હોળી પ્રગટી.... ને શમી ગઇ !!


- 'અત્યારે ક્યાં ગુલાલથી રંગુ છું તને ! ...હું તો પ્રેમરંગમાં રંગવા માગું છું' હોઠ સુધી આવેલા શબ્દો એ પાછા ગળે ઉતારી  ગઇ. પતિના વર્તનથી  એકદમ ઝંખવાઇ ગઇ, તો ય ધીરેથી કહે

ફા લ્ગુનીની આંખ ખૂલી ગઇ. ડબલબેડ પર એમ જ પડી રહી. માથું સખત દુખે છે, બે ત્રણ દિવસથી શરદી-તાવ છે જ. એમાં ય ગઇકાલ રાતનો ઉજાગરો ને ટેન્શન. શરીરમાં સુસ્તી ભરાઇ ગઇ છે. આળસ થાય છે. પથારીમાંથી ઉઠવાની ઈચ્છા જ નથી ને !... કાંઇ નહિ, પડી છું ઘડીક વાર. આજે તો હવે નિરાંત છે. ક્યાંય જવાનું તો નથી !

એણે આંખ મીંચી.

...પણ ઘડીક વાર જ...

સોસાયટીમાં શોરબકોર થવા માંડયો. બાળકોની દોડાદોડી ને હસીમજાકનાં અવાજો આવવા માંડયા !

હેય.. આજે ધૂળેટી. બાળકો તો રંગની છોળ ઉડાડશે જ, બાળકો શું, આજે તો નાના મોટા સૌ કોઇ 

રંગાશે !

હોળીનો ઉત્સવ એટલે રંગોત્સવ. ગુલાલ ને કેસુડાની સાથે પ્રેમ ને આનંદનો ઉત્સવ. સાચા અર્થમાં રંગોત્સવની સાથે 

પ્રેમોત્સવ !

આ પ્રેમોત્સવમાં રંગવા પોતે ય આતુર હતી ને !

...પણ  ઉમંગે  મૂડ બગાડી નાખ્યો !

નાનકડી વાતને મોટું રૂપ આપી દીધું.

લગ્ન પછીની આ પ્રથમ હોળી. કેટલી ખુશ હતી પોતે ! આનંદ ને ઉત્સાહથી ઉછળતી હતી. હોળીના દર્શન કરી, જમ્યાં. ને પછી પથારીમાં સૂતા સૂતા એ મુડમાં જ કહ્યું.

'ઉમંગ કાલે ધૂળેટી, કાલે તો સવારથી જ સ્કૂટર પર નીકળી જવું છે હોં !'

'કેમ ? ક્યાં જવું છે તારે ?'

'હોળી રમવા ! મહેરબાન ! નીતા ને વલયને બરાબરના ધમરોળવા છે હોં ! ....ને તને ય બરાબરની રંગવાની છું. કહી દઉં છું તને ! ....તને તો એવો રંગવાની છું ને....' કહેતી એ ઉમંગની નજીક સરકી.

'મને હોળી રમવાનો શોખ નથી. મારાથી તો તું દૂર જ રહેજે !' કહેતાં એણે રીતસર ફાલ્ગુનીને હડસેલી દીધી !

એકદમ ઓઝપાઇ ગઇ એ ! 'અત્યારે ક્યાં ગુલાલથી રંગુ છું તને ! ...હું તો પ્રેમરંગમાં રંગવા માગું છું' હોઠ સુધી આવેલા શબ્દો એ પાછા ગળે ઉતારી  ગઇ. પતિના વર્તનથી  એકદમ ઝંખવાઇ ગઇ, તો ય ધીરેથી કહે.

'મેં એ લોકોને કહી દીધું છે. આપણી રાહ જોશે.'

'ભલે જુએ.'

'જમવાનું પણ ત્યાં જ છે.'

'કોણે નક્કી કર્યું ? મને પૂછ્યું'તું?'

એકદમ ચમકી એ ! સમજાયું નહિ, એવી તો કઇ મોટી વાત હતી કે ઉમંગની રજા લેવીપડે ! નીતા-વલય સાથે એવા સંબંધો છે કે અવારનવાર ચારે ય જણા સાથે પિકચર કે રેસ્ટોરન્ટમાં જતા હોય છે. ઉમંગ તો ઘણીવાર એવું પણ કહેતો હોય છે કે 'પ્રોગ્રામ અચાનક ગોઠવાય તો એની મજા કોઇ ઓર જ હોય !'

