- ધ કેકટસ
- મૂળ સર્જક - ઓ. હેન્રી રજૂઆત-પરેશ વ્યાસ
- એક સ્ત્રીદત્ત ત્વરાથી ટ્રાય્સડેલની આ વર્તણુંકને એ છોકરી પામી ગઇ અને પછી એની વાણી અને વર્તણૂક હિમ અને બરફમાં તબદિલ થઇ ગયા.
- તું નાખુશ જણાય છે, એવી રીતે કે જાણે આજે તારા પોતાના લગ્ન થવા જોઇતા હતા પણ એની જગ્યાએ તું કન્યાપક્ષે માત્ર લગ્નપ્રસંગે કામ કરનારો તરીકે રહી ગયો.
ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
(ભાગ ૨ અને અંતિમ)
(વહી ગયેલી વાર્તા : એક લગ્ન સમારંભ બાદ બેચલર એપાર્ટમેન્ટમાં વાર્તા નાયક ટ્રાય્સડલ અને એનો મિત્ર ભેગા થાય છે. એનો મિત્ર દક્ષિણ અમેરિકાનાં દેશથી માલવાહક જહાજમાં બેસીને એની બહેનનાં લગ્નપ્રસંગે આવ્યો હોય છે. સ્થિતિ એવી છે કે એ છોકરીનાં લગ્ન ખરેખર તો વાર્તાનાયક ટ્રાય્સડલ સાથે થવા જોઈતા હતા પણ એવું થયું નથી. એ છોકરીએ તો એક પ્રેમી તરીકે ટ્રાય્સડેલમાં લગભગ બધા જ અલૌકિક ગુણનો ભંડાર જોયો હતો અને એક અદ્વિતીય શ્રેષ્ઠતા અને પ્રતિભા જોઇ હતી અને ટ્રાય્સડેલે એ છોકરીની પ્રેમ આહુતિનો સ્વીકાર પણ કર્યો હતો, એ રીતે જે રીતે કોઇ રણપ્રદેશ એની ઉપર વરસતા વરસાદને પી જાય છે અને પછી સમજાવે છે કે તમે વરસો એનો વાંધો નથી પણ એ જરૂરી નથી કે અહીં કોઇ પણ ફૂલ ખીલે કે ફળ બેસે.પણ શું થયું? ખબર નહોતી. છોકરીએ સમય માંગ્યો હતો હા કહેવામાં પણ કોઈ સંદેશો આવ્યો નહીં. અને સ્થિતિ હવે તો અઘરી થઈ ગઈ. એ છોકરી તો અન્ય સાથે પરણી ગઈ. શું કારણ હશે?)
અને ટ્રાય્સડલે વ્યથિત હૈયે એનાં આખરી હાથમોજાને ખોલ્યાં અને ત્યારે એનો જડ અને સુસ્ત રીતે વિલાપ કરતો અંતિમ અહંભાવ ફરીથી તાદ્રશ્ય રીતે એની આંખ સામે છતો થઇ ગયો. એ રાત્રિનું દ્રશ્ય એની નજર સામે આવી ગયું, જ્યારે એણે એ છોકરીને પોતાનાં નિજમંદિરમાં આવવા નિમંત્રી હતી, જેથી પોતે કેટલો મહાન છે એનો પરિચય એ છોકરીને કરાવી શકે. એ રાત્રિ દરમ્યાન એની પ્રતીતિજનક સુંદરતા વિષે - એનાં બેપરવા રીતે લહેરાતા વાળ, એનાં દેખાવમાં અને એનાં શબ્દોમાં રહેલી કોમળતા અને કોમાર્યતા -ને યાદ કરીને એ અત્યારે દુ:ખી થવા ઇચ્છતો નહોતો. પણ એવી તો ઘણી યાદો હતી અને એ યાદોને એ યાદ કરી રહ્યો હતો.
તેમની આપસી વાતચીત દરમ્યાન એક વાર એ બોલી હતી :
'અને હા, કેપ્ટન કારુથર્સે કહ્યું કે તમે સ્પેનિશ ભાષા એ રીતે બોલો છો કે જાણે તમે જન્મજાત સ્પેનિશ છો. કહેવું પડે! વાહ! વાહ! તમે આ સિદ્ધિ અત્યાર સુધી શા માટે મારાથી છુપાવી? આ દુનિયામાં એવું કાંઇ પણ છે ખરું કે જે વિષે તમે જાણતા નથી?'
