
- 27 માર્ચ: વિશ્વ રંગભૂમિ દિવસ
ર ણછોડભાઇ ઉદયરામ દવે. ગુજરાતી રંગભૂમિના ઈતિહાસથી પરિચિત હોય તેમના અપવાદને બાદ કરતાં અનેક લોકો આ નામથી પરિચિત ના હોય તે સ્વાભાવિક છે. પરંતુ હકીકત એ છે કે, રણછોડભાઇ દવે એ ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે ઓળખાય છે અને દાદાસાહેબ ફાળકે દ્વારા બનાવવામાં આવેલી આપણા દેશની સૌપ્રથમ ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર'માં તેમનું પણ યોગદાન રહ્યું છે. ભારતની સૌપ્રથમ ફિલ્મમાં તેમનું યોગદાન કઇ રીતે હતું તે અંગે વાત કરતાં પહેલા રણછોડભાઇ ઉદયરામ દવે કોણ હતા તે જાણીએ.
ઈ.સ. ૧૮૩૭માં ખેડા જિલ્લાના મહુધામાં જન્મેલા રણછોડભાઇ દવે ૧૮૬૩માં નોકરીના ભાગરૂપે મુંબઇમાં સ્થાયી થયા અને તે વાત ગુજરાતી રંગભૂમિ માટે જ જાણે ટર્નિંગ પોઇન્ટ સમાન બની રહી. મુંબઇ ખાતે નોકરીની સાથે તેઓ શોખના ભાગરૂપે પારસીઓ સાથે નાટયપ્રવૃત્તિમાં પણ સંકળાયા. પારસીઓ સાથે નાટયપ્રવૃત્તિ કરતી વખતે રણછોડભાઇ દવેને ગુજરાતી નાટકોમાં પારસી બોલી ખટકતી હતી. સમય જતાં નરોત્તમ મહેતા- રણછોડભાઇ દવે જેવા ગુજરાતી નાટયજગતના કર્તાહર્તાઓ અને પારસી સંચાલકો વચ્ચે મતભેદ થયા. વર્ષ ૧૮૭૮માં ગુજરાતી નાટકોને પ્રોત્સાહન આપવાના હેતુથી રણછોડભાઇ દવે-નરોત્તમ મહેતાના નેતૃત્વમાં મુંબઇના ગુજરાતીઓએ 'શ્રી ગુજરાતી નાટક મંડળી' સ્થાપી. જેમના દ્વારા ૧૮૬૬માં સૌપ્રથમ તખ્તા પર 'લલિતા દુઃખદર્શક' નાટકનું મંચન થયું. આ નાટકના રચયિતા રણછોડભાઇ દવે હતા. આ નાટકની વાર્તા એવી હતી કે લલિતાના લગ્ન મૂર્ખ-દુરાચારી એવા નંદનકુમાર સાથે થાય છે. લગ્નની પહેલી જ રાત્રે નંદનકુમાર લલિતાને માર મારી ઘરેણા લઇ લે છે. આ પછી નંદકુમાર અને તેનો મિત્ર લલિતાને ગણિકા પાસે લઇ જવાનું ષડયંત્ર રચે છે. ગણિકા તેમજ વિવિધ મુસિબતોમાંથી માંડ બહાર નીકળી તે માતા-પિતાના ગામમાં પહોંચે છે. પરંતુ ગામના લોકો લલિતાને ભૂત ગણી માર મારે છે. લલિતા છેલ્લા શ્વાસ બાકી હોય છે ત્યારે પોતાની કથની માતા-પિતાને કહે છે અને જેની સાથે જ મૃત્યુ પામે છે. આમ, 'લલિતાદુઃખ દર્શક' ગુજરાતનું સૌપ્રથમ કરુણાંત નાટક.
રણછોડભાઇ દવેએ ૧૮૭૧માં 'તારામતી સ્વંયવર', ૧૮૭૧માં જ 'હરિશ્ચંદ્ર', ૧૮૭૬માં 'પ્રેમરાય અને ચારુમતી', ૧૮૭૮માં 'મદાલસા અને - તુધ્વજ', ૧૮૯૩માં 'નળદમયંતિ' જેવા વિવિધ નાટકો લખ્યા હતા. ૧૯૧૩માં દાદાસાહેબ ફાળકેએ હિંદુસ્તાનની પ્રથમ ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર' બનાવી. ભારતની આ સૌપ્રથમ ફિલ્મની કથા રણછોડરાય દવેની વાર્તા પરથી આધારિત હોવાનું કહેવાય છે. મહાત્મા ગાંધીએ તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો'માં બાળપણમાં જોયેલા 'હરિશ્ચંદ્ર' નાટકનો ઉલ્લેખ કર્યો છે. ગાંધીજીના જીવનને પ્રભાવિત કરનારા આ નાટક 'હરિશ્ચંદ્ર'ના લેખક રણછોડરાય દવે હતા. શિષ્ટ ગુજરાતીમાં લોકપ્રિય નાટકો આપીને રણછોડરાય ઉદયરામ દવે આદ્ય નાટયકાર તરીકે ગુજરાતી નાટયજગતમાં અમર થઇ ગયા છે. રણછોડ રાય, મણિલાલ નભુભાઇ દ્વિવેદી, ફૂલચંદ માસ્તર, મૂળશંકર મૂલાણી, બેરિસ્ટર નૃસિંહ વિભાકર, જમનાદાસ મોરારજી ભાટિયા, રઘુનાથ બ્રહ્મભટ્ટ, જેવા નાટયલેખકો જૂની ગુજરાતી રંગભૂમિની ઉપલબ્ઘિ ગણી શકાય.
જૂની રંગભૂમિના કેટલાક ગીત ખૂબ જ મશહુર થયા છે અને તે આજે પણ પ્રાસંગિક લાગે તેવા છે. આવા જ ચુનંદા ગીતની પંક્તિ પર એક નજર..
નાટક દુનિયાનું દર્પણ રુડું ગુણદોષ જોવાનું,
ખાંતેથી જોઈ જોઈ બોધ લઈ દિલડાનું દુઃખ ખોવાનું.
જ્યાં સુંદર મનહર ગાણું રસભરેલ રૂડું ભાણું,
ભલે મૂરખડાં ભસી મરે કે ધિંગ-ધિંગાણું નાટક.
ઘડીક હસાવે-ઘડીક રડાવે-બધ્ધેે બોધ બતાવે,
લે મન જે ભાવે જ્યમ માર્યું
ત્રાંબું ખાવે.
-ડાહ્યાભાઇ ધોળશાજી
(નાટક: સતિ પાર્વતી: ૧૯૦૬)
એક સરખા દિવસ સુખના કોઇના જાતા નથી,
એથી જ શાણા સાહ્યબી લેશ ફુલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા
તેને નથી,
એ જ શૂરા મુસીબત જોઇ
મુંઝાતા નથી.
- પ્રભુલાલ દ્વિવેદી
(નાટક:માલવપતિ મુંજ)
દેખાવ બદલ્યે દુર્જનોના દાવ બદલાતા નથી,
સમય બદલે છતાં સ્વભાવ બદલાતા નથી.
વાજિંત્રના ઉસ્તાદના કંઇ તાલ બદલાતા નથી,
સિંહ કેરી મૂછના કંઇ બાલ બદલાતા નથી.
સર્પ છૂટયા પછી એના ખ્યાલ બદલાતા નથી,
અમે બદલાશું અમારા હાલ બદલાતા નથી.
-નાટક: સમ્રાટ હર્ષ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tPtbYQ
ConversionConversion EmoticonEmoticon