પ્રેમિકાને પામવા માર્ગમાં આવતા 'નડતર' હટાવવા ગોકુલે ઠંડા દિમાગથી એક એક ચાલ રમી...


- ક્રાઈમવૉચ-મહેશ યાજ્ઞિાક

- છાની રીતે અનુરાધાના મોબાઈલમાં એસ.એમ.એસ.ચેક કરતી વખતે એ ચમક્યો. અનુરાધા જ્યાં લેક્ચર લેવા જતી હતી ત્યાં એક સ્ટુડન્ટ સાથે એ પ્રેમમાં અને શારીરિક સંબંધમાં લપેટાઈ ગઈ હતી!

- ગોકુલ

- ગોકુલનો ફ્લેટ

વ ર્ષ ૨૦૦૯, લગ્નની સિઝનમાં આપણા દેશમાં હજારો યુવાન-યુવતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા, પરંતુ આજની આ ક્રાઈમ સ્ટોરી સમજવા માટે એમાંથીમાત્ર બે યુગલની જ ઓળખ મેળવવાની છે. દેશના ઉત્તર અને દક્ષિણ- બે છેડે અલગ અલગ ધર્મની લગ્નવિધિથી એ યુગલ પરણ્યા હતા.

દિલ્હીમાં આઈ.ટી. કંપનીમાં નોકરી કરતી અનુરાધાના પિતા પોલીસ ખાતામાંડી.એસ.પી હતા. અનુરાધા મૂળ બંગાળી, પણ રાંચીમાં ઉછરેલી.એ જ કંપનીમાં એની સાથે ગોકુલ નોકરી કરતો હતો. કેરાલાના ત્રિચુરથી આવેલો એમ.જી.ગોકુલ મછારી કંપનીમાં માસ્ટર માઈન્ડ ગણાતો હતો. એ ગોકુલ અને અનુરાધા વચ્ચે મિત્રતા થઈ, પછી પ્રેમ થયો.બંનેના પરિવારે સંમતિ આપી. એ પછી અનુરાધા અને ગોકુલ ધામધૂમથી પરણી ગયા.

લગભગ એ જ અરસામાં કેરલમાં ત્રિચી શહેરના ચર્ચમાં જે લગ્નવિધિ ચાલી રહી હતી એમાં બંને ક્રિશ્ચિયન પરિવારો રાજી રાજી હતા. એ બંને પરિવારના વડીલોએ જ આ લગ્ન ગોઠવ્યા હતા. પત્ની કરૂણા (એ નામ બદલેલ છે) અને પતિ સાજુ જોઝ- એ બંને પણ આઈ.ટી. એન્જિનિયર હતા.

સાજુ જોઝને બેંગ્લોરમાં નોકરી હતી એટલે લગ્ન પછી કરૂણા એની સાથે બેંગ્લોર આવી ગઈ. ફર્નહિલ ગાર્ડન્સ નામના ફ્લેટમાં એમણે દાંપત્ય જીવનનો આરંભ કર્યો. 

દિલ્હીમાં અનુરાધા અને ગોકુલ આનંદથી રહેતા હતા. સોફ્ટવેર એન્જિનિયર તરીકે આફિસમાં ગોકુલ ઉપર કામની વિશેષ જવાબદારી રહેતી હતી.

બેંગ્લોરમાં સાજુ જોઝ સંતોષી જીવડો હતો. એક પુત્રના જન્મ પછી બીજી પુત્રીનો જન્મ થયો એટલે બંને સંતાનોના ઉછેર માટે કરૂણાએ નોકરી છોડી દીધી.