હવે આ કેપ્ટન કારુથર્સ સાવ ઇડિયટ છે. કોઈ પણ વાતને બઢાવી ચઢાવીને કહેવી એનો મૂળભૂત સ્વભાવ છે. જો કે આ માટે એટલે કે એની સ્પેનિશ ભાષાની જાણકારીનાં વધારે પડતા વખાણ માટે બેશક એ પોતે જ દોષી હતો. એ પોતે ક્યારેક આવું કરતો. પોતે બહુ જ્ઞાાની છે એવું બતાવવા કોઇક ડિક્શનરીનાં પાને કંડારાયેલા શબ્દોનાં શંભુમેળામાંથી કોઇ વિશિષ્ટ કહેવતો યાદ રાખીને, વાત વાતમાં એવી કહેવતો ટાંકતો. અન્ય ભાષાની જાણકારી છે એવી ખોટી ફિશિયારી મારવાની તો એને આદત હતી. કેપ્ટન કારુથર્સ એનો નાદાન અને રોક્યા રોકાય નહીં તેવા પ્રસંશકો પૈકીનો એક હતો. એ એ જ હતો જેણે ટ્રાય્સડેલની સ્પેનિશ ભાષાની જાણકારીની શંકાસ્પદ વિદ્વતાને બઢાવી ચઢાવીને કહી હતી અથવા કહીએ કે ચોગરદમ એનો ઢોલ પીટયો હતો.
પણ આહા! એ વખાણની સુવાસ એટલે બધી મીઠી, એટલી બધી મનોરમ્ય હતી કે એણે એ છોકરીની વખાણની વાતને રદિયો આપ્યા વિના બસ એમ જ વહેવા દીધી હતી. કોઇ પણ જાતનાં વિરોધ વિના. એણે સ્પેનિશ ભાષાનાં મહાવિદ્વાન તરીકેનાં સન્માનની ખોટી ફૂલમાળાનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. સ્પેનિસનાં પ્રકાંડ પંડિત! એનાં વિજયી મસ્તિષ્ક પર એ ફૂલમાળાને એણે શોભાયમાન થવા દીધી હતી અને એનાં પોચા ફૂલગુચ્છમાં રહેલાં કાંટા એને હવે પછીથી ચુભશે, એવો ખ્યાલ એને એ સમયે આવ્યો નહોતો.
એ કેટલી રાજી રાજી હતી, કેટલી શરમાળ, એનાં શરીરમાં જાણે એક અજબ કંપન હતું! જ્યારે ટ્રાય્સડેલ પોતાનું સામર્થ્ય, પોતાનું બુદ્ધિચાતુર્ય એ છોકરીનાં ચરણોમાં બિછાવતો ત્યારે જાળમાં ફસાયેલા પક્ષીની જેમ એ છોકરી પાંખો ફડફડાવતી હતી. અને ત્યારે એ સોગંદ સાથે કહી શક્યો હોત અને અત્યારે પણ સોગંદ સાથે કહી શકે તેમ છે કે કોઇ પણ ગેરસમજ ન થાય તેવી, દીવા જેવી સ્પષ્ટ સંમતિ એણે એ છોકરીની આંખોમાં જોઇ હતી પણ કદાચ પ્રેમનાં ઈજનનો સીધો જવાબ દેતા એને સંકોચ થતો હોય, તેવું એને લાગી રહ્યું હતું.
'હું મારો જવાબ તમને કાલે મોકલાવીશ.' એણે કહ્યું હતુંત અને લાડ લડાવતો હોય તેમ પોતે વિજયી નીવડવાનાં આત્મવિશ્વાસ સાથે હસતાં હસતાં એ છોકરીની વિલંબથી જવાબ આપવાની માંગણીને એણે મંજૂર રાખી હતી. બીજા દિવસે ઘરમાં રહીને અધીરતાથી એણે જવાબની રાહ જોઇ હતી. બપોરે એક યુવાન, જે હવે એ છોકરીને પરણી ગયો છે, એ આવ્યો અને એનાં દરવાજે આ લાલ કૂંડામાં ઊગેલો થોરનો છોડ મૂકી ગયો. સાથે ન કોઈ ચિઠ્ઠી ન કોઇ સંદેશ, કશું ય નહોતું. ફક્ત છોડ ઉપર એક દોરી બાંધી હતી અને એનાં છેડે એક કાપલી હતી, જેની પર કોઇ જંગલી કે વનસ્પતિશાસ્ત્રની ભાષામાં એ છોડનું નામ લખેલું હતું. એણે રાત સુધી રાહ જોઇ હતી પણ એ છોકરીનો કોઈ જવાબ આવ્યો નહોતો. એણે સામે ચાલીને પૂછાણ કર્યું હોત. પણ એ છોકરીને સામેથી મળવાનો અને મેળવવાનો પ્રયત્ન કરવામાં એનો મસ મોટો ઘમંડ અને એનો ઘવાયેલો ઠાલો આડંબર એને રોકી રહ્યા હતા. છોકરી તરફથી કોઈ જવાબ નહોતો.
