આણંદ : આણંદ શહેરની ગ્રીડ ચોકડી નજીક આવેલ નારીગૃહ ખાતેથી ત્રણ મહિલા ક્યાંક ચાલી જતા આણંદ શહેર પોલીસ દફતરે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ આંકલાવ તાલુકાના ડભાસા ગામનો ૧૯ વર્ષીય યુવક પણ રહસ્યમય રીતે લાપત્તા થયો હોવાનો બનાવ આંકલાવ પોલીસ દફતરે નોંધાયો છે.
આણંદ શહેરની ગ્રીડ ચોકડી નજીક નારીગૃહ આવેલ છે જ્યાં મહિલાઓને લગતા કેસો અંતર્ગત મહિલાઓને આશ્રય આપવામાં આવે છે. આ નારીગૃહ ખાતે ઉષાબેન ચતુરભાઈ ઠાકોર (ઉં.વ.૩૧), શકુબેન લાલાભાઈ પરમાર (ઉં.વ.૩૨) અને સરોજબેન વિજયભાઈ સોલંકી (ઉં.વ.૨૭) રહેતી હતી. દરમ્યાન ગત તા.૫મી માર્ચના રોજ આ ત્રણેય મહિલાઓ નારીગૃહ ખાતેથી ક્યાંક ચાલી જઈ લાપત્તા થઈ હતી. સંસ્થાના સંચાલિકાને આ અંગે જાણ થતાં તેઓએ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ ત્રણેય બહેનોનો કોઈ પત્તો ન લાગતા આખરે તેઓએ આણંદ શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી ગુમ થનાર મહિલાઓની સઘન શોધખોળ આરંભી છે.
ગુમ થવાના અન્ય એક બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંકલાવ તાલુકાના ડભાસા ગામે વાળંદ ફળિયામાં રહેતો તુષાર રાજેન્દ્રભાઈ વાળંદ (ઉં.વ.૧૯) ગત તા.૪થી માર્ચના રોજ પોતાના ઘરેથી કોઈને કાંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ લાપત્તા થયો હતો. પરિવારજનોએ ગામ સહિત આસપાસના વિસ્તારમાં શોધખોળ કરતા-કરાવતા કોઈ પત્તો ન લાગતા આખરે પિતા રાજેન્દ્રકુમાર વાળંદે આંકલાવ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે જાણવાજોગ નોંધ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sWRd3S
ConversionConversion EmoticonEmoticon