૨૦૧૧ ના આરંભમાં ફેસબૂક ઉપર ખાંખાખોળા કરતી વખતે ગોકુલે કરૂણાનો ફોટો જોયો અને એનું હૃદય જાણે ધબકવાનું ભૂલી ગયું. એક સમયે પોતે જેને દિલોજાનથી ચાહતો હતો એ જૂની પ્રેમિકા આ રીતે જડી ગઈ એ ખુશીમાં એ રાત્રે એને ઊંઘ પણ ના આવી. ધોરણ બારથી માંડીને એન્જિનિયરિંગની ડીગ્રી મળી ત્યાં સુધી બંને એક જ વર્ગમાં સાથે હતા અને એ મુગ્ધ ઉંમરે જ બંને પ્રેમમાં પડયા હતા. ગોકુલ કરૂણાને અનહદ પ્રેમ કરતો હતો. કરૂણા પણ એને ખરા હૃદયથી ચાહતી હતી. કરૂણા સાથે લગ્ન કરવા માટે ગોકુલ કંઈ પણ કરવા તૈયાર હતો. કૉલેજમાં અભ્યાસ પત્યો અને એન્જિનિયરિંગની ડીગ્રી હાથમાં આવી એ પછી ગોકુલે હિંમત કરી. એનો હિન્દુ પરિવાર માછીમારી સાથે સંકળાયેલો હતો. કરૂણાનો પરિવાર ચુસ્ત ક્રિશ્ચિયન ધર્મનું પાલન કરતો હતો. એ છતાં, ગોકુલ કરૂણાના મા-બાપને મળ્યો. પરંતુ ધર્મ નડી ગયો. એ ક્રિશ્ચિયન નહોતો એટલે કરૂણાના પરિવારે સંમતિ ના આપી. પરિવારને નારાજ કરીને લગ્ન કરવાની વૃત્તિ કે શક્તિ કરૂણા પાસે નહોતી. એટલે એણે પણ રડીને ગોકુલને પોતાની મજબૂરી સમજાવી દીધી. એ દરમ્યાન ગોકુલને દિલ્હીની એક આઈ.ટી. કંપનીમાં નોકરીની ઑફર મળી. ત્રિચુરમાં રહીને કરૂણાને જોઈને દુઃખી થઈને રોજ નિસાસા નાખવાને બદલે ભગ્ન હૃદય સાથે દૂર જતા રહેવાનો એણે નિર્ણય કર્યો. દુઃખી હૈયે જિંદગીના પહેલા પ્રેમની સ્મૃતિને હૃદયના એક ખૂણામાં ભંડારીને ગોકુલ દિલ્હી પહોંચી ગયેલો.

૨૦૦૭ માં કરૂણા અને ગોકુલ છૂટા પડેલા. ૨૦૧૧ માં ફેસબૂકના માધ્યમથી ફરી સંપર્ક જોડાયો. અંગારા ઉપર રાખ જામી ગઈ હતી પરંતુ અંદરની ઉષ્મા હજુયે અકબંધ હતી. ઑફિસ કામનું બહાનું કાઢીને ગોકુલ બેંગ્લોર પહોંચ્યો અને કરૂણાને મળ્યો. વર્ષો જૂનો પ્રેમ ગોકુલના હૃદયમાં તો નવપલ્લવિત થઈ ચૂક્યો હતો. સાજુ જોઝના બે સંતાનની માતા બનેલી કરૂણા આદર્શ ગૃહિણી હતી. એ છતાં, મુગ્ધાવસ્થાના પહેલા પ્રેમને એ પણ ભૂલી શકી નહોતી. 

એને રૂબરૂ મળ્યા પછી ગોકુલ પાગલ બની ગયો. કોઈ પણ ભોગે હવેએને કરૂણા જોઈતી હતી. કરૂણાને પૂર્ણપણે પામવા માટે ગમે તેવું જોખમ ઉઠાવવા એ તૈયાર હતો. સોફ્ટવેર એન્જિનિયર ગોકુલ પાસે શાતિર દિમાગ હતું. શિયાળ જેવો લુચ્ચો અને કિંગ કોબ્રા જેવો ઝેરીલો હોવા છતાં, એનામાં આક્રમક ઝનૂન કે અધીરાઈ નહોતી. પૂરી ચીવટથી ઠંડા કલેજે આયોજન કરવાની એનામાં આવડત હતી. જિંદગી ખૂબ લાંબી છે એટલે આડેધડ આગળ વધવાને બદલે અસીમ ધીરજથી સો ટકા સફળ થવાય એ રીતે બાજી ગોઠવવાનું એણે નક્કી કર્યું.

