- ઇંદિરા ગાંધીએ ભારતીય લશ્કરના સરસેનાપતિ સામ માણેકશાને તેડાવ્યા. ચા-નાસ્તાના ટેબલ પર તેમણે સામબાવાને પૂછી લીધું કે આપણું લશ્કર બળવો કરે ખરું ?

છે લ્લાં બે ત્રણ સપ્તાહથી અખબારો મ્યાંમાર (જૂનું નામ બર્મા)માં થયેલા લશ્કરી બળવાના સમાચારો અને તસવીરોથી છવાયેલાં દેખાય છે. કેટલાક એશિયાઇ દેશોમાં લગભગ દર દાયકે લશ્કરી બળવો થાય છે. માથાભારે લશ્કર નબળી લોકશાહી સરકારને કચડીને સત્તા કબજે કરી લે છે. અત્યારે મ્યાંમારમાં એવું જ થયું છે. આ દેશ નાનકડો છે અને એની વસતિ પણ ખૂબ ઓછી કહી શકાય એટલી છે. આપણે બ્રિટિશ રાજમાંથી ૧૯૪૭માં મુક્તિ મેળવી ત્યારે બર્મા એક વર્ષ પછી એટલે કે ૧૯૪૮માં આઝાદ થયું. પહેલો દાયકો તો સરસ રહ્યો.
બીજા દાયકે એટલે કે ૧૯૬૨માં મ્યાંમારમાં પહેલો લશ્કરી બળવો થયો. લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકાર પર તદ્દન ખોટ્ટા આક્ષેપ કરીને લશ્કરે સત્તા પચાવી પાડી અને સૂ કીને જેલમાં ધકેલી દીધી. આમ છતાં પાકિસ્તાનની સરખામણીમાં મ્યાંમારની પરિસ્થિતિ સારી કહેવાય. પોતાના દુરાગ્રહ અને તદ્દન ખોટી મમતથી કાઇદે આઝમ મુહમ્મદ અલી ઝીણાએ અલગ રાષ્ટ્ર પાકિસ્તાન લીધું. છેલ્લાં સિત્તેર બોતેર વર્ષમાં પાકિસ્તાન સતત લશ્કરી શાસન હેઠળ ધકેલાતું
રહ્યું છે.
પાકિસ્તાનમાં પહેલા જ દાયકે ૧૯૫૮માં પહેલીવાર લશ્કરી શાસન આવ્યું. એકવાર લશ્કરે સત્તાનો સ્વાદ ચાખી લીધો પછી વારંવાર લશ્કર લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને પદભ્રષ્ટ કરીને સત્તા આંચકી લેવા માંડયું. આજની તારીખમાં પણ દુનિયા આખી જાણે છે કે ઇમરાન ખાન પાકિસ્તાની લશ્કરની કઠપૂતળી છે. એના હાથમાં કોઇ સત્તા નથી. મ્યાંમારમાં ગયા પખવાડિયે ફરી એકવાર લશ્કરે સત્તા આંચકી લીધી અને સૂ કીને વધુ એકવાર જેલમાં ખોસી દીધી. ભારતમાં આવું કદી બને ખરું ? ન બને. એ વિશે એક રસપ્રદ ઘટના જાણવા જેવી છે.
૧૯૭૦ના દાયકામાં લોકનાયક જયપ્રકાશ નારાયણે દેશના લશ્કર અને પોલીસ તંત્રને એવી હાકલ કરેલી કે શાસકો પોતાનું સત્તાસ્થાન ટકાવી રાખવા ગેરવાજબી આદેશ આપે તો તમારે એનો અનાદર કરવો જોઇએ. ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધી ચોંકી ઊઠયાં. એમણે તરત ભારતીય લશ્કરના સરસેનાપતિ સામ માણેકશાને તેડાવ્યા. ચા-નાસ્તાના ટેબલ પર તેમણે સામબાવાને પૂછી લીધું કે આપણું લશ્કર બળવો કરે ખરું ?
સામબાવા હસી પડયા. સામ માણેકશા અને વડા પ્રધાન ઇંદિરા ગાંધી એકલાં હોય ત્યારે સામબાવા હેતથી ઇંદિરાને ડાલગ કહેતા. પોતાની આગવી શૈલીમાં સામે કહ્યું, નો ડાલગ. અવર આર્મી ઇઝ કોસ્મોપોલિટન એન્ડ સેક્યુલર ઇન ધ ટ સેન્સ ઓફ ધ વર્ડ. ( ના, આપણું લશ્કર ખરા અર્થમાં પચરંગી અને ધર્મનિરપેક્ષ છે.) આપણા લશ્કરમાં દેશના દરેક રાજ્યના પ્રતિનિધિઓ છે. પાકિસ્તાનમાં ફક્ત મુસ્લિમ જવાનો અને અફસરો છે. આપણે ત્યાં આવું શક્ય નથી.... ઇંદિરાને હાશ થઇ.
૧૯૮૦ના દાયકામાં મહારાષ્ટ્રમાં અબ્દુલ રહેમાન અંતુલેનું રાજ હતું ત્યારે મુંબઇ પોલીસે બળવો કરેલો અને તોફાન તથા ભાંગફોડ મચાવ્યાં હતાં. એક સમયે મુંબઇ પોલીસની ઇમેજ
સ્કોટલેન્ડ યાર્ડ જેવી હતી. આજે એ ઇમેજ ઘણે અંશે ખરડાઇ ચૂકી છે. બાકી હતું તે મૂકેશ અંબાણીના ઘર નીચે વિસ્ફોટક ભરેલી કાર મૂકવામાં આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર સચિન વઝે સંડોવાયાના અહેવાલો છે. એએસઆઇ લેવલના અધિકારી પાસે પાંચ પાંચ મસડિઝ કાર હોય એ તો મુંબઇ પોલીસમાં જ શક્ય બને.
મ્યાંમાર કે પાકિસ્તાનમાં તો લશ્કરે સત્તાનો સ્વાદ ચાખી લીધો છે એટલે વારંવાર પ્રજાનો દ્રોહ કરે છે. અત્યારે પણ મ્યાંમારનું લશ્કર રોજ દેખાવકારો પર ગોળીબાર કરે છે અને નવલોહિયા યુવાનોને ઠાર કરે છે. લશ્કર સત્તા છોડવા તૈયાર નથી. જો કે સૂ કી અને અન્ય નેતાઓએ હવે પ્રજાજનોને લોકશાહીનો અહેસાસ કરાવી દીધો છે એટલે પ્રજાજનો અને લશ્કર વચ્ચેની અથડામણ લાંબો સમય ચાલે તો નવાઇ નહીં.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cdtgQg
ConversionConversion EmoticonEmoticon