- સ્ત્રી-પુરુષનાં સંદર્ભ જો કોઈ એકની તરફેણમાં કે વિરોધમાં વાતાવરણ બને તો એ લાંબાંગાળે સમાજનો ઢાંચો ખોરવે છે. એ સ્થિતિ ન સર્જાય એ પણ વિચારવું પડશે
- મહિલાઓ સાથેના પુરુષોના જાહેર વર્તનમાં મોટું પરિવર્તન આવી ગયું છે. પુરુષો મહિલાઓને બોસ તરીકે સ્વીકારતા થયા છે
આ વતીકાલે મહિલા જગત ન્યાલ થઈ જશે! આવતીકાલે પુરૂષ પ્રધાન સમાજ (?)ની છાતી પર મહિલા જગતનું સામ્રાજય પુરવાર કરવાનો અવસર ઉજવાશે! અને તેય જલસાભેર ઉજવાશે. આવતીકાલે મહિલાઓને સંપૂર્ણ સમર્પિત થવાની શરતે સૂરજ ઉગશે અને આથમતા સુધી મહિલાઓને જ સમર્પિત રહેશે. સમાજ ખરા અર્થમાં પુરૂષ પ્રધાન હોત તો આનાથી વધુ જુસ્સાથી પુરૂષદિન ઉજવાયો હોત, પણ બિચ્ચારા પુરૂષના નસીબમાં એવા અવસર આવતો નથી! આવે છે તેમાં મહિલાની શામેલગીરી કે દખલ અંદાજી વગરનો તદ્દન આગવો અવસર ક્યારેય ઉજવાયો છે ખરો? જ્યારે આવતી કાલે જોજે, મહિલા દિન ઉજવવાના ઉમળકામાં પુરૂષ પણ અધમૂવો થઈ જતો નાચશે. એ નાચનો નશો આગામી ત્રણ મહિના સુધી રહેશે અને એની અસર એના મસ્તકમાંય થઈ ગઈ હશે. મહિલા દિવસ હોય તો નવી સાડી તો જોઈએ, પતિ દોઢ સો રૂપિયામાં સાડી ખરીદીને ખુશખુશાલ ઘરે પહોંચે અને ફાંટ ભરીને વહાલથી લથપથ સાડી પત્નીને ભેટમાં આપે અને પત્ની એમાં બેચાર સંભળાવીને મોઢામોઢ કહે: આ દોઢ સો રૂપિયાની સાડી પહેરીને તો હું રસોડામાં પણ ન જાઉં! દોઢસો રૂપિયાની સાડીમાં તે કંઈ મહિલાદિન ઉજવવાનો હોય! વર્ષમાં એકવાર આવો અવસર આવે અને વર્ષમાં એક દિવસ સારામાંની સાડી પહેરવાનો પણ અધિકાર નહિં? મારે બનારસી સાડી જ જોઈએ!
ગઈકાલે કીટી પાર્ટીમાં મહિલાદિન માટે ખપ પૂરતા શોપીંગની ચર્ચા ચાલી હતી. વાત ખપપૂરતી શોપિંગની થઈ હતી અને વાત છેક બનારસી સાડી પર જઈને અટકી હતી. કીટી પાર્ટીમાં બધી જ બહેનોના પતિ મહોદયની કમાણી એક સરખી તો ન જ હોય ને? પણ એની ચિંતા કરવાની નહિ! કીટી પાર્ટીમાં નીચું મોં ઘાલીને બેસવાનું ય ના ફાવે ને! મહિલા દિન માટે દોઢ સો રૂપિયામાં સાડી ખરીદી, લાવનારની શી દશા થતી હશે? મહિનાનો આખો પગાર ડૂલ થઈ જાય અને જોડે પાછલી બચત પણ તાણી લાવે, તોય મહિલા દિન માટેના શોપિંગને પહોંચી ન વળાય છેવટે દેવું કરવું પડે અને એ દેવું ચુકવવામાં ત્રણ મહિના તાણ વેઠવાની! આ બકવાસ નથી! ખરેખર કેટલા લોકોને આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે?
જોકે, બધી જ સ્ત્રીઓ આવી નથી હોતી એ પણ હકીકત છે. ઘણી સ્ત્રીઓ પતિની આર્થિક સ્થિતિ પ્રમાણે જ જીવન જીવતી હોય છે, પરંતુ એવો વર્ગ ઓછો થતો જાય છે એ હકીકત પણ નકારી શકાય એમ નથી.
બીજી તરફ આત્મનિર્ભર મહિલાઓનો પણ મોટો વર્ગ વિકસતો જાય છે. મહિલા દિનના શોપિંગ માટે પતિ સામે અથવા કોઈની ય સામે તેમને હાથ લાંબો કરવો પડતો નથી અને મન મૂકીને શોપીંગ કરે છે. એ માટે કોઈને હિસાબ આપવો પડતો નથી. પોતે પણ હિસાબ રાખતી નથી, એવી ભાગ્યશાળી મહિલાઓ પણ છે. કારણ કે મહિલાઓ પોતે પણ સારી કમાણી કરે છે.
