ખેડા જિલ્લા કલેક્ટર કચેરી પર સિધ્ધિ મેળવનારી મહિલાઓનું કલેક્ટરે સન્માન કર્યું


નડિયાદ : ખેડા જિલ્લામાં આજે ઠેરઠેર મહિલાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક સંસ્થાઓ, મહિલાઆગેવાનો ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા પણ જુદી જુદી રીતે મહિલાઓનાં ગૌરવગાન કરવા માટે આજે ઉપક્રમો યોજાયા હતા.

ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે અનોખી રીતે મહિલાદિવસની ઉજવણી કરવામાં આવી હતી. અનોખી સિદ્ધિ મેળવનાર ખેડા જિલ્લાની અગ્રણી મહિલાઓને આજે કલેક્ટર દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલની અધ્યક્ષતામાં અહીં ૧૧૦ વર્ષના રતનબા ચાવડા, ગુજરાત મીસ યુનિવર્સ બ્રેવશી રાજપૂત અને આર્મીના જવાનોની સેવા કરતાં વિધિ જાદવ સહિત અગ્રણી મહિલાઓનું કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે કલેક્ટરે પહેલીવાર મતદાન કરનાર યુવતીઓનું પણ સન્માન કર્યું હતું.

નડિયાદ શહેરના એક્ટિવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ મહિલા દિવસની આગવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટ  દ્વારા પ્રાસંગિક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકીઓ દ્વારા સુવ્યવસ્થિ રૂપે વિવિધ પોસ્ટરોનું પ્રદર્શન કરાવવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મહિલાઓના સમાન અધિકારો અને સ્ત્રીસશક્તિકરણના મુદ્દે જાગ્રતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કઠલાલ આઈ.સી.ડી.એસ વિભાગ, તાલુકા પંચાયતમાં પણ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઘરેલું હિંસા સહિતના મુદ્દાઓ પર આંગણવાડી બહેનોને જાગ્રત કરવામાં આવ્યાં હતાં અને સરકારી કાયદાઓની માહિતી આપવામાં આવી હતી.

શહેરની અસ્મિતા અભિવાદન સમિતિ દ્વારા પણ મહિલાદિવસના અવસરને અનુરૂપ આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના અંતિમ સંસ્કાર કરનાર બહેનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમને આર્થિક મદદ પણ કરવામાં આવી હતી.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3v4MxuD
Previous
Next Post »