ખાંસી અને ઉપાય .


ખાંસીને સામાન્ય ભાષામાં આપણે 'ઉધરસ' તરીકે ઓળખીએ છીએ. જેને આયુર્વેદમાં કાસ તરીકે ઓળખવામાં આવે છે.

ગળામાંથી 'ખોં' 'ખોં' જેવો અવાજ નીકળવો એ ખાંસીનું ખાસ લક્ષણ છે. આ રોગ ક્યારેક સ્વતંત્રરૂપે તો ક્યારેક બીજા રોગોનાં લક્ષણ તરીકે જોવા મળે છે. ક્યારેક શરદી મટી ગયા પછી કે શરદીની સાથે સાથે જ ખાંસી પણ જોવા મળે છે. ઉધરસ કે ખાંસી સૂકી કે કફવાળી બંને રીતે હોઈ શકે છે.

આયુર્વેદમાં ઉધરસનાં પાંચ પ્રકાર બતાવેલા છે. (૧) વાતજ (૨) પિત્તજ (૩) કફજ (૪) ક્ષતજ (૫) ક્ષયજ.

શ્વસનતંત્રના અન્ય રોગ કે જેમાં ખાંસી એક મુખ્ય લક્ષણ હોય છે. જેમાં ઈન્ફ્લુએન્ઝા, હુપીંગ કફ, ઓરી, ક્ષય (્.મ્.) અને ફેફસાં તથા હૃદયનાં બધાં જે રોગોમાં ખાંસી હાજર જ હોય છે.

લક્ષણ : ઉધરસ શરૂ થતાં પહેલાં દર્દીનાં ગળામાં બળતરા જેવું લાગે છે. ગળાની અંદર ખાતા પીતા કાંટાની જેમ ખૂંચે છે. રોગીનો અવાજ ભારે થવાની સાથોસાથ ગળામાં ખારાશ લાગે છે. ક્યારેક હળવો તાવ પણ આવી જાય છે. દર્દીને સાધારણ ગભરામણ જેવું લાગે છે. શરીર સુસ્ત અને અશક્ત બને છે. કોઈ કામ કરવામાં મન લાગતું નથી. દર્દીને સતત આરામ કરવાની ઈચ્છા થાય છે. સતત ખાંસી આવવાથી છાતીમાં તો ક્યારેક પેટમાં દુ:ખાવો પણ થાય છે. કેટલાંક દર્દીઓને ખાંસીની સાથે સાથે ઉલટી પણ થાય છે. કેટલાંકને ખાંસીની સાથે સાથે ગળફા પણ પડે છે. કેટલાંક દર્દીને માત્ર સૂકી ખાંસી જ હોય છે. આ ખાંસીનો શિયાળામાં વધુ પ્રકોપ જોવા મળે છે. સામાન્ય રીતે ખાંસીનો પ્રકોપ રાત્રે વધી જાય છે. જ્યારે કેટલાંક દર્દીને ખાંસીના પ્રકોપ થવાનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી.

જ્યારે ફેફસામાં કફ ભરાઈ જાય છે અને પોતાની મેળે નીકળી શકતો નથી ત્યારે કુદરત પોતે જ શરીરમાં ખાંસી પેદા કરી તે કફ બહાર કાઢવા પ્રયાસ કરે છે.

કારણો : પ્રદૂષિત પર્યાવરણની સ્થિતિમાં ધૂમાડો હવા-પાણી અને માટી-ધૂળ વગેરે વ્યક્તિની શ્વાસનળીમાં દાખલ થઈને ખાંસી પેદા કરે છે. બહુ જ ઠંડા, ચીકણા, તીખાં, ચટપટા, મસાલેદાર ભારે ખોરાકનાં અતિ સેવનથી કેળાં, દહીં, વાસી ખોરાક વધારે લેવાથી ખાંસીના ઉપદ્રવનો ભોગ બની જવાય છે.

નશીલા પદાર્થોમાં ધૂમ્રપાન, શરાબ, સ્મોક, અફીણ, ગાંજો વગેરે સેવન કરનાર વ્યક્તિ ખાંસીનો અચૂક શિકાર બને છે. ક્યારેક ઋતુ પરિવર્તન સમયે થનાર એલર્જી ઉધરસ પણ જોવા મળે છે. જેને આયુર્વેદિક સરળ સારવાર દ્વારા મટાડી શકાય છે.

(૧) સૂકી ખાંસીમાં દશમૂળ કવાથને પાણી સાથે આપવાથી ફાયદો થાય છે.

(૨) જેઠીમધ અને બહેડા પાવડર સરખા ભાગે મેળવીને એક ચમચી પાવડર મધ સાથે લેવાથી ફાયદો થાય છે.

(૩) બહેડાની ગોળી, ચંદ્રામૃતરસ, સુતશેખર રસ, ભાગાક્ષર વટી, મહાલક્ષ્મી વિલાસ રસ, પ્રવાલપિષ્ટી, ડૉક્ટરની સલાહ મુજબ લઈને સેવન કરવાથી સત્વરે ફાયદો થાય છે.

(૪) દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવું. ગંઠોડાનું ચૂર્ણ દૂધમાં નાખીને ઉકાળો પીવાથી ખાંસીમાં રાહત થાય છે.

(૫) એલર્જી ઉધરસમાં બૃહત હરિદ્રાખંડ એક એક ચમચી બે વખત લેવું.

(૬) અરડૂસી અને તુલસીનાં પાનનો રસ મધ સાથે પીવાથી ઉધરસમાં આરામ મળે છે.

(૭) લવીંગાદિ વટી, એલાદિવટી અને ખદીરાદી વટી આમાં કોઈ એકનું વૈદકીય સલાહ મુજબ સેવન કરવાથી ઉધરસનો વેગ ઓછો થાય છે.

પથ્યા પથ્ય : પૌષ્ટીક, હલકું અને ગરમ ભોજન કરવું. જુનાં ચોખા, ભાજી, સુવા, કળથી, મેથી, પરવળ અને સૂંઠનું પાણી હિતકર છે.

ઠંડા પદાર્થો, ભેજવાળી જગ્યા, દહીં, છાશ, આઈસક્રીમ, ફ્રીઝમાં મુકેલા પદાર્થો ન ખાવા, પંખા કે એ.સી.ની સીધી હવા નુકશાનકારક છે. તેલ, મરચું, અથાણાનો ત્યાગ કરવો. ફેફસાને મજબૂત બનાવવામાં ધૂમ્રપાન, સીગારેટ કે અન્ય નશીલા પદાર્થોનું સેવન હોય તો છોડી દો. દૂષિત વાતાવરણ, વાહનોનો ધૂમાડો અને કારખાનાના રાસાયણિક ગેસથી બચવા ફેસમાસ્કનો ઉપયોગ કરવો. જેવી ઉધરસ શરૂ થાય કે તુરંત જ નિષ્ણાતની સલાહ લેવાથી જલ્દીથી રોગ કાબૂમાં આવે છે. એલર્જીક ખાંસીમાં શિયાળામાં લીલી હળદર, લીલું લસણ વગેરેનું સેવન વધારે કરવું જોઈએ. હળદરવાળું દૂધ, કાળા મરીવાળું દૂધ પીવાથી ખાંસીમાં ખૂબ જ સારો ફાયદો થાય છે. નિયમિત ત્રણ મહીના સુધી પાંચ કાળા મરીનો પાવડર કરીને દૂધમાં નાંખીને ઉકાળીને પીવાથી ખાંસીમાં ઘણો જ ફાયદો થાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30stoVn
Previous
Next Post »