આજે હવે સ્ત્રી દરેક ક્ષેત્રે કાર્યરત છે. દરેક ક્ષેત્રે નામના મેળવી છે. સ્ત્રીની અકક્લ પગની પાનીએ હોવાની વાત કરનાર ક્યારેક કોઈ સમાજનાં મોભી રહી ચૂક્યા છે. એ બધાને તદ્દન નાદાન પૂરવાર કર્યા છે. હવે એ કહેવત નષ્ટ થઈ ગઈ છે. મહિલા ઓટો રિક્ષા ચલાવે છે, મહિલા બસ કન્ડકટર છે. દરેક સ્ટેશનની વિન્ડો પર તમને સ્ત્રીના દર્શન થશે. અને મુંબઈમાં લોકલ ટ્રેન પણ ચલાવે છે. આ પોતાની પહોંચ પ્રમાણે કામ કરતી મહિલાઓની વાત છે. કેટલીક મહિલાઓ ઊંચે દરજ્જે પણ કામ કરતી જોવા મળે છે. મહિલા લોબીંગ કરે છે. સંસ્થાઓ અને સભાઓનું સંચાલન કરે છે. બિઝનેસ ટાયકુનમાં પણ દૂરથી જોઈ શકાય એટલી ઉંચાઈ પર એ પહોંચી ગઈ છે. કેટલીક મહિલાઓ પોતે ઉદ્યોગ ચલાવે છે અને કેટલીક મહિલાઓ કોર્પોરેટ ક્ષેત્ર સીઈઓ છે. રાજકારણમાં પણ સ્ત્રી મોખરે રહી છે.
આ બધી પરિસ્થિતિ જોતાં સ્ત્રી હવે સશક્ત થઈ ચૂકી છે. મહિલાઓને અધિકારો અપાવવામાં પુરુષો પણ મોટો ફાળો છે. પુરુષો મહિલાઓને બોસ તરીકે સ્વીકારતા થયા છે. મહિલાઓ સાથેના પુરુષોના જાહેર વર્તનમાં મોટું પરિવર્તન આવી ગયું છે. મહિલાઓનું સમ્માન સમાજમાં વધ્યું છે છેલ્લા સૈકામાં પરિસ્થિતિ બદલાતાં સમાજની જે ઉન્નતિ થઇ છે એમાં સ્ત્રીઓને પણ ઘણું પ્રાપ્ત થયું છે. સૈકાઓથી મહિલાઓ દબાયેલી હતી ખરી, પરંતુ હવે દુનિયા ઘણી બદલાઈ ચૂકી છે.
હવે તો લગ્ન અને છુટાછેડાના જેટલાં કાયદા બન્યાં એ બધા મહિલા તરફી છે. છોકરો- છોકરી પ્રેમમાં પડીને ઘર છોડીને ભાગી જતાં હોય છે. એને પકડી લાવવામાં આવે છે. છોકરાને જેલમાં ધકેલી દેવામાં આવે છે. અને છોકરીને માનભેર એનાં ઘરવાળાઓને સોંપી દેવામાં આવે છે. બે હાથે તાળી વાગે એ ઊક્તિ સદાબહાર ઉક્તિ છે. કાલે પણ એની જે અસરકારકતા હતી એ આજે પણ છે. બે હાથે તાળી વાગે એ વાતને અનુસરીએ તો ભાગી જવામાં અને ભાગી ગયા પછી ગામે - ગામ ફરવાની બાબતમાં છોકરો છોકરી બન્ને એકસરખાં જવાબદાર છે. બંનેને કાયદા પ્રમાણે સ્વતંત્રતાના અધિકારો પણ સમાન મળે છે. બંનેને એકબીજા સાથે ગમતું હોય તો સાથે રહેવાનો અધિકાર મળે છે. બંને સમજી વિચારીને ભાગે છે અને પછી બન્ને વચ્ચે ગોઠવાતુ નથી ત્યારે ઘરે પાછા આવવા માટે અપહરણ કર્યું અથવા ભગાડીને લઇ ગયો જેવા એક જ ટાઇપનાં આરોપો છોકરા પર લાગે છે. પછી માનસિક અને શારિરિક ત્રાસ ગુજાર્યો હોવાનું આરોપનામું પણ લાગે છે. આમાં ખુદ તપાસ અધિકારીઓને એ મુદ્દે ઘણાં સવાલો હોવા છતાં કાયદો-કાયદાનું કામ કરે છે.