....પણ  અત્યારે કેવું મોઢું તોડી લીધું !

...મનમાં ચચરવા છતાં ય ચર્ચાનો બંધ વાળવા એણે ઉમંગને મનાવતા સૂરમાં કહ્યું, 'સોરી ! તને પૂછ્યા વિના જ કાર્યક્રમ બનાવ્યો. તું ઓફિસમાં હતો, મને હોળી રમવી ગમે છે. નાનપણથી રમું છું. ને એ મુડમાં જ મેં હા પાડી દીધી.... પણ હવે વિધીસર તારી રજા લઉં છું. બસ !' કહેતા જ એણે કાન પકડયાં.

'બોલ, હવે તો આપણે જવું છે ને કાલે ?... રમીશું ને આપણે ?'

'ના !' એક જ ભારેખમ શબ્દ !

'કેમ ?' એ ભડકી !

'હવે તું નાની નથી. કુંવારી હતી ત્યારે રમતી'તી એ જૂદી વાત. હવે તું પરણેલી છે !'

ફાલ્ગુની સ્તબ્ધ !....

સહેજવારે કળ વળી.

'એ તો હું ય જાણું છું... પણ લગ્ન થયા એટલે હોળી નહિ રમવાની ? કુંવારાએ જ રમાય એવું થોડું છે ?... અને આપણે બન્ને સાથે હોઇએ પછી શું વાંધો ?... તારી સાથે તો રમી શકું ને ?... અને એ બન્ને ય ક્યાં અજાણ્યા છે ?... પ્લીઝ.. ઉમંગ..!'

'ના ! કહી દીધુ ને તને !'

ભારોભાર અણગમો ને તોછડાઇથી  કહી. એ પડખું ફરીને સૂઇ ગયો ! ઘસઘસાટ !

..નસકોરા પણ બોલાવવા માંડયો !

ફાલ્ગુનીએ પતિનાં નસ્કોરા આખી રાત સાંભળવાના છે !

એ તો આંખનું  મટકું ય મારી શકે એમ નથી !

હોળી રમવાના એના ઉત્સાહ પર ઉમંગે પાણી ઢોળી દીધું. એ તો કેટલાં હોંશથી ગુલાલ ને રંગ ખરીદી લાવી છે ! ત્યાં જ નીતાનો ફોન આવ્યો, આમંત્રણ આપ્યું 'હોળી રમવાનું ને જમવાનું !'

એણે પણ ઉમળકાથી કહી દીધું.

'ચોક્કસ આવીશું, પણ એક શરતે, મીઠાઇ, ફરસાણ મારા તરફથી. પૂરી, દાળ, ભાત, શાક તું બનાવજે !'

એ જ પ્રમાણે ગુલાબજાંબુ બનાવીને ફ્રીજમાં મૂકી દીધા. કાળે નીકળતા સમયે બાજુની દુકાનમાંથી કોરા સમોસા લઇ જવાના છે. રમ્યા પછી જમવા બેસીએ ત્યારે ગરમાગરમ તળી લેવાશે.

..આ બધી તૈયારી કરી તેનું શું ?

ચાલો, જમવાનું તો એક બાજુ રહ્યું, પણ રમવાના આનંદનું શું ? લગ્ન થયા એટલે નહિ રમવાનું, એવો કોઇ નિયમ થોડો છે ? ઉલ્ટું, એણે તો ઉમંગ સાથે પ્રથમ હોળી માણવાની કેવી મીઠી મીઠી કલ્પના કરી છે ! ...ઉરૂ ! મારા ઉમંગ પર ઉમંગે ધૂળ વાળી દીધી ! ...ખેર ! એને કદાચ શોખ ન હોય તો મને પ્રેમથી સમજાવાય નહિ ?... આમ?... આ રીતે ઉતારી પાડવાની?... વાસ્તવમાં લગ્ન પછીની પહેલી ધૂળેટીનો કાર્યક્રમ તો એણે બનાવવો જોઇએ. એના બદલે મેં બનાવ્યો તો એણે ખૂશ થવાનું કે ગુસ્સો કરવાનો ? આવું તોછડું વર્તન કરવાને બદલે પ્રેમથી, શાંતિથી પણ સમજાવી શકાય.

