કુસ્તીબાજ રીતિકા ફોગાટની આત્મહત્યા મેચમાં હારનો આ હદે આઘાત?


- વિદ્યાર્થીઓ , ખેલાડીઓ અને  કલાકારો માટે મૈદાની મુકાબલા કરતા માનસિક મોરચો વધુ પડકારજનક 

- વિવિધા-ભવેન કચ્છી

- ખરું 'દંગલ' તો જીંદગી ખુમારીથી જીવવામાં છે કુસ્તી કે બોક્ષિંગની રીંગ પર નથી 

- વાલીઓ, કોચ અને હોસ્ટેલ : નિખાર પણ આપી શકે અને પતન પણ લાવી શકે

ફિ લ્મ અને ટીવી જગતની સેલીબ્રીટીની આત્મહત્યાના કિસ્સાઓ તો અવારનવાર મીડિયામાં ચમકતા રહે છે પણ રમત જગતમાં પણ ખેલાડીઓ ભારે દબાણ હેઠળ ડીપ્રેશનમાં હોય કે તેઓ જીવન ટૂંકાવી દે તેવી ઘટનાઓનું   પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. થોડા વર્ષો અગાઉ  કોઈએ કલ્પના નહોતી કરી કે  જુદી જુદી  રમતોના ટોચના ખેલાડીઓને અંગત કોચ હોવા ઉપરાંત  મનોવિજ્ઞાાની કે મનોચિકિત્સક રાખવા પડશે. એક ટીમને પણ આ જરૂરીયાત વેન્ટીલેટર જેટલી અનિવાર્ય લાગે છે. હજુ ગયા અઠવાડિયે ૧૭ વર્ષીય રીતિકા ફોગાટે સાવ સામાન્ય કહી શકાય તેવી રાજસ્થાનની જુનિયર કક્ષાની કુસ્તી સ્પર્ધામાં એક પોઈન્ટનાં અંતરથી ટાઈટલ ગુમાવ્યું અને તેણે પંખા પર લટકીને આત્મહત્યા કરતા રમતની દુનિયામાં આઘાત સાથે સોપો પડી ગયો છે. 

રીતિકાના અપમૃત્યુની ઘટના દેશભરના મીડિયામાં અગ્રસ્થાને ચમકી તેનું કારણ એ છે કે તેની અટક ફોગાટ છે અને તે ભારતની વિખ્યાત મહિલા કુસ્તી પરિવારની એક સદસ્ય હતી. તેનાથી પણ  વિશેષ જે કોચ મહાવીર સિંઘ ફોગાટ પરથી આમીર ખાન અભિનીત 'દંગલ' ફિલ્મ બની હતી તેની રીતિકા ભાણેજ હતી. મહાવીર સિંઘે તેની પુત્રીઓ બબીતા,ગીતાને આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ અપાવતું ઘડતર અને કોચિંગ કઈ રીતે આપેલું તેનું 'દંગલ ફિલ્મમાં નિરૂપણ છે. તેની અન્ય બે પુત્રીઓ રિતુ અને સંગીતા પણ ટોચની કુસ્તીબાજ છે.જ્યારે પ્રિયંકા અને વિનેશ ફોગાટ મહાવીર સિંઘનાં ભાઈની પુત્રીઓ છે.

મહાવીર સિંઘના ભાઈની જમીન અંગેના ઝઘડામાં હત્યા થયા પછી તેમની બે પુત્રીઓ  પ્રિયંકા અને વિનેશનું મહાવીરે સાથે રાખીને ભરણ પોષણ જ નથી કર્યું પણ તેની સગી પુત્રીઓની જેમ બંનેને  ચેમ્પિયન બનાવતી સઘન તાલીમ આપી. વિનેશે તો હજુ થોડા દિવસો પહેલા જ યુક્રેન અને રોમમાં યોજાયેલ વર્લ્ડ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા.  તે હાલ તેના વજનના ગુ્રપમાં વર્લ્ડ નંબર વન છે.આગામી ટોકિયો ઓલિમ્પિકમાં ક્વોલીફાય થનાર એક માત્ર મહિલા કુસ્તીબાજ છે. ફોગાટ બહેનોની આ સિદ્ધી અને મુકામને મહાવીરની ભાણી રીતિકાએ બાળ વયેથી જોયેલી.તેની આંખોમાં પણ કુસ્તીમાં તેની બહેનોની જેમ કોમનવેલ્થ ગેમ્સ અને તેનાથી પણ આગળ વધીને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાના સપનાનું વાવેતર થયું. તેઓ રાજસ્થાનના જૈતપુર ગામમાં રહેતા હતા પણ રીતિકાએ તેનું સ્વપ્ન સાકાર થઇ શકે તે માટે માત્ર ૧૨ વર્ષની વયે માતા -પિતા અને વતન છોડયું અને પહોંચી ગઈ તેના મામા અને વિખ્યાત કોચ એવા મહાવીર પ્રસાદના મુકામ એવા હરિયાણાના ચરખી દાદરીના બળિયા ગામે જ્યાં  મહાવીર પ્રસાદ સ્પોર્ટ્સ એકેડમી છે.

