લીંબડીનાં લામ્બેરાં પાન
મારું મન મો'યું છબિલાને છોગલે
કડલાં પે'ર્યા છે મેં તો મારા રે મૈયરનાં
કાંબિયુંમાં લાગી લડાઈ
મારું મન મો'યું છબિલાને છોગલે...
ચૂડલી પે'રી છે મેં તો મારા રે મૈયરની
ગુજરીમાં લાગી લડાઈ
મારું મન મો'યું છબિલાને છોગલે...
હારલો પે'ર્યો છે મેં તો મારા રે મૈયરનો
પારલામાં લાગી લડાઈ
મારું મન મો'યું છબિલાને છોગલે...
નથણી પે'રી છે મેં તો મારા રે મૈયરની
વાળિયુંમાં લાગી લડાઈ
મારું મન મો'યું છબિલાને છોગલે...
ટોટિયું પે'રી છે મેં તો મારા રે મૈયરની
વેઢલાંમાં લાગી લડાઈ
મારું મન મો'યું છબિલાને છોગલે...
ઓઢણી ઓઢી છે મેં તો મારા રે મૈયરની
કાપડાંમાં લાગી લડાઈ
મારું મન મો'યું છબિલાને છોગલે...
ગૂર્જરી ગિરાનાં ગરવાં લોકગીતો નારીને આભારી છે. કામિનીને કષ્ટ પડયું તો એણે જાહેરમાં ગાઈ નાખ્યું! સ્ત્રી સુખી થઇ એ પણ લોકગાણાંનો વિષય બન્યો. વનિતા-વામાએ વિરહ વેઠયો કે મહિલા માટે મિલનની ઘડી આવી તોય એને અંગત રાખવાને બદલે સાર્વજનિક કરવા ગીતડું બનાવી ગાઈ નાખ્યું. રમણીઓ રાસમાં રમમાણ થઈને આ બધાં ગીતો-લોકગીતો ગાવા લાગી. પોતાનું સુખ, દુ:ખ, વિરહ, મિલન, મૂર્ખામી, આવડત, મસ્તીખોરી કે ઈરાદાપૂર્વકની અવળચંડાઈ-બધું જ હૈયામાંથી નિચોવીને એણે અમર લોકગીતોમાં ઠાંસી ઠાંસીને ભરી દીધું. પોતાના માહ્યલાની વાતો ચોક વચાળે ગાઈ નાખી એથી પોતે હળવીફૂલ થઇ ગઈ, ડીપ્રેસનથી બચી ગઈ અને પોતાના જેવી જ વ્યથાકથાવાળી સેંકડો બહેનોનો સધિયારો મળતાં આત્મહત્યા જેવા નબળા વિચારોને બદલે અણમોલ જીવન જીવવાની જિજિવિષા જગાવી મિશાલ બની ગઈ. ભામાઓ ભગવાનનું અમૂલ્ય સર્જન ગણાય છે તો લોકગીતો માનુનીઓનું...
'લીંબડીનાં લામ્બેરાં પાન...' જયારે, જ્યાં પણ ગવાય ત્યારે વાહવાહી મેળવતું સર્વાંગ સુંદર લોકગીત છે. એના ઢાળમાં કરામત છે. નાયિકા મુખડામાં બે અલગ સ્થિતિને ભેગી કરીને થોડી મૂંઝવણ સર્જે છે. લીંબડીનાં પાન અને પોતાના પ્રિયતમની પાઘડીના છોગાં વચ્ચે શું સંબંધ? મુખડામાં તર્કસંગતતા લાગતી નથી પણ અભણ કે આંશિકશિક્ષિત ગામઠી લોકોને તર્ક સાથે કંઈ લેવાદેવા નથી હોતી એને તો હૃદયના ભાવ સાથે લાગતું-વળગતું હોય છે. અહિ નાયિકાની વાત સાથે તર્ક જોડવો હોય તો એમ કહી શકાય કે છબિલાની પાઘડીનું છોગું લીંબડીનાં પાન જેવું લાં...બું છે, જો કે લીંબડીનાં પાન એટલાં લાંબાં ક્યાં હોય છે? છતાં પણ પોતાનું મન ત્યાં મોહી ગયું છે. અહિ પાઘડીનું લાંબું છોગું એટલે સાયબાની આબરૂ, સમાજસ્વીકૃતિ.
નાયિકાએ પિયરનાં કડલાં, ચૂડલી, હારલો, નથણી, ટોટિયું જેવાં અલંકારો પહેર્યા છે પણ એને અનુરૂપ અન્ય અલંકારો માટે લડાઈ લાગી છે અર્થાત્ ગડમથલ સર્જાઈ છે. એ ઘરેણાંનું શું? કોણ લઈ દેશે? પિયરમાંથી બધું તો ન મળે ને, સાસરિયામાંથી પણ કેટલુંક મળતું હોય છે પણ નાયિકાની અવઢવની મનોદશા અહિ મનોલડાઈ તરીકે છતી થઇ છે. પિયુની પાઘડીના છોગે મન મોહ્યું છે તો એ જ બધું લઈ દેશે, નાયિકાએ સંશય રાખવાની જરૂર નથી પરંતુ સ્ત્રીમનની ચંચળતાના રંગો અહિ ઉપસી રહ્યા હોવાનું સમજાય છે.
કેટલાંય લોકગીતોની જેમ આ ગીતમાં પણ પાઠાંતર થયું છે. કેટલાક લોકો 'લીંબડી'ને બદલે 'લીંબુડી'નું ઉચ્ચારણ કરે છે પણ લીંબુડીનાં પાન ક્યાં લાંબાં હોય છે? તો દરેક અંતરાની બીજી લાઈનમાં 'લડાઈ'ને બદલે 'લગન' શબ્દ પ્રયોજે છે પણ લોકબોલીમાં લગન શબ્દ બરાબર લાગતો નથી. આ તો એવું છે કે 'બાર ગાઉએ બોલી બદલે...'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OpBrzs
ConversionConversion EmoticonEmoticon