બે સાંજ પછી તેઓ અનાયાસે એક ડિનરમાં મળ્યા. શુભેચ્છાની પરંપરાગત આપ-લે થઈ, પણ એની આંખો ટ્રાય્સડેલને કંઇક સ્તબ્ધતાથી,અધીરતાથી, કંઇક વિસ્મયનાં ભાવથી જોતી રહી. ટ્રાય્સડેલની વર્તણુંક વિનય અને વિવેકપૂર્ણ તો હતી પણ અક્કડ હતી. છોકરી તરફથી સામેથી કોઈ ખુલાસો થાય એની એણે રાહ જોઇ રહી હતી. સ્ત્રીઓ પાસે સામેવાળાના મનની વાત જાણી લેવાની અદ્ભુત શક્તિ હોય છે. એક સ્ત્રીદત્ત ત્વરાથી ટ્રાય્સડેલની આ વર્તણુંકને એ છોકરી પામી ગઇ અને પછી એની વાણી અને વર્તણૂક હિમ અને બરફમાં તબદિલ થઇ ગયા. આ રીતે અને આ પછી, તેઓ એકમેકથી અળગા થતાં ગયા. કારણ શું હતું?-એની ખબર નહોતી પડતી. એનો વાંક ક્યાં હતો? કોનો વાંક કાઢી શકાય? વિમાસણમાં પડેલો ટ્રાય્સડેલ હવે એનાં સ્વયં મિથ્યાભિમાનનાં ખંડેરમાં આ પ્રશ્નોનો જવાબ શોધી રહ્યો હતો.
એ જ રૂમમાં બીજા પુરુષનો કચકચ કરતો અવાજ એનાં પોતાનાં વિચારોમાં ઘૂસણખોરી કરીને એને ઉશ્કેરી રહ્યો હતો.
'હું તને કહું છું ટ્રાય્સડેલ તને થયું છે શું? તું નાખુશ જણાય છે, એવી રીતે કે જાણે આજે તારા પોતાના લગ્ન થવા જોઇતા હતા પણ એની જગ્યાએ તું કન્યાપક્ષે માત્ર લગ્નપ્રસંગે કામ કરનારો તરીકે રહી ગયો. જો, મારી સામે જો. હું પણ બીજો એક કામ કરનાર જ તો છું. લસણની વાસ આવતી હોય, વંદા ફરતા હોય એવી કેળા ભરેલી સ્ટીમરમાં બેસીને બે હજાર માઇલ્સની મુસાફરી કરીને છેક દક્ષિણ અમેરિકાથી હું અહીં આવ્યો છું. મારી બહેનને પારકે ઘરે વિદાય આપવા માટે. શા માટે? આ બલિદાન માટે મૂક સંમતિ આપવા. તું જરા ધ્યાનથી જો. હું આ ગુના કર્યાની લાગણીને કેટલી હળવાશથી લઇ રહ્યો છું. મારી પણ તો આ એક જ નાની બહેન હતી અને હવે એ પણ જતી રહી. ચાલ હવે, મનને શાંત કરવા કંઇક તો લ'
'હું અત્યારે પીવા માંગતો નથી, આભાર,' ટ્રાય્સડેલે કહ્યું.
'તારી બ્રાન્ડી,' ટ્રાય્સડેલની નજીક આવીને એણે ફરીથી વાતને શરૂ કરતા કહ્યું, 'સાવ બેકાર છે. ક્યારેક તું પુન્તા રેદોન્દા આવ. અને કાંઇક અમારો દારૂ ય ચાખ, એ દારૂ જે અમે દાણચોરી કરીને લઇ આવીએ છીએ. ત્યાંનો પ્રવાસ કરવા જેવો છે. ઓ હેલ્લો! હું તારો જુનો સાથી છું..... અરે ટ્રાય્સડેલ, આ થોર તું ક્યાંથી લઇ આવ્યો?'
'ભેટસોગાદ' ટ્રાય્સડેલે કહ્યું, 'એક મિત્ર તરફથી. તું જાણે છે આ કઇ જાતનો છોડ છે?'