વચ્ચે વચ્ચે બેંગ્લોર આવીને ગોકુલ કરૂણાને મળતો હતો. એ ટૂંકી મુલાકાતોથી એને સંતોષ નહોતો.દિલ્હીમાં રહીને કરૂણા માટે પ્રયત્ન કરવાથી મેળ નહીં પડે એવી સમજણ સાથે સૌ પ્રથમ તો એણે બેંગ્લોર આવવા માટે નોકરી બદલવાનું નક્કી કર્યું.

બે સંતાન હોવા છતાં, કરૂણા પોતાના લગ્નજીવનમાં સુખી નહોતી. એના પતિ સાજુ જોઝ સાથે વારંવાર નાના-મોટા મતભેદ ઝઘડામાં પરિવર્તિત થતા હતા.

૨૦૧૪ ના ફેબુ્રઆરીમાં ગોકુલના આયોજનનો પહેલો તબક્કો સફળતાથી પાર પડયો. બેંગ્લોરની એક આઈ.ટી. કંપનીમાં માતબર પગારની નોકરી મળી. એની પત્ની અનુરાધાને એણે નોકરી છોડાવી દીધી.દોઢ વર્ષની નાનકડી દીકરી અને અનુરાધાને લઈને ગોકુલ બેંગ્લોર આવી ગયો. પ્લાનના ભાગરૂપે જ કરૂણા અને સાજુ જોઝ રહેતા હતા એ ફર્નહિલ ગાર્ડન્સમાં જ એણે ફ્લેટ ભાડે લઈ લીધો.અલબત્ત, બંનેના બ્લોક અલગ અલગ હતા. સાજુ જોઝ જેવા સરળ માણસને તો ગોકુલ જેવા ગીલીન્ડરના ખતરનાક ઈરાદાની ગંધ ક્યાંથી આવે? પોતાની પત્નીના જૂના સહાધ્યાયી તરીકે એને ગોકુલની મિત્રતામાં જરાયે શંકા પણ નહોતી. જોઝ અને કરૂણા દર રવિવારે ચર્ચની પ્રાર્થનાસભામાં જાય ત્યારે ક્યારેક ગોકુલ પણ એમની સાથે જતો હતો. ગોકુલ-અનુરાધાની નાનકડી દીકરી પણ કરૂણાના સંતાનો સાથે હળી ગઈ હતી.

ગોકુલની નોકરીમાં પગાર વધારે, પણ એની સામે કંપનીવાળા તેલ કાઢતા હતા. સવારે નવ વાગ્યાથી છેક રાત્રે અગિયાર વાગ્યા સુધી એણે કામ ખેંચવું પડતું હતું. રાત્રે સાડા અગિયાર વાગ્યે એ થાક્યોપાક્યો ઘેર આવતો હતો. એને લીધે અનુરાધા પણ અકળાયેલી હતી. બેબીની સંભાળ રાખવાની હોવાથી અનુરાધા માટે અહીં આખા દિવસની નોકરી શક્ય નહોતી. થોડીક મથામણ કર્યા પછી કોમ્પ્યુટરનું ટેકનીકલ શિક્ષણ આપતી એક સંસ્થામાં લેક્ચરર તરીકેનું કામ એને મળી ગયું.

