વિવિધ રોગોમાં સર્વોત્તમ પરિણામ આપે તેવા સાદા સરળ ઔષધો

- મંદાગ્નિ એ મોટા ભાગના રોગોનું મૂળ છે. જમવાની રુચિ ન થાય કે ખાધેલો ખોરાક બરાબર પચે નહીં તો તેમાંથી 'આમ'ની ઉત્પત્તિ થાય છે


(૧) ઓછું વજન, અનિદ્રા, દુર્બળતા અને સૂકલકડી શરીર માટે આશીર્વાદરૂપ ઔષધ : અશ્વગંધા

અશ્વગંધા વજન વધારવા માટેનું એક ઉત્તમ ઔષધ છે. જન્મથી બાળક સુકલકડી હોય અને દિવસ રાત બરાબર ઊંઘતું ન હોય તો એને અશ્વગંધાના મૂળનો ઘસારો પાવો. શરીર પર અશ્વગંધા તેલની માલિશ કરવી અને બાળક થોડું મોટું થાય પછી અશ્વગંધા નાખીને ઉકાળેલું દૂધ જ પાવું. જેમનું પાચનતંત્ર નબળું હોય, સરખી ઊંઘ ન આવતી હોય અને એ કારણે શરીર દુબળું પાતળું હોય તો એવી (પુખ્ત વયની) વ્યક્તિએ ચાર ચમચી અશ્વગંધારિષ્ટમાં એટલું જ પાણી મેળવી જમ્યા બાદ નિયમિત પીવું. શરીર સૂકાવાનું કારણ જો કૃમિ ન હોય તો અશ્વગંધા અવલેહ સવાર-સાંજ એક એક ચમચી ચાટી જવો અથવા તો એક બે ચમચી ચાટણ દૂધમાં મેળવી હલાવીને તૈયાર કરેલું એકાદ કપ જેટલું દૂધ સવાર-સાંજ પીવું. અશ્વગંધાનો શિરો કે પાક બનાવીને પણ ખાઈ શકાય.

વજન વધારવા માટે 'અશ્વગંધા ક્ષીરપાર્ક'નો પ્રયોગ અજોડ છે.

એક થી બે ચમચી (પાંચ થી દસ ગ્રામ) અશ્વગંધા ચૂર્ણ લઈ એક ચમચી ઘીમાં અને શક્ય હોય તો અશ્વગંધા ઘૃતમાં શિરાની જેમ શેકી તેમાં એક કપ દૂધ અને એક કપ પાણી તથા જરૂરી માત્રામાં ખાંડ નાખી ધીમા તાપે ઉકળવા દેવું. માત્ર દૂધ બચે અને પાણી બળી જાય ત્યારે ઉતારી ઘુંટડે ઘુંટડે પીવાથી શરીર પુષ્ટ થાય છે. શરીર વધે છે અને ઊંઘ પણ ઊંડી અને સારી આવે છે. યાદ રાખો અશ્વગંધા બળ વર્ધક, ધાતુ વર્ધક અને રસાયન પણ છે.

(૨) અરુચિ, અપચો અને અગ્નિ માંદ્યનું ઉત્તમ ઔષધ - આદું

આયુર્વેદની દ્રષ્ટિએ મંદાગ્નિ એ મોટા ભાગના રોગોનું મૂળ છે. જમવાની રુચિ ન થાય કે ખાધેલો ખોરાક બરાબર પચે નહીં તો તેમાંથી 'આમ'ની ઉત્પત્તિ થાય છે. અને આવો ચીકાશ યુક્ત આમ દોષ-ધાતુ-મળના વહન માર્ગમાં અવરોધ ઊભો કરી શરીરના આંતરિક તંત્રને ખોરવી નાખે છે. આથી આયુર્વેદના ઋષિ-મુનિઓએ પાચન તંત્ર સુધારીને નિરભ થયા પછી જ અન્ય ઔષધો આપવાની વાત કરી છે.

આદું એ ઉત્તમ રુચિકર અને આમ પાચક ઔષધ છે. એના વિધિવત્ સેવનથી પાચન તંત્ર સુધરે છે. કુમળા આદુંની કચુંબરમાં થોડું સિંઘાલૂણ અને લીંબુના રસના થોડા ટીપાં નાખી ચાવી જવામાં આવે તો જીભ ચોખ્ખી થાય છે. ભોજન પ્રત્યે રુચિ થાય છે અને ખાધેલો ખોરાક જલદી પચે છે. આદુંનો રસ કાઢી તેમાં લીંબુનો રસ, સિંધવ અને થોડી ખાંડ નાખી શરબત જેવું બનાવીને પણ પી શકાય. આદુંના નિયમિત સેવનથી શરદી તથા કફ મટે છે. કફની ખાંસી અને શ્વાસ પણ મટે છે. અને આમાજીર્ણ હોય તો તે પણ દૂર થાય છે.