જે ભારતના કુસ્તીબાજો પેદા કરવાનું હબ બની ગયું છે. આખું ગામ જાણે પહેલવાનોનું હોય તેવું જ લાગે. જેમ ફિલ્મ દુનિયામાં સ્ટાર બનવા મુંબઈ મોહમયી નગરી છે તેમ ભારતભરના  પાપડતોડ પહેલવાન જેવા  લબરમુછીયાઓ પણ મગદળ ફેરવી બાવડા અને પગના થાપા હાથી જેવા મજબુત બનાવવા ચરખી દાદરીની એકેડમીમાં ઉતરી પડે છે. ચાર છ છોકરાઓને પછાડી દે તેવી છોકરીઓ પણ એકેડમીમાં જોઈ શકાય. મહાવીર પ્રસાદ ફોગાટને ભારતમાં સરકાર દ્વારા અપાતો શ્રેષ્ઠ કોચનો દ્રોણાચાર્ય  એવોર્ડ  મળી ચુક્યો છે. 'દંગલ' ફિલ્મ પછી તો મહાવીર સિંઘ ફોગાટ અને ફોગાટ સિસ્ટર્સ સેલીબ્રિટી સ્ટેટસ ભોગવે છે.જો કે તેઓ હજુ અગાઉ જેવું જ  ધરતી સાથે જોડાયેલ હરિયાણવી ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતુ જીવન વિતાવે છે. સફળતા મેળવતા જ રહે છે અને છકી પણ નથી ગયા. હા, હરિયાણામાં પરિવાર પરત્વે ગૌરવ અને અપાર આદર હોય તે સ્વાભાવિક છે.

આવા અડીખમ અને સંપીલા પરિવારની મજબુત બાવડા અને તાકાત ધરાવતી ૧૭ વર્ષની લાડલી અને એ પણ મહાવીરની શિષ્યા તેવી રીતિકા આત્મહત્યા કરે તે જ રમતજગત અને મનોવિજ્ઞાાનીઓ માટે કેસ સ્ટડી સમાન છે.  આ તો ફોગાટ પરિવારની તરુણીએ આત્મહત્યા કરી તેથી તેના કારણો અને  માનસિક સૃષ્ટિમાં સર્જાતા જતા પડકારો અંગે નિષ્ણાતો મનન ચિંતન કરશે બાકી દેશમાં જેઓની જરાપણ પહેચાન નથી તેવા કેટલાયે આશાસ્પદ ખેલાડીઓ આત્મહત્યા કરે છે કે પછી ભયંકર ડીપ્રેશન હેઠળ જીવન વિતાવે છે. ડ્રગના રવાડે ચઢી બરબાદ પણ થઇ ગયા છે. આ બધા ગુમનામ છે. સ્થાનિક મીડિયામાં એકાદ નાની આઈટમ કે વિડીઓ ક્લીપીંગમાં તેઓનું મોત સંકેલાઈ જાય છે.

જેટલી પબ્લીસીટી ગ્લેમર વર્લ્ડનાં ડીપ્રેશન કે આત્મહત્યાના કિસ્સાઓની થાય છે એટલી અન્ય વ્યવસાય, સર્જકો કે ખેલાડીઓની સ્થિતિની નથી થતી. રીતિકા કે તેના જેવા ખેલાડીઓ શા માટે આત્મહત્યા કરે? મનોબીમાર બને છે? પહેલા તો આ હદે કે આવું કંઈ બની શકે તે અંગે કોઈને વિચાર સુદ્ધા નહતો આવતો.