ગોકુલ હવે આગળનો તબક્કો વિચારતો હતો. પહેલો વિકલ્પ છૂટાછેડાનો હતો. અનુરાધાને જો છૂટાછેડા આપે તો નાનકડી ઢબૂડીને કબજો માતાને જ મળે. ગોકુલને દીકરીની માયા હતી. વળી, છૂટાછેડાની લાંબી વિધિ પછી કાયમ માટે મા-દીકરીના ભરણપોષણની જવાબદારી પણ ઉઠાવવી પડે. આ બધા વિચારમાં એક રાત્રે અચાનક જ ગોકુલને લોટરી લાગી ગઈ. છાની રીતે અનુરાધાના મોબાઈલમાં એસ.એમ.એસ.ચેક કરતી વખતે એ ચમક્યો. અનુરાધા જ્યાં લેક્ચર લેવા જતી હતી ત્યાં એક સ્ટુડન્ટ સાથે એ પ્રેમમાં અને શારીરિક સંબંધમાં લપેટાઈ ગઈ હતી! પેલાએ તો બિન્દાસ બનીને ખૂબ મજા આવેલી એવી પ્રેમલીલાનું પણ એ મેસેજમાં વર્ણન કર્યું હતું. ગોકુલે એવા મેસેજ શોધીને પોતાના મોબાઈલમાં લઈ લીધા.

હવે? ગોકુલે આગળનો પ્લાન વિચારી લીધો. અનુરાધા આમ તો ધર્મભીરુ હતી અને શીરડીના સાંઈબાબાની અનન્ય ભક્ત હતી.

 સમયની અનુકૂળતા હોય ત્યારે શીરડી દર્શન કરવા પણ જતી હતી. ગોકુલે 'બાબા' નામનું મેઈલ આઈડી બનાવીને અનુરાધાને મેઈલ મોકલવાનું શરૂ કર્યું. 'તારા પતિને છેતરીને તું બીજા સાથે છિનાળું કરે છે, એ બાબાના ધ્યાનમાં છે. તારા પતિની માફી માગીને આ ધંધા છોડી દે.' આ પ્રકારના મેઈલનો એણે મારો ચલાવ્યો અને એને લીધે અનુરાધાએ પેલા સાથેના સંબંધો તોડી નાખ્યા. પરંતુ ત્રણ મહિના પછી પાછું હતું એનું એ જ!

આવું બનશે એની ધારણા હોવાથી ગોકુલ પાસે આગળનો પ્લાન તૈયાર હતો. એણે નવું ફેસબૂક પેજ અને આઈ.ડી. બનાવ્યું છજીલ્લછ નામનું. એસ્ટ્રોલોજી (જ્યોતિષ)નો એ, સ્પિરીચ્યુઆલિટી (આધ્યાત્મિકતા)નો એસ, હ્યુમેનિટી (માનવતા)નો એચ અને એટેન્શન (ધ્યાન)નો એ.આ આઈ.ડી. પરથી મેઈલ મોકલીને એણે અનુરાધાનો વિશ્વાસ સંપાદન કર્યો અને ધીમે ધીમે જાળમાં ફસાવી. આશા-ધ એસ્ટ્રોલોજરના નામથી ગોકુલે એવી રમત શરૂ કરેલી કે પોતાના લફરાની કબૂલાત કરીને અનુરાધા એની પાસે માર્ગદર્શન માગતી હતી!

'મારી પાસે એક ઉપાય છે.એ અજમાવીશ તો તું તારા પ્રેમી જોડે જલસા કરીશ તોય તારો પતિ કંઈ કરી નહીં શકે. એ તને છૂટાછેડા પણ નહીં આપે.મારે મહેનત કરવી પડશે પણ એ પછી ચમત્કાર થશે.એ પછી એ બિચારો મૂંગો પ્રેક્ષક બની જશે.'

'એના માટે મારે શું કરવાનું?' અનુરાધાએ આતુરતાથી મેઈલ કર્યો.

'મહાકામાજ્ઞિા યજ્ઞા માટે મારે તારો અને તારા પ્રેમીનો સંયુક્ત ફોટો જોઈશે. બંનેના દેહ પર એકેય વસ્ત્ર ના હોવું જોઈએ.' ગોકુલ ઉર્ફે આશા-ધ એસ્ટ્રોલોજરે આદેશ આપ્યો અને મોહાંધ અનુરાધાએ એ સ્વીકારી લીધો.