(૩) દમ-શ્વાસ અને ઉધરસનું એક અકસીર ઔષધ : ધતુરો

દમ-શ્વાસના દરદીને જેમણે દુખી થતા જોયા હોય તેમને જ ખ્યાલમાં આવે કે એ કેવો કંટાળાજનક વ્યાધિ છે. આખી રાત પથારીમાં તકિયાનો ટેકો લઇને બેસી રહેવું પડે. ઉધરસ આવે પણ કફ છૂટો ન પડે. પસીનો વળવા લાગે, ગભરામણ થાય, હાથપગ ઠંડા પડી જાય, ખુલ્લી હવા માટે મન તડપી ઊઠે. ફેફસામાં કફનો 'સડ્ સડ્' અવાજ ચાલુ થઈ જાય, આંખોના ડહોળા બહાર ધસી આવે, સૂવાનું મન તો થાય પણ સૂવા જાય તો શ્વાસની તકલીફ વધી જાય. ઉધરસ સાથે ક્યારેક કફ છૂટો પડે તો થોડી રાહત થાય, આવી સ્થિતિમાં દરદી પોતે અને દરદી પ્રત્યે પ્રેમ રાખતા તમામ લોકો કોઇક એવા ઉપચારની શોધમાં હોય છે જે તત્કાળ રાહતનો અનુભવ આપે. ધતુરો એ શ્વાસ રોગનું એક આવું જ અસરકારક ઔષધ છે.

ધતુરાના છોડ પર કાંટાવાળા ફળ (જીંડવા) બેસે ત્યારે લીલે લીલા લાવી તેની અંદરના બીજ કાઢી નાખવા. એ પછી સમાય તેટલું હળદરનું ચૂર્ણ ભરી એક નાની માટલીમાં મૂકી ઉપર ઢાંકણી ઢાંકી દેવી. ત્યાર બાદ કપડા પર મુલતાની માટી ચોપડીને તેનાથી મોં બંધ કરી દેવું. ચૂલા કે ગેસ પર ચાર પાંચ કલાક સુધી આ માટલીને તાપ આપવો. એ પછી માટલીનું મોં ખોલી જે કોલસા જેવો કાળો ભાગ (ભસ્મ) બહાર નીકળે તેનું ચૂર્ણ માટલીમાં ભરી દેવું. આમાંથી એક એક ગ્રામ ચૂર્ણ સવાર સાંજ મધ સાથે ચાટવાથી શ્વાસ અને ઉધરસ મટે છે.

(૪) હેરાન કરતી હેડકીમાં સૂંઠ ગોળનું નસ્ય અકસીર છે

આયુર્વેદમાં હેડકીના પાંચ પ્રકાર ગણવામાં આવ્યા છે. આમાંથી અસાધ્ય ન હોય તેવી હેડકી આ નસ્યથી અવશ્ય મટે છે. એકધારી અવાજ સાથે હેડકી આવતી હોય અને દરદીને ખાવા પીવામાં પણ તકલીફ પડતી હોય તેવી સ્થિતિમાં અનેકવાર અનુભવાયેલો આ પ્રયોગ છે.

અનેક જાતની ડોકટરી દવા લેવા છતાં હેડકીની તકલીફ મટતી જ ન હોય અને ઊંડેથી આવતી હેડકીના કારણે દરદીનું આખું શરીર કંપી જતું હોય એવી સ્થિતિમાં ઘરગથ્થુ કહી શકાય એવો અને છતાં અકસીર આ પ્રયોગ છે. ચપટીક સૂંઠ અને ગાંગડી ગોળમાં થોડું પાણી મેળવી પ્રવાહી બનાવી ગળીને એક કટોરામાં ભરી લેવું. એ પછી ડ્રોપર દ્વારા અથવા તો ચોખ્ખુ રૂ બોળીને ધીમે ધીમે બન્ને નસકોરામાં ચાર થી પાંચ ટીપાં પાડવા અને ચાર ચમચી જેટલું સૂંઠ ગોળનું આ પ્રવાહી પાઇ દેવું. ઉંમર નાની હોય તો બે થી ત્રણ ટીપાં પાડવા અને બે ચમચી જેટલું પ્રવાહી પાવું. હેડકી મટે નહીં ત્યાં સુધી દર ત્રણ કલાકે નાકમાં ટીપાં પાડવાનો આ નસ્ય પ્રયોગ ચાલુ રાખવો. વારંવાર નસ્યના કારણે જો નાકમાં બળે તો ત્રણ-ત્રણ કલાકે આ પ્રવાહી પાવું. નસ્ય આપ્યા પછી સૂંઠ ગોળની રાબ બનાવીને પણ પાઈ શકાય. (ક્રમશ:)         

- વત્સલ વસાણી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39svDgq
Previous
Next Post »