છૂટાછેડાની બાબતમાં પણ એવું જ છે. છોકરીને ફાવ્યું ત્યાં સુધી ઘર માંડીને રહી અને સહેજ વાંકુ પડયું અને છુટાછેડા સુધીની નોબત આવે ત્યારે બન્ને વચ્ચે બેસીને ચર્ચા કરી શકે છે કે આપણે સાથે રહી શકીએ નહીં. એ રીતે સમજદારીથી પણ છૂટા થઇ શકાય. પણ, સાસરી પક્ષ પર એને માનસિક અને શારિરિક ત્રાસ આપવાનો આરોપ મૂકાય છે. આવી દરેક ફરિયાદમાં એકસરખી વિગત હોય છે. આમાં પતિ પત્ની વચ્ચે બેસીને શાંતિથી નીવેડો લાવી શકાય તેમ હોવા છતાં ખરેખર તો, સાસરી પક્ષથી પૈસા પડાવવાનો જ દંડ હોય છે. આમાં પણ પોલીસ ફરિયાદ થાય ત્યારે ત્રાસ ગુજારવાનું અને ઘરમાંથી કાઢી મૂકવાનો આરોપ થાય તો પતિ ઊપરાંત સાસુ-સસરાને પણ કસ્ટડીમાં નાંખી દેવામાં આવે છે. આમાં સાચું શું છે? એ લગભગ સામે આવતું નથી. કાયદાની દૃષ્ટિથી નિયમો પ્રમાણે કલમો લાગે છે. કાયદાની જોગવાઈઓ એક તરફ ઢળી હોવાથી સંતુલન ખોરવાતું જાય છે.
અમુક બાબતો પોલીસ અધિકારીઓએ પણ માણસ તરીકે જોવી-મૂલવવી જોઇએ. ખાલી આક્ષેપો થયા છે. એ સાચાં કે ખોટાં છે એ જોવું જોઇએ અદાલત પણ પત્નીઓની તરફદારી કરે છે. કેટલાક આરોપો એટલાં બોલકા હોય છે કે જોતાં જ આપણને લાગે કે આ બધાં આરોપો ખોટાં છે અદાલતમાં પણ પત્નીની દલીલોને માનવામાં આવે છે અને પતિને ગુનેગાર ઠેરવે છે. જોકે, ઘણા કિસ્સામાં કોર્ટ ટકોર કરતી થઈ છે. ઘણાં કિસ્સામાં ઐતિહાસિક નિરીક્ષણો પણ રજૂ થયાં છે. બંને પક્ષે સંતુલન જરૂરી છે.
મહિલાદિન જે ઊજવે છે તે મહિલાઓ શિક્ષિત છે, કમાતી-ધમાતી છે અને તેમનામાં સમાજને સમજવાની શૂઝ પણ છે. એ તમામ મહિલાઓને આજના વિશ્વ મહિલા દિન પ્રસંગે નમ્ર વિનંતી કે સ્ત્રીનાં સુખ-દુ:ખ સાથે પુરૂષનાં સુખ-દુ:ખ પણ સમજવા જોઇએ. અને એવી તમામ બહેનોએ પેલી કાયદાની છટકબારીનો ઉપયોગ કરતી મહિલાઓને ઠપકો દેવો જોઇએ. તો જ ખરા અર્થમાં સ્ત્રી-પુરુષ સમાનતા આવશે. સમાજમાં સંતુલન આવશે. સમજદાર-સંવેદનશીલ મહિલાઓએ પુરૂષનાં સમર્થનમાં કામ કરવું જોઇએ. પતિ પીડિત પત્નિની વાતો ઘણા વખતથી ચાલે છે. પણ આટ-આટલા પત્ની પીડિત પતિની વાત કોઇ કરતુ નથી. ઘણાં પતિ ખરેખર પીડિતા હોય છે. ઘણાં પતિ કાયદાની જોગવાઈના કારણે આરોપી બની ગયા છે. એવા પતિઓ બાબતે પણ સમાજે વિચારવું પડશે. તો જ ખરેખર સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા આવશે.
સશક્તિકરણનો અર્થ પણ એ જ છે કે બંને વચ્ચે સંતુલન રહે, સમાનતા આવે એટલું સશક્તિકરણ થઈ જાય. બંનેને સમાન તકો મળે. બંનેને એકસરખું સમ્માન મળે. જો કોઈ એકની તરફેણમાં કે વિરોધમાં વાતાવરણ બને તો એ લાંબાંગાળે સમાજનો ઢાંચો ખોરવે છે. એ સ્થિતિ ન સર્જાય એ પણ વિચારવું પડશે.
અડપલુ
પ્રશ્ન બે ત્રણ ચાર પૂછો તો ખરા,
દિલ, મહોબ્બત પ્યાર પૂછો તો ખરા!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qlEVjS
ConversionConversion EmoticonEmoticon