અનુરાધાએ થ્રીસ્ટાર હોટલમાં રૂમ બૂક કરાવ્યો અને શાવર નીચે એ અને એનો પ્રેમી સ્નાન કરતા હોય એવા છ ફોટોગ્રાફસ એણે મોકલી આપ્યા.એ ફોટા હાથમાં આવ્યા પછી ગોકુલ એક દિવસ માટે રાંચી પહોંચી ગયો. ત્યાં જઈને ગોકુલ પોતાના સસરાને મળ્યો અને એ ફોટાઓ એમને બતાવ્યા. એ પછી ઠંડકથી સમજાવ્યું. 'આ તમારી દીકરી! હું એને સુધારવા માટે અત્યારે મારી રીતે પ્રયત્ન કરી રહ્યો છું એટલે પ્લીઝ,અત્યારે તમે એને કંઈ કહેતા નહીં. જરૂર પડશે ત્યારે હું તમારી મદદ માગીશ.' રિટાયર્ડ પોલીસ અધિકારી બાપ પર આભ તૂટી પડયું. નતમસ્તકે ગોકુલની સલાહ માનીને એ શાંત રહ્યા.

૨૬ જૂન,૨૦૧૫ ની સાંજે આશા-ધ એસ્ટ્રોલોજર તરફથી અનુરાધાને આદેશ મળ્યો કે યજ્ઞાની તૈયારી થઈ ચૂકી છે. આવતી કાલે સાંજે સાત વાગ્યાથી તારે સંપૂર્ણ તંદ્રાવસ્થામાં જ રહેવું પડશે, તો અને તો જ મારી યજ્ઞાની મહેનત ફળશે. તંદ્રામાં જવા માટે જરૂર પડે તો ઘેનની દવા કે વ્હીસ્કીનો સહારો લેજે.'

૨૭ જૂનની સાંજે સાડા છ વાગ્યે બેબીને બીજા રૂમમાં ઊંઘાડીને અનુરાધાએ વ્હીસ્કીની બોટલ હાથમાં લીધી. પોણી બોટલ ગટગટાવીને એ સોફા પર ઢળી પડી. ગોકુલ ઘરમાં આવ્યો. કરૂણાને પામવા માટેના માર્ગનો પહેલો અવરોધ હતી અનુરાધા. એક પછી એક અડચણને ચાલાકીથી દૂર કરવાની હતી.કોર્નર ટિપોઈ પર પિત્તળની વજનદાર ગણેશજીની મૂત હતી. બંને હાથથી એ મૂત ઊંચકીને ગોકુલે ઊંધી પડેલી અનુરાધાના માથામાં જોરદાર પ્રહાર કર્યોે. અનુરાધા ઉછળીને ચત્તી થઈ એટલે પૂરી તાકાતથી એના કપાળમાં બે પ્રહાર કર્યા પછી ખોપરી ફાટી ગઈ હતી એટલે વધુ પ્રહારની જરૂર નહોતી. રાંચી રહેતા સસરાને ફોન કરીને ગોકુલે કહ્યું કે તાત્કાલિક બેંગ્લોર આવી જાવ. એ પછી અનુરાધાની લાશને ઢસડીને કોર્નર ટિપોઈ પાસે એ રીતે ગોઠવી કે નશામાં ચકચૂર હાલતમાં એ પડી ગઈ અને માથામાં ઈજા થવાથી એ મરી ગઈ હોય એવું લાગે.

બાથરૂમમાં જઈને ઘસી ઘસીને ગણેશજીની મૂર્તિને ધોયા પછી એને પાછી યથાસ્થાને ગોઠવી દીધી. ખાસ્સી મહેનત કરીને લોહીના ડાઘા સાફ કરી નાખ્યા. એ પછી પાડોશી તરીકે સાજુ જોઝ અને કરૂણાને ફોન કર્યો અને બીજા પાડોશીઓ ઉપરાંત પોલીસને અકસ્માતની જાણકારી આપી. પહેલી જે મળી એ ફ્લાઈટમાં સસરા પણ આવી ચૂક્યા હતા.

