ઠાસરાના અંતરિયાળ વિસ્તારોમાં હજી એસટીની સુવિધા શરૂ ન થઈ


ઠાસરા : કોરોના મહામારી શરૂ થઈ અને લોકડાઉન જાહેર થયું ત્યાર પછીથી ઠાસરાના અંતરિયાળ વિસ્તારોમાં એસ.ટી.બસ અને વાહનવ્યવહારની ભારે અનિયમિતતા અને અનિશ્ચિતતા વ્યાપેલી જોવા મળી છે. અનલોક થયાને છ મહિના વીતી ગયા પછી પણ આખી દુનિયા ફરી દોડતી થઈ ગઈ   પણ ઠાસરાના અંતરિયાળ વિસ્તારમાં એસ.ટી. બસો અને જાહેર પરિવહન માટેની સુવિધા પાટે ન ચડતાં સ્થાનિકોમાં બૂમરાણ મચી છે. અંતે અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ એસ.ટી. બસો ફરી દોડાવવાની માગ સાથે ઉપવાસ પર બેસવાનો વારો આવ્યો છે.

ઠાસરા તાલુકાના રાણીયા, ભદ્રાસા તેમ જ આસપાસનાં ગામોના નાગરિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ વિસ્તારમાં લોકોને અવરજવર માટે પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. અહીં એસ.ટી. બસ સુવિધાની કોઈ જ નિયમિતતા જોવા નથી મળતી અને જાહેર પરિવહન માટે અન્ય વિકલ્પો વધારે ન હોવાથી સ્થાનિકોએ રોજેરોજ હાલાકી ભોગવવી પડે છે. લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં આશરે ૨૦,૦૦૦ જેટલી લોકવસતી છે. દૂરદૂર ભણતા વિદ્યાર્થીઓ અને કામ કરતી મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અહીંથી રોજિંદા અપડાઉન કરનારાં છે. આ વિસ્તારોમાંથી આશરે ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ ડાકોર, નડિયાદ, આણંદ અને ઉમરેઠ સુધી જાય છે, તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેકવાર રજૂઆતો છતાં આ વિસ્તારમાં હજી બસો દોડતી નથી થઈ. અંતે આજે વિદ્યાર્થીઓ બસો દોડાવવાની માગણી સાથે ડાકોર એસ.ટી. ડેપોમાં પ્રદર્શન કરી ઉપવાસ પર બેસવું પડયું હતું.

રાણીયા અને ભદ્રાસા તેમ જ આસપાસના વિસ્તારોમાં રહેતા ગામવાસીઓએ એસ.ટી.ના અભાવમાં નછૂટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે અને બે-ત્રણ ગણા પૈસા ચૂકવવી સફર કરવો પડે છે. વધારે પૈસા ખર્ચવા સાથે લોકોમાં હવે ખાનગી વાહનોમાં અગવડ અને અસુરક્ષા વેઠીને મુસાફરી કરવી પડતી હોવાની ફરિયાદો જોરશોરમાં ઊઠી છે. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં ફરી એસ.ટી. બસો દોડાવવાની માગણી તીવ્ર બની છે અને વહેલીતકે તેમની ફરિયાદ કામે કાન ધરવામાં નહીં આવે તો હવે ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, એસ.ટી.ડેપો ઈન્ચાર્જ જે.એમ. પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે આ વિસ્તાર માટેના ડ્રાઈવર અને કન્ડક્ટરની સંખ્યામાં ૩૦-૩૦ની ઘટ હોવાથી આ સ્થિતિ સર્જાયેલી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ruDNvD
Previous
Next Post »