આપણે ત્યાં બે પ્રકારનું કૌટુંબિક વાતાવરણ પ્રવર્તે છે એક તંદુરસ્ત અને બીજુ અદેખાઈ અને દેખાદેખી સાથેનું કે જુઓ અમે કેવા સુખી અને સફળ પુરવાર થયા. આ માટે વાલીઓ તેમના સંતાનોને રેસના ઘોડાની જેમ ઉતારે છે. દુનિયામાં જ નહિ પાડોશ અને ગામમાં કેટલાયે પ્રેરણાદાયી સંતાનો અને પરિવારો છે પણ આપણું લક્ષ્ય તો આપણા કાકા, મામા, માસી, ફોઈ ફુઆ, મિત્રો કે જ્ઞાાતિના સંતાનો કરતા અભ્યાસ, રમત, કળા અને આગળ જતા નોકરી કે કમાણીમાં, ઘર અને વાહનો વસાવવામાં કોની સરસાઈ રહે છે તે પુરવાર કરવામાં જ વીતી જાય છે. હા,એવા પરિવારો પણ છે જેઓ અન્ય પરિવાર અને સંતાનોની હકારાત્મક પ્રેરણા લઇ  ઉછેર કરે છે અને સંવાદ સાધે છે પણ તેમાં ઈર્ષા કે કુટુંબી  કરતા આગળ નિકળી વિકૃત આનંદ નથી મેળવવાનો ધ્યેય નથી હોતો.આવી મુર્ખ હરિફાઈ એક નાના પરિવાર કે જ્ઞાાતિના કુંડાળામાં જ રમતા રહ્યા અને તેઓને લાંબે ગાળે  એહસાસ થાય છે કે તેઓનો માપદંડ કેટલો ટૂંકો, છીછરો અને ભ્રામક હતો. મોટા બૃહદ વર્તુળની પ્રેરણા કે ધ્યેય પ્રાપ્તિ પર લક્ષ્ય સાધ્યું હોત તો છુપાયેલી વ્યાપક પ્રતિભા બહાર આવી હોત.

પરિવારમાં એક ડોક્ટર બને,સેલીબ્રીટી કે ખેલાડી કે સફળ હસ્તી બને એટલે પ્રેરણા જરૂર લઇ શકાય પણ સંતાનની  મર્યાદા અને પસંદને જાણ્યાં વગર તેને હવે તું પણ અમારું નામ તારા પિતરાઈ કે મામેરા ભાઈ બહેન  કે મિત્ર વર્તુળના સંતાનોની  જેમ કરી બતાવ તેવું દબાણ સર્જાતું હોય તેવું સમાજમાં જોવા મળે છે. પરિવાર કે માતા પિતા જેવી સફળતા, તેઓની યશ પ્રતિષ્ઠા કે વારસો આગળ ધપાવવાની ક્ષમતા કે ઇચ્છા સંતાનની ન પણ હોઈ શકે. આવા સમયે વાલીઓ તે અમારા માટે નીચું જોવાપણું કર્યું તે રીતે સતત વર્તતા હોય છે. તારા માટે કેટલા નાણા ખર્ચ કર્યો, લોન લીધી,જમીન વેચી જેવા મ્હેણાં વારંવાર ફટકારવાથી પણ સંતાનો દોષની લાગણી અનુભવે છે. વાલીઓએ તેમના સંતાનો સમક્ષ કોઈ ઈચ્છા જ વ્યક્ત ન કરાવી જોઈએ કે 'જો જે તું પણ અમારા માટે મેડલ જીતી લાવીશ,અમારું નામ રોશન કરીશ,

 અમે તારાથી ઓળખાઈશું ,આ સગા કે મિત્રના સંતાન તો આટલું કમાય છે, આટલી સિદ્ધી મેળવે છે તેના વાલીઓને કેટલું ગૌરવ થતું હશે' જેવા ધાણીની જેમ ફૂટતા વેણ સંતાનોના જીવનને વેરણછેરણ કરી નાંખે છે. ઘણા વાલીઓના દિલમાં કઈ નથી હોતું પણ સંતાનની લાગણીઓ સમજાવી અકળ છે. અગાઉના જમાનામાં આપણા વાલીઓ વાત વાતમાં માની લો કે ગમે તેવા અભદ્ર શબ્દો બોલીને ઉતારી પાડતા હોય તેવું આજના સંતાનોની સહનશક્તિ નથી. સાવ બટકણું માનસ ધરાવે છે. વાલીઓ સામે પણ તેમનો અહંકાર હોય છે. તો ચાલો ,કુટુંબ,સમાજ,જ્ઞાાતિ  કે મિત્ર વર્તુળ સુધી જ સીમિત પ્રેરણા કે સ્પર્ર્ધા ન રાખો.કૂવામાના દેડકા કરતા આકાશના પંખી બનો.