એ ક્યાંય સુધી પડખાં બદલતી રહી ને મનોમન મુંઝાતી રહી.. અંતે મન મક્કમ કર્યું, 'કાંઇ નહિ, એને નથી ગમતું તો સવારે નીતાને ના પાડી દઇશ. નકામો તહેવારના  દિવસો ઘરમાં ક્લેશ શું કરવો ?'

રાતનાં અજંપા પછી  ઠેક પરોઢિયે એની આંખ મળી.

આંખ ખૂલી ત્યારે ઉમંગ બાથરૂમમાં હતો.

ફાલ્ગુનીએ મોઢું ધોઇ, ચા મૂકી. ચાની સાથે એનું મન ઉકળતું હતું !

ગઇ રાત્રે ભૂલ તો ઉંમગની જ છે નાનકડી વાતમાં કેવો હોબાળો 

મચાવી દીધો !... ખરેખર તો એણે પોતાને મનાવી લેવી જોઇએ, એને બદલે એ તો એક અક્ષરે ય બોલ્યા વિના પડખું ફરીને સૂઇ ગયો !.. પાછો ઘસઘસાટ નસકોરા બોલાવતો હતો !... મારું તો કોઇ અસ્તિત્વ જ નહિ ?.. કેટલી અવહેલના કરી ?... એને મારી તો કોઇ પડી જ નથી !... મને મનાવવાની ક્યાં વાત ? ..અરે ! 'સોરી !' પણ કહ્યું નથી ! ...પોતે તો માત્ર 'સોરી'થી ય મનાઇ જવા તૈયાર  હતી ! ...આ તો  આખી રાત બન્ને જણાં બે છેડે સૂઇ રહ્યાં !

એણે ત્રાંસી નજરે જોયું.

તૈયાર થઇ, ઉમંગ મજેથી  ગીત ગણગણતો હતો.

લે ! પોતે અહીં બળતરા કરે છે ને.. એને તો કશું ય નથી ! ...ને હવે બેસશે છાપા વાંચવા !

એમ જ થયું. ઉમંગે છાપું લઇ જમાવ્યું. સોફામાં, ને ત્યાં બેઠા બેઠા જ બૂમ પાડી ઃ

'ફાલ્ગુની ચા અહીં જ લાવજે ને !'

ફાલ્ગુનીએ ગુસ્સામાં એની સામે જોયા વિના, ચાનો કપ ટિપોય પર મૂકી દીધો... ને પોતે નિરાંતે બેસવાને બદલે ઊભા ઊભા જ કપ ગટગટાવી દીધો...!

એમ જ ગુસ્સામાં ધમધમતી હાથમાં કપડાં લઇ બાથરૂમમાં નહાવા ચાલી ગઇ. માથું ચોળી, ઘસી ઘસીને નાહી, આજે તો હવે નિરાંત છે ! હોળી તો રમવાનું નથી !

બાથરૂમમાંથી બહાર આવી બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ સામે, વાળ કોરા કરી તૈયાર થઇ ને ઉમંગની  બૂમ સંભળાઇ.

'ફાલ્ગુની, જરા બહાર આવ તો ! જો તો, શું છે વારુ'

'આવું છું' કહેતી બહાર આવી.

ઉમંગ એકદમ નજીક આવ્યો.

'મોઢું ખોલ તો ! હોળી મુબારક ડાર્લિંગ ! કહેતાની સાથે જ એક સાથે બે ગુલાબજાંબુ  એના  મોઢામાં ઠાંસી દીધા !'

...ને ફાલ્ગુની કાંઇ સમજે વિચારે એ પહેલાં જ એને ગુલાલથી રંગી નાખી !

મોઢામાં બે ગુલાબજાંબુ ! ..બોલાય ક્યાંથી ? એ તો એમ જ 'ઉંહું.. ઉંહું' કરતી રહી ને ઉમંગે એને ઉંચકીને બાથટબમાં નાંખી !

'હોલી રમવું છે ને તારે ? ...રાત્રે તો માથું ખાઇ ગઇ ! ... જો હવે અત્યારે તને બરોબરની રમાડું !'

ઉમંગના બાકીના શબ્દો પાણીના ખળખળ અવાજમાં અને ફાલ્ગુનીના ઊંહકારામાં દબાઇ ગયાં.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cth5yV
Previous
Next Post »