આણંદ : આણંદ શહેરના હાર્દસમા આણંદ-વિદ્યાનગર રોડ તથા સરદાર પટેલ રાજમાર્ગની આસપાસમાં આવેલ રહેણાંક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી ચડ્ડી-બનીયાનધારી ટોળકી સક્રિય થઈ છે. છેલ્લા એક સપ્તાહમાં સરદાર પટેલ રાજમાર્ગ પરના પ્રાપ્તિ સર્કલથી એપીસી સર્કલ વચ્ચે આવેલ રહેણાંક સોસાયટીઓ પૈકીના આશરે ૧૦ જેટલા બંધ મકાનોને આ ટોળકીએ નિશાન બનાવ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ સઘન બનાવી આ તસ્કર ટોળકીને ઝબ્બે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
વધુમાં મળતી માહિતી મુજબ સરદાર પટેલ રાજમાર્ગ ઉપર આવેલ અંબે માતાના મંદિરથી લઈ એપીસી સર્કલ સુધીના માર્ગની આસપાસમાં અનેક રહેણાંક સોસાયટીઓ આવેલી છે. આ રહેણાંક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ ચડ્ડી-બનીયાનધારી ટોળકી સક્રિય થઈ છે. દિવસ દરમ્યાન રેકી કર્યા બાદ મોડી રાત્રિના સુમારે આ ટોળકી ચોક્કસ બંધ મકાનોને નિશાન બનાવી રહી હોવાની ચર્ચાઓ ઉઠી છે. પાંચથી છ જેટલા શખ્શોની આ ટોળકી મધ્યરાત્રિના સુમારે રહેણાંક સોસાયટીઓમાં ત્રાટકી આતંક મચાવી રહી છે ત્યારે સ્થાનિક પોલીસના પેટ્રોલીંગના દાવા પોક્કળ સાબિત થયા હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. તો બીજી તરફ રહેણાંક વિસ્તારમાં બેખોફ ફરી રહેલ આ ચડ્ડી-બનીયાનધારી ટોળકીને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મીઓનો છુપો આર્શીવાદ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
વીતેલા પખવાડિયા દરમ્યાન આ માર્ગ ઉપર આવેલ વિવિધ રહેણાંક સોસાયટીઓના ૧૦થી વધુ જેટલા મકાનોને આ ટોળકીએ નિશાન બનાવ્યા હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે. હાલ આ વિસ્તારમાં સક્રિય થયેલ ચડ્ડી-બનીયાનધારી ટોળકીને પગલે સ્થાનિકો પોતાના મકાનને બંધ કરી બહાર જતા ખચકાટ અનુભવી રહ્યા છે. સાથે સાથે આ ટોળકી પાસે ઘાતક હથિયારો પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત કેટલાક સ્થાનિક રહીશો દ્વારા ટોળકીના ત્રાસથી હવે વોચમેનની પણ મદદ લેવામાં આવી રહી છે. છેલ્લા ઘણાં સમયથી આ વિસ્તારોમાં તસ્કર ટોળકીનો ત્રાસ બેફામ બન્યો હોવા છતાં પોલીસ દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવતા સ્થાનિકોમાં પોલીસની કામગીરીને લઈ નવાઈ સાથે છુપો રોષ પ્રવર્તી રહ્યો છે. એક તરફ પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલીંગના બણગાં ફુકવામાં આવી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં સક્રિય થયેલ ચડ્ડી-બનીયાનધારી ટોળકી ખાખીને ખુલ્લો પડકાર આપી રહી હોવાનો સુર જાગૃતો દ્વારા વ્યક્ત કરાયો છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qJLGw7
ConversionConversion EmoticonEmoticon