રીતિકાના પરિવારમાં બહેનો કુસ્તીમાં આંતરાષ્ટ્રીય મેડલ મેળવવા માંડી એટલે વધુ એક તરુણીને પણ મેડલ અને તે પણ જેવો તેવો નહી ઓલિમ્પિક મેડલ જીતવાનો રંગ લાગ્યો જે સ્વપ્ન ફોગાટ પરિવારની કોઈ છોકરી પ્રાપ્ત નથી કરી શકી. રીતિકાને તેના માતા પિતા બાળપણથી કહેતા હોઈ શકે કે તારી બહેનોએ કેવી સિદ્ધી કેવી તપશ્ચર્યા જેવી તાલીમ લઈને હાંસલ કરી છે.

રીતિકાની આત્મહત્યા પછી એવું કહેવાય છે કે તેની રાજ્ય કક્ષાની કુસ્તીનો ફાયનલ મુકાબલો કે જેમાં તે એક પોઈન્ટથી હારી ગઈ હતી તે જોવા ખાસ મહાવીર સિંઘ ફોગાટ આવ્યા હતા અને તેની હાજરીમાં રીતિકાએ પછડાટ ખાધી તે આઘાત તેના માટે અસહ્ય હતો. મેં મારા ભારતખ્યાત કોચ અને મામાને નીચું જોવડાવ્યું તે દોષની લાગણીથી તે ઘેરાઈ ગઈ હતી. શક્ય છે તેને તેની રમતની મર્યાદાથી એ અંદાજ પણ આવી ગયો હશે કે તે આ લેવલે પણ જીતી નથી શકતી અને ઓલિમ્પિક અશક્ય વાત થઇ . રાષ્ટ્રીય સ્તરે પણ નામ નહીં કરી શકે. પોતે પરિવારની અન્ય ઊંચા દરજ્જાની ચેમ્પિયન જેવી બહેનોની તુલનામાં સાવ સામાન્ય કુસ્તીબાજ નીવડી તે વસવસો પણ અનુભવ્યો હોય. અદેખાઈ હોય તે જરૂરી નથી હકારાત્મક અભીગમ અને બહેનો માટે પ્રેમ સાથે ગૌરવ હોય તો પણ પોતે નિષ્ફળ છે તેવા વિચારોના વમળમાં તે ધકેલાઈ ગઈ.શક્ય છે કે રીતિકા મહાવીર સિંઘની ભાણી, શિષ્યા અને ફોગાટ પરિવારની દીકરી ન હોત અને એમ જ કુસ્તીમાં કોચિંગ લેતી હોત તો તેણે આત્મહત્યા ન કરી હોત.

આપણને તો મહાવીર સિંઘ કોચ તરીકે કેવા છે તે ખબર નથી. ઘણા કોચ શિષ્યોને ગમે તે રીતે અપમાન કરીને કે શારીરિક સજા કરીને પાઠ ભણાવતા હોય છે. બધા શિષ્યો મન પર ન લે પણ કોઈની પ્રકૃતિ એવી હોય કે તેને અંગત રીતે તમે કલ્પના ન કરી હોય તે હદે લાગી આવે અને તે આત્મઘાતી વિચારો કરવા માંડે.આથી જ સંતાનો, ખેલાડીઓ અને જુદી જુદી ટેલેન્ટનાં આશાસ્પદો જ નહી વાલીઓ અને કોચ તેમજ પ્રશિક્ષકોએ પણ મનોચિકિત્સકોનું કાઉન્સેલિંગ કરવું જોઈએ.

વાલીઓની જેમ કોચને પણ તેના હાથ નીચેના ખેલાડીઓ નિષ્ફળ જાય જ કેમ તેવું ઘમંડ હોય છે. કોચનું વર્તન અમાનવીયતાની હદ પણ ઘણી વખત વટાવી દે છે. કોચિંગ સેન્ટરોમાં ખેલાડીઓનું માનસિક અને શારીરિક શોષણ, પશુ કરતા પણ બદતર વ્યવહાર, ભોજન અને રહેવાની વ્યવસ્થાનું સ્તર,હોસ્ટેલમાં પણ રેગીંગ, પ્રાંતવાદ, જુથવાદ આત્મહત્યાના કારણમાં ઉમેરો કરે છે. શિક્ષણમાં પણ આ જ પડકારો છે. અમુક કોચ શ્રીમંતો અને વગદારોના  સંતાનોને  વધુ સમય ફાળવે છે. ટ્રાયલ સિલેકશનમાં પ્રતિભાઓનું યાદીમાં સ્થાન નથી હોતું જેવા કારણોથી પણ વાતાવરણ દુષિત છે. 

એવું પણ બનતું જ હોય છે તમે ખેલાડી કે કોઈપણ ક્ષેત્રની પ્રતિભા તરીકે નિખરતા હો અને મોટી તક તમારે દરવાજે જ આવીને ઉભી હોય ત્યારે તમે  વર્ષોથી સાધના કરતા હો અને અચાનક જ ટૂંકા ગાળામાં કોઈ જન્મજાત કે પોતાની જાતને વધુ સારી રીતે પ્રમોટ કરી શકે તેવી પ્રતિભા છવાઈ જાય અને તમારું સ્થાન ઝડપી લે. અત્યારે તો તમામ ક્ષેત્રોમાં પબ્લિક રીલેશન, માર્કેટિંગ, દિખતા હૈ સો બિકતા હૈ જેવા સરેરાશ દેખાવ કરનારાઓ પણ ખરા પ્રતિભાવાનોનું સ્થાન લઇ લે છે. એ ખરું કે આવી સરેરાશ વ્યક્તિ લાંબુ ન ટકે પણ તમારી આગેકુચ અને અતિ મહત્વનો સમયગાળો તો તમે ગુમાવી ચુક્યા હો છો. 

એકવાર સાઈડટ્રેક થયા પછી નવા સાચા હરીફો પણ આવી ચુક્યા હોય છે. અંતે આવા આશાસ્પદો ડીપ્રેશનમાં સરકી જાય છે. અત્યારે આવા આવી ખોવાઈ ગયેલી પ્રતિભાઓ ક્યાં છે કઈ સ્થિતિમાં છે અને છે કે નહીં તેમાં કોઈને રસ નથી. કોચ નિખારી પણ શકે છે અને ઉજાડી પણ શકે છે આ જ વાત સ્પર્ધામાં, ફિલ્મ શુટીંગમાં અને પરફોર્મન્સ વખતે માથા પર સતત મંડરાયેલા રહેતા  સાથેને સાથે રહેતા વાલીઓને પણ લાગુ પડે છે.

ખેલાડી, પ્રતિભા  કે પરીક્ષાર્થીને વર્ષોેની મહેનત પછી કોઈ અમૂલ્ય તક મળે અને તે જ વખતે તેને લાંબા સમય માટે બહાર રાખે તેવી ઈજા થાય તો પણ આત્મહત્યાના વિચારો સુધી તે વ્યક્તિ પહોંચી જતી હોય છે. આવે વખતે પણ તેને હોંસલો બુલંદ રાખવા અને કમબેક કરી ચૂકેલ સફળ હસ્તીઓના પુસ્તક, લેક્ચર્સ કે કાઉન્સેલિંગ અનિવાર્ય થઇ પડે છે.

રીતિકા ફોગાટ માટે એવી વાત પણ બહાર આવી છે કે તે ખરેખર મુકાબલો જીતી જ હતી પણ રેફરીએ નિર્ણાયક એક પોઈન્ટ તેની તરફેણમાં ન આપ્યો અને તેને હાડોહાડ લાગી આવ્યું. આમ અન્યાય, અંચઈ, સ્લેજિંગ, ધોખો,  કે શોષણ પણ જીવન અને રમતનો એક હિસ્સો છે તે પણ નવી પેઢીએ શીખવું પડશે.માત્ર જે તે રમત અને ક્ષેત્રની શ્રેષ્ઠ ફાવટ અને પ્રતિભા હોય તે પુરતું નથી. મૈદાની કરતા માનસિક મોરચા પર પ્રભુત્વ મેળવીને અને અંતરાયો ઉભા કરતા  તમામ પરિબળોથી વિચલિત થયા વગર  ફોકસ રહેવું પડશે. જક્કી સ્વભાવ છોડવો પડશે. ભાવતું, ગમતું કે સ્વપ્નસેવી ન મળે તો પણ જીવન અને જિંદગીથી વિશેષ કંઈ નથી ..મંઝીલે ઔર ભી હૈ...  '



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PkA59N
Previous
Next Post »