'આમ તો એ ક્યારેય બાટલીને હાથ અડાડતી નથી, પણ કોણ જાણે કેમ આજે એણે પોણી બોટલ વ્હીસ્કી પેટમાં પધરાવી દીધેલી. નશામાં ચકચૂર હતી એટલે ભાન ના રહ્યું અને લથડીને પડી.' અવાજમાં લાગણી ઉમેરીને ગોકુલ બધાની સામે પોતાની કેફિયત આપી રહ્યો હતો. બોટલમાં રહીસહી વ્હીસ્કી તરફ ઈશારો કરીને એણે ઉમેર્યું. 'આ દારૂને લીધે મારો જીવનઆધાર ઝૂંટવાઈ ગયો અને મારી ફૂલ જેવી બે વર્ષની ઢીંગલી નમાયી બની ગઈ!'

એ બોલતો હતો ત્યારે કરૂણા, સાજુ જોઝ અને બીજા પાડોશીઓ એની સામે સહાનુભૂતિથી તાકી રહ્યા હતા પરંતુ પોલીસ અધિકારીઓની નજરમાં સહાનુભૂતિને બદલે શંકા છલકાતી હતી.

બેંગ્લોરની પોલીસ તો એ જ સમયે ગોકુલની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરવા તત્પર હતી. 

અનુરાધાના પિતાએ પણ આડત્રીસ વર્ષ પોલીસખાતામાં અધિકારી તરીકે ફરજ બજાવી હતી. સગી દીકરીની લાશને જોયા પછી શું બન્યું હશે એનો અણસાર તો એમને પણ આવી ચૂક્યો હતો. પરંતુ અનુરાધાની નાની બે બહેનોને પરણાવવાનું કામ બાકી હતું. જો ગોકુલની આકરી પૂછપરછ થાય અને એમાં એ અનુરાધાના લફરાંઓના મેસેજ અને પેલા ફોટોગ્રાફ્સ જાહેર કરી દે તો ભયાનક લોચો થઈ જાય. અનુરાધા તો ફરીથી જીવતી થવાની નથી પરંતુ એની પ્રેમી સાથેની નગ્ન તસવીરો આખા કુટુંબની આબરૂ ઉપર પાણી ફેરવી દેશે એ હકીકતનો એમને ખ્યાલ હતો. રિટાયર્ડ ડી.એસ.પી. તરીકેની પોતાની ઓળખ આપીને એમણે બેંગ્લોરના પોલીસ અધિકારીઓ સાથે વાત કરી અને એમને મનાવી લીધા.

બીજા ઓરડામાં એ લોકો વચ્ચે ચર્ચા ચાલતી હતી ત્યારે ગોકુલ નિશ્ચિંત હતો. બુધ્ધિ વાપરીને અનુરાધાની એ તસવીરો પોતે સસરાને બતાવી હતી એને લીધે એને ગળા સુધીની ખાતરી હતી કે સસુરજી પોલીસોને સમજાવી દેશે!

અંતે,અકસ્માતનો કેસ નોંધીને પોલીસે વિદાય લીધી અને ગોકુલના હોઠ પર વિજયનું સ્મિત ફરક્યું. કરૂણાને પામવા માટેનું પહેલું નડતર એણે સફળતાપુર્વક હટાવી દીધું હતું. હવે શાંતિથી વિચારીને સાજુ જોઝનો ખેલ પાડવાનો હતો. 

એ માટે ગોકુલે જે ખતરનાક ખેલ કર્યો એમાં તો માત્ર બેંગ્લોર નહીં, પણ મુંબઈ પણ ધુ્રજી ઉઠેલું. આખા દેશમાં જોરદાર હલચલ મચાવી દેનાર ગોકુલની એ કરામતની વાત જાણવા આવતા બુધવાર સુધી પ્રતીક્ષા કરવી પડશે.

(ક્રમશઃ) 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P1wb5J
Previous
Next Post »