'ઓ યસ! આ ગરમ પ્રદેશનો છોડ છે. પુન્તા રેદોન્દાની આજુબાજુ તો આવા સેંકડો છોડ જોવા મળે છે. જો અહીં કાપલી પર એ છોડનું નામ પણ લખ્યું છે. ટ્રાય્સડેલ, તું સ્પેનિશ જાણે છે?'
'ના,' કડવા ભૂતિયા મંદ હાસ્ય સાથે ટ્રાય્સડેલે કહ્યું, 'ના, આ સ્પેનિશ છે?'
'હા. ત્યાં સ્થાનિક લોકો એવું માને છે કે એનાં પાંદડાં તમારા તરફ આગળ વધીને તમને જાણે ઇશારો કરી બોલાવી રહ્યા છે. તેઓ સ્પેનિશમાં એને 'વેન્તોમાર્મ' નામથી ઓળખે છે. ઇંગ્લિશમાં આ નામનો અર્થ થાય છે- 'તું આવ અને આવીને મને લઈ જા'!'
(સમાપ્ત)
સર્જકનો પરિચય
ઓ. હેન્રી
જન્મ : તા.૧૧ સપ્ટેમ્બર,૧૮૬૨
મૃત્યુ : ૫ જુન , ૧૯૧૦
(ગતાંકથી ચાલુ)
રમૂજ, શબ્દરમત, શબ્દશ્લેષથી લસલસતી ઓ. હેન્રીની વાર્તાઓની ગૂંથણી ગજબની છે. વાર્તાઓનાં અંત ચોક્કસપણે ચમત્કારિક હોય છે. Expect the Unexpected. અને એ જ એની મઝા છે. આપણે અંત વાંચીએ પછી એની સાપેક્ષમાં વાર્તા ફરી પાછી વાંચવી પડે. વાર્તાનું અણધાર્યાપણું જ રસપ્રદ હોય છે. વિખ્યાત એનીમેશન પાત્રો 'ટોમ એન્ડ જેરી'નાં સર્જક ચક જોન્સ કહે છે કે 'અણધાર્યાપણાનું મૂલ્ય મને ઓ. હેન્રીએ સમજાવ્યુ હતુ. ઓ. હેન્રીએ એક વાર પક્ષીની સુવાસ અને ફૂલોનાં અવાજની વાત કરી હતી. એવં્ શી રીતે બને? વેલ, પક્ષીઓ રાંધેલા મરઘાં હતા, જેની સોડમ આવી રહી હતી અને પતરાની દીવાલ પર સૂકવેલા સૂરજમુખીનાં સુક્કા ફુલો પવનમાં હાલતા હતા, જેનો અવાજ આવી રહ્યો હતો!'
ઘણાં સાહિત્યકારો કહે છે કે ઓ. હેન્રીની વાર્તા એ વાર્તા નથી પણ કોઈ રમૂજી ટુચકો છે, જે લંબાવીને કહેવાયો છે. ઓ. હેન્રીની વાર્તાને તેઓ ક્લાસિક સાહિત્ય ગણતા જ નથી.(સારું છે નથી ગણતા કારણ કે ક્લાસિક સાહિત્ય એટલે એવું સાહિત્ય કે જે બધ્ધા જ વખાણે પણ કોઇ વાંચે નહીં! -માર્ક ટ્વેઇન). ઓ. હેન્રીની વાર્તા પરથી ટીવી સીરિયલ્સ બની છે. અનેક ફિલ્મ્સમાં એમની વાર્તાઓનાં પ્લોટ્સ રજૂ થયા છે. ઓ. હેન્રીની સફળતાનો પુરાવો પણ એ છે કે એનાં મૃત્યુનાં ૧૦ વર્ષમાં એકલા અમેરિકામાં એમનાં ૫૦ લાખ પુસ્તકો વેચાયા હતા અને વિશ્વની લગભગ તમામ ભાષામાં એમની વાર્તાઓનાં અનુવાદ થયા હતા. રશિયામાં તો ઓ. હેન્રી એટલા લોકપ્રિય બન્યા કે અમેરિકન લેખકની જન્મ શતાબ્દી નિમિત્તે રશિયાએ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
ઓ. હેન્રી ૪૮ વર્ષની વયે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા ત્યારે એના આખરી શબ્દો હતા, 'અજવાળુ કરો હું અંધારામાં મારા ઘરે જવા માંગતો નથી' એને મન મૃત્યુ એટલે પોતાના ઘરે પાછા ફરવું. આવા સરળ, બધાને ગમે એવા, સમજાય એવા અને અદભૂત ચમત્કૃતિનાં સર્જકને સો સો સલામ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bLsQjC
ConversionConversion EmoticonEmoticon