્ઞાાનીને કર્મો લિપ્ત કરે છે, જ્ઞાાનીને નહીં, કારણ કે જ્ઞાાની માણસ દરેક કાર્યને આત્મદર્શન અને યોગ્યતા-અયોગ્યતાના માપદંડથી ચકાસે છે. મનુસ્મૃતિમાં એટલે જ સલાહ આપવામાં આવી છે કે જે કામ કરવાથી અંતારાત્માને સંતોષ અને તૃપ્તિનો અનુભવ થાય તે કાર્ય પ્રયત્નપૂર્વક કરવું જોઇએ અને એનાથી વિરુધ્ધ કર્મ તરત જ છોડી દેવું જોઇએ.

સુધરવા માટે ત્યાગ દ્રષ્ટિ જોઇએ. સુધરવા માટે દ્રઢ મનોબળ અને સંકલ્પશક્તિ જ ઉપકારક બની શકે. જ્ઞાાની હોવા છતાં માણસ દુષ્કર્મમાંથી નિવૃત્ત ન થાય તો એ રાવણ જ બની શકે. સંયમપૂર્ણ ચિત્ત, સંયત હૃદય, સંયત ઈન્દ્રિયો અને સંયત કર્મ દ્રષ્ટિ માણસને પશુત્વમાંથી મુક્ત કરી માણસાઇનો ઉપાસક બનાવી શકે. મનની મલિનતા માણસ ત્યજે નહીં ત્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ થતી નથી. સુધરવા માટે તપવું પડે, કષ્ટો સહન કરવાાં પડે. પણ માણસ કઠોરતાને બદલે સરળતાનું શરણું લે છે. માણસ ઈન્દ્રિયોનો ગુલામ બની જીવે તો સુધરવા વિશે એની ચિંતન દ્રષ્ટિ પણ કેવી રીતે વિકસે ? સોક્રેટિસે એટલે જ કહ્યું હતું કે એ આશ્ચર્યની વાત છે કે માણસ જીવનને લંબાવવા ઈચ્છે છે પણ સુધારવા ઈચ્છતો નથી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qntk7p
